સાસુ વહુની લાઇવ કોન્સફરન્સ ઈન્ટરવ્યૂ … વાંચો આ સમજવા જેવી વાતો…

એક જાણીતી ન્યુઝ ચેનલ દ્વારા મહિલા દિવસના દિવસે સવિતાબહેનના ઘરે બે પત્રકાર મહિલાઓ એની ટીમ સાથે આવી પહોંચી. સવિતાબહેને એક મહિલા પત્રકારને પૂછ્યું કે, નોકરી કરતી ને સમાજ સેવામાં આગળ ઘણી મહિલાઓ આ શહેરમાં છે , “તો તમે અમારો જ કેમ લાઈવ ઇન્ટરવ્યૂ લેવા માંગો છો. અમે બે સાસૂ વહૂ તો માંડ માંડ ઘર સંભાળી શકીએ છીએ. એ પણ એટલું બધું નથી ભણેલી ને હું પણ નહિ. કે નથી અમે કોઈ ઘર ચલાવવાનાં એવા અવોર્ડ જીત્યાં. મને તો હજી બોલતા ય ફાવે પણ મારી વહુ તો બિચારી પારેવડાં જેવી છે…ફફડી જાય જો કોઈ એક બે શબ્દ મોટા અવાજે એની સામે બોલે તો!”

“અરે….માસી! અમે એટલે તો તમારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છીએ. કેમકે ભણેલાં તો બધી રીતે બોલી શકે, નોકરી કરતા હોવાથી એમને એમના અનુભવો પણ વધારે હોવાના જ. અમે અમારી ચેનલ દ્વારા લોકોને એ જણાવવા માંગીએ છીએ કે, આપણા સમાજની જે મહિલાઓ ઘર સંભાળે છે. એ પણ એમની કોઠાસૂઝ ને આંતરસૂઝથી તમામ પરિસ્થિતિનો સામનો કરી શકે છે.”

“હા….હો, સાવ સાચું કહ્યું તમે બુન, આમ પણ અમારી આખી સોસાયટીમાં અમારા સાસુ વહુની જોડીનો જ પહેલો નંબર આવે! જેનો મને તો આનંદ વધૂ છે અને રે’વાનો હો…”, સવિતાબેને સાડીનો પાલવ સરખો કરતા કરતા વટથી બોલ્યા.

“હ્મ્મ્મમ્મ્મ્મમ”
“શું….હ્મ્મ્મમ્મ્મ્મમ્મ્મ, ચાલુ કરો હવે તમારો પેલો ઇન્ટરવ્યૂ, અમારેય બીજા કામ હોય હો..પૂજા એ પૂજા……. અલી એય હવે તૈયાર થઇ ગઈ હોય તો આવને જલ્દી. એટલે આ એમનું કામ શરૂ કરે.”

“હા, સવિતાબેન તમે અહિયાં બેસો અમે પહેલા તમને થોડા પ્રશ્નો પૂછીશું. ત્યારબાદ પૂજાબહેનને.”
“ચાલો, હું તો મારી બેઠક પર ગોઠવાઈ ગઈ. હવે તમતમારે મનમૂકીને પ્રશ્નો પૂછોને હું તૈયાર.”

ત્યાં પૂજા આવે છે….એ પણ સામેની ખુરશીમાં બેસી જાય છે. લાઈટ , કેમેરા સાથે શરૂ થયો…આ સાસુ-વહુનો લાઇવ ઇન્ટરવ્યૂ.
આંગતુક પત્રકાર મહિલાએ સવિતાબેનને પ્રશ્ન કર્યો, “તમને તમારી વહુ પ્રત્યે વધારે લાગણી કે તમારી દીકરી પ્રત્યે?”

“વહુ અને દીકરીમાં કોઈ ફર્ક ના હોય મારી બેન…..પણ હા દીકરી બિચારી પારકી થાપણ……એને જન્મ આપી પારકા ઘરે વિદાય આપવી અઘરી….આટલું બોલતા જ સવિતાબેનની આંખ ભરાઈ ગઈ…પણ પોતાની જાતને સંભાળતા આગળ બોલ્યા, વહુ તો મારી વહુ છે…હું એને મારા જેવી જ હોશિયાર કરવા માંગુ છું….વહુ એ તો મારા ઘરનું અજવાળું છે. મારા ઘરની શોભા વધારનાર ઘરેણું છે….ભલે, હું એને કઈ પણ કહું, પણ ક્યારેય કોઈને કે’વા તો ના જ દવ! મારી વહુ મારી લાડકી છે. મને એના વગર એક દિવસ પણ ન ગમે.”

મહિલા પત્રકાર ખુશ થતી બીજો પ્રશ્ન કર્યો, “ શું તમારી વચ્ચે જનરેશન ગેપ હોવાથી ક્યારેય વિચારભેદ નથી થતા?”
“એક ઘરમાં રેવાનું, સાથે જમવાનું, કામ પણ સાથે મળીને કરવાનું એમાં વિચારભેદ થોડી થાય? ક્યારેય એવું થાય ત્યારે થોડી રકજક કરી લઈએ પછી પાછા હતા એમ નામ.”
“અચ્છા!”
હવે હું પૂજા બહેનને થોડા પ્રશ્ન પૂછિશ, “ પૂજાબહેન તમે લગ્ન કરીને આવ્યા ત્યારપછી શું તમને પિયર યાદ નથી આવતું?”

 

“આવે જ ને કેમ ન યાદ આવે? જ્યાં જન્મ થયો, મોટા થયા, ભાઈ ભાંડરુ થોડા ભૂલાય?સાસરામાં પણ પતિનો પ્રેમ, સાસુ- સસરાનો ને પરિવારનો સ્નેહ, ને હવે તો બે બે છોકરાઓ. એમને બધાને સાચવવામાં જ આખો દિવસ ક્યા જાય એ ખ્યાલ પણ નથી રહેતો…ને હવે તો પિયર બે દિવસ રોકાવા જાવ તો પણ ઘર જ યાદ આવ્યા કરે. એટલે હું પિયર આંટો મારવા જ જાવ પણ રોકવા જવાના સંજોગ હવે નથી બનતા.”

“તમે લગ્ન કરીને આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી ક્યારેય તમને એવો વિચાર નથી આવ્યો કે, તમારે અલગ રહેવું જોઈએ?”
“હા, લગ્નનાં શરૂઆતના જીવનમાં આવ્યો હતો. અલગ પણ રહેવા ગયા હતા, પણ મારા સાસુનો સ્વભાવ ખુબ પ્રેમાળ અને લાગણીવાળો છે. નાના-નાની વાતોમાં મારું ખુબ ધ્યાન રાખે. હું બિમાર હોય તો મને ખાટલેથી પાટલે, ને પાટલેથી ખાટલે જ રાખે….આવા પ્રેમાળ સાસુથી હું એક મહિનાથી વધારે દૂર રહી જ નાં શકી….એ વાતને આજે દસ વર્ષ થયા. હજી સુધી મને એવો વિચાર નથી આવ્યો. જ્યાં સુધી સમજણ ન હતી ત્યાં સુધી આવા વિચારો આવે.”

“મારે એક મેસેજ આપવો છે અત્યારની આધુનિક વહુઓ અને દીકરીઓને, જેમણે આપણને એમના ઘરમાં સ્થાન આપ્યું, પારકી દીકરીને પોતાની બનાવી…આખી જિંદગીની એમની મૂડી આપણા પર વિશ્વાસ મૂકીને આપણા હાથમાં સોંપી દીધી….એ મા-બાપ ક્યારેય ખોટા કે ખરાબ તો નાં જ હોય. હા, એ તમને જે સલાહ સૂચન આપશે એ જરૂર ત્યારે તમને કડવા લાગશે! પણ એ જ સલાહ, સૂચન તમારા જીવનમાં એક ઔષધી રૂપે તમારૂ ધડતર કરશે!”
પૂજાના આ મેસેજથી સવિતાબેન ગળગળા થઇ જાય છે.

“સવિતાબહેન, તમારે શું કહેવું છે તમારી વહુ વિષે?”
“હું તો શું કહું આગળ, એ જ્યારથી પરણીને આવી છે. ત્યારથી આ ઘરની તમામ જવાબદારી એને સંભાલી લીધી છે. તમામ પ્રકારના વ્યવહારો પણ એ જ સંભાળે છે. મારી દીકરીને એની સાસરીમાં અન્યાય થયો હતો. મારી દીકરીએ પૂજાને કહ્યું બધું રડતા રડતાં ત્યારે, અમને ઘરમાં કોઈને કશી ખબર પણ પડવા ન દીધી. ને એની સૂઝબૂઝથી મારી દીકરીનું ઘર તૂટતું બચાવી લીધેલું. હું મારા અનુભવોથી એને શીખવું બધું….એ એની આવડતથી મને શીખવે બધુ……જમાનો બદલાયો છે તો પરિવર્તન લાવવું પણ જરૂરી હોય છે….નવા જમાના પ્રમાણે એને ઘરની રહેણી કરણીમાં બદલાવ લાવ્યો. મારા પહેરવેશમાં પણ ક્યારેય મને ટકોર કરે હો….એ ઉપરાંત હું ન્યુઝ ઓછા જોતી….તો એને મને સમજાવ્યું કે, હાઉસવાઈફ છીએ તો શું થયું મમ્મી?, આપણે પૂરા વિશ્વમાં બનતા બનાવોથી સતત અપડેટ રહેવાનું. અંગ્રેજી બોલતા,લખતા ને વાચતા શીખવ્યું. કોમ્પ્યુટર શીખવ્યું….માટે એ મારી વહુ કમ ગુરુ છે.”

સવિતાબેનની આ વાત સાંભળીને પત્રકાર મહિલાઓ સહીત સાથે આવેલી ટીમ પણ ખુબ ખુશ થઇ . ઇન્ટરવ્યૂ પૂરૂ થયું…..ને સમાજમાં મિડીયા દ્વારા એક નવો જ મેસેજ સામે મુકવામાં આવ્યો.
“આપનો સમાજ હાઉસવાઈફને એક અલગ રીતે જોવે છે. ને વર્કિંગવુમન પ્રત્યે પણ અલગ વિચારો રાખે છે. માટે આ સમાજને પણ અમારા વતી નિવેદન છે કે, હાઉસવાઈફનાં વિચારો એમની લગન , ધગશ એ કોઈ વર્કિંગ વુંમનથી કમ નથી.”

સવિતાબહેનમાં સાસુપણું નથી, પૂજાબહેનમાં વહુપણું નથી. જ્યાં ઈગો, અહમ ને સ્વાર્થ છે ત્યાં આ બધું છે.
માટે ચાલો આપણે પણ સૌ આપણા જીવન જીવવામાં જે નાટકનું પાત્ર ભજવવાનું થાય તે નિસ્વાર્થ ભાવે ભજવીએ ને જીવનમાં કોઈના આદર્શ બનીએ. કોઈનાં પ્રેરણાદાયી બનીએ!

લેખક : તૃપ્તિ ત્રિવેદી

શેર kઆરો આ રસપ્રદ વાત તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી