માનસિક સક્ષમતા ચકાસવાની બાર જડીબુટ્ટી… અત્યારે જ અપનાવી જુઓ…

ઘણીવાર આપણે જોઈએ છીએ કે કેટલીક વ્યક્તિઓ પોતાના આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળના કારણે અમૂક વર્ષોમાં સફળતાના શિખરે જઈ પહોંચે છે, ત્યારે બાકીના કેટલાય લોકો તનતોડ મહેનત કરવા છતાં વર્ષો પહેલા જ્યાંથી શરૂઆત કરી હોય, ત્યાંથી તસુભાર માંડ ખસ્યા હોય. સ્વાભાવિક રીતે આપણે તે સફળતાનો શ્રેય નસીબને આપી દઈએ છીએ. પ્રગતિના માર્ગે આગળ વધી રહેલા લોકોની શરૂઆતની મહેનતને અવગણીએ તો ટોચ પર ઝળહળી રહેલો તેનો સિતારો આપણને ચમત્કાર સમાન જ લાગે.

કોઈપણ વ્યક્તિની સફળતા પાછળ તેની મહેનતનો કમાલ હોય છે. જન્મોજન્મના કર્મો અને નસીબ પ્રગતિ માટે પ્રોત્સાહિત કરે એ અલગ વાત છે પણ પુરુષાર્થ વગર સફળતાના રસ્તે એક ડગલું પણ માંડી શકાતું નથી. કોઈપણ વ્યક્તિની ક્ષમતાને ચકાસીએ તો તેને બે ભાગમાં વ્હેંચી શકાય, શારીરિક ક્ષમતા અને માનસિક ક્ષમતા. આ બંને ક્ષમતામાં સહુથી વધારે મહત્વ રહેલું હોય તો તે છે માનસિક ક્ષમતા. પહેલવાન જેવું શરીર હોય પણ જો મનોબળ દ્રઢ ન હોય તો નાનકડો પર્વત ચડવો પણ કઠીન થઈ પડતો હોય છે. આખો દિવસ લારી ખેંચીને તનતોડ મહેનત કરતો મજૂર રાતપડે મીઠી નીંદર લઈ શકે પણ તેને સફળતા ન કહી શકો. તેની શારીરિક ક્ષમતાની સામે તેની માનસિક ક્ષમતા ઘણી નબળી હોય છે. પોતાની ગરીબ પરિસ્થિતિ, અભણ માનસ અને જોખમ ન લઈ શકવાની વૃત્તિ તેને આગળ લઈ જઈ શકતી નથી.

સામે પક્ષે શારીરિક રીતે વિકલાંગ માણસો પોતાના દ્રઢ મનોબળના જોર પર અન્ય ક્ષેત્રોમાં આગળ વધ્યાના અનેકાનેક દાખલા છે. પ્રખ્યાત વિજ્ઞાની ‘સ્ટીવન હોકિંગ’ની શારીરિક તકલીફો છતાં વિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રમાં તેમણે મેળવેલી અપાર સિધ્ધિઓથી કોણ અજાણ હોઈ શકે ?! ભેદી માંદગીને કારણે આંખ અને કાનની શક્તિઓ હણાઈ જવા છતાં જાણીતા લેક્ચરર અને સમાજસેવિકા ‘હેલન કેલર’ પોતાની માનસિક ક્ષમતાને કારણે સફળતાના કદમો ચૂમી શક્યા હતા. સ્કિઝોફ્રેનિયા પીડિત પ્રોફેસર ‘જોન નેશ’, માનસિક બિમારીથી પીડાતા પેઈન્ટર ‘વિન્સેન્ટ વાન ગોધ’, બહેરાશથી પીડાતા જગતના શ્રેષ્ઠ મ્યુઝિક કમ્પોઝર ‘બીથોવન’, અંધાપા છતાં સંગીત ક્ષેત્રે નામના મેળવનાર ‘સ્ટીવ વન્ડર’ જેવી અનેક પ્રતિભાઓ શારીરિક રીતે તકલીફમાં હોવા છતાં પોતાની માનસિક ક્ષમતા અને પુરુષાર્થના જોરે ટોચ પર પહોંચી હતી.

મદ્રાસની સુવિખ્યાત નર્તકી ‘સુધા ચંદ્રન’ને માર્ગ અકસ્માતમાં માત્ર તેર વર્ષની ઉંમરે ઘુંટણથી નીચેનો જમણો પગ ગુમાવવો પડ્યો હતો અને છતાં તેઓ પોતાની આગવી પ્રતિભાના જોરે આગળ આવ્યા અને ‘કહી કિસી રોઝ’ નામની સિરિયલથી ‘રમોલા સિકંદ’ના નામે ઘરેઘરે જાણીતા બન્યા હતા.

માનસિક ક્ષમતા જેટલી મજબૂત હોય તેટલું તમે જે-તે ક્ષેત્રમાં આગળ વધી શકો પણ આ માનસિક ક્ષમતાને ચકાસવી કઈ રીતે? સાઈકોથેરાપિસ્ટ અને સોશિઅલ વર્કર ‘એમી મોરીન’ એ વર્ષોના અનુભવ પછી એક સરસ લીસ્ટ તૈયાર કર્યુ છે જે મહાન પ્રતિભાઓની માનસિક ક્ષમતાનો એક સરસ ચિતાર આપી જાય છે.

૧) દ્રઢ મનોબળ ધરાવતી વ્યક્તિઓ કોઈપણ પરિસ્થિતિમાં નિરાશ નથી થતા. સફળતાના રસ્તે મળતી નિષ્ફળતાથી હતાશ થઈને માથે હાથ દઈ બેસી નથી પડતા. ખોટા નિર્ણયો પ્રતિ વારંવાર દિલગીરી વ્યક્ત કરવાને બદલે તેઓ ‘પરિસ્થિતિ દરેક વખતે અનૂકુળ ન પણ હોય’ તે સત્ય સ્વીકારી થયેલી ભૂલોમાંથી શીખવાનો પ્રયત્ન કરતા હોય છે. દિવાલ પર ચડતી કીડી જેમ અનેકવાર પડવા છતાં ફરી એકવાર દિવાલ ચડવા લાગી પડે તેમ તેઓ નિષ્ફળતાને પોતાના કર્મોનું ફળ ગણીને ફરી મહેનત કરવા લાગી પડે છે.

૨) પ્રતિભાના જોરે આગળ આવતી વ્યક્તિઓ પોતાના કામની ઉપેક્ષા કે વખાણ માટે બીજા પર આધાર નથી રાખતા. નિર્માણ થયેલી સ્થિતિનો પૂરેપૂરો આધાર પસંદ કરેલા રસ્તા પર અને પોતાની મહેનત પર રહેલો છે તેવું તેઓ સારી રીતે સમજે છે. પોતાની શક્તિઓને ઓળખી સફળતાના માર્ગે રચ્યાપચ્યા રહેનાર આવા મહેનતુ લોકો પોતાના કામની કદર બીજા કરે તેવી આશા કદી નથી સેવતા. અન્ય લોકો પોતાની મજાક ઉડાવશે કે પોતાના કામમાં વાંધા પાડશે તેવા ડરથી તેઓ જોજનો દૂર રહે છે. તેઓ આત્મવિશ્વાસ સાથે હંમેશા આગળ વધતા રહે છે.

૩) જેઓ પરિવર્તન નથી સ્વીકારી શકતાં તેઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી કદી બહાર નથી આવી શકતાં. માનસિક રીતે સક્ષમ વ્યક્તિઓ સમજે છે કે જીવન ખુદ પરિવર્તનશીલ છે અને તેઓ હંમેશા આવનારી પરિસ્થિતિઓ સ્વીકારવા તૈયાર રહે છે. ઉલટું તેઓ સીધી લીટીમાં ચાલતી પોતાની જીંદગીથી ડર અનુભવતા હોય છે. દરેક ક્ષણે પરિવર્તન માટે તત્પર બની રહેતા હોય છે જે આખરે તેમને તેમની મંઝિલ સુધી પહોંચાડે છે.

૪) જીવનમાં કેટકેટલીય નાની નાની વાતોથી આપણે ચિડાઈ જઈએ છીએ કે ક્રોધ કરી બેસીએ છીએ. જે લોકો સફળતાના માર્ગે આગળ વધે છે તેઓ બહુ સારી રીતે જાણે છે કે ઘણીખરી વસ્તુઓ પણ આપણો કંટ્રોલ નથી હોતો. ટ્રાફિકસમસ્યા, નકામી પંચાતો, બીજા લોકોનો વ્યવ્હાર, વસ્તુ ખોવાઈ જવાની હાલતમાં તેઓ ઘાંઘા નથી થઈ જતાં. તેઓ સમજે છે કે આવનારી પરિસ્થિતિ તેઓ બદલી નથી શકતાં. બદલી શકાય તેમ હોય તો તે છે પોતાનો વ્યવહાર અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ. સમતામાં રહીને તેઓ આવી ક્ષુલ્લક બાબતોને અવોઈડ કરતાં શીખી જતા હોય છે.

૫) સંયુક્તિ કે વિભક્ત કુટુંબ હોય કે કોર્પોરેટ ટીમ, એવી પરિસ્થિતિ ઘણીવાર આવે છે જ્યારે કોઈને ખુશ કરવાનો પ્રયાસ કરીએ ત્યારે બીજી કોઈ વ્યક્તિ ઈર્ષા કે માનભંગના લીધે દુઃખી થઈ જાય. કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં બધાને ખુશ રાખવા એ ઘણું કપરું કામ છે. જેઓ સફળતાના માર્ગે જ આગળ વધવા માગે છે તેઓ સભાનતાપૂર્વક આવા પ્રપંચોથી દૂર રહે છે. કોઈને જાણીજોઈને ખુશ કરવાના પ્રયત્નોથી તેઓ જોજનો દૂર રહે છે. તેનો મતલબ એવો નથી કે તેઓ ઓછાબોલા અને સ્વાર્થી હોય છે. મહાન વ્યક્તિઓ કોઈપણ પરિસ્થિતિમાં સમતાપૂર્વક સત્યને વળગી રહેતા હોય છે. તેઓ કોઈને માઠું ન લાગે અને સહુ સાથે સારાસારી બની રહે તે રીતે વ્યવ્હારુ બનવાનો અને ખોટી વાહવાહીથી દૂર રહેવાનો પ્રયત્ન કરતાં હોય છે.

૬) મહાન વ્યક્તિઓ ગણતરીપૂર્વકના જોખમો લેવાથી કદી ડરતાં નથી. તેઓ જોખમોની પેલે પાર રહેલી સફળતા માટે હરકદમ તૈયાર રહે છે. તેનો મતલબ તેઓ પણ નથી કે છાકટા બનીને ગમે તેવા અણધાર્યા જોખમો ઉઠાવી લેવા. મહાન વ્યક્તિઓ પોતાની શક્તિઓથી વાકેફ થઈને કોઈપણ જોખમ ઉઠાવતાં પહેલા તેમાં મળતી સફળતા વચ્ચે કેટલી તકલીફો રહેલી છે તેની ગણતરી કરી આગળ વધતા હોય છે.

૭) ભૂતકાળમાં પસંદ કરેલા માર્ગ અને એ માર્ગ પર ચાલતી વખતે મળેલી નિષ્ફળતાઓમાંથી શીખવામાં ખોટું નથી પરંતું ભૂતકાળમાં મળેલી સફળતા કે નિષ્ફળતાના વિચારોમાં જ રચ્યાપચ્યા રહેવાને બદલે વર્તમાનની ક્ષણોનો મહત્તમ ઉપયોગ કરીને સોનેરી ભવિષ્ય બનાવવાની દિશામાં આગળ વધવું તે માનસિક સક્ષમ લોકોની નિશાની છે. મહાન લોકો બની ગયેલી બીનામાંથી શીખવાનો પ્રયત્ન ચોક્કસપણે કરે છે પણ વીતી ગયેલી ખુશી કે દુઃખભરી ક્ષણોમાં પોતાની એનર્જી વાપરવાને બદલે પોતાનું સંપૂર્ણ ધ્યાન અત્યારની બાબતો પર આપે છે અને ભવિષ્યની સફળતાનો નકશેકદમ પર ચાલતા રહે છે.

૮) બીજા લોકોની સફળતા પર દિલથી આનંદ થવો એ બહુ સમતા માગી લે તેવું કામ છે, ખાસ કરીને જ્યારે વાત તમારા વિરોધી કે પ્રતિસ્પર્ધીની હોય. માનસિક સક્ષમ લોકોમાં આ ક્ષમતા બહુ સારી રીતે કેળવાયેલી હોય છે. પ્રતિસ્પર્ધીની સફળતાથી ઈર્ષા કે દુઃખી થવાને બદલે તેઓ ઉલટું પ્રોત્સાહિત થાય છે. તેઓ સમજે છે કે તે તેમની મહેનત અને કાર્યક્ષમતાનું પરિણામ છે અને તેમની સફળતામાંથી તેઓ કશુંક નવું શીખવાનો પ્રયત્ન કરતા રહે છે.

૯) મહાન લોકો બહુ સારી રીતે સમજે છે કે સફળતાના પાયામાં જ પુરુષાર્થ રહેલો છે. તેઓ જીવનમાં શોર્ટકટ અપનાવીને આગળ વધવાને બદલે ટોચ પર પહોંચવાનો મહેનતભર્યો માર્ગ પસંદ કરતા હોય છે, જ્યાં દરેક માઈલસ્ટોન પર પોતાના જ્ઞાનમાં વધારો કરવાની સાથે પોતાની કાર્યક્ષમતા પણ ચકાસતા રહે છે.

૧૦) દરેક ભૂલ શીખવા માટેની તક સમાન છે. માનસિક સક્ષમ લોકો જૂની ભૂલોને એક માઈલસ્ટોન ગણી તે ભૂલો ફરી ન થાય તે રીતે તેમાંથી શીખતાં રહે છે. તેઓ સમજે છે કે ભૂતકાળમાં લીધેલા જે-તે નિર્ણયને કારણે તેમને નિષ્ફળતા મળી છે અને તે માટે દિલગીર બનવાને બદલે તેમાંથી કઈ રીતે રસ્તો કાઢી શકાય તે માટે પ્રયત્નશીલ રહે છે. અનેક ભૂલોમાંથી મળેલો અનુભવ જ વ્યક્તિને સફળતાની ટોચ સુધી પહોંચાડે છે.

૧૧) મહાન લોકો બહિર્મુખી હોવાછતાં મોટેભાગે એકાંતપ્રેમી હોય છે. એકાંતના સમયમાં તેઓ પોતાની જાતનું વિશ્લેષણ કરતાં રહેતા હોય છે. આળસુ બનીને એકાંતનો સમય વેડફવાને બદલે તેઓ વર્તમાનની ક્ષણ સુધી પહોંચવામાં મળેલી નિષ્ફળતા, સફળતા અને ભૂલો વિશે વિશ્લેષણ કરીને પોતાની આગામી રણનીતિ તૈયાર કરતાં હોય છે. તેઓ લોકોમાં પોતાની સફળતા વ્હેંચીને ખુશ થઈ શકે છે અને એમ શક્ય ન બને તો એકાંતમાં પોતાની જાત થાબડીને પણ ખુશ રહી શકે છે. તેમને બીજાના કદરદાની પર આધાર નથી રાખવો પડતો.

૧૨) તેઓ ધીરજપ્રેમી હોય છે. પસંદ કરેલો માર્ગ ભલે કાંટાળો હોય પણ આગળ જતાં પોતાને માટે ફોરમભર્યો બગીચો લાવશે જ તેવા દ્રઢ મનોબળ સાથે ધીરેધીરે ડગ ભર્યે જતા હોય છે. ક્યારેક રસ્તો લાંબો અને કંટાળાભર્યો લાગે પણ તેઓ હામ છોડી નથી દેતા. સાચા પ્રયત્નો કરવાથી સફળતાનો માર્ગ મળશે જ તેવી દ્રઢ માન્યતા સાથે તેઓ જીવનમાં આવતી દરેક આંધીનો હિંમતપૂર્વક સામનો કરતા રહે છે.

માનસિક ક્ષમતા ચકાસવાની આ ૧૨ જડીબુટ્ટીમાંથી તે ક્ષમતા વધારવાના ઘણા ઉપાયો મળી આવે છે. મહાન લોકો પણ આખરે તો કાળા માથાના માનવી જ હોય છે. તેઓની ધીરજપૂર્વકની મહેનત જ તેમને સફળતાના માર્ગે આગળ લઈ જાય છે. ચાલો આપણે પણ વટવૃક્ષ બનવાના રસ્તા પર આગળ વધતાં પહેલા આ બીજ આપણા જીવનમાં વાવી જોઇએ.

લેખક : ધવલ સોની

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી