દુનિયાનાં સૌથી પ્રખ્યાત જહાજ ‘ટાઈટેનિક’ની દિલધડક છેલ્લી સફર !! – તુષાર રાજા !

રાત્રિના 11 વાગ્યા પછીનો સમય હતો,બહાર સૂસવાટા મારતો ઠંડો પવન હતો અને જહાજ જે દરિયામાં સફર કરી રહ્યું હતું,તેનું પાણી માઈનસ 2 ડીગ્રી સેલ્સિયસ હતું.આમ છતાં જહાજની અંદર સ્વર્ગ જેવી મોજમજા કરી રહેલ યાત્રિકોને તેની જરા પણ અસર નહોતી થતી, કારણ કે,તે જહાજ હતું ટાઈટેનિક-દુનિયાનું તે સમયનું સૌથી અદભૂત અને સૌથી વિશાળ શીપ.તારીખ 10 એપ્રિલ, 1912ના રોજ પોતાની પહેલી સફર પર નીકળેલું અતિવૈભવી જહાજ ‘ટાઈટેનીક’નું આયુષ્ય ફક્ત ચાર દિવસનું જ નીકળ્યું,ઇંગ્લેન્ડના ‘સાઉથમ્ટન’ થી ન્યૂયોર્ક જઈ રહેલ આ દરિયા પરનું સ્વર્ગ કહેવાતું જહાજ સફરના ચોથા જ દિવસે એટલે કે તારીખ 14 એપ્રિલની રાતે હિમપર્વત (આઇસબર્ગ) સાથે ટકરાઈ જતાં દરિયાના ઠંડાગાર પાણીમાં સમાધિ લઇ લીધી હતી.

આ સમયે જહાજમાં યાત્રિકો અને ક્રૂ મેમ્બર્સ મળીને આશરે 2208 લોકો હતાં,જેમાંથી 1503 લોકોના મૃત્યુ નીપજ્યા હતાં. જેમાંથી 306 લોકોની લાશ જ મળી શકી હતી.અકસ્માત સમયે પાણી અતિશય ઠંડુ હતું, એટલે કે પાણીનું તાપમાન માઈનસ બે ડીગ્રી સેલ્સિયસ હતું. આટલાં ઠંડા પાણીમાં કોઈ પણ વ્યક્તિ પડે તો 15 મિનિટથી વધુ જીવી જ ન શકે.સમુદ્રમાં થયેલ આકસ્મિક મૃત્યુની આ ઇતિહાસમાં એક સૌથી મોટી દુર્ઘટના હતી. ટાઈટેનિક સાથે ટકરાનાર હિમપર્વત લગભગ 100 ફૂટ ઉંચો હતો.આ હિમપર્વત હજ્જારો વર્ષો પહેલા ગ્રીનલેન્ડના ગ્લેશિયરમાંથી અલગ થઇ ગયો હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.આ ટક્કરના કારણે આ હિમપર્વતને પણ ખુબ નુકસાન થયું હતું અને તે પણ આ અકસ્માત પછી બે અઠવાડિયામાં સંપૂર્ણ નષ્ટ થઇ ગયો હતો.
ટાઈટેનિક ડૂબવાનું મુખ્ય કારણ તેની અતિ તેજ ગતિ હતું. ટાઈટેનિકના માલિક જે. બ્રૂસ ઇસ્મેએ જહાજના કપ્તાન એડવર્ડ સ્મિથને જહાજ વધુમાં વધુ તેજ ગતિથી ચલાવવાની સુચના આપી હતી. 14 એપ્રિલ 1912ના રોજ ટાઈટેનિક ને સંદેશાઓ દ્વારા રસ્તામાં છ હિમશીલાઓથી ખતરો હોવાની ચેતવણીઓ પણ મળેલી હતી.પરંતુ કપ્તાનને એવો વિશ્વાસ હતો કે હિમશીલાઓ આવશે ત્યારે જહાજ આસાનીથી સાઈડમાંથી કાઢી શકાશે. બદકિસ્મતીથી જહાજ બહુ મોટું હોવાના કારણે અને રડાર નાનકડું હોવાના કારણે તેમ જ સૌથી મહત્વની વાત એ હતી કે જયારે હિમશીલા દેખાઈ ત્યારે જહાજની ગતિ ખુબ તેજ હોવાના કારણે સમયસર જહાજને બીજી સાઈડમાં વાળી શકાયું નહિ.અને આ અકસ્માત સર્જાયો.જેના કારણે જહાજના આગળના ભાગમાં મોટું કાણું પડી ગયું .આશરે રાત્રિના 11-40 કલાકે જહાજમાં પાણી ભરાવાના કારણે ડૂબવા લાગ્યું હતું જે રાત્રિના 2-20 કલાકે પૂરેપૂરુ દરિયામાં સમાઈ ગયું.

વ્હાઈટસ્ટાર લાઈન કંપનીની માલિકીનું જહાજ ટાઈટેનિકનું નિર્માણ આયર્લેન્ડના હરલેન્ડ અને વોલ્ફ શિપયાર્ડમાં કરવામાં આવ્યું હતું.31 માર્ચ 1909ના રોજ 3000 માણસોની બનેલી ટીમ દ્વારા આ જહાજ બનાવવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું અને ફક્ત 26 મહિનામાં એટલે કે,31 મેં 1911 સુધીમાં તે તૈયાર થઇ ગયું હતું.ત્રણ ફૂટબોલના મેદાન જેટલા મોટા આ જહાજને જોવા માટે 31 મેં 1911ના દિવસે એક લાખ કરતાં પણ વધુ લોકો આવ્યા હતાં.આ સમયે વ્હાઈટસ્ટાર લાઈન કંપનીની પ્રતિસ્પર્ધી કંપની કુનાર્ડ લાઈનના જહાજો લુસીતાનીયા અને મૌરેતાનીયા ની સાથે સ્પર્ધા કરી શકે તે માટે ટાઈટેનિક બનાવવામાં કોઈ કચાશ ન રહી જાય અને દુનિયાનું સર્વશ્રેષ્ઠ જહાજ બને તેવી દરેક કોશિષ કરવામાં આવી હતી. તેની કુલ લંબાઈ 882 ફૂટ 9 ઇંચ અને પહોળાઈ 92 ફૂટ હતી.

વજન 46328 ટન અને વોટરલેવલથી ડેક સુધીની ઊંચાઈ 59 ફૂટ હતી. ચાર સીલીન્ડર,ટ્રીપલ એક્ષ્પાન્સન એન્જીન્સ,પ્રોપેલરને ઘુમાવવા માટે પાર્સન્સ ટર્બાઈનથી આ જહાજ સુસજ્જિત હતું.તેમ જ ટાઈટેનિકમાં 29 બોયલર હતાં, જે કોલસાથી ચાલતી 159 ભઠ્ઠીઓથી જોડાયેલ હતાં અને જહાજને 23 નોટીકલ માઈલની ઝડપથી ચલાવવામાં મદદ કરતાં હતાં. ટાઈટેનિકને ચલાવવા માટે રોજનો આશરે 825 ટન કોલસો વપરાતો હતો,જેમાંથી 100 ટન જેટલી રાખ નીકળતી હતી.

જહાજમાં 176 ક્રૂ મેમ્બર્સ તો ફક્ત ભઠ્ઠીઓમાં કોલસો નાખવાનું કામ કરતાં હતાં.ટાઈટેનિકને બનાવવા માટે તે સમયે લગભગ 7500૦૦૦ ડોલરનો ખર્ચ થયો હતો. જહાજની કુલ ક્ષમતા ક્રૂ મેમ્બેર્સ સહિત 3549 ની હતી. 14000 ગેલન પીવાનું પાણી જહાજમાં વપરાતું હતું. જહાજમાં 40000 ઈંડા,860૦૦ પાઉન્ડ મટન,40 ટન બટેટા,3500 પાઉન્ડ કાંદા,36000 સફરજન અને 1500 ગેલન દૂધ સહિત અનેક ચીજવસ્તુઓ સ્ટોકમાં રાખવામાં આવતી હતી.એટલું જ નહિ,20000 બિયરની બોટલ અને 1500 વાઈનનીબોટલો ‘ઓન બોર્ડ’ રાખવામાં આવતી હતી. આ ઉપરાંત 8000 જેટલી તો સિગાર વપરાઈ જતી હતી.

લક્ઝરી અને સગવડતાની બાબતમાં ટાઈટેનિકે તે સમયે તમામ જહાજોને પાછળ રાખી દીધા હતાં. ફર્સ્ટક્લાસમાં સ્વીમીંગ પુલ, જીમ્નેશીયમ,સ્ક્વોશ કોર્ટ,ટર્કી સ્નાનગૃહ,ઇલેક્ટ્રિક સ્નાગૃહ તેમ જ કેફે માટેનો એક વિભાગ હતો.ફર્સ્ટક્લાસના તમામ રૂમ્સ એકદમ કિમતી લાકડામાંથી બનાવવામાં આવ્યા હતાં તેમ જ કિમતી ફર્નિચર અને સજાવત અને તમામ સુવિધાઓથી સજ્જ હતાં.આ ઉપરાંત,પર્સીયન કાફે, સુર્યસ્નાન માટેનો વિભાગ, લાઈબ્રેરી,હેરસલૂન,સહિત અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હતી. ટાઈટેનિકમાં કુલ ૮૪૦ રૂમ્સ હતાં, જેમાંથી ફર્સ્ટક્લાસમાં 416,સેકંડ ક્લાસમાં 162, અને થર્ડકલાસમાં 262 રૂમ્સ હતાં.આ ઉપરાંત,40 જેટલા ઓપન બર્થ એરિયા હતાં. તે સમયે ટાઈટેનિકમાં મુસાફરી કરવા માટે એક ટીકીટનો ભાવ 4350 ડોલર્સ (જેની આજની તારીખમાં કિમત 9500૦ ડોલર કરતાં પણ વધુ થાય) જેટલી અધધ કહી શકાય તેવી રાખવામાં આવી હતી, તેમ છતાં લોકોએ હોંશે હોંશે તેની ટીકીટ ખરીદવા પડાપડી કરી હતી.

ટાઈટેનિકને આ અકસ્માત થયો ત્યારે તેની સફરનો ચોથો દિવસ હતો.અને જહાજ ત્યારે જમીનથી 640 કિલોમીટર દૂર હતું. હિમશીલા એટલી બધી નજીક આવી ગઈ હતી કે તે જયારે દેખાઈ અને જહાજ સાથે ટકરાઈ તેની વચ્ચે ફક્ત 30 સેકંડ જેટલો સમય રહ્યો હતો.જહાજ ડૂબવા લાગ્યું ત્યારે તેમાં રહેલ લાઈફબોટોનો ઉપયોગ કરવામાં 80 મીનીટનો સમય લાગ્યો હતો.પહેલી લાઈફબોટમાં ફક્ત 28 લોકો જ બેઠા,કારણ કે મોટાભાગના મુસાફરો એવું માનતા હતાં કે ટાઈટેનિક ડૂબશે નહિ.

શું તમે એ જાણો છો કે ટાઈટેનિક ડૂબી ગયું પરંતુ તેના 705 મુસાફરોની જાન બચી ગઈ તેનો શ્રેય આર એમ એસ કારપૈથીયા નામના જહાજના વાયરલેસ ઓપરેટર હેરલ્ડ કોટેમને જાય છે? 14 એપ્રિલના રોજ મોડી રાત્રે હેરલ્ડ સુવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે ટાઈટેનિક તરફથી SOS સંદેશાઓ આવવા લાગ્યા,જેમાં જણાવવામાં આવ્યું હતું કે અમારું જહાજ બરફ સાથે ટકરાઈ ગયું છે અને ડૂબી રહ્યું છે, જલ્દી આવો. તેણે તરત બનાવની ગંભીરતા પારખી જઈને કેપ્ટનને ઉઠાડીને બધી વાત કરી. આ સમયે ટાઈટેનિક આ જહાજથી ચાર કલાકના અંતર જેટલું દૂર હતું. કેપ્ટન આર્થર રોસ્ટ્રોને તરત જ જહાજની ગતિ મહત્તમ વધારવાનું અને ટાઈટેનિકના મુસાફરો માટે ખાવાની અને અન્ય જરૂરી વ્યવસ્થા કરાવવાનું શરુ કરી દીધું.

આર એમ એસ કારપૈથીયા જયારે ટાઈટેનિક નજીક પહોંચ્યું ત્યારે સવાર પડવાની તૈયારી જ હતી.અને ટાઈટેનિક તરફથી લગાતાર સંદેશાઓ ચાલુ જ હતાં, જેમાં છેલ્લો સંદેશ એવો આવ્યો હતો કે અમે હવે ઝડપથી ડૂબી રહ્યા છીએ,એન્જીનરૂમ અને બોયલરરૂમ માં પણ પાણી ભરાઈ ગયું છે. ત્યાર બાદ સંદેશાઓ બંધ થઇ ગયા એટલે ખબર પડી ગઈ કે ટાઈટેનિક હવે ડૂબી ગયું છે. આર એમ એસ કારપૈથીયા જહાજ જયારે બનાવના સ્થળે પહોંચ્યું ત્યારે ત્યાં થોડા લાકડાઓ અને અન્ય કેટલીક વસ્તુ તરતી હતી. ત્યાર બાદ તેમણે લાઈફબોટમાં રહેલા બચી ગયેલા મુસાફરોને જોયા અને તરત જ તેઓને જહાજમાં ચડાવી લેવામાં આવ્યા. આર એમ એસ કારપૈથીયા જહાજ જો સમયસર ન પહોંચ્યું હોત તો આ મુસાફરોના જીવ કદાચ ન બચાવી શકાય હોત, કારણકે ત્યાર પછી અન્ય જહાજો ત્યાં પહોંચ્યા તેને ઘણા કલાકો નીકળી ગયા હતાં.

આર એમ એસ કારપૈથીયાના કેપ્ટનને અ ઉમદા કામગીરી બદલ ‘નાઈટ’ નો ખિતાબ આપવામાં આવ્યો અને જહાજના કર્મચારીઓનું મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

લેખક : તુષાર રાજા

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી