વાંચો ગરવા ગીરનારની ગોદમાં થયો મહાશિવરાત્રી મહોત્સવ પ્રારંભ….

વાંચો ગરવા ગીરનારની ગોદમાં થયો મહાશિવરાત્રી મહોત્સવ પ્રારંભ…

જૂનાગઢમાં આવેલ પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં યોજાતો મહા શિવરાત્રીનો મેળાનો આજે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. ગિરનાર તળેટીમાં આવેલ ભવનાથ મંદિર વિધિવિધાન સાથે ધ્વાજારોહન કરી દેવાધી દેવ મહાદેવનું અલોકિક અનુષ્ઠાનની શરૂઆત થઇ ચુકી છે. કુંભના મેળાની જેમજ યોજાતા આ મહાશીવરાત્રી મેળામાં દુનિયાભરના લાખો લોકો આવે છે. 5 દિવસ (તારીખ 9 થી 13 ફેબ્રુઆરી) સુધી ચાલનાર મેળાને માણવા શિવ ભક્તો ઉમટી પડયા છે.


ગુજરાતના સૌથી ઉંચા પવિત્ર પર્વત એવા ગરવા ગિરનારની ગોદ યોજતા મહા શિવરાત્રીના મેળાનો આજે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે, ભારતીય અખાડા પરિષદના મહામંત્રી શ્રી હરીગીરી મહારાજ, જુના અખાડાના મહા મંડલેશ્વર શ્રી ભારતીબાપુ તેમજ જૂનાગઢના કલેક્ટર ડૉ રાહુલ ગુપ્તા, પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા સહીત સાધુ સંતોએ ભવનાથ મંદિર ઉપર ધ્વજ આરોહણ કરી મેળો શરુ થયાની જાહેરાત કરવામાં આવી છે. અતી પૌરાણિક અને પરંપરાગત રીતે યોજાતા આ મહાશિવરાત્રીની માધ્ય રાત્રીએ નાગા સાધુની ભવ્ય રવાડી એટલે કે શોભાયાત્રા નીકળે છે અને ભવનાથ મંદિરમાં આ આવેલ મૃગી કુંડમાં શાહી સ્નાન કરે છે. આ મેળાને લઈને અનેક લોકવાયકાઓ છે કહેવાય છે કે શાક્ષાત ભગવાન શિવ પાતાળમાંથી પ્રગટ થાય છે અને લખો શિવ ભક્તો નાગા સન્યાસીઓના દર્શન કરવા ઉમટી પડે છે.


ધાર્મિક રીતે અતિ પવિત્ર ગણાતા આ ગિરનાર પર્વત વિષે કહેવાય છે કે અહીં સ્વયમ ગુરુ દત્તાત્રય, માતા અંબા, બાવન વીર, ચોસઠ જોગણી અને ચોર્યાસી સિદ્ધની પાવન ભૂમિ છે. ભવનાથ મંદિરના સાનિધ્યમાં યોજાતો મહા શિવરાત્રીના ના મેળામાં સાધુ – સંતો અને ભક્તોનું આગમન થઇ ચૂક્યું છે. 13 અખાડાના નાગા સન્યાસીઓ ધૂની ધખાવીને સાધના કરવા લાગ્યા છે. ત્યારે ભારત સાધુ સમાજના અધ્યક્ષ ગોપાલાનંદજી મહારાજ ખુબજ નારાજ છે. તેમનું કહેવું છે સરકાર દ્વારા નજીવી ગ્રાન્ટ મળે છે અને ગિરનાર પર્વત ઉપર પાણીથી લઈને અનેક સમસ્યાઓ છે. પોલીસ તરફથી સાધુ સંતોને વાહન પાસ આપવામાં આવતા નથી તેમજ મેળાને મીની કુંભનો દરજ્જો આપવા સરકારને આહવાન કર્યું છે.
ભગવાન શ઼કરને અતિમાન કે અભિમાની મંજુર નથી. તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઇચ્‍છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પુરી ન કરી હતી.

‘વૈરાગ્‍ય શતક’ના રચયીતા ભૃતહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્‍યું ન હતું. રાજા ભૃતુહરી સર્વસ્‍વ ત્‍યાગીને ફકીર બન્‍યો. સંત બન્‍યો, એક પછી એક વસ્‍તુઓનો ત્‍યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્‍યનું અભિમાન જયાં સુધી રહયું ત્‍યાં સુધી ભગવાન શંકર દુર જ રહયા.

ભકતને ભકિતનું જયાં સુધી અભિમાન રહે ત્‍યાં સુધી ભગવાન શિવને ભકિત, પુજા, ઉપાસના સ્‍વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમનિયમ છે.

મહાશિવરાત્રી પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલીંગોમાં રૂદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્‍યની સાથે ઐશ્વર્ય પણ આપે છે.

જન્‍મના ગ્રહોના દ્રારિદ્રય યોગ શિવરાત્રીએ શિવપુજનથી દુર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્‍યમાં હોય છે. આથી આ દિવસે મહારૂદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે.

શિવરાત્રીનાં રાત્રે જટાધારી, ભભુતધારી, દિગંબર, અતિપુરાતન સાધુઓ તો કોઇ ઉગતી અવસ્‍થાવાળા વડવાઇ જેવી પગની ધુટી સુધીની પીળી જટા ને લાલઘુમ આંખોવાળા સાધુઓ સન્યાસીઓ, સાધ્‍વીઓ, દેવીજીઓ અને નાની બાલ્‍યાવસ્‍થા વાળા મહાત્‍માઓ, સંતો, મહંતો હર હર મહાદેવ, બમ બમ ભોલે, ઓમ નમઃશિવાયનાં જયઘોષ સાથે વિશાળ સરઘસ ભવનાથ મહાદેવનાં મંદિર પાછળ આવેલા દશનામી પંચ અખાડામાંથી ભવ્ય શંખઘોષ, ડમરૂ, નાગફણી-ભેરીફુંકતા ભાલા તલવારો, ઢાલની પટૃાબાજી ખેલતા લાઠીનાં અને અંગકસરતનાં હેરતભર્યા પ્રયોગો કરતા નિશાન, ડંકા ઝાલર અને ધ્‍વજાઓ અને પાલખીઓ સાથે આગળ વધે છે. ભવનાથનાં નિયત કરેલા મેઇન રોડ પર ફરે છે.અખાડાનાં સાધુઅદનું પર્વકાળમાં પવિત્ર સ્‍નાન (શાહી સ્‍નાન) મહાશિવરાત્રીનાં પર્વનાં દિવસેવિવિધ અખાડાઓનાં સાધુ સંતો દ્વારા નિશ્‍વિત કરવામાં આવેલા ક્રમ અનુસાર પોતાનાં અખાડાનાં સંતો સાથે કરવામાં આવતા સ્‍નાનને પવિત્ર સ્‍નાન ( શાહી સ્‍નાન) કહે છે. રવાડી(સરઘસ)માં દશનામી પંચ અખાડાની ગુરૂદત્‍તાત્રેય પાલખી,અભાન અખાડાનાં ગાદીપતીની પાલખી,અગ્ની અખાડાની ગાયત્રીજીની પાલખી સાથે સાથે જુદા જુદા અખાડાઓના સાધુ આગળ વધે છે.

સાધુ સંતોની યાત્રાનાં પથ પર બપોરથી જ માર્ગની બન્ને બાજુ વિશાળ જનમેદની એકત્રિત થાય છે.વિવિધ વાજીંત્રો અને હરહર મહાદેવ, બમ-બમ ભોલે નાદ સાથે શરીર પર ભસ્‍મ ચોપડીને હજારો સાધુ સંતો ગળામાં ફુલોનાં હાર, હાથમાં ધ્વજદંડ લે છે. શરીરે ભસ્‍મ લગાડવાથી અમાનવીય આકૃતિ દેખાતા હજારો દિગંબર સાધુ સંતો હરહર મહાદેનો જયઘોષ કરે ત્‍યારે એમ લાગે કે જાણે કૈલાશીય જીવંત દ્રશ્ય નજરે નિહાળીએ છીએ. આમ મધરાત્રે ભવનાથનાં મંદિરનાં દ્વિતીય દરવાજેથી શાહી સવારી મૃગીકુંડમાં પહોંચે છે. લોકમાન્‍યતા પ્રમાણે ગોપનીય વિધી સાથે મૃગીકુંડમાં કાંઠે ઉભી સાધુઓ વરૂણપુજા કરે છે.અહીં અમર આત્‍માઓ સ્‍નાન કરવા પધારે છે. તેની પ્રતિતીરૂપે ત્રણ તરંગો સ્‍વંયભુ કુંડમાંથી પ્રગટે છે. ત્‍યારબાદ સાધુઓ એકી સાથે મૃગીકુંડમાં સ્‍નાન કરે છે. મૃગીકુંડમાંથી બહાર નિકળી થોડા જ સમયમાં મેળામાંથી અદ્રશ્‍ય થઇ જાય છે. સાધુઓનાં મૃગીકુંડનાં સ્‍નાન પછી મંદિરમાં આરતી ને મહાપુજા થાય છે. અને મેળાની પુર્ણાહુતી થાય છે.

આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્‍મય ધરાવે છે. ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ…

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી 

ધાર્મિક ત્યોહારોનું મહત્વ જાણવા માટે તેમજ વાંચવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ 

ટીપ્પણી