માવો, કાચી પાંત્રી અને ફાકી! ઉડતા સૌરાષ્ટ્ર!!

સૌરાષ્ટ્ર અને માવો બંને એકબીજાનાં પર્યાય છે એ હદે તમાકુ અને માવાનું દુષણ છે, સૌરાષ્ટ્રમાં લોકોનું ચાલે તો હવેલીમાં ઠાકોરજીને પણ સૂકામેવા સાથે આ માવા-ફાકીનાં હિંડોળા પણ કરવામાં આવે! લીંબડી-ચોટીલા વટાવીએ એટલે ‘ખુશ્બુ માવા-ફાકી કી’ મહેસુસ થવા લાગે છે.

બેઝિકલી નાનપણથી જ ટેણિયાંઓને એનાં બાપાઓ ચબરખીમાં લખીને કે સમજાવીને માવા લેવા પાનની દુકાને તગેડી મૂકે છે, સાથે પાંચ રૂપિયા એક્સ્ટ્રા આપી કહે છે કે ‘તું ધાણાદાર કે ચોકલેટ લઇ લેજે!’. દૂધનો ‘મોરો માવો’ નહિ પણ સોપારી-ચુનો-કાથો-હેતકનું તમાકુ નાંખી પાતળી ચોરસ પ્લાસ્ટિકની કોથળીમાં મસાલો ભરવામાં આવે અને એને 2 થી 10 મિનિટ સુધી ઘસવામાં આવે અને જે તૈયાર થાય એ ‘માવો’ તરીકે ઓળખાય છે.

ઉત્ક્રાંતિનાં ભાગરૂપે છોકરીઓનાં હાથ કાળક્રમે સેલ્ફિ લઇ લઇને જેમ લાંબા થશે, એવી જ રીતે સૌરાષ્ટ્રનાં યુવાનોનાં ચહેરાઓ પણ જો આ જ માહૌલ રહ્યો તો સમય જતા સહેજ વાંકા થઇ જશે! વિચાર તો કરો જરા, બહારગામ જવાનું થાય તો થેલામાં એકસાથે 10 થી 12 માવા-મસાલાનો સ્ટોક સાથે રાખવામાં આવે, રાત્રે પાનનાં ગલ્લે પેટ પર હાથ ફેરવતા ફેરવતા કાઠિયાવાડી પુરુષો મોદી થી જસ્ટિન બિબર સુધીની માંડે છે.

કોહલીની નિષ્ફ્ળતા અને આઈપીએલનું ભવિષ્ય હથેળીઓમાં માવો ઘસતા નક્કી થાય છે, અમુક લોકોને તો જ્યોતિષીઓ એ જયારે હથેળીમાં રેખાઓ જોઈ એ માવો ઘસી ઘસીને ગાયબ થઇ ગઈ છે! વચ્ચે ગુટખાનો પણ ખાસ્સો આતંક હતો! મૂળે પાન એ મોંઘો શોખ છે, માવો આજે પણ 10 થી 15 રૂપિયામાં મળે છે. કાઠિયાવાડીઓ ગર્વથી કહે છે ”ગાંડા, આ માવા થી જ અમને કામ કરવાનો કાંટો ચઢે છે!’ એ સિવાય જનમોહન-બુધાલાલ-મિરાજ જેવી તમાકુ પણ ખવાય છે. કાઠિયાવાડીઓ માવાને એક્સપોર્ટ કરી છેક સુરત અને ન્યુજર્સી-શિકાગો પણ લઇ ગયા છે! ક્રિકેટ રમતી વખતે પુરુષો લૂંગીને ગાંઠ મારી, બેટ્સમેન શોટ મારે ત્યારે બોલ હવામાં હોય ત્યાં સુધીમાં માવો મોઢામાં દબાવી કેચ પકડી શકવાની આબાદ શક્તિ ધરાવે છે!

કાઠિયાવાડમાં જો ખરેખર અત્યારે શામળો ભુલો પડે તો આ મારા બેટાઓ એને પણ ‘કાચી પાંત્રી’ ખાતા કરી દે! અમુક પાણીપુરી નથી ખાઈ શકતા, તો કેટલાયનાં મોઢા બે આંગળી રાખી શકાય એટલા પણ નથી ખુલતા પણ માવા-મસાલા આખો દિવસ ખવાતા જ રહે છે! જૂનાગઢનું સુરજ સિનેપ્લેક્સ હોય કે રાજકોટનું બિગ સિનેમા, આ લોકો ઓડિટોરિયમમાં કારપેટ પર પણ થૂંકતા અચકાતા નથી, વોશબેસિન-યુરિનલ્સ જામ રહે છે, ક્યારેક દાદરા પર દેવ દર્શન કરવા પડે છે તો ક્યારેક કોઈને સાંભળતી વખતે તમાકુની વાસ અને છાંટા બન્ને સહન કરવા પડે!

એ વિચારીને જ કંપારી છુટી જાય કે આવા સડેલા દાંત અને માવા ખાતા પુરુષોને કાઠિયાવાડી છોકરીઓ નજીક પણ કેમ આવવા દેતી હશે?! એ સહનશીલ સ્ત્રીઓને સલામ જે પોતાનાં પતિને માવા ખાતો હોવા છતાં ઇન્ટિમેટ થવા દેતી હશે!

મેં સૌરાષ્ટ્ર માં 20 વર્ષ કાઢ્યા અને મારા જેવા લાખો યંગસ્ટર્સ હશે જેણે આ માવા ને હાથ પણ ન લગાડ્યો હોય, ‘ગાંડા માવો તો જોઈએ જ અમને, કેન્સર બેન્સર નો થાય, મરીને ઉપર હું લઈ જાવાનું છે?!’ વાળા તૌર માં આપણે ભાગ ન બનીએ એમાં જ હિત છે. નોકરી હોય કે છોકરી, મોઢામાં માવો દબાવતા યુવાનોની કોડી ની પણ કદર નથી કરતાં હવે એ હકીકત છે. નાગર-પટેલ-લોહાણા જેવા ખૂબ વિકાસ પામેલી જ્ઞાતિનાં આગેવાનો એ હવે સૌરાષ્ટ્રને આ સોપારીનાં સુડા માંથી કાઢવું પડશે. ઠેર ઠેર ડિલકસ પાનનાં પાટિયા ઓછા થશે ત્યારે સમજજો આ સખત કેલિબર ધરાવતું કાઠિયાવાડ ખરેખર ન્યાલ થઈ જશે!!

લેખક – ભાવિન અધ્યારૂ

ટીપ્પણી