વોટ્સએપનો એક મેસેજ – કોઈવાર ભૂલથી સેન્ડ થઇ જતો મેસેજ કેવો ઉત્પાત મચાવે છે પ્રેમીઓના જીવનમાં વાંચો…

વોટ્સએપનો એક મેસેજ

આખા દિવસમાં વ્યસ્ત આરોહી થાકેલી પાકેલી રાત્રે બાર વાગે આજે સુવા ભેગી થઇ હતી. એની આદત મુજબ એ રોજ રાત્રે આખા દિવસના વોટ્સએપ અને ફેસબુક મેસેન્જરમાં આવેલા મેસેજ વાંચીને ડીલીટ કરે જવાબ આપવા જેવા હોય ત્યાં વળતો યોગ્ય જવાબ આપે ને પછી જ એને નીંદર આવે….આ તેનું રૂટીન હતું.

પણ આજે અચાનક જ મીતના મોબાઈલ નંબર પરથી એકસાથે પચાસ મેસેજો વાંચ્યા ને આખા શરીરે પરસેવો વળી ગયો. દર્દોની અસંખ્ય લહેરો નસેનસમાં વહેવા લાગી. એની પીડા એને અંદરો અંદર ખૂંચવા લાગી. એ આજે સુઈ પણ નહોતી શકતી…જેમ બાવળના કાંટા શરીરને સ્પર્શ તો જે પીડાનો અહેસાસ શરીરને થાય એમ પેલા મેસેજો વાંચીને આજે આરોહીના મનમાં ખૂંચવા લાગ્યા.આમ ને આમ બે કલાક સુધી પડખા ફેરવ્યા પણ આજે નીંદર પણ આરોહીને વ્હાલી કરીને સૂવડાવતી ન હતી. હવે એને એક વિચાર સૂઝ્યો…એને તરત જ એ નંબર પર કોલ લગાવ્યો…

સામેથી સરસ મજાની કોલરટયુન સંભળાઈ ….” તેરા મેરા સાથ અમર, ફિર કયું…”
બસ, હજી આગળ કશું સાંભળે એ પહેલા જ સામેથી કોલ કટ કરવામાં આવ્યો ને મોબાઈલ તરત જ સ્વીચ ઓફ કરી દીધો.

લગભગ આરોહી આખી રાત જાગી ને જેટલા પડખા ફેરવ્યા હશે તેટલીવાર એણે કોલ કરવાની ટ્રાય કરી…પણ, અંતે તો એને નિષ્ફળતા જ મળી…

આરોહી એક અવાજ સાંભળવા માટે તરસી રહી હતી.. જેમ ચાતક પોતાનું મોઢું ખુલ્લું રાખીને વરસાદના પડતા એક બુંદની આતુરતાથી રાહ જોવે છે. બસ, એમ જ આરોહી પણ અનિમેષ નજરે આતુરતાથી મોબાઈલ પર મેસેજ આવે છે કે નહિ , કોઈ કોલ એ નંબર પરથી આવે છે કે નહિ, એની રાહ જોવા લાગી

આની પહેલા તો મારા એક મીસ કોલથી અસંખ્ય કોલ આ જ નંબર પરથી આવતા. અને આજે ? એના મનમાં અસંખ્ય પ્રશ્નો થયા ને વગર જવાબે જ એ પ્રશ્નો ગાયબ પણ થઇ ગયા…હું પણ એ જ છું, એ પણ એ જ છે ને આ નંબર પણ એ જ છે. બદલાયો તો ખાલી સમય બદલાયો છે બાકી કશું જ બદલાયું નથી….કાશ! એ પહેલાનો સમય ફરી પાછો આવે તો ?

ખાલી એમનું નામ મારા હોઠો પર આવતા જ તાજા ખીલેલા ફૂલોની ખુશ્બુ મારી આસપાસ હવામાં મહેકતી હોય એવો અહેસાસ થયા કરે છે. એમના મનમાં મારા વિષે શું હશે એ હું નથી જાણતી પણ મારા મનમાં તો એમના માટે જ પ્રેમ છે ને જીવીશ ત્યાં સુધી રહેશે જ.!!!

ના ના એ પણ મને ખુબ જ લવ કરે છે મને એમના પ્રેમનો અહેસાસ સતત થયા કરે છે. ભલે સમય અને સંજોગનાં હિસાબે મળી નથી શકતા પણ એમનો નિસ્વાર્થ પ્રેમ મારા માટે અનહદ છે અને રહેશે જ..

કદાચ એ વ્યસ્ત હશે એટલે કોલ નહિ કરતા હોય અથવા કદાચ એ કરવા માંગતા હોય પણ નહી કરી શકતા હોય…બધા મારા જેવા બિન્દાસ થોડી હોય ?

મારા કરતા એ પાંચ વર્ષ મોટા છે, સમજદાર છે અને એક હોંશિયાર વ્યક્તિ છે. એ મને સમજી શકશે એટલું કોઈ નહિ સમજી શકે એની પણ મને ખાતરી છે…

મને બે વર્ષ પહેલા મેરેજ માટે એમને જ પ્રપોઝલ મૂકેલ….મારો બાયોડેટા વાંચીને એમનો જ સામેથી કોલ આવેલો ને એ પણ મારી સાથે ઘણી બધી વાતો કરતા અમારો રોજનો નિયમ બની ગયો હતો જે કોલ પર રોજ પાંચ મિનીટ તો પાંચ મિનીટ વાત તો કરવાની જ.
આ કોલની અને મેસેજની વાતોથી અચાનક જ આરોહી ભૂતકાળમાં સરી પડે છે.

MEET :“ “HI “
AAROHI : “HI, YOUR NAME ?”
MEET :“MY NAME IS MEET”
AAROHI :“DON’T KNOW MEET “
MEET : “CAN I CALL YOU “
AAROHI :“YES”….

આ ટાઈપની સૌથી પહેલીવાર મારે એની સાથે વોટ્સએપ પર વાતો થઇ હતી. પછી કોલ આવ્યો ને કોલ પર સીધા મેરેજ માટેની જ વાત કરી…મને એક જગ્યાએથી તમારો બાયોડેટા મળ્યો છે. તમારો ફોટો જોયો, તમારું એજ્યુકેશન જોયું, તમારા શોખ જોયા પછી મને થયું કે લાવ હું જ આ વ્યક્તિને કોલ કરીને સીધું મેરેજ માટેની જ પ્રપોઝલ મૂકું..

હા, એ બધું તો સાચું, પણ પહેલા મને તમારો પૂરો પરિચય તો આપો.
“હા, આપું છું, કેટલું નિખાલસતા ને સરળતાથી કહી દીધું…”

“હું સરકારી નોકરી કરું છું. મારે એક ભાઈ ને એક બહેન છે. હું જોબના કારણે મમ્મી સાથે રહું છું ને બાકી બધા પોત પોતાની રીતે અલગ રહે છે.

“ઓ.કે …પછી આરોહીએ એનો પરિચય આપ્યો.. એના વિચારો જણાવ્યા…આમ ને આમ એક બે વાર મળ્યા બંને, બંનેનાં વિચારો એકબીજાને કહ્યા. બંને પોતાના આવનાર ફ્યુચર માટે શું વિચારી રહ્યા છે એના વિષે પણ ઘણી વાતો કરી..એક દિવસ બંને મૂવી જોવા ગયા..વિચારોથી તો મિત આરોહીને ગમવા જ લાગ્યો હતો પણ મૂવી જોવા ગયા ત્યાર પછી મિત આરોહીને વધારે ગમવા લાગ્યો.

ત્રણ કલાકની આખી મૂવી જોઈ ને મૂવી પૂરી પણ થવા આવી પરંતુ મિત એની મર્યાદામાં જ રહ્યો, મૂવી દરમ્યાન વચ્ચે વચ્ચે વાતચીત કરી લેતો પરંતુ એક સ્ત્રીનું સન્માન કેમ કરવું. કેવી રીતે કરવું એ એમને સારી રીતે ખ્યાલ હતો. મીતની નજરમાં ક્યારેય સ્ત્રી એક વસ્તુ ન હતી.

સ્વભાવે સાવ નિખાલસ ને જેવી લાઈફ એ જીવે એ જ દેખાડવાની. કોઈ જ દંભ નહિ ને કોઈ જ પ્રકારના બીજા છોકરા જેવા નાટક નહિ, નખરા નહિ…

સરકારી નોકરી ને સારી એવી સેલેરી પણ કોઈ જ અભિમાન નહિ..

રોજ એક મેસેજ કે
એક કોલ તો આવે જ તમે જમ્યા ? તમે આમ કરો, સાચવજો વગેરે વગેરે..નેચર પણ કેરીંગ હોવાથી નાની નાની વાતોનું ધ્યાન પણ રાખે.

મેરેજવાળી પ્રપોઝલ તો એકબાજુ રહી..હવે આરોહી અને મિત ખુબ જ સારા મિત્રો બની ગયા હતા. એકબીજાની લાઈફની સુખ દુઃખની વાતો પણ શેર કરતા..

આમ ને આમ બે વર્ષ વાતોમાં ને વાતોમાં ક્યા નીકળી ગયા એનો કોઈ ખ્યાલ જ ન રહ્યો.

બે વર્ષ વાતચીત કરી પરંતુ ક્યારેય પેલી મેરેજ્વાળી વાત વચ્ચે આવી જ નહી…હજી પણ મને યાદ છે કરતા આરોહી પાછી ભૂતકાળમાં સરી પડી…

એકદિવસ અચાનક મારું ડી.પી જોઇને મને મીતનો મેસેજ આવેલો કે આ તમારી સાથે કોણ છે ડી.પી. માં ???

હજી આઠ દિવસ પહેલા જ આ જીત સાથે મારી સગાઈ નક્કી થઇ છે. ડી.પીમાં હું ને મારો ફિયાન્સ છીએ. કેવી લાગે છે જોડી ?

અરે યાર, હું તમને બીજા કોઈ સાથે નથી જોઈ શકતો. હું ખરેખર ખુબ જ પ્રેમ કરું છું તમને..હું હજી તમારી જ રાહ જોવું છું. મેં સૌથી પહેલા તમને જ મેરેજ માટે કહેલું પણ તમે કશું વિચાર્યું જ નહી..ને મેં આગળ કશું એ બાબતે પૂછ્યું જ નહિ …અફસોસ થાય છે મને તમે મારી લાઈફમાં આવતા આવતા રહી ગયા. હું રોજ મંદિરે જાવ છું તો હું ભગવાન પાસે તમને જ માંગુ છું. હું તમને ખુબ જ ખુશ જોવા માંગુ છું. એવું ન બને હજી તમારી સગાઈને ક્યા વધારે દિવસો થયા છે તમે એ સગાઈ તોડી ન શકો ? સોરી, હો આવું ન વિચારાય કે ન બોલાય મારાથી પણ હું સાચે જ તમને અનહદ પ્રેમ કરું છું. હું મારા માટે ક્યાય પણ છોકરી જોવા જાવ તો મને એ છોકરીના વિચાર નથી આવતા મારા મનમાં સીધા તમે જ આવી જાવ છો. ને પછી હું એ છોકરીની અને તમારી તુલના કરું છું તો મને તમારી બાજુનું પલ્લું વધારે નમેલું દેખાય છે…હજી વિચારો ને પ્લીઝ…

આ મેસેજ પછી એનો કોઈ જ મેસેજ ન આવ્યો…
એક દિવસ આરોહીએ સામેથી મેસેજ કર્યો. “હાઈ મિત !!! તમે ફ્રી છો ?”

“હા, બોલોને ..”

“મિત, હું શું કરું શું ન કરું એ જ મને સમજાતું નથી. જેની સાથે હું મેરેજ કરવા જઈ રહી છું એ વ્યક્તિને એક કરોડનું દેવું છે ને એ વ્યક્તિ સાવ જુઠી છે મારી પાસે પ્રૂફ પણ છે. લ્યો સાંભળો એટલે તમને પણ ખ્યાલ આવશે…એમ કહીને પેલું રેકોર્ડીંગ મીતને સેન્ડ કર્યું.”

“બાપરે, સાચે આવા વ્યક્તિ સાથે મેરેજ કરતા પહેલા વિચાર કરજો હો..જો મેરેજ પછી આવું કશું બનશે તો તમે ફસાઈ જ જશો. તમે ચિંતા ન કરો તમારે મારી સાથે મેરેજ ન કરવા હોય તો કશો વાંધો નહિ ! પરંતુ હું તમારા જેવા દોસ્તને ખોવા નથી માંગતો.. આપણે લાઈફટાઈમ એક સારા મિત્રો તો બનીને જ રહેશું….”

“મીતની થોડી હિંમતથી આરોહીએ એ સગાઈ તોડી નાખી ને મનમાં એને સંતોષ થયો કે, મારી જિંદગી શરૂ થતા પહેલા જ બચી ગઈ ને એને વિચાર્યું કે મને દુઃખમાં કોણ યાદ આવ્યું ? મિત જ ને ? જે દુઃખમાં સાથી બને એ શું મારો જીવનસાથી ન બની શકે ?

હજી આરોહી આ બાબતે વિચારી જ રહી છે થોડા દિવસથી ત્યાં જ અચાનક આટલા બધા મેસેજો અને એ પણ અડધી રાત્રે પાછો મોબાઈલ પણ ઓફ…

આજે બે દિવસ થવા આવ્યા હજી આરોહિની નજર મોબાઈલ પરથી હટતી જ નથી એ વિચારી રહી છે કે શું મિત સાચે જ કોઈ તકલીફમાં હશે ?

તરત જ એણે મોબાઈલ લઈને મીતને મેસેજ ટાઈપ કર્યો. હું તમને ખુબ જ પ્રેમ છું. મને ખરેખર આજે પહેલીવાર એવો અહેસાસ થયો. કારણ કે આજે તમારા આવેલા પચાસ મેસેજ મને ભૂતકાળમાં ખેંચી ગયા ને મેં એ જાણ્યું ને સમજ્યું કે હું મારા દુખની વાતો તમારા સિવાય કોઈની સાથે શેર નહોતી કરતી. તમે જ મારી હિમત છો. જો તમે એક સારા મિત્ર બની શકો છો તો શું તમે સારા હસબંડ નહિ બનીશકો ? અત્યાર સુધી તમે પ્રપોઝલ આપી હતી આજે હું તમને પ્રપોઝલ આપું છું.

“ શું તમે મારી સાથે મેરેજ કરશો ?”

તમે મારા દોસ્ત બન્યા, મારા હમદર્દ બન્યા તો શું હવે તમે મારા જીવનસાથી નહિ બની શકો ??

આ બાજુ મીતે આ બધા મેસેજ વાંચ્યા ને મિત તો ખુશ ખુશ થઇ ગયો… એણે તરત જ આરોહીને કોલ કર્યો ને કહ્યું કે, એ મેસેજ મેં ખાલી ટાઈપ જ કર્યા હતા..હું મારી અમુક લાગણીઓ તમને કહેવા નહોતો માંગતો અને અચાનક જ સેન્ડ થઇ ગયા મને કશો જ ખ્યાલ ન રહ્યો….મને થયું કે તમે વાંચો એ પહેલા જ હું ડીલીટ કરી નાખું પણ તમે એ બધા જ મેસેજ વાંચ્યા…ને સંજોગ વસાત મારો મોબાઈલ પણ ઓફ થઇ ગયો. મારે કોલ કરવો હતો પણ હું શરમ ને સંકોચ અનુભવતો હતો કે તમે મારા વિષે શું વિચારતા હશો ? મને કેવું કેવું કહેશો ? એની જગ્યાએ આ તો ઉલટું જ થયું.. ચાલો જે થયું એ સારું થયું મને તમે તો મળ્યા..!

આ શુ છે મિત ? હજી તમે જ કહેશો તું નહિ કહો ?

બંને જોરજોરથી હસવા લાગ્યા ને ઘરે મેરેજ વિષે વાત કરવાનું નક્કી કર્યું. મીતના ઘરે તો બધા માની ગયા ને ખુશ પણ થયા પરંતુ આરોહીના ઘરે એના પપ્પા હજી ના જ પડતા હતા. પપ્પા સિવાય ઘરના બધા જ સભ્યો ખુબ જ ખુશ હતા,

થોડા દિવસ ગયા ત્યાં આરોહીએ એના પપ્પાને મનાવી લીધા ને વડીલોના આશીર્વાદથી બંનેએ સરસ લાઈફ શરુ કરી.

ભૂલમાં કરાયેલ એક મેસેજ આજે બંનેને એકગાંઠથી બાંધી દીધાને બંને ખુબ જ ખુશ છે એકબીજાથી..

||અસ્તુ||

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી