“જેવી પરિસ્થતિ આપણી એવો આપણો સમાજ!” – સમાજની સાચી હકીકત દર્શાવતી વાર્તા..

હા, હું સાચું બોલું છું, સાચું કહું છું કે હું ત્રીજીવાર પરણતા પહેલાં તમને સ્પષ્ટ જણાવી દઉં છું કે, હું સાચે જ બે વાર પરણી છું. મને પહેલીવાર લગ્ન એટલે શું ? સપ્તપદીના ફેરાનો મતલબ શું? પતિ-પત્ની કોને કહેવાય? કે પછી. સાસરી અને પિયરની વ્યાખ્યા એટલે શું? એવી કોઈ જ ખબર નહોતી પડતી ત્યારે વાજતે-ગાજતે ઘરવાળાંએ મારા હાથ પીળા કરી દીધા હતા…ને બીજીવાર કોઈ વિધૂર સાથે પરાણે પરણાવી દીધી હતી. જાણે હું એમના સૌ પર બોજરૂપ કે નડતર રૂપ ન હોય એવી રીતે!

પણ તોય લોકો તો એમજ બોલે કે, આને નવા નવા લગન કરવાનો શોખ લાયગો છે. એમ મને કોઈ શોખ થોડી હોય, મનેય સાસરીનું સુખ સાહ્યબી ભોગવવી ગમે છે. મને શું કોઈ અરમાન ન હોય ? મારા કોઈ શોખ ના હોય ? પણ બે વાર આવું બન્યું છતાં ત્રીજીવાર પરણવું પડે ને એ પણ એવું કહીને કે, હા આની પહેલા હું બે વાર પરણી છું એ બોલવામાં મારા શરીરના કટકે કટકા થાય છે. મારી પણ ઘણી લાચારી ને કેટલીય મજબૂરી રહી છે….પણ, શું કરું આ સમાજ, લોકો મને એકલી જીવવા નથી દેતા!
લોકો આમ પણ વાતો કરે ને આમ પણ બોલે છે. આને ઘર માંડતા જ નથી આવડતું, આને બીજીવાર પરણવાની જ જરૂર નહોતી…..એકલી ક્યાય બહાર જાવ તો બોલશે કે , જો તો, કેવી નફફટ થઇ એકલી ફરે છે, કોઈ શરમ બરમ છે જ નહિ આ છોકરીમાં! પણ, હું એકલી છું તો એકલી જ જાવ ને, આવું કેમ કોઈ સમજતું નહિ હોય?

ઉમર કેટલી થઇ તારી હવે કોઈ સારો છોકરો જોઈ પરણી જા. હવે સહન કરજે તારે બે વાર ઘર તૂટ્યું છે. વગેરે…..વગેરે , આવી તો હજારો સલાહ સાંભળી મારા કાન દુખી ગયા છે….મારે મારી માટે જીવવું કે આ સમાજ માટે એ જ નથી સમજાતું મને!

અફસોસ ! આ સમાજમાં, કોઈને દુખ, દર્દ નથી દેખાતું. કોઈ કોઈની વેદના નથી સમજી શકતા…તો કોઈ વળી એમ કહે કે, ધરમ ધ્યાન કર, તો કોઈની નજર બગડે મારું રૂપ જોઇને…..અરે, હું એકલી છું પણ મારે કોઈના એવા સહારાની બિલકુલ જરૂર નથી જે મને ખરાબ નજરે જોઈ રહ્યો હોય.

પણ એક પ્રશ્ન ગણો કે મારી ફરિયાદ છે કે, મને જોયા વગર જાણ્યા વગર મને સમજ્યા વગર જે મારા વિષે બોલ્યા જ કરે છે એ લોકોને હું પૂછું છુ, કે મારી દૃષ્ટિથી જોવો તમે કોઈએ ક્યારેય મારા દુઃખને મહેસુસ કરીને ક્યારેય મારા વિષે સારો વિચાર કર્યો છે ખરા? મારી હાલતનો મારી માનસિક પરિસ્થિતિનો કોઈએ એક રાઈ જેટલો પણ ખ્યાલ રાખ્યો છે ખરા ? ના, એવું કોણ વિચારે? બસ, એમને તો ખાલી ઉપદેશ જ આપવાના, સલાહ સૂચનો જ આપવાના….એ તો જયારે પગ નીચે રેલો આવે ત્યારે જ ખબર પડે હો કે, આ રેલો શેનો આવ્યો એ !

મને કોઈ પરણવાનો હવે શોખ નથી, એવા કોઈ કોડ નથી રહ્યા. પરણીને શું જગન કર્યો છે કોઈએ? પણ, હું ખાનદાન ઘરમાં જન્મી છું….એ ખાનદાન એમની દીકરીને એકલી ન રહેવા દે એટલે પરણવું પડશે!
આ બધું હું એટલે કહું છું કે, મારે મારા રૂપના હિસાબે કોઈ છોકરો મને હા પાડે એ મને બિલકુલ પસંદ નથી….હું ઈચ્છું છું કે જે મને હવે અપનાવે એ મારા સૌથી ખરાબ ભૂતકાળને પણ અપનાવે. આવું બધું સાંભળી જે મને અપનાવશે એની છાતી ચોસઠની હશે હો!

બાકી મારા રંગ રૂપ વિષે હું શું કહું? એકદમ દૂધ જેવો ગૌર વર્ણ, સોના જેવો ચમકતો રૂપાળો દેહ. મોટી ને બાણાકાર મારી આંખો, ગુલાબની તાજી ખીલેલી કળી જેવા આછા ગુલાબી મારા હોઠ ને હાથમાં પડતો તો હાથ પણ સરકી જાય એવા મુલાયમ ને રેશમ મારા વાળ..યુવાનીનું લાવણ્ય મારામાં ભરપૂર છલકાય છે. મારા રૂપને પામવાના સૌ કોઈ સપના જોવે….પણ મને રૂપના હિસાબે કોઈ અપનાવે એ ક્યાં મંજૂર છે…હવે આનો શો ઈલાજ?
મારી આ તમામ હકીકત સાંભળ્યા પછી વિરાટે મારી સાથે લગ્ન કરવાની હા પાડી. એને મારો આ સ્પષ્ટ જે હોય તે કહી દેવાનું એ મારો સ્વભાવ ખુબ ગમ્યો…

અંતે હું ત્રીજીવાર પણ પરણી……પણ આ વખતે ચોઈસ મારી હતી……કોઈ મજબૂરી નહિ, જીવનની સાચી સમજણ હતી….સમાજ શું છે એ એકદમ નજીકથી જાણતી હતી. એટલે હવે મને મારા પર વિશ્વાસ છે કે મને વિરાટ ખુબ ખુશ રાખશે
હું ભલે ત્રીજીવાર પરણી પણ મેં કોઈ જ બાંધ છોડ નથી કરી….મારું મન જ્યાં માન્યું ત્યાં જ મેં હા કહી છે…ભલા, હું બાંધછોડ પણ કેમ કરું? બે વાર જે થયું એમાં મારો એકનો થોડી વાંક હશે? તાળી એક હાથે થોડી પડતી હશે ?

મારા પર ભગવાનની કૃપા છે હો મને સરસ ગમતો છોકરો અને એ પણ સારા ઘરનો સંસ્કારી મળી ગયો છે…પહેલા બંનેની કમ્પેર કરું તો આની તોલે એ બેય ન જ આવે…
વિરાટ મને ખુબ જ સાચવે છે…પ્રેમ આપે છે….મારા ભૂતકાળને નજીકથી જાણતો હોવા છતાં ક્યારેય મને એનો અહેસાસ નથી થવા દેતો. અમે બંને એકબીજાથી સંતુષ્ટ છીએ.

પ્રેમની ભાષા વ્યક્ત કરવાના હું રોજ શબ્દો ગોત્યા કરું, જાતજાતની કલ્પનાઓ કર્યા કરું છું…એ મને જેટલો પ્રેમ આપશે હું એનાથી ડબલ આપીશ..
મારી જિંદગીમાં દુખ હતું પણ એનું આયુષ્ય ક્ષણીકનું જ રહ્યું. જ્યારથી વિરાટ મારી જિંદગીમાં આવ્યો છે ત્યારથી, હું સ્વર્ગને મારી આસપાસ જોવું છું.
મારી નાની નાની વાતનો ખ્યાલ રાખે છે…..ને હું પણ એની નાની નાની વાતોનો ખ્યાલ રાખું છું.

વિરાટના ઘરનાને મારા પ્રત્યે મારા ભૂતકાળને લઈને સૂગ હતી. એ શરૂઆતમાં વિરાટને કહેતા કે, શું જોઇને તે આને હા પાડી છે? તું રૂપને મોહ્યો છે……તારી જિંદગી બગાડશે આ છોકરી.
પણ અંતે એમના જ મોઢે અત્યારે મારા ભરપૂર બે મોઢે વખાણ કરે છે. એ લોકો પણ સાવ સાચા હતા. રૂપ, લાવણ્ય,કદ, બાંધો દેખાવ વગેરેમાં ક્યાં કશું ખૂટે છે મારામાં. એટલે એ બોલે એમાં શું થયું. એ મને નથી ઓળખતા હજી જયારે, ઓળખશે ત્યારે મને વિરાટની જેમ દિલથી અપનાવશે. અને અંતે હું જેવું વિચારતી હતી એવું જ થયું.

હું મારી ફેમિલીને લઈને ખુશ છું…હું સમજી શકું છું, હું વિચારી શકું છું ને અન્યને પણ પ્રેમથી સમજાવી શકું છું.દ્રશ્ય અદ્રશ્ય સંબંધોને હું સારી રીતે નિભાવી જાણું છુ…જિંદગીની સફરમાં એક સારું સમજી શકે એવું પાત્ર મળે તો ખરેખર આખી જિંદગીનો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે.
મારી પાસે વિરાટ માટે કોઈ જ શબ્દ નથી…મારા વ્હાલા વિરાટે મારા રૂપ કરતાં મારા ગુણોને માન આપ્યું…એમના દિલમાં ને એમના ધરમાં સ્થાન આપ્યું.

વિરાટે મને સમજી છે એટલે ઘણું મારા માટે….બીજું શું જોઈએ જીવનમાં!
હવે મારા જીવનમાં કોઈ જ ખામી નથી રહી. પ્રેમાળ પરિવાર છે, સુખ છે, પતિનો પ્રેમ છે ને ભગવાને દેવ જેવો દીકરો પણ આપી દીધો…………મારા જીવનમાં જે ઈચ્છા હતી એક મા બનવાની એ પણ પૂરી કરી દીધી….મેં ક્યારેય આવી આશા નહોતી રાખી કે મને ભગવાન એટલું સુખ આપશે….આવો પરિવાર આપશે ને આવો પ્રેમાળ પતિ આપશે. મારું જીવન ધન્ય બની ગયું. હવે મને મારા પર વિશ્વાસ છે કે, હું ક્યારેય દુખી નહિ થાઉં.

તમે જ વિચારો, આવું દુખ જોયા પછી સુખ આવે તો કોના હૈયે ધરપત ના વળે?
મેં જીવનના છેલ્લા શ્વાસ સુધી વિરાટને સુખ આપવાનું પ્રણ લીધું છે. ને હું આપીશ પણ ખરી!
મારું જીવન ધન્ય થઇ ગયું છે વિરાટને પામીને. હવે હું ગર્વથી કહું છું કે હા હું ભલે ત્રીજીવાર પરણી પણ મારા માટે એ સારું જ છે…અત્યારે સુખ છે તો સમાજ મને ગર્વથી જોવે છે…..દુખ હતું તો નફરતથી!
આ સમાજ ને નથી કાન કે આંખ જેવી પરિસ્થતિ આપણી એવો આપણો સમાજ!

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ અવનવી વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block