ભ્રમ – MBA એટલે મને બધું આવડે.. શું ખરેખર તમને બધું આવડે છે….

ભ્રમ

“વાયકજાળમાં ઘૂચવી મરે,
અખા તું જ્ઞાનીનું કહ્યું કેમ કરે?.
જ્ઞાનીને તે સર્વે ફોક,
બ્રમ્હ લગી કલ્પ્યા લોક.
તેની વાત ન જાણે ગૂઢ,
‘અખા’ ગુરુ થઈ બેઠો મૂઢ.”

                                        – અખો

અખાએ એનાં છપ્પામાં અજ્ઞાની હોવાં છતાં પોતાને જ્ઞાની બતાવી ગુરુ બની બેઠેલ લોકો પર કટાક્ષ કર્યો છે. તે કહે છે કે, જે જ્ઞાની છે તે પોતાનું અજ્ઞાન છુપાવવા માટે ખોટા જ્ઞાની હોવાનો દાવો કરતાં ફરે છે અને જે જ્ઞાની છે તે હંમેશ માટે મૌનને જ ધારણ કરી લેતાં હોય છે.

‘અજ્ઞાનીના વળી ઓરતાં હોય!’

જેની પાસે સાચી જ્ઞાનની સિદ્ધિ છે તેનો થોડો પ્રચાર કરવાનો હોય!.
જે પ્રચાર કરે છે તે અધુરા જ્ઞાનના ભરેલાં ઘડાં જેવા હોય છે. ગમે ત્યાં, ગમે ત્યારે પોતાનાં અધૂરપ ભર્યા જ્ઞાનને છલકાવતાં જતાં હોય છે.

આજકાલ જોઈએ છીએ કે, જો કોઈપણ વ્યક્તિ ખાલી નાનું એવું સર્જન કરશે કે સંશોધન. એ ઢોલ વગાડી વગાડી ને ઢંઢેરો પીટશે જ. હવે આવી વ્યક્તિને શું સમજવી?

‘એને કોણ સમજાવે કે, તું જેને સર્જન કે શોધ કહે છે, એ તો યુગોનાંયુગો પહેલાં થયેલું જ છે. તે તો ખાલી લીટા કર્યા છે.’
આમ જોઈએ તો આજનો માનવી ખરેખર એક ખોટા વહેમમાં જીવે છે. કે તે સ્વતંત્ર વિચારધારા ધરાવતો માનવી છે.
‘ભલે એ ટેકનોલોજીના ઉપયોગ વડે એવું સાબિત કરતો ફરે કે, દુનિયા એનાં ખીસ્સામાં છે’.

પરંતુ એ એ નથી સમજતો કે એને જે સ્વીકાર્યું છે એ સ્વતંત્રતા નથી પણ, પરાધિનતા છે. જેનાં હિસાબે તું ગુમાનમાં ફરે છે. એ જ તારું બંધન છે. તો ક્યાંથી તું સ્વતંત્ર?


“ઓશોએ કહ્યું છે કે, માણસની સ્મૃતિ એ એક યંત્ર જ છે. તે એક મશીન છે. જો તમે ગીતા વાંચો તો એ તે યાદ રાખશે. જો તમે ઈતિહાસ વાંચશો તો તે ઈતિહાસને યાદ રાખશે. અને જે યાદ રહે છે એ એક સ્મૃતિ છે અને એટલે જ સ્મૃતિ એ એક સંગ્રાહક મશીન કહેવાય.જે સંગ્રાહક યંત્રમાં છે એને જો જ્ઞાન સમજી બેસે તો એ સંગ્રાહક જ્ઞાન માનવીનાં મગજને આગળ વિચારતું અટકાવી દેશે.”

કોઈ વ્યક્તિ થોડાં પુસ્તકો વાંચવાથી કે થોડી વધારે દુનિયા ફરી લેવાથી ક્યારેય સંપૂર્ણ જ્ઞાની તો ના જ બની શકે! માનવી જન્મથી લઈને મૃત્યુ સુધીનાં સમય દરમ્યાન અખૂટ જ્ઞાનનો ભંડાર પોતાનાં મનમાં સમાવી લે તો પણ તે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. આ એક સત્ય છે જે સ્વીકારીને ખોટાં ભ્રમમાંથી મુક્ત થવું જોઈએ.

જો કોઈ વ્યક્તિ એવો દાવો કરે કે, એ સંપૂર્ણ જ્ઞાની છે. ત્યારે આવો દાવો કરનાર વ્યક્તિએ એકવાર ખુદની ભીતર થોડાક પ્રશ્નો ખુદને પુછવા જોઈએ. જો તેનો સાચો જવાબ આપી શકો તો તમે સંપૂર્ણ જ્ઞાની.

‘હું કેવી રીતે જન્મ પામ્યો? શું એમાં મારી મરજી હતી?’

બસ આ બે જ પ્રશ્નનો જવાબ જો તમને મળે તો તમે સંપૂર્ણ જ્ઞાની!.

જો આપણા હાથમાં જન્મ લેવાનો અધિકાર હોત તો કોઈ મોદીજી એકલાં ન હોત!…….હા ….હા…. હા…. સાચું ને ? આપણે જન્મ જ લેવો છે તો શા માટે કોઈ જેવાતેવાં ના ઘરે જન્મ લેવો.

ખુદની ભીતર કેટલું અજ્ઞાન ભરેલું છે. એનો સ્વીકાર કરતાં શીખવું જોઈએ. પરંતુ આપણને સ્વીકાર કરતાં ક્યા આવડે છે?

આપણે તો હાથ, પગ ને હૈયા વગરની કલ્પનામાંથી ઊચા જ ક્યા આવીએ છીએ.

ઘણી જગ્યાએ જોયું છે કે વ્યક્તિ પોતે ખોટો હોવાં છતાં પોતાની વાતને સાબિત કરવા માટે એ વસ્તુના ફોટાં પાડીને મૂકશે. પછી પોતે જ સાચો છે. એવું સાબિત કરી પોતે સારો જ્ઞાની છે એ ભ્રમમાં રહેવાં લાગશે.

પણ, તું કોઈ બીજાનાં જ્ઞાનને કારણે જ્ઞાની બન્યો. જે તે ફોટો બતાવ્યો એ વિચાર તો કોઈ અન્યનો છે. એ લખનારના દૃષ્ટિકોણ મૂજબ જોઈએ તો એ બરોબર હશે. પણ કોઈ અન્ય એનાં દૃષ્ટિકોણ પ્રમાણે એ બરોબર ના પણ હોઈ શકે. તો શા માટે આપણે કોઈ અન્યનાં વિચારોથી કે અન્યની કલ્પનાથી જ્ઞાની બનીએ.

‘શું આપણે એટલાં પણ વિચારશીલ નથી કે આપણે આપણા પૂરતું જ્ઞાન ના મેળવી શકીએ?, આપણે બીજાનાં વિચારો પરજ ચાલ્યાં કરવાનું? ક્યા સુધી?’

જ્ઞાની બનાવા માટે દ્રશ્ય અને શ્રાવ્ય રીતે જાગૃત રહેવું પડે. એનાં માટે કોઈ ગ્રંથોને વાંચવા જરૂર્રી નથી. અનુભવથી પણ જ્ઞાની બની શકાય છે.

જ્ઞાન હંમેશા જોડાવાનું કામ જ કરે, જ્યારે કોઈ તોડવાનું કામ કરે ત્યારે સમજી લેવું કે, આ વ્યક્તિ ભલે મહાન કહેવાય પણ દુનિયાનો મહા મુર્ખ, અજ્ઞાની છે.

એ પણ સત્ય છે કે જીવન જીવવા માટે ભ્રમમાં રહેવું ઉતમ છે. જે જે વ્યક્તિ ભ્રમમાં જ રહ્યાં તે તે વ્યક્તિ સરસ જીવન જીવી ગયાં છે. ક્યારેક ભ્રમમાં રહેવાથી વ્યક્તિ વધારે આત્મવિશ્વાસુ બની જતો હોય છે. તો ક્યારેક નિરુત્સાહી પણ બનાવી દે!.

“માણસ એટલે સતત ભ્રમમાં રહેનાર વ્યક્તિ.”
સમગ્ર જીવન દરમ્યાન વ્યક્તિ જેટલી વાર આંખનાં પલકારા અનુભવે તેટલીવાર વ્યક્તિ ભ્રમિત થયાં કરતો હોય છે.

||અસ્તુ||

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ આવી અવનવી માહિતી અને પ્રેરણાત્મક પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી