વચન કેમ ન પાળ્યું ? અકબર અને બિરબલની આ વાર્તા લગભગ તમે ક્યાંય નહિ વાંચી હોય…

વચન કેમ ન પાળ્યું ?

બિરબલની ચતુરાઈ અને હાજર જવાબીના ઘણા કિસ્સા છે. તેને કારણે અનેક લોકોને ન્યાય મળ્યો છે તો ખોટા લોકો પકડાઈ પણ ગયા છે. પરંતુ એક વખત બિરબલની હાજર જવાબીથી બાદશાહ અકબર અત્યંત ખુશ થઇ ગયા અને તેમણે તો આ માટે બિરબલને પુરસ્કાર આપવાનું એલાન પણ ભર દરબારમાં કરી દીધું. આ એલાન પછી દિવસોના દિવસો પસાર થઇ જવા છતાં બીરબલને પુરસ્કાર આપવામાં ન આવ્યો. બાદશાહ તો આ વાત સાવ જ ભૂલી ગયા તેથી તેમણે એ યાદ કરાવવા અંગે જાત-જાતની યુક્તિઓ બિરબલ વિચારી રહ્યા હતાં, પરંતુ કઈ સુઝતું નહતું.

એક દિવસ સાંજે બાદશાહ અકબર યમુના નદી કિનારે ફરવા નીકળ્યા. બિરબલ તેમની સાથે હતાં. અકબરે ત્યાં એક ઊંટને ફરતું જોઈને બિરબલને પૂછ્યું, “ઊંટની ગરદન વાંકી કેમ હોય છે ?”

બિરબલને લાગ્યું કે, બાદશાહને એમણે આપેલું વચન યાદ કરાવાનો આ જ યોગ્ય સમય છે. બિરબલે જવાબમાં કહ્યું, “બાદશાહ, ઊંટ કોઈને વચન આપીને ભૂલી ગયું છે જેના લીધે તેની ડોક વળી ગઈ છે. બાદશાહ એવું કેહવાય છે કે, જે વ્યક્તિ કે જીવ આપેલા વચનને ભૂલી જાય છે તેની ગરદન આ રીતે વાંકી થઇ જાય છે. આ એક પ્રકારની સજા છે.”

બિરબલના આવા જવાબથી અકબરને યાદ આવ્યું કે, એ પોતે બિરબલને આપેલું વચન ભૂલી ગયા છે. એમણે જલ્દીથી બીરબલને મહેલમાં પહોચવા કહ્યું અને પોતે પણ ઝડપથી મહેલમાં ગયા. ત્યાં જઈને સૌથી પેહલાં બિરબલને પુરસ્કારની રકમ આપી દીધી અને હસતાં હસતાં કહ્યું કે, “હવે તો મારી ગરદન ઊંટની જેમ વળી નહિ જાય ને ?” આ રીતે બિરબલે ચતુરાઈપૂર્વક વગર માંગ્યે પોતાનું ઇનામ રાજા પાસેથી મેળવી લીધું.

બોધ : સામેની વ્યક્તિને કોઈપણ વાત કહેવાનો એક ચોક્કસ સમય અને રીત હોય છે. યોગ્ય વાત યોગ્ય સમયે અને યોગ્ય રીતે કહેવામાં આવે તો તેનું સરસ પરિણામ મળે છે.

લેખન સંકલન : દીપેન પટેલ

દરરોજ આવી નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી