‘ટોકન નંબર ઇકત્તીસ!’ – તમારી સાથે પણ આવું થયું છે ?

આ બફારામાં પણ છ બટનનો જોધપુરી કોટ પહેરી કાચના બારણામાંથી અંદર-બહાર થતો છ હાથ પૂરો હેન્ડસમ ‘હેડ વેઈટર’ મોટેથી બોલ્યો ‘ટોંક નંબર છબ્બીસ’. બહાર ફૂટપાથ પર પ્લાસ્ટીકની ખુરશીઓમાં બેઠેલા અને વારેવારે પગ બદલતાં-બદલતાં એક પગ ઉપર ઊભેલા પાંત્રીસ જણાનાં કાન સરવા થયા, ડોક લંબાઈ, આંખ મંડાઈ. એક ફમિલી લગભગ છલાંગ મારી બેઠું થયું. પરીક્ષાના પરિણામનો તાર ઉતાર્યો હોય કે દવાખાનામાં નર્સે બહાર આવી હસતા મોઢે ‘કોન્ગ્રેચ્યુલેશન, લડકા હુઆ હે’ કહ્યું હોય એવી ખુશી સાથે કાચના બારણામાં પેઠું.

આ તરફ ટોકન નંબર સત્યાવીસવાળા ભાઈએ એમની કંટાળેલી પત્નીને ‘હવે આપનો વારો’ એવા ઇશારાથી રાહત આપી. અમારા પેટમાંય ગલુડિયાં બોલતાં’તાં પણ અમે બીજા બધા સહનશીલ કુટુંબો સાથે ટળવતા બેસી રહ્યા. મારી નજર મોબાઈલમાં હતી પણ મારું ધ્યાન તો ખોલ-બંધ થતાં કાચના ડોર તરફ જ હતું.

અન્નકૂટના દર્શન વખતે બહાર ભૂખ્યાજનોને ટળવળતા જોઈ હરિના લોચનિયાં આંસૂભીના થયાની કવિતા મને યાદ આવી ગઈ. અમારો હરિ તો અમારી હાંસી ઉડાવતો હશે.

હાથમાં નોટપેડ લઇ બારણાં પાસે ઉભેલા હેડ વેઈટરને મેં દબાયેલા અવાજે પૂછ્યું, “કિતની દેર હે ભૈયા?” અમારો નંબર અને નામ ચેક કરી ને એ ઠંડા કલેજે બોલ્યો, “કમસે કમ પોના ઘંટા સમજકે ચલો, સા’બ!” પછી પણ હું પેલાને બે-ત્રણ વાર મારું ‘આજીજી’વાળું મોઢું બતાવી આવ્યો પણ એ નિષ્ઠુર મારી હારે ચાર આંખ મેળવે તો ને! થોડીવાર તો એમ પણ થયું કે સાલ્લું, આપણે ટોકન નંબર એનાઉન્સ થવાની રાહ જોતા આર.ટી.ઓ., કે પાસપોર્ટ ઓફીસમાં તો નથી ઉભાને!

રેસ્ટોરાંની અંદરથી ગળી વળીયારી ચાવતાં-ચાવતાં બહાર નિકળતા ચહેરાઓની તૃપ્તિ અમને દઝાડતી’તી. થોડી થોડી વારે ખુલતા બારણામાંથી એ.સી.ના ઠંડા પવન સાથે ‘પનીર પસંદ’ કે ‘દાલ તડકા’ની આવતી મિશ્ર સુગંધ ફેફસાને બદલે નાનાં આંતરડાંને ખીજાવતી’તી. કોઈ કોઈની સાથે વાત નો’તું કરતું, નો’તું કોઈ હસતું.

મારી બાજુમાં ઉભેલ એક કપલ ધીમા અવાજે અંદર-અંદર બાખડતું’તું…”મૈને તો બોલાથા ન ‘ઓનેસ્ટ’ મેં જાને કા? ફસ ગયે ન?” એક બહેન તો એવાં રિસાયેલાં હતાં કે મને થયું કે આવતા રવિવાર સુધી એનો ‘તોબરો’ નહીં ઉતરે! અમે પણ સત્તરમી વખત પાણી લીધું કે રવિવારે કોઈ દિ’ બહાર જમવા ન જવું. ઉપમા, બટાકા-પૌંઆ કે બ્રેડ-બટર ખાવાં કબૂલ પણ કોઈ રેસ્ટોરાંનું પગથિયું ચઢે ઈ બીજા! પણ બહાર જમવા ન જવું. સાચું કહું? બહાર પગથીયે અને પેસેજમાં અમે બધા ‘સારા કપડામાં સજ્જ’ રોજમદાર જેવા જ લાગતા’તા.

અને સાહેબ….‘ઇકત્તીસત્…અનુપમભાઈ’ એનાઉન્સ થયું ન થયું ને અમે અંદર ધસ્યા. અમારી પછીના ટોકન નંબર્સવાળા બહાર ખાવાના શોખીન કુટુંબોને બહાર પ્લાસ્ટિકની ખુરશીઓ પર નોંધારા મૂકીને અમે કાચના બારણામાં વિજય કૂચ કરી. અંદર દાખલ થતી વખતે મિલિટરીમાં કે એસારપીમાં જવાને બદલે અહીં ટોકન નંબર્સ એનાઉન્સ કરવા ઊભેલ પેલા કમનસીબ હેન્ડસમ હેડ વેઈટર સામે આછું સ્મિત વેરવાનો વિવેક હું ન ભૂલ્યો. અંદરનો એ જ માહોલ. કાચની પ્લેટ્સના અને ચમચીઓનાં ‘ખડિંગ ખાડાંગ’ અવાજો, હસાહસી, છોકરાંઓનો કલબલાટ અને બહારનું ખાવામાં મશગૂલ લોકો.

હેડ વેઈટરે અમને અમારું ટેબલ ચીંધ્યું ત્યારે અમારી ભૂખ અને સ્વમાન લગભગ મરી ગયાં’તા.

લેખક : અનુપમ બુચ

આ વિષય માં તમારા અનુભવો પણ જણાવજો !!

ટીપ્પણી