આજનો દિવસ :- ઉપેન્દ્ર ત્રિવેદી વિષે જાણવા જેવું !!

પેન્દ્ર ત્રિવેદી (૧૪ જુલાઇ, ૧૯૩૬ – ૪ જાન્યુઆરી, ૨૦૧૫) એ એક જાણીતા ગુજરાતી ચલચિત્ર અને નાટકોના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા હતા. તેમણે મુખ્ય નાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેઓ સક્રિય રાજકારણી પણ હતા. તેઓ અભિનય સમ્રાટ તરીકે પણ જાણીતા હતા.

? જન્મની વિગત ૧૪ જુલાઇ, ૧૯૩૬ ઇડર, ગુજરાત, ભારત

? મૃત્યુની વિગત ૪ જાન્યુઆરી, ૨૦૧૫ મુંબઇ,મહારાષ્ટ્ર, ભારત

? રાષ્ટ્રીયતા ભારતીય

? વ્યવસાય અભિનેતા, રાજકારણી

? સગાંસંબંધી અરવિંદ ત્રિવેદી (ભાઈ)

? જીવન

ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ૧૯૩૬માં થયેલો. તેમનું કુટુંબ ઇડર નજીકનાં કુકડીયા ગામનું વતની હતું. તેમના માતા-પિતા મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે વસ્યા હતા. શરૂઆતમાં તેઓ પોતાના મોટાભાઈ પાસે મુંબઈમાં રહેતા હતા. તેમના પિતા કે જે મિલમજૂર હતા તેમને પક્ષઘાત થયેલો ત્યારે તેમણે કૂલી તરીકે અને છત્રી બનાવવાના કારખાનામાં મજૂર તરીકે પણ કામ કરેલું.

ઉપેન્દ્ર ત્રિવેદી – ત્રણ ભાઈ અને એક બહેન એમ ચાર ભાંડુળાઓમાંના એક હતા. તેમણે ’બોમ્બે યુનિવર્સિટી’માંથી, આર્ટ્સ વિદ્યાશાખામાં સ્નાતકની ઉપાધી મેળવી હતી. તેમના નાનાભાઈ, અરવિંદ ત્રિવેદી, પણ જાણીતા અભિનેતા છે જેમણે લોકપ્રિય હિન્દી ધારાવાહીક, રામાયણમાં રાવણનું પાત્ર ભજવેલું. ઉપેન્દ્રભાઈના મોટાભાઈ, ભાલચંદ્ર, શિક્ષણવિંદ હતા.

ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગના ખુબ જ જાણીતા અભિનેતા ગણાતા ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી ચલચિત્રો અને નાટકો એમ બંન્નેમાં અભિનય આપ્યો હતો.

? અભિનય કારકિર્દી

મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણાં નાટકોમાં કામ કર્યું હતું. ચલચિત્ર જગતમાં તેમણે કારકિર્દીની શરૂઆત ૧૯૭૦માં કરી અને સતત ૪૦ વર્ષ સુધી તેઓ આ કારકિર્દીમાં રહ્યા. શરૂઆતમાં તેઓએ કોલેજની ફી ભરવા માટેના પૈસા કમાવા માટે કેટલાંક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભૂમિકાઓ ભજવેલી. તેમણે વનરાજ ચાવડો, મહેંદી રંગ લાગ્યો જેવા ચલચિત્રોમાં આવી ભૂમિકાઓ ભજવેલી.

તેમને ગુજરાતી ચલચિત્રોમાં પ્રથમ મોટી તક રવિન્દ્ર દવે દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર જેસલ તોરલ (૧૯૭૧)માં મળી. ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં તેનો અભિનય જોઈને રવિન્દ્ર દવેએ તેમને આ તક આપી હતી. જેસલ તોરલ સફળ વ્યવસાયિક ચલચિત્ર હતું જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ જેસલ જાડેજાનું પાત્ર ભજવ્યું હતું.

તેમણે કેટલાંક ગુજરાતી ચલચિત્રોનું દિગ્દર્શન પણ કરેલું. તેમનું માનવીની ભવાઈ” (૧૯૯૩), ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની એ જ નામની નવલકથા પર આધારીત, રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ચલચિત્ર છે. આ ચલચિત્રની વાર્તા વિક્રમ સંવત ૧૯૫૬ (૧૯૦૦ ઈ.સ.)ના ભીષણ દુષ્કાળ અને ભૂખમરા સામે લડતા માનવીઓની વ્યથા વર્ણવે છે. તેમણે મનુભાઈ પંચોળીની ઝેર તો પીધાં જાણી જાણી નામક નવલકથા પર આધારીત એ જ નામના ચલચિત્રનું નિર્માણ-દિગ્દર્શન પણ કરેલું.

તેમણે ૧૯૯૯માં ચલચિત્ર મા બાપને ભુલશો નહીંમાં નરેશ કનોડિયા સાથે જોડીદાર તરીકે પ્રથમ વખત અભિનય કરેલો તથા એમની અને સ્નેહલતાની જોડીએ ૭૦ અને ૮૦ ના દાયકા માં ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી.

તેમણે ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં સાત અલગ અલગ ભૂમિકાઓ કરેલી. આ ઉપરાંત પારિજાત, આતમને ઓઝલમાં રાખ મા જેવા નાટકોમાં અભિનય કર્યો હતો. તેમણે ફ્રેન્ચ ફિલ્મ ‘ફેની’ પરથી રેતીનાં રતન નામક એક નાટક બનાવ્યું હતું જેને આંતરરાજ્ય નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ લેખન, દિગ્દર્શન, અભિનયનાં પારિતોષિકો મળ્યાં હતા.

તેમના ભાઈ અરવિંદ ત્રિવેદીએ પણ ઘણાં ગુજરાતી અને હિન્દી ચલચિત્રો તથા ટી.વી.શ્રેણીમાં અભિનય કરેલો છે. હિન્દી ચલચિત્ર જંગલમેં મંગલમાં તેમણે પોતાના ભાઈ અરવિંદ ત્રિવેદી સાથે નકારાત્મક ભૂમિકા ભજવેલી.

? અભિનીત ગુજરાતી ફિલ્મો: ૭૬

? ભોજપુરી: ૦૧

? હિન્‍દી ફિલ્મો: ૧૧

? રેકોર્ડ

1. ઉપેન્દ્ર ત્રિવેદી અને અભિનેત્રી સ્નેહ લતાની જોડીએ અમિતાભ બચ્ચન અને રેખાનો રેકોર્ડ તોડ્યો હતો. અભિતાભ બચ્ચન અને અભિનેત્રા રેખાની જોડીએ એકસાથે 18 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહ લતાની જોડીએ એક સાથે 33 ફિલ્મોમાં કામ કર્યું હતુ.

2. ઉપેન્દ્ર ત્રિવેદીએ સમગ્ર દેશમાં પ્રથમ વખત રિવોલ્વિંગ સ્ટેજનો ઉપયોગ કરી એક સાથે સાત રોલ ભજવી અભિનય સમ્રાટ નાટક ભજવી એક રેકોર્ડ કર્યો હતો.

? રાજકીય કારકિર્દી

ઉપેન્દ્ર ત્રિવેદીના રાજકીય ગુરૂ શંકરસિંહ વાઘેલા હતા, શંકરસિંહ કપડવંજમાંથી ચૂંટણી લડ્યા ત્યારે તેમના પ્રચારમાં ગયેલા ઉપેન્દ્ર ત્રિવેદીને શંકરસિંહ વાઘેલાના સહારાથી ધારાસભ્ય પદ મળ્યું હતુ. તેઓ કોંગ્રેસ પક્ષમાંથી બે વખત ભીલોડા બેઠક ઉપરથી તેમજ એક વખત અપક્ષ તરીકે વિધાનસભામાંથી ચૂંટાઈને ધારાસભ્‍ય બન્‍યા હતા. 2000થી 2002 દરમ્યાન તેઓ ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પણ હતા.ઉપેન્‍દ્ર ત્રિવેદીએ અભિનય સાથે લોકસેવાના અનેક કાર્યો કર્યા હતા અને લોકોએ પણ આવા કામોને બિરદાવ્‍યા છે જેના કારણે લોકોએ ભીલોડા પંથકમા ઉપેન્‍દ્રનગર અને ઉપેન્‍દ્રગઢ ગામોના નામ લોકોએ આપ્‍યા છે.

ઉપેન્દ્ર ત્રિવેદી ૧૯૮૦માં, ગુજરાત ધારાસભાની ભિલોડા બેઠક પરથી ચૂંટાઈ અને, રાજકારણમાં જોડાયા. તેમણે ૩૧ માર્ચ, ૨૦૦૦ થી ૧૯ જુલાઇ, ૨૦૦૨ સુધી ગુજરાત ધારાસભાના નાયબ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળેલો. તેઓએ ’ગુજરાતી ફિલ્મ કોર્પોરેશન’નાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી.

? જીવન પ્રસંગ

ઉપેન્દ્ર ત્રિવેદી ની ફીલ્મી કેરીયર વધતી ઉમરે ને કારણે લગભગ સમાપ્તિ ના આરે, હા એમની ગ્રામ્ય સમાજમાં લોકપ્રિયતા જળવાઇ રહેલી, અને એ લોકપ્રિયતા ના જોરે એમને સાબરકાંઠા વિસ્તાર માં ભિલોડા વિધાનસભા ની ટીકીટ મળી, અને તેઓ ચુંટાયા.

ત્યારે દુષ્કાળ જેવી પરીસ્થીતી માં ભિલોડા વિસ્તાર ને રાજ્યસરકારે દુષ્કાળ અસરગ્રસ્ત જાહેર કર્યો…અને આ વિસ્તાર ના લોકોને ન્યુનતમ રોજગારી મળે તે માટે ત્યાં સરકારે તળાવ ને ખોદી ને ઉંડુ કરવાની કામગીરી શરુ કરી.

રાહત કામ ની એક સવારે દશ વાગ્યાની આસપાસ તળાવ ખોદવાની મજુરી માટે આ અરવલ્લી વિસ્તાર ના આસપાસ ના દુષ્કાળ ગ્રસ્ત લોકો પાવડા તગારાં લઇ ને આવવા લાગ્યા, સવાર સવાર માંજ આ સુક્કીભઠ્ઠ ધરતી પર સુરજ દાદા ની 42 ડીગ્રી ની અગન જવાળાઓ દેહ દઝાડતી હતી.

ત્યારેજ ત્યાં એક એમ્બેસેડર ગાડી આવી, તેમાં થી લગભગ પચાસેક વર્ષની ઉમરના એક ભાઇ ઉતર્યા, અને રાહત કામ કરનારું આખું ટોળું કામ રહેવા દઇ ને એમને ઘેરી વળ્યું,હા એ એમના મતવિસ્તાર ના ઘારાસભ્ય ઉપેન્દ્ર ત્રિવેદી હતા, પણ ઘારાસભ્ય કરતાંય લોકો ને અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી માં વધુ રસ હતો, બધા ને પ્રેમથી નમસ્કાર કરી ઉપેન્દ્ર ભાઇએ કહ્યું….” મને જોવામાં, મળવામાં સમય ન બગાડો , હું આખો દીવસ તમારી સાથે છું, બધાને વ્યક્તિ ગત મળીશ , ચાલો , કામે લાગો.

ત્યાં કામગીરી ની દેખભાળ રાખનાર તલાટી પાસે રાહત કામગીરી ના મજુરોમાં પોતાનું નામ લખાવી, પાવડો કોદાળી લઇ ને લોકો સાથે કામ માં જોડાયા, માટી ખોદી તગારામાં ભરી તળાવની પાળે નાખવાની.

આજે દુષ્કાળ ગ્રસ્તો દુકાળ ભુલ્યા, એમનામાં એક અનેરો ઉસ્સાહ હતો, કેમકે પડદા પર જોયેલો જેશલ જાડેજો, અમર સીંહ રાઠોડ, વિર માંગડાવાળો, હલામણ જેઠવો, મેહુલો લુહાર, માલવપતિ મુંજ, ગોરો કુંભાર, રાજા ગોપીચંદ.એમની સાંથે ખભે તગારાં ઉંચકતો હતો.

બપોર ના એક પીલવા ના ઝાડ ના ઠુંઠા નીચે બધાની સાંથે જમ્યા, જમવાનું પણ એ લોકો જે લાવેલા એમાંથીજ બધા જોડે થી બટકું બટકું રોટલો લઇ ને.

પોતાની ફીલ્મોના પ્રસીધ્ધ ગીતો ગાતાં ગાતાં લોકો નો ઉસ્સાહ વધારતા માટી ખોદી, તગારાં ઉચક્યા.

સાંજે છ વાગે મજુરી લેવા બધાની સાંથે લાઇન માં ઉભા રહી રાહત કામગીરી ના મસ્ટર માં સહી કરી ને સોળ રૂ પિયા અને સાંહીંઠ પૈસા લીધા.(આ રેકોર્ડ હજી મોજુદ છે !).

તે દીવસે કામ કરનાર દુષ્કાળ ગ્રસ્તો ને થાક લાગ્યો ન હતો, તેમ ના માટે એ મજુરીનો દીવસ આનંદમય સંભારણું હતો.

આને અભિનેતા કહેવો કે નેતા..?

થોડા સમય પહેલા મહારાષ્ટ્ર ના દુષ્કાળ ની વાતો ન્યૂઝ માં આવે છે, કેટલાક મંત્રીઓ નેતાઓ ત્યાં દોઢ કરોડ ની ગાડી લઇ ને તો કોઇ અજીબ મુસ્કાન સાંથે પાછડ દુષ્કાળ ગ્રસ્તો આવે એ રીતે સેલ્ફી પડાવવા જાય છે, આ નેતાઓ કોઇ દુષ્કાળ ના સેટ પર અભિનેતા જાય તેમ જાય છે.

ત્યારે અભિનેતાએ વાસ્તવમાં કરેલ નેતા નો રોલ યાદ આવીગયો.

લાખ લાખ સલામ ઉપેન્દ્ર ભાઇ ને .

? અવસાન

રવિવાર તા:૪ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ વહેલી સવારે, મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાને, શ્વાસને લગતી બિમારી (brief respiratory arrest)ને કારણે, ૭૮ વર્ષની આયુમાં, તેમનું અવસાન થયું. તેઓ પોતાની પાછળ પત્ની અને બે પુત્રોને મૂકતા ગયા હતા.

? સન્માન

તેઓને ૧૯૮૯માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા ઉપરાંત તેમને પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.

? ઉપેન્દ્રભાઇ ત્રિવેદીએ લોકકથાઓના દરેક પાત્ર ભજવેલા હતા, પરંતુ તેમને લાખો ફુલાણીનુ પાત્ર ચલચિત્ર પર ન ભજવવા મળ્યુ એનો અફસોસ રહ્યો હતો. આ વાત એમણે પોતે જ એક ઇન્ટરવ્યુમાં જણાવેલી હતી.

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન અને Post :- — Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

? આ પોસ્ટમાં કોઇએ કઇપણ પ્રકારનો ફેરફાર કરવો નહિ.

ટીપ્પણી