ટ્રેઈન અને સ્ટેશનની હાજરી એ થતા સાચા પ્રેમની કહાની….

અરે! આપ તો સુનિલ હૈ ના?..

અરે! આ તો કોઈ જાણીતો અવાજ છે;અને ચહેરો પણ..

પણ, કોણ છે આ?

હા,..હા…આ તો સોનલ જ છે!

પણ, કોણ સોનલ?

નંબર એક; હાજર સાહેબ;
નંબર બે;હાજર સાહેબ;
નંબર ચોવીસ; પ઼ેઝન્ટ સર..

હા..હા..”સોનલ” એટલે ગામના પેલા સ્ટેશન માસ્તરની છોકરી…. “સોનલ” એટલે પેલી છોકરી, જેને ગુજરાતી નહોતું આવડતું, અને હા,,,સોનલ, એટલે પેલી છોકરી જેને સુનિલ.. ………

અઢાર વર્ષ ; ના.. ના; એ વાતને તો કદાચ પુરાં ઓગણીસ વર્ષ વીતી ગયાં ને આમ અચાનક સોનલ આજે જયપુર રેલ્વે સ્ટેશન પર સુનિલ ની સામે આવીને ઉભી હતી..

અરે!આપ તો સુનિલ હૈ ના?
મૈં,..મૈં..સોનલ,વો આપકે ગાઁવ કે સ્ટેશન માસ્તરકી બેટી,અરે,..હમ દોંનો પાંચવી સે બારવહીઁ તક એક હી ક્લાસમેં સાથ સાથ પઢતે થે…અબ યાદ આયા કુછ?

સુનિલનું હૃદય તો જાણે બે ધડી ધબકારા જ ચુકી ગયું છે..

હા ,.. યાદ છે,સુનિલને બધું બરાબર યાદ છે..

તડકો ગમે તેટલો પડે,પણ, ધરતીના ઉંડાણે પેલો ભેજ તો અકબંધ રહેવાનો જ..

સુનીલનું હિન્દી સાંભળી એ ખળખળાટ હસી પડતી;

“સુનિલ રહેવા દે,હવે તો મને પણ સારુ એવું ગુજરાતી આવડે છે,પાંચમા ધોરણથી તમારી જોડે ભણું છું.”….

સુનિલ દર રવિવારે ગાડી જોવાના કે રમવાના બહાને એના ભાઇબંધ રાકેશની સાથે રેલ્વે સ્ટેશન પર પહોંચી જતો અને ત્યાંથી ઉભા ઉભા જ સુનિલ એ રેલ્વે ક્વાર્ટર્સની સામે જોઇ રહેતો.

રાકેશ બરાબર અકળાઇને કહેતો “અલ્યા ગાડી તો ગઇ,હવે તો ચાલ ધેર”

છેવટે બીજાં પાંચ વર્ષે રાકેશને સમજાયું કે ,ગાડી જોવાનું તો સુનિલનું માત્ર બહાનું હતું ,વાસ્તવમાં સુનિલ ની નજરતો પેલાં રેલ્વે ક્વાર્ટર્સ પર જ મંડાયેલી રહેતી જ્યાં સોનલ રહેતી હતી

આ પુરુષની જાત પણ ભારે અટપટી; આમ તો જાણે હરતી ફરતી દિલફેંક આશિકીની જથ્થાબંધ દુકાન,પણ, જ્યાં દિલથી વેપલો માંડે ત્યાં ખાતાવહી માં આખે આખી જાત ઉધાર ચીતરી દે;

ક્યારેક બસની બારીમાંથી ફુંકાતા પવને વિખરાઇ જતા સોનલના વાળમાં જઇ એ ગુંથાઇ જતો , તો ક્યારેક એના જમણા ગાલ પર ના કાળા તલ પર એ પૂર્ણવિરામ બની ઓગળી જતો. ક્યારેક એના નજીવા સ્પર્શ ના સ્પંદને એ મહેંકી ઉઠતો ને ક્યારેક પેલી ત્રાંસી નજર ની ચોરી રંગે હાથ પકડાઇ જતાં એ લજામણીની માફક શરમાઈ જતો. રોજની મુલાકાતોની સુગંધ ઓઢીને સૂઇ જતો અને નવી મુલાકાતના ટહુકે એ ટહુકી ઉઠતો..

એકવાર તો એણે હિમ્મત કરી જ નાખેલી ” સોનલ મુજે તુમકો કુછ કહેના હૈ ”

” સુનિલ તારે જે કહેવું હોય તે ગુજરાતીમાં જ કહેજે. મને તારા હિન્દીમાં જરાય ટપ્પી નહી પડે ” આટલું બોલી એ ખળખળાટ હસી પડેલી.

સુનિલની હિમ્મત તો જાણે પાણી પાણી થઈ સોનલના ગાલે પડતા ખાડામાં જઈ સમાઇ ગયેલી, સોનલ ક્યાંય સુધી હસતી રહી અને સુનિલ માથું ખંજવાળતો એની સામે તાકી રહ્યો..

અજીબ દાસ્તાઁ હૈ યે, કહાઁ શુરુ, કહાઁ ખતમ.. યે મંજિલે હૈ કૌનસી!ના વો સમજ સકે ના હમ.

તો શું સોનલ પણ સુનિલને?…..

હા….સોનલ પણ…

 

અરે!,સોનલને તો બરફની જેમ પીગળી જવું હતું.ગાંડીતુર નદીના ધસમસતા પ઼વાહની માફક સુનિલના વ્યક્તિત્વમાં ભળી જવું હતું.સુનિલ જો એકવાર હાથ લાંબો કરે તો આખે આખું આયખું એને પધરાવી દેવું તું.સોનલને તો રાજસ્થાની મટી પાક્કી ગુજરાતણ થવું તું અને હા, સુનિલનું હિન્દી પણ ઠીક કરવું હતું.
પણ, આ તો હથેળી માં જામેલાં ઝાકળબિંદુ; મુઠ્ઠી બંધ કરો તો લુછાઇ જાય ને ખુલ્લી રાખો તો સુકાઇ જાય . પાંપણ પર પાંગરેલી હરીયાળી; આંખ ખુલે ને રણ વિસ્તરતું જાય..

“પર પપ્પા મુઝે અપના એક્ઝામ તો પુરા કરને દો” સોનલ કચવાતા મને બોલી;

“બેટા,અભી તો પુરે દો મહીને બાકી હૈ તુમ્હારી એક્ઝામ કે,ઔર તબ તક તો યે રિશ્તા હાથ સે નિકલ જાયેગા ઔર વૈસે ભી બહોત પઢાઇ કર લી તુને ” સોનલ ના પપ્પાના અવાજમાં કડકાઈ હતી..

“પર પપ્પા” સોનલ કંઇક કહેવા જાય એ પહેલાં તો એના પપ્પા જોરથી તાડુક્યા..

“પર બર કુછ નહી, પરસોં સુબહ વાલી ટ્રેનસે હમ અપને ધર જયપુર જા રહે હૈ. લડકે વાલે વહી આ રહે હૈ તુમ્હે દેખને. અગર સબ કુછ ઠીક રહા તો દો તીન મહીનોંમેં તુમ્હારા બ્યાહ ભી કરવાના હૈ, ઔર અચ્છી બાત તો યે હૈ કી પંદ઼હ દિનોંમેં મેરા ટ્રાન્સફર ભી જયપુર હો રહા હૈ .તુમ્હારે દાદા કા અબ કોઈ ભરોસા નહી રામ, જાને કબ….

ઘર ભલે સરકારી ક્વાર્ટર્સ જ હોય પણ જ્યાં બાળપણ થી જવાનીના પહેલા પડાવ સુધીની સફર ખેડી હોય એ ઘરમાં ચણાયેલી લાગણીઓ એમ શીદ છૂટશે?એ ઘરની દિવાલો પર પડેલા ધબ્બાઓમાં અવનવી કાલ્પનિક આકૃતિઓ ઉપસાવવાની એની આદત નું હવે શું ? ધૂળ તો બધે ય હશે, પણ,જે ધૂળમાં એ ચકલીનું ઘર બનાવતી એ ઘરના આંગણાની ધૂળ હવે ક્યાંથી લાવશે? આંગણામાં ઉભેલા આ લીંમડાની ખોટ સામે તો એને આખું જંગલ ધરી દો તોય એની ખાતાવહી માં આ લીંમડો તો આખે આખો ઉધાર જ નિકળશે ! સવાર સાંજ આવતી જતી આ ટ્રેનોની સિસોટીઓ સાંભળવા ટેવાયેલી પોતાની જાતને ટ્રેન થી અળગી કેમ કરશે? ને જેની પાસે પોતાનો જીવ ગીરવે મુક્યો છે એ સુનિલનું લેણું સોનલ કેમ ચુકવશે? માણસને પોતાની વાસ્તવિક જીન્દગી કરતાંય એણે અંતરના એકાંતે રચેલી કલ્પના સૃષ્ટિ વધારે વ્હાલી હોય, પણ, દૂનિયાદારી જ્યારે બરાબર કાન પકડી વાસ્તવિકતાનું ભાન કરાવે ત્યારે પીડા થાય.

સુનિલની નસોમાં ફરતું લોહી જાણે થીજી ગયું, પણ આ તો “ભવની ભવાઇ”અહીં “રાત ટુંકીને વેશ ઝાઝા”એક કીરદારમાં માંડ રંગ જામ્યો હોય ત્યાં એક નવો વેશ ધરી રંગમંચ પર પ઼સ્તુત થવું પડે.એક પાત્રની વ્યથાનો જરી સરખો અણસાર પણ નવા પાત્ર પર પડે તો ભવાઇ લજવાય,ભવાઇનો વેશ લજવાય…

અરે વાહ સોનલ! તારાં લગ્ન છે? મને કંકોત્રી આપીશ ને? કાલે સવારે જો હું વહેલો ઉઠીશ તો ચોક્કસ સ્ટેશન પર આવીશ, તને બાય, બાય કરવા ” ચહેરા પર જામેલાં વિષાદનાં વાદળો હટાવવા મથતો સુનિલ પરાણે હસી રહ્યો હતો..

ભીડમાં એકલતા ડંખે,
ને એકાંતે પડધા ઝીલાય.

ધુમાડે મેઘધનુષ ઉમટે ,
ને પાણીમાં રંગોળી સર્જાય.

બંડ પોકારુ તો બદનામ ,
ને જીરવી જાણું વિરહ, તો ગઝલ થઈ જાઉં.

ગૌણ છે જ્યાં આ મિલન, આ મુલાકાતો,
ત્યાં યાદો જ મહોત્સવ બની જાય..

આ નજાકત તો ઉમ઼ ભર નહી મળે,
પછી તો ભલે, મધુવન આખ્ખું ધેરી વળે.

ને વળી શું કામ ડરું હું, વિરહથી તમારા? જુઓ, મારી તો ચોતરફ તમારી જ ભીડ છે..

વાદળોના અંતરાયને ચીરતાં સૂર્યનાં ત્રાંસાં સોનેરી કિરણો વહેલી પરોઢે વિરહની આ ઘડીનાં સાક્ષી બનવા આવી ચડ્યાં.એક નાની કાળી ડીબાંગ વાદળી આગળ વધતા સમયને જાણે પોતાની બાહુપાશમાં કેદ કરવા મથતી હોય તેમ સૂરજને ઢાંકવાનો અમથો પ઼યાસ કરી રહી હતી. આખી રાત ઠંડીમાં ઠુંઠવાઇને નિસ્તેજ થઇ ગયેલાં ઢોર-ઢાંખર સવારના ચારા માટે ભાંભરી રહ્યાં હતાં. સમી સાંજથી જ માળામાં લપાઇ ગયેલાં પંખીઓ આળસ ખંખેરી ચણની શોધમાં લાંબી મજલ કાપવાની તૈયારી કરી રહ્યાં છે. વાતારણમાં ભળતો પંખીઓનો મધુર કલરવ પણ આજે તો હૈયે અગન વર્ષા વરસાવી દઝાળી રહ્યો હતો .કામકાજ અર્થે જેમણે શહેર જવાનું છે એવા ગામ લોકો ઉતાવળે પગલે રેલ્વે સ્ટેશન તરફ પગ માંડી રહ્યા હતા. .શૂન્યાવકાશમાં સરી પડેલું સુનિલનું અસ્તિત્વ મંદિરમાં થતી સવારની આરતીના ઢોલ નગારાંના તાલે સફાળુ જાગી ઉઠ્યું; સુનિલે ઝડપભેર સાયકલ પર સવાર થઈ રેલ્વે સ્ટેશનની દિશાએ આગળ વધવા માંડ્યું; ઉબળ ખાબડ રસ્તાઓ ઉલેચતી સાયકલ રેલવે સ્ટેશનની દિશાએ આગળ વધી રહી હતી ત્યાં, સુનિલને ટ્રેન ઉપડવાનો અંદેશો વર્તાવા લાગ્યો. સુનિલે ત્વરાથી સાયકલ ફાટકની દિશામાં ચલાવવા માંડ્યું.ટ્રેન ધીમી ગતિએ સુનિલની નજર સામેથી પસાર થઇ રહી હતી.સોનલને છેલ્લી ઘડી દુરથી નિહાળવાની સુનિલની ઇચ્છા પર ટ્રેનની બંધ બારીઓએ પૂર્ણવિરામ લગાવી દીધુ. પોષ મહીનાની કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા મુસાફરોએ ટ્રેનની બારીઓ ચુસ્ત રીતે બંધ કરી દીધી હતી…
ટ્રેનના ધુમાડામાં ઓગળતી સોનલની છબીને સુનિલ ભગ્ન હ્રદયે તાકી રહ્યો .પાટાઓનો ખાલીપો સુનિલને ઘેરી વળ્યો .સુનિલની પાછળ પાછળ આવેલી પેલી કાળી ડીબાંગ વાદળી સુનિલનાં આંસુઓમાં માવઠું બની ભળી ગઈ . સુનિલના મુખ માંથી અનાયાસે જોરથી “સોનલ…સોનલ..” સરી પડ્યું. પેલી વાદળીએ દિલાસો આપતી હોય તેમ એવી તો જોરદાર ગર્જના કરી કે એનો કડાકો ક્યાંય સુધી હવામાં ગુંજતો રહ્યો .

“મૈં..મૈં ..સોનલ, વો સ્ટેશન માસ્ટર કી બેટી” ઓગણીસ વર્ષે સોનલ સુનિલની સામે આવી ઉભી હતી. સોનલના ચહેરા પર કાતિલ સમયનાં જામેલાં પડ ઉકેલવા સુનિલ મથી રહ્યો હતો.એની ઉંડી ઉતરી ગયેલી મોટી મોટી આંખો નીચે જામેલાં કાળાં કુંડાળાં,એનો સાવ નંખાઇ ગયેલો નિસ્તેજ ચહેરો અને એનુ કોરુ ધાકોર કપાળ , સેંથી અને સાડીનો રંગ એની સાથે ઘટેલી કોઈ અમંગળ ધટનાની ચાડી ખાઇ રહ્યાં હતાં,

“સોનલ! ઐસા હાલ ક્યું?” સુનિલના મનમાં એક સાથે આવા તો કેટલાય સવાલ ઉમટી પડ્યા…

“શાદીકે તીન મહીને બાદ હી ઉનકા એક્સીડેન્ટ હો ગયા ઔર વો…” સોનલનો ચહેરો વધારે ગમગીન થઈ ગયો…

સુનિલ; “પર તુમને દુસરી શાદી ક્યું નહી કી”

સોનલ; “નહી સુનિલ,હમારે યહાં બેવાકી દુસરી શાદી નહી હોતી,ઔર સચ કહુ તો મેરા મન ભી કભી દુસરી શાદી કો લેકર રાજી નહી થા,ઔર અબ તો પપ્પાકે ગુજર જાને કે બાદ માઁ કો અકેલા છોડનેકી સોચ ભી નહી સકતી.ખૈર,મેરી છોડો ઔર અપની સુનાઓ.તુમને કિતને બચ્ચે પૈદા કર લીયે?” સોનલની રમૂજવૃતિ અને એના જમણા ગાલ પર પડતું ખંજન હજીય અકબંધ હતું….

સુનિલ; ” બચ્ચે?, બીના શાદી કે બચ્ચે પૈદા કરનેકી કોઇ તરકીબ હોતી તો શાયદ દસ બારહ બચ્ચે પૈદા કર હી લેતા”

સોનલ; ” પર તુમને ક્યું અબ તક શાદી નહી કી?”

અષાઢ મહીનો વીતી જવા આવ્યો પણ, ગરમીનો પ઼કોપ હજી યથાવત હતો. બે ત્રણ વાર તો ઘનઘોર વાદળો ચઢીને આવેલાં પણ હાથતાળી આપી ચાલી નિકળેલાં. ગરમ પવનના સુસવાટા પ્લેટફોર્મ પર આમ તેમ ફંગોળાઇને શમી જતા હતા.ચિક્કાર ભીડ, પેસેન્જરોનો કોલાહલ,ફેરિયાઓના ઘાંટા, ટ્રેનોની અવર જવર અને રેલ એનાઉન્સમેન્ટનો
કાનના પડદા ફાડી નાખે તેવા ઘોંઘાટ વચ્ચે જાણે સોનલ ઓગણીસ ઓગણીસ વર્ષની એકલતા અને વિરહની વ્યથાનો હિસાબ માંગી રહી હતી.”તુમને અબ તક શાદી ક્યું નહી કી? ”

સુનિલ; ” શાયદ કિસ્મતકો તુમ્હારે અલાવા કીસી ઔર સે મેરી શાદી મંજૂર નહી થી”
વાતારણમાં જાણે અણધાર્યો પલટો આવી રહ્યો છે.ઉત્તર દિશા માંથી આવેલી ઠંડા પવનની એક લહેર સોનલના ગાલને ધીમેથી સ્પર્શી હવામાં આંગળી ગઇ.એક કાળી ડીબાંગ વાદળી ધીમે ધીમે સુરજને એની મજબૂત બાહુપાશમાં જકડી રહી છે. પ઼કૃતિએ આજે જાણે પગે ઝાંઝર બાંધી મનભરી નાચવાનુ મન બનાવી લીધુ છે. વિજળીના એક જોરદાર કડાકા સાથે વસંતની સવારી આવી પહોંચી. પ્લેટફોર્મનાં પતરાં પર પડતો મુશળધાર વરસાદનો છન..છન..ધ્વની અને જોર જોરથી તાડુકતી વિજળીના પડધાઓ વચ્ચે સુનિલ સોનલની સામે લગ્નનો પ્રસ્તાવ મુકી રહ્યો છે “સોનલ,ક્યા મુજસે શાદી કરોગી?”પણ ત્યાં સુનિલની ટ્રેન ઉપડવાનો સમય થઈ ગયો.”યાત્રીગણ કૃપયા ધ્યાન દેં,જયપુર સે અહમદાબાદ જાને વાલી યોગા એક્સપ્રેસ અપને નિયત સમય પર પ્લેટફોર્મ ક્રમાંક ચારસે રવાના હોગી”….

સદીઓથી અતૃપ્ત રહેલી કોઇ તરસી ધરા આજે સોળ શણગાર સજી તરબતર થવા થનગની રહી હતી. સુકીભઠ્ઠ માટી જેમ પાણીના છંટકાવે મહેંકી ઉઠે તેમ સોનલનુ અંગ અંગ રોમાંચથી મહેંકી ઉઠ્યું.સોનલે ધીમેથી કહ્યુ “હા સુનિલ,હુ ગુજરાતણ બનવા તૈયાર છું,તારી અસ્સલ ગુજરાતણ”

સુનિલની ટ્રેન એના નિયત સમયે પ્લેટફોર્મ પરથી આગળ વધી રહી છે.એની અર્ધખુલ્લી બારીઓ માંથી વરસાદના પાણીને ઝીલતાં બાળકોના ખીલખીલાટ ચહેરાઓ વાંચી શકાય છે.
સોનલના ગાલ પરથી નિતરતી વાછટની એક બુંદ એના ગાલ પરના કાળા તલ પર આવી અટકી ગઇ છે.ખાલી પડેલા પાટાઓની વચ્ચે જમા થયેલા વરસાદી પાણીમાં મેધધનુષનો જાંબલી રંગ ઝીલાઇ રહ્યો છે.દૂર આકાશમાં પેલી કાળી ડીબાંગ વાદળીને જાણે આજે અમસ્તી મસ્તી ચડી હોય તેમ ગર્જી રહી છે . ટ્રેનની વ્હીસલનો સૂર હવામાં ફંગોળાઇ રહ્યો છે. …

લેખક : પ્રવીણ રાવલ

ખુબ સુંદર પ્રેમકહાની,  શેર કરો તમારા મિત્રો સાથે. વધુ વાર્તા માટે લાઇક કરો અમારું પેજ…

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block