આજનો દિવસ- જયંતીભાઇ ઘેલાભાઈ દલાલ, શેર કરો અને જન્મદિવસની શુભકામના આપો…

? આજનો દિવસ :-

જયંતીભાઇ ઘેલાભાઈ દલાલ

? જન્મ :-
૧૮ નવેમ્બર, ૧૯૦૯
અમદાવાદ, ગુજરાત

? અવસાન :-
૨૪ ઓગસ્ટ, ૧૯૭૦
અમદાવાદ, ગુજરાત

? અભ્યાસ :-
બી.એ. (અધુરું)

? પ્રદાન :-
નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક

? વિશેષ-પ્રદાન :-
વિશ્વના ટોપ-ટેન પુસ્તકો માં જે પુસ્તક નો સમાવેશ થાય છે એ લીયો ટૉલસ્ટૉયના પ્રખ્યાત પુસ્તક WAR and PEACEનો તેમણે કરેલ ગુજરાતી અનુવાદ યુદ્ધ અને શાંતિ નામે કર્યો હતો.

? નાટક :-
ઝબૂકિયાં, જવનિકા, અવતરણ

? નવલિકા :-
જૂજવાં રૂપ, કથરોટમાં ગંગા, ઉત્તરા, અડખે પડખે, જયન્તિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ

? નવલકથા :-
ધીમુ અને વિભા

? કટાક્ષલેખો :-
મનમાં આવ્યું, તરણાની ઓથ મને ભારી

? રેખાચિત્રો :-
પગદીવાની પછીતેથી, શહેરની શેરી

? વિવેચન :-
કાયા લાકડાની માયા લૂગડાંની, નાટક વિષે જયન્તિ દલાલ

? સંપાદન :-
ધમલો માળી, ડાહ્યાભાઇ ધોળશાજીના નાટકો

? અનુવાદ :-
બળવાખોર પિતાની તસ્વીર, એશિયા પર આંધી, હેલન કેલરની આત્મકથા, નવો છોકરો, અંધારાની ધાર, ફોન્તામારા, અમેરિકન મહિલાઓ જેમણે પહેલ પાડી, આ અમેરિકા, સંસ્થાનવાદથી સામ્યવાદ, મુક્તિવેલ, દેહાતી ડોક્ટર, સામ્યવાદી ચીન

? તંત્રી :-
રેખા (માસિક), ગતિ (સાપ્તાહિક), નવગુજરાત (દૈનિક)

? સન્માન :-
રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૯)

? થોડું વધારે પણ અગત્યનું

પિતા ઘેલાભાઈ ‘દેશી નાટક સમાજ’ ના સંચાલક હતા તેથી આ ફરતી નાટક કંપનીને લીધે, એમનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળે થયેલું. ૧૯૨૫માં મૅટ્રિક થઈ ઉચ્ચ-અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં જોડાયેલા, પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાંની સક્રિયતાને કારણે ૧૯૩૦માં બી.એ.ના છેલ્લા વર્ષથી અભ્યાસ છોડયો. એ વખતથી આરંભાયેલી એમની રાજ્કીય કારકિર્દી, ૧૯૫૬ માં તેઓ મહાગુજરાતની લડતમાં જોડાયા અને પછી ૧૯૫૭માં વિધાનસભાના સભ્ય થયા ત્યારે શિખરસ્થાને પહોંચી અને ૧૯૬૨ માં તેઓ ચૂંટણી હાર્યા ત્યાં સુધી ટકી ને નોંધપાત્ર રહી. અમદાવાદની રાજ્કીય-સામાજિક પ્રવૃત્તિઓ સાથે, અલબત્ત એક સમાજવાદી વિચારકરૂપે, છેક સુધી સંકળાયેલા રહ્યા. વ્યવસાયે મુદ્રક. ૧૯૩૯થી જિંદગીપર્યંત એમણે પ્રેસ ચલાવ્યું. આ ઉપરાંત જુદાજુદા સમયે ઘણી વૈચારિક ને કલાલક્ષી પ્રવૃત્તિઓ કરી. વાર્તાકાર તરીકે પણ જયંતી દલાલ પ્રયોગનિષ્ઠ અને ઉત્તમ સર્જકશક્તિવાળા લેખક હતા. ‘રેખા’ (૧૯૩૯-૪૦) અને ‘એકાંકી’ (૧૯૫૧) નામનાં સાહિત્ય-રંગભૂમિના સામયિકોનું સંપાદન કર્યુ. ‘ગતિ’ સાપ્તાહિક અને મહાગુજરાત આંદોલન સમયે ‘નવગુજરાત’ દૈનિક એ બે વિચારપત્રો ચલાવ્યાં. નાટ્યક્ષેત્રે અભિનય અને દિગ્દર્શનમાં સક્રિય રસ લીધો અને દ્રશ્યકલાની શક્યતાઓ પ્રત્યેના વિશ્વાસથી પ્રેરાઈ દિલ્હીના એક અંગ્રેજી ફિલ્મસાપ્તાહિકનું સંપાદન કરવા સાથે ‘બિખરે મોતી’ નામક ગુજરાતી ફિલ્મનું નિર્માણ (૧૯૩૫) કરવા સુધી પહોંચ્યા. આમ છતાં એમની નોંધપાત્ર સેવા તો સાહિત્યકાર તરીકેની જ રહી. સાહિત્યને એમણે કરેલા પ્રદાન માટે એમને રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૯) અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા. અમદાવાદમાં અવસાન થયું હતું.

“દેખાદેખી અને પોતાની શક્તિના ઘણા ઊંચા ખ્યાલથી લખવાનું શરૂ કરેલું. શરૂ કર્યું ત્યારે આ માટે કોઈ સ્પષ્ટ ખ્યાલ ન હતો. આજે પણ એ ખ્યાલ સ્પષ્ટ, સુરેખ કે વ્યાખ્યામાં બાંધી શકાય એવો બન્યો છે એમ નહિ કહી શકું. પણ આ સમગ્ર પ્રવૃત્તિ માનવીના ગૌરવ અર્થે, જેને માનવીય મુક્તિ કહી શકાય એવા હેતુસર, થતી હોવાનું વિશેષે અને વિશેષે પ્રતીત થતું જાય છે. જ્યાં માનવીનું ગૌરવ નહિ હોય, જ્યાં મુક્ત વાતાવરણ નહિ હોય, જ્યાં ભાવ અને ભક્તિને વિકૃત કરીને ભયમાં પલટાવવાની પ્રવૃત્તિ નિર્બંધ ચાલતી હોય, ત્યાં કયું નાટક કે નવલકથા કે વાર્તા જન્મી કે જીવી શકશે એ પ્રશ્ન એકલા મને જ થાય કે મૂંઝવે છે એવો ફાંકો રાખવાનો મને કોઈ અધિકાર નથી. આ રીતે વિચાર કરીએ ત્યારે તો મોજૂદ હાલતની પ્રશંસા કરતાંય એ વિશેનું મૌન એ જ વધુ ખતરનાક છે, એમ લાગે છે. જેને ગૂંગળામણ ન લાગતી હોય એના કરપીણ મૌગ્ધ્યની અદેખાઈ કરવા જેવું પણ હવે ઘણું ઓછું રહ્યું છે. નજર સામે અનેકાનેક અને નિત નવી રીતે માનવીના ગૌરવનું ખંડન થતું જુઓ અને આવડતું હોય એ રીતે એનો પ્રતિકાર ન કરો, એ કામ મારું નહિ એમ બીજાને કહીને અને મનને મનાવીને, ચૂપ બેસી રહો એ કેમ બની શકે? અને માત્ર સાક્ષી જ કેમ બની શકાય? હું માનું છું કે મુક્ત વાતાવરણ સિવાય સાચું સર્જન શક્ય નથી.”

–જયંતિ દલાલ

(‘સંસ્કૃિત’ ફેબ્રુઆરી ૧૯૬૨ના અંકમાં પ્રગટ થયેલ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતાં’ આપેલા વક્તવ્યના સંકલિત કરેલા અંશો)

જયંતિ દલાલ જન્મ: ૧૮ નવેમ્બર, ૧૯૦૯

સૌજન્ય : દીપક મહેતા, ‘અક્ષરની અારાધના’, “ગુજરાત મિત્ર”, 18 નવેમ્બર 2013

? આભારી :-
ગુજરાતી સાહિત્ય પરિષદ

? સંકલન :-
— Vasim Landa

શેર કરો આ માહિતી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી