જિંદગીમાં મળતી હરેક પળને  અનુકૂળ કેવી રીતે બનાવવી? આ પ્રશ્ન તમે તમને ક્યારેય પૂછ્યો છે ?

 

“પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છે,

રહેવા દે ફૂલોની વાત, રઘવાયો છે !

માણસભીની મહેક નથી પણ અફવાઓ છે,

માણસ, માણસ વચ્ચે માણસ ખોવાયો છે !”

– શ્યામ સાધુ

કવિશ્રી શ્યામ સાધુએ એમની ગઝલમાં સુંદર વાત કરી આજે માણસ માણસની વચ્ચે ભીડમાં રહે છે છતાં આજે માણસ ખુદ ખોવાયો છે.

એકવાર ખુદ વ્યક્તિએ પોતાની જાતને જ પૂછી જોવે તો જ ખ્યાલ આવશે કે સાચે તમે ક્યાં છો! સાચે જ એકવાર પોતાની જ જાતને પૂછજો!

ચાલો મિત્રો આપણે આપણી જ જિંદગીમાંથી અમુક એવી ક્ષણોને સમજીએ જેનાથી આપણે આપણી જ લાઈફથી આપણા જ મનથી ક્યાય ખોવાઈ ના જઈએ.

વ્યક્તિ માટે સૌથી મોટો પુરસ્કાર હોય તો તે તેનું જીવન જ છે. જો તે સારી રીતે પોતાની જિંદગી માણી શકે છે. એની પોતાની લાઈફથી ખુબ હેપ્પી છે. એની ફેમીલી એનાથી ખુબ સંતુષ્ટ રહે છે. બસ, એ જ એનાં જીવનનો સૌથી ઉતમ પુરસ્કાર. કારણ કે, જો દુનિયાનો સૌથી બેસ્ટ પુરસ્કાર મળશે તો એની ખુશી બસ અમુક દિવસો સુધી જ સીમિત હોય છે. પણ પરિવાર સાથેની ખુશી અંતિમ શ્વાસ સુધી સાથ નથી છોડતી.

જે વ્યક્તિને આ પુરસ્કારને પામવો છે તો એનાં માટે એને બસ એક જ કામ કરવાનું છે. મનથી ખુબ પ્રસન્ન રહેવું. જે કોઈ કામ કરો તેને દિલથી કરવું. દિલથી કરેલ કામનો ક્યારેય થાક લાગ્યો હોય એવો અહેસાસ તો નહિ થાય. પણ, તમે એ કરેલ કામથી ખુબ પ્રસન્ન થશો! અને જો તમારું મન પ્રસન્ન રહેશે તો અને તો જ તમે તમારી ફેમિલીને આનંદમાં રાખી શકશો!

જેનો જેનો જન્મ થયો છે. તે સૌ જન્મથી જ કોઈ ને કોઈ કામ સાથે લઈને જ જન્મ્યા છે. જેને કામ જ કરવું છે એનાં માટે એના માટે તો મંદી, નોટબંધી કે જી.એસ.ટી પણ ત્યોહાર જેવું જ રહે છે. જે વ્યક્તિએ નક્કી જ કર્યું છે કે કોઈપણ ભોગે મારે કામ ને મહત્વ આપવું છે એનાં માટે વિશ્વનાં કોઈપણ દેશમાં જશે તો ત્યાં પણ કોઈ જ કામની કમી પ્રતીત નથી થતી હોતી.

આ જિંદગી નદીમાં ચાલતી નાવ સમાન છે. જેવી રીતે નદીમાં ચાલતી નાવને અનેક બધાઓનો સામનો કરવો પડે છે, એમ જ આ સંસાર સાગર પાર કરવામાં પણ ચારે તરફથી અડચણ આવ્યાં જ કરે છે.બસ, એ જ અડચણોમાંય અમુક એવી ક્ષણો પણ આવતી હોય છે જે આપણને ખુશ રાખવામાં અનુકૂળ બની રહે છે. ફક્ત વ્યક્તિને એ ક્ષણ ઓળખતાં આવડવું જોઈએ.

મુંબઈમાં બોરીવલી વિસ્તારમાં એક સિયા નામની છોકરી રહેતી હતી. ખુબ ખુશ હતી એનાં જીવનથી. પણ એક દિવસ અચાનક જ એનાં જીવનમાં આભ તૂટી પડ્યું. એનો ઉછેર કરતી એની માતાનું ટ્રેન અકસ્માતમાં આકસ્મિક મોત થયું. એનાં જીવનનો માત્ર એક સહારો એની મા એક જ હતી. હવે ભગવાનને એ આસરો પણ એની પાસેથી છીનવી લીધો હોય એવું લાગ્યું.

હજી સિયાની ઉંમર માત્ર અગિયાર વર્ષની માંડ હતી. શરૂઆતના સમયમાં આજૂબાજૂમાં રહેતાં લોકોએ માનવતા ધર્મને નાતે એને કોઈને કોઈ જમવાનું આપી જતાં. પણ એ લોકો પણ આટલી નાની સિયાને ક્યા સુધી મદદ કરી શકવાના હતાં!

આખરે એક દિવસ સ્વાભિમાની નાનકડી સિયાએ વિચાર્યું, કે ક્યા સુધી હું આમ બીજાના આશરે રહું? પછી એણે બધા પડોશી લોકોનાં કપડાં પ્રેસ કરવાનું વિચાર્યું. એણે એનાં ઘરની બહાર બોર્ડ પણ લગાવી દીધું કે, “સાવ સસ્તા ભાવે અહિયાં ઈસ્ત્રી કરી આપવામાં આવશે.”

જેણે જેણે આ બોર્ડ વાંચ્યું એ સૌને નવાઈ લાગી. પણ કોઈ કશું બોલ્યું નહિ!

આજુબાજુ વાળાં એની મદદ માટે એને પોતાનાં કપડાં પ્રેસ માટે ત્યાં જ આપવા લાગ્યાં. એ રાત્રે આવેલ કપડાં પ્રેસ કરતી ને દિવસે પોતાનાં અભ્યાસમાં ધ્યાન આપતી. આમ ને આમ એનું પોતાનું ગુજરાન એ ચલાવવા લાગી. ભણવામાં પણ પૂરતું ધ્યાન આપતી.

ક્યા વર્ષો વીત્યા તેની એને પણ ખબર ના પડી. અત્યારે એ જ સિયા ફેશન ડીઝાઈનર બની ચૂકી છે. પણ તેનો એ પ્રેસ વાળો બીઝનેસ હજી ચાલુ જ રાખ્યો છે. ફર્ક એટલો કે અત્યારે એ બિઝનેસમાં એનાં જેવી જ નિરાધાર બીજી પચીસ સિયાનો એ આધાર બની ચૂક્યું છે.

મિત્રો સીયાએ એનાં જીવનમાં જે દુઃખ હતું એને શાંતિ ને ધૈર્યથી પચાવીને પણ એ દુખનેય એનાં માટે અનુકૂળ બનાવ્યું. તો શું આપણે આપણી ખુદની જિંદગીને આપણા માટે અનુકૂળ ના બનાવી શકીએ?

જિંદગી એવી રીતે જીવો કે, તમે ખોવાઈ નહિ પણ છવાઈ જાવ!

||અસ્તુ||

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી 

વિચાર લેખ કે વાર્તાઓ રોજ તમારા મોબાઈલમાં વાંચવા માટે લાઇક કરો અમારું પેજ :     ” જલ્સા કરોને જેંતીલાલ” 

 

 

ટીપ્પણી