સફળતાને પામવી અઘરી નથી – વારંવાર જો તમને નિષ્ફળતાનો સામનો કરવો પડતો હોય તો આ માહિતી તમારા માટે જ છે…

“સફળતાને પામવી અઘરી નથી!”

સફળતા પામવી સાવ સહેલી પણ નથી અને સફળ થવું એટલું અઘરું પણ નથી. જીવનમાં દરેક વ્યક્તિને સફળતા કોઈને કોઈ રીતે મળતી જ હોય છે. પણ થોડે વત્તે અંશે! ક્યારેક એવું પણ બની શકે કે, સફળતા હાથ ચૂમીને દૂર દૂર ચાલી જતી હોય છે. ત્યારે શું કરવું? એ મુંઝવણ ભીતર કોરી ખાતી હોય છે. મિત્રો થોડું વિચારો ! કામ કરવાની પધ્ધતિમાં જ થોડો બદલાવ લાવીએ તો?

પહેલાં તો એ જ વિચારો કે નિષ્ફળતા કેમ મળી ? દિશા યોગ્ય હતી, પુરતી મહેનત પણ કરેલી. છતાં આ નિષ્ફળતા? શું એનાં માટે ભૂતકાળ જવાબદાર હોઈ શકે? હા, કેમ નહિ.

જિદગીમાં ક્યારેક નિષ્ફળતા માટે ભૂતકાળ જવાબદાર હોય છે. વ્યક્તિનો ભૂતકાળ એટલો ખરાબ હોય છે કે, વ્યક્તિ બિચારો પુષ્કળ મહેનત કરતો હોવા છતાં અમુક એવી ઘટનાઓ જે ભૂતકાળમાં બની ચૂકી છે. તે એ વ્યક્તિનો પીછો જ નથી છોડતો. જો એ ભૂલી જશે તો લોકો એને સત્તત યાદ કરાવતા હોય છે. જો તમારે તમારા જીવનમાં સફળ થવું છે તો તમારે તમારા એ ખરાબ સમયને પાછળ છોડી આગળ વધવું જ પડશે! તો અને તો જ તમે સફળતાને માણી શકશો! નહિતર પાછા હતાં ત્યાં ને ત્યાં જ રહેવું પડશે!. ક્યારેક એવું ના બને તેનું ધ્યાન રાખજો કે, ખરાબ જિદગી નો તમે સાથ નથી છોડી શકતાં ને સારી જિદગી તમારી રાહમાં જ રહે!

ક્યારેક એવું પણ બને કે, નિષ્ફળતાથી તમે નિરાશ કે હતાશ થઈ જાઓ અને સફળતા થોડી જ દુર રહી જાય. જો તમે એક વાર લક્ષ્ય નક્કી કર્યું પછી તેને પામવા જ મથ્યાં રહો તો અને તો જ તમે એ લક્ષ્ય સુધી પહોચી શકો. જે તમારું લક્ષ્ય છે તેનાં પ્રતિ તમે સમર્પિત થઈ જાવ. પછી ભલે એક પ્રયત્ને તમને સફળતા ના પણ મળે. પરંતુ તમારા લક્ષ્યને હાંસિલ કરવા માટે અથાગ પ્રયત્નો કરવા પડે તો પણ તેનાં માટે મનથી મક્કમ બનો!

મિત્રો! એટલું યાદ રાખો કે, પ્રથમ પ્રયત્ને મળેલી મંજિલનું હંમેશા બાળમૃત્યુ જ થતું હોય છે. એક વખત નિષ્ફળતા મળી એટલે ફરી પ્રયત્ન કર્યો. બીજીવાર પણ નિષ્ફળતા જ મળી. તોય હિમ્મત હાર્યા વગર ત્રીજીવાર પ્રયત્ન ચાલુ જ રાખ્યો. હવે એ કામને તમે સિદ્ધ કર્યું કહેવાય. સફળતા મળે કે ના મળે પણ તમે એ જ કામમાં ઘડાઈ ગયાં. જેમ પાક્કો ઘડો જલ્દી તૂટી જતો નથી, તેમ ઘડાયેલ વ્યક્તિ પણ જલ્દી હાર માની શકતો નથી. હવે એ જ વ્યક્તિ એનાં જ અનુભવોથી એક નહિ …..બે નહિ…….પણ હજારો વ્યક્તિને યોગ્ય રાહ ચીધશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. જે વ્યક્તિ પોતાનાં લક્ષ્યને સમર્પિત થઈ જાય છે. એ વ્યક્તિનાં જીવનમાં નિષ્ફળતા જેવો કોઈ શબ્દ જ નથી. માટે જીવનમાં સફળ થવું હોય તો સૌ પ્રથમ તમારા લક્ષ્યને જ સમર્પિત થાઓ! સફળતા આપોઆપ મળી જશે.

વિચારો હંમેશા ઉચ્ચ રાખો! કહેવાય છે કે , “જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ”. જીવનમાં સફળતા પામવી હોય તો વિચારોનું ઘણું જ મહત્વ છે. જો વ્યક્તિ માનસિક રીતે સતત હકારાત્મક વિચારો કર્યા કરશે તો તે વ્યક્તિનાં આત્મવિશ્વાસમાં વધારો કરશે. અને જો આત્મવિશ્વાસમાં વધારો થશે તો તમે દુનિયાના કોઈ પણ ખૂણે હોય સફળતા ભીડની વચ્ચે પણ તમારી જ સામે આવીને ઉભી રહેશે. વ્યક્તિએ એટલું જ ધ્યાન રાખવું કે એ જે કાઈપણ વિચારે છે તે સાચું અને સત્ય જ છે ને ! ક્યારેક એવું પણ બને કે વિચારોમાં ને વિચારોમાં જ વ્યક્તિ વ્હેમમાં પણ અટવાઈ પડતો હોય છે. વિચારો હંમેશા ઉચ્ચ રાખવા. વિચારોથી જ વ્યક્તિ મહાન બને છે. વિચારોથી જ કેટલાંય વ્યક્તિઓએ સફળતાને આરામથી હાંસિલ કરી છે. એ.પી.જે અબ્દુલ કલામ ક્યા કરોડપતિ બાપની ઓલાદ હતાં. પણ બચપણથી જ એમનાં વિચારો ઉતમ કક્ષાના હતાં. જેવા વિચારો જોયા કે તરત જ એને પુરા કરવા અથાગ પરિશ્રમ કર્યો. અને આજે વિશ્વનાં એક મહાન વૈજ્ઞાનિક તરીકે જાણીતા બન્યા. મિત્રો વ્યક્તિ થોડો જન્મથી મહાન હોય છે?.

જીવનમાં સફળતા મેળવવાનો ઉતમ ઉપાય. ગમો અણગમો છોડો. જીવન એક એવું રંગ મંચ છે જેમાં તમને ગમે કે ના ગમે એ પાત્રો ભજવવા જ પડે છે. તમે જે પાત્ર ભજવવામાં કચાશ રાખો તે પાત્ર ભજવવામાં તમે નિષ્ફળ જ જશો. માટે ગમે કે ન ગમે. કોઈપણ પાત્રને દિલથી અપનાવો. પ્રેમથી ભાગમાં આવેલ કર્તવ્ય નિભાવો. મન એકદમ પવિત્ર ને હ્રદય એકદમ કોમળ રાખશો તો તમે સૌનાં પ્રિય બનશો. અને પ્રિય વ્યક્તિ બનવાથી જલ્દી સફળતા મળી જતી હોય છે. એવા વ્યક્તિ સાથે સમય પસાર કરો જે તમને નાપસંદ હોય. એવું કામ કરો જે કામ કરવાથી તમને બિલકુલ આનંદ ન આવે. આવું કરવાની આદત એકવાર પડી જશે પછી નાપસંદ શબ્દ જ તમારા જીવનમાં નહિ રહે. તેમજ તમારા જીવનમાં સફળતાની સાથે સાથે જીવન આનંદમય બની રહેશે.

બસ, તમે તમારા જીવનની ચિંતા છોડો! કે મારું શું થશે? જે થશે તે સારું જ થશે એ વિચારી મન મૂકી જિંદગીને માણો! એવું જ વિચારો કે તમે કોઈ સાધારણ વ્યક્તિ નથી. પ્રત્યેક વ્યક્તિ ખુદ માટે સેલિબ્રિટીથી કઈ કમ નથી. એમ સમજી પોતાની લાઈફને એન્જોય કરે તો ઝૂપડીમાં રહેતો વ્યક્તિ પણ એનાં જીવનમાં સફળ જ છે. એમાં કોઈ શક ?

||અસ્તુ||

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ અવનવી પ્રેરણાત્મક વાત અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી