ડોમિનોઝ ના આ બે કર્મચારીએ કિડનેપ થયેલા બાળકને બચાવીને તેના માતા-પિતાને સોપ્યો….

રાતના પોણા અગિયાર વાગી રહ્યા હતા રસ્તા પરની અરધી દુકાનોના શટર પડી ગયા હતા. આ દીવસ પણ એક સામાન્ય દિવસ જેવો જ હતો. ચંડિગઢના એક વિસ્તારના ડોમિનોઝ પિઝા આઉટલેટમાં પણ બધું સંકેલાઈ રહ્યું હતું. ત્યાં જ અચાનક એક ગ્રાહક ત્યાં આવ્યો અને તેણે પિઝ્ઝા ડિલિવરી બોયને જણાવ્યું કે નજીકમાં એક છોકરો પડ્યો છે અને તેને એક ડસ્ટર ગાડીમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યો છે.

રેસ્ટોરન્ટમાં કામ કરતાં સુરેદ્ર અને હરપ્રીત તરત જ બહાર દોડી ગયા. તેમણે અંધાર્યા રસ્તા પર એક બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. તેઓ દુકાન બંધ જ કરવાના હતા પણ તે બાળકને તેના માતાપિતાના હવાલે કરવા તેઓ અન્ય કર્મચારી પર દુકાનની જવાબદારી છોડી ત્યાંથી નીકળી ગયા. તેમણે તે જ કર્યું જે તે સમયે એક માનવતાવાદી વ્યક્તિ કરે. સુરેન્દ્ર અને હરપ્રિતે તરત જ આસપાસના લોકોમાં તે બાળક વિષેની પુછપરછ શરૂ કરી. તેમને આશા હતી કે કદાચ તે છોકરાનું કોઈ કુટુંબીજન કે ઓળખીતું તે બાળકને શોધતું ત્યાં આવી જશે પણ તેમને ત્યાંથી કશું જ જાણવા ન મળ્યું.

અચાનક તેમાંથી એક છોકરાએ જોયું કે બાળકના હાથમાં બેન્કની પાસબુક હતી. તેમણે પાસબુકમાંથી બાળકના પિતાને નંબર મળ્યો. આ તેમના માટે ખુબ જ મદદરૂપ સાબિત થયું પણ બાળકના પિતાને ફોન લગાવતા ત્યાંથી કોઈ જ જવાબ નહોતો મળી રહ્યો. ત્યારે તેમને એક ખુબ જ સરસ ખ્યાલ આવ્યો. તેમણે તરત જ બાળકના પિતાનો ફોન નંબર પોતાની કંપનીના ડેટા-બેઝમાં ચેક કર્યો જેથી કરીને કદાચ તેમણે ક્યારેય પણ ડોમિનોઝમાંથી ઓર્ડર લીધો હોય તો તેમનું સરનામું મળી શકે. તેમના ડેટાબેઝમાંથી તરત જ માહિતી મળી કે તેના પિતાએ ભૂતકાળમાં ડોમિનોઝ પર ઓર્ડર કર્યો હતો અને તેનું સરનામું સેક્ટર 20, પંચકૂલાનું હતું.

છેવટે તેમને શાંતિ મળી. તેમને લાગ્યું કે કદાચ બાળક આટલી રાત્રે ભૂલથી ઘરની બહાર નીકળી ગયો હશે અને પછી ઘરનો રસ્તો ભૂલી ગયો હશે. તેમને એ સમજમાં આવી ગયું કે તે બાળકનો પરિવાર સેક્ટર 20ની આસપાસ જ રહેતો હશે માટે તે તેને પંચકૂલા વિસ્તારમાં લઈ ગયા. જ્યારે સુરેન્દ્ર અને હરપ્રીત તે બાળકને લઈ પંચકૂલા પોલિસ સ્ટેશન પહુંચ્યા તો બાળકના માતાપિતા ત્યાં પહેલેથી જ હાજર હતા. છેવટે તેમણે પોતાની જવાબદારી પૂર્ણ કરી. 35 મિનિટની અંદર તેમણે ખોવાયેલા બાળકને તેના માતા-પિતાનો ભેટો કરાવી દીધો. આ માત્ર ત્યારે જ શક્ય બન્યું કારણ કે સુરેન્દ્ર અને હરપ્રીતે પોતાની આંતરસૂજથી કામ લીધું હતું.

જ્યારે તેમણે બાળકનું પુનર્મિલ તેના માતા-પિતા સાથે કરાવ્યું ત્યારે તેમને આખી વાતની જાણ થઈ. માતા-પિતા અને તે બાળક ત્રણે આઇસ્ક્રીમ ખાવા ગયા હતા ત્યારે જ એક બદમાશ માતાને ગનપોઈન્ટ પર ધમકાવીને તેમની ગાડીમાં ઘૂસી ગયો. કારણ કે ગાડીનું એન્જિન ચાલુ હતું એટલે તે તરત જ એસયુવી ગાડી લઈને ત્યાંથી ફરાર થઈ ગયો. એ હજુ સ્પષ્ટ નહોતું થયું કે તેનો ઇરાદો બાળકને કિડનેપ કરવાનો હતો કે માત્ર ગાડી ચોરવાનો. પણ જેવી તેને ખબર પડી કે પાછલી સીટ પર બાળક બેઠું છે તો તે તેને ડોમિનોઝ આઉટલેટ પર છોડી ભાગી ગયો.

હરપ્રીત સિંહ જણાવે છે કે ઘટના બાદ કંપનીના ઉચ્ચ અધિકારી દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી. પંજાબ સર્કલના હેડ જતિંદર શર્મા અને એચ આર હેડ મોહસિન સૈફીએ તેમના આ જવાબદારી ભર્યા કામને બિરદાવ્યું. અને કંપનીએ આ બન્નેના ફોટા ફેસબુક પર પણ અપલોડ કર્યા છે અને તેમને હજારો લાઇક્સ પણ મળી છે. સાચા અર્થમાં સમાજના સાચા હીરો તો આ જ લોકો છે. સુરેન્દ્ર અને હરપ્રીતને તેમના નિઃસ્વાર્થ પ્રયત્ન માટે અમારા લાખલાખ વંદન.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર.

શેર કરો આ માહિતી અને મદદ કરો દરેક ને, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી