ભારતીય સુપર સોલ્જર : શૌર્ય ચક્ર વિજેતા મરીન કમાન્ડો તીરથ સિંહ

- Advertisement -

તીરથ સિંહનાં કાકા એન્ટી નૌસેનામાં સબમરીન વોરફેરનાં સ્પેશ્યાલીસ્ટ હતાં. દેશદાઝ તો જાણે તીરથનાં લોહી માં હતી. નાનપણથી હિમાલયનાં પહાડોમાં તેના ગામ ચમોલીમાં તીરથ નાં કાકા અને બીજા પણ કેટલાય સગાઓ અને તેના ગામના અનેક રહેવાસીઓ ભારતીય સેનાઓમાં વિવિધ પદો પર સેવારત હતાં. નૌસેનામાં જોડાવાનું તો તીરથ  માટે નિમિત્ત માત્ર હતું.

ઉત્તરાખંડનાં એ ખડતલ નવયુવાનને સેનામાં જતાં જાણે પાંખો લાગી ગઈ. બેઝીક ટ્રેઈનીંગ થી જ તીરથ ની પ્રચંડ શારીરિક સક્ષમતાનો પરિચય સર્વે ને થવા લાગ્યો. નૌસેનાની એક વર્ષની પ્રાથમિક તાલીમ પૂરી કાર્ય બાદ તીરથ નું સિલેકશન એલીટ કમાન્ડો ફોર્સ માર્કોસમાં થઇ ગયું.

વર્ષ 2000 માં તીરથ  સિંહ નું પોસ્ટીંગ કાશ્મીરનાં વુલર સરોવર વિસ્તારમાં માર્કોસ કમાન્ડોનાં એક યુનીટમાં થયું. સ્થાનિક કાશ્મીરીઓની સાથે પરંપરાગત કાશ્મીરી ચોગામાં દાઢી વધારીને પોતાની ઓળખ છુપાવવામાં માહેર આપણા માર્કોસ કમાન્ડો દાઢીવાલા ફૌજીનાં નામે પણ પ્રચલિત છે. કેટલાક સ્થાનિકો તેમને અદ્રશ્યનાં નામે પણ ઓળખે છે. મરીન કમાન્ડો જળ સ્થળ અને હવામાંથી દુશ્મન પર વાર કરી તેનું નામોનિશાન મીટાવવા સક્ષમ છે. દુશ્મનને તેમની હાજરીની હવા પણ લાગે ત્યાં તો વીજળીક ત્વરાથી માર્કોસ ઓપરેશન ખત્મ કરી ને રવાના પણ થઇ ગયા હોય.
કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ઘુસણખોરી આવા જળાશયો મારફતે થતી રોકવા આપણા જળ દેવતાઓ સમા માર્કોસને કાશ્મીરમાં તૈનાતી આપવામાં આવી છે.

દર વર્ષની જેમ વર્ષ 2000 માં પણ કાશ્મીર ઘાટીની આસપાસનો બરફ પીગળતાંજ એપ્રિલ મહિનામાં સરહદ પાર પાકિસ્તાનથી ઘુસણખોરીનાં પ્રયાસો માં તેજી આવી જાય છે. સાથે જ ભારતીય એન્ટી ટેરર ગ્રીડ ને એક્ટીવ કરી દેવામાં આવે છે. 22 એપ્રિલે સવારે ત્રણ કલાકે તીરથનાં માર્કોસ યુનિટ ને સાબદા થવાનો હુકમ મળ્યો, ખબરીએ માહિતી આપી હતી કે હાર્ડકોર અલ-બદ્ર ગ્રુપનાં કેટલાક આતંકીઓ બાંદિપોર પાસે એક નાના ગામમાં છુપાયેલા છે.

વીરો હમેશા આવી કોઈ તકની રાહ જોતાં હોય છે. આપણો નૌસૈનિક વીર તીરથ સિંહ અને તેમની ટીમ નજદીકનાં આર્મી યુનિટ ને વાયરલેસથી સાબદા કરી અને સ્પીડ બોટ માં બેસી જળમાર્ગે લક્ષ્ય તરફ રવાના થઇ ગઈ. આર્મી યુનિટનાં સૈનિકો બાંદિપોર સુધી જમીની રસ્તે પહોંચે ત્યાં કદાચ આતંકીઓ છટકી જવાની વકી હતી. આવા મિશનોમાં સફળતા માટે એક એક પળ અગત્યની હોય છે.

આપણા મરજીવાઓ તીરથ અને તેમના પાંચ સાથીઓ તેમની જેમીની તરીકે ઓળખાતી સ્પીડ બોટને એ ગામ થી એક કિમીનાં અંતરે ઉભી રાખે છે જેથી કરીને આતંકવાદીઓ સાવચેત ન થઇ જાય. ભારતીય સુપર સોલ્જર્સ માર્કોસ ની છ જણાની ટીમ ગાઢ ધુમ્મસ વચ્ચે મળસ્કે ગામ માં પ્રવેશે છે. ચાલીસેક ઘરોનાં બનેલા આ નાના પહાડી ગામમાં એક એક ઘર ની તલાશી લેતાં પણ આતંકીઓ નો કોઈ પત્તો નથી. તીરથ તેની ટીમ નાં સભ્યો ને કહે છે કે આપણા જે ખબરી એ આ ઇન્ફોર્મેશન આપી હતી તે એકદમ સચોટ માહિતી આપવા માટે વર્ષોથી પંકાયેલો છે. નક્કી આતંકવાદીઓ આપણી બોટનાં અવાજ થી કે પછી ગામમાં તલાશી દરમિયાનની હલચલથી નજીકનાં ચિનાર અને દેવદારનાં વૃક્ષોનાં ગાઢ વનમાં છુપાઈ રહ્યા હશે કે ભાગવાની ફિરાકમાં હશે.

આર્મીનું આતંકવાદ વિરોધી દળ જમીનમાર્ગે સ્થળ પર પહોંચે તેને બે કલાકની વાર હતી. તીરથ અને તેની ટીમે જોખમ લેવાનું અને જંગલમાં શોધ કરવાનું નક્કી કર્યું. ગાઢ ધુમ્મસથી ઘેરાયેલા ઉંચા દેવદાર વૃક્ષોના જંગલમાં ત્રણ ટીમ બનાવી તેમને સર્ચ એન્ડ ડીસ્ટ્રોય(શોધો અને નષ્ટ કરો) ઓપરેશન આરમ્ભ્યું.

એક કલાક ની સઘન શોધખોળ બાદ જયારે માર્કોસ ની ટીમ જંગલમાં થી ફરી ગામ તરફ જવાનું વિચારી જ રહી હતી ત્યાં જ અચાનક તીરથ અને તેમના સાથીની સામે પ્રગાઢ ધુમ્મસમાંથી અચાનક ત્રણ ઓળા પ્રકટ્યા. સૈનિક અને દુશ્મન એક બીજાથી માત્ર પાંચ ફૂટ નાં અંતરે હતાં. હાથ માં એ.કે. 47 ધારી શસ્ત્રસજ્જ દુશ્મન હજી તો કંઈ સમજે કે સામે ઉભેલા બે ઓળાઓ કોણ છે ત્યાં તો પળવાર માં ભારતીય કમાન્ડો તીરથ સિંહે સમયસુચકતા અને વીજળીક ત્વરાથી દુશ્મન પર પહેલો વાર કર્યો. ડાબા હાથમાં કમાન્ડો નાઈફ અને જમણા હાથે ટ્રીગર દબાવી તીરથે સામે આવેલા ત્રણેય દુશ્મનો પર પહેલા તો ક્લોઝ રેંજથી ગોળીઓનો મારો ચલાવ્યો બચેલું કામ તીરથ અને તેના સાથીનાં ધારદાર માર્કોસ છરા એ પૂરું કર્યું. ત્રીસ કે ચાલીસ સેકંડમાં ઓપરેશન ‘શોધો અને નષ્ટ કરો’ સમાપ્ત થયું.

તીરથે 72 હુરો પાસે પહોચાડયા તે ત્રણ આતંકીઓમાં અલ બદ્ર આતંકી ગ્રુપનો એક એરિયા કમાન્ડર પણ હતો જેની ઉપર અનેક કાશ્મીરી મુસ્લિમ છોકરીઓ પર બળાત્કાર અને હત્યાનાં જઘન્ય આરોપો હતા.

વાંચનારને લાગશે કે બસ એક ટ્રીગર દબાવ્યુ અને ત્રણ આતંકી માર્યા તેમાં શો મોટો મીર માર્યો? પણ વાચક મિત્રો સેકંડનાં એકસોમાં ભાગનો જ ફર્ક હોય છે તમે શુરવીર કહેવાઓ અને સ્વર્ગસ્થ કહેવાઓ તેમાં.

ભારત સરકારે તીરથ સિંહ ને દુશ્મન સમક્ષ દેશની રક્ષા કાજે અદમ્ય વીરતા અને અપ્રતિમ બહાદુરી નાં પ્રદર્શન બદલ શોર્ય ચક્ર વડે નવાજ્યા.
આ લખનારને તીરથ સિંહ સાથે એક વર્ષ સુધી એકજ ડોર્મેટરીમાં રહેવાનો અને તેમની સાથે ડાઈનીંગ ટેબલ શેયર કરવાનો લહાવો મળ્યો છે.

ગુરુ ગોવિંદસિંહ કહે છે… “શુરા સો પચાજીએ દિન કે લડે હેત. પુરજા પુરજા કટ મરે, તબહુ ન છોડે ખેત…”
જય હિન્દ, જય હિન્દ કી સેના….

લેખકઃ પૂર્વ નૌસૈનિક મનન ભટ્ટ
E MAIL: [email protected]

ટીપ્પણી