સ્પેશિયલ કપલ્સનાં સુખી જીવનનું સિક્રેટ

ગુલઝારની ‘કોશિશ’ ફિલ્મ યાદ છે? જેમાં સંજીવકુમાર અને જયા ભાદુરી-બચ્ચને મૂક-બધિર દંપતીની ભૂમિકા ભજવી હતી. એ ફિલ્મ જિંદગીને સકારાત્મક રીતે જોવાનો નજરીયો પૂરો પડે છે. જીવનની અનેક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં એ વિકલાંગ દંપતીને ક્યારેય તેમના જીવનનો અંત આણવાનો વિચાર આવતો નથી. તેઓ તો હંમેશાં જીવનની દરેક મુશ્કેલીઓનો સામનો હસીને કરતાં રહે છે. પણ મોટા ભાગના સામાન્ય લોકો જિંદગીને એટલી સહજતાથી અપનાવી શકતા નથી. જિંદગીના પડકારોને લીધે ડીપ્રેશનનો શિકાર બને છે. કેટલાક કિસ્સાઓમાં તો માણસો જીવનનો અંત આણવા પણ અચકાતા નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં છુટાછેડાનું પ્રમાણ ઝપથી વધી રહ્યું છે. અન્ડરસ્ટેન્ડિંગ નથી. વેવલેન્થ મેચ થતી નથી, અમે એકબીજા સાથે રહી શકીએ એમ નથી… આવી અનેક નાની-નાની બાબતોને કારણે દંપતીઓ છુટાછેડા લેતાં થયાં છે. ત્યારે ‘કોકટેલ ઝિંદગી’ એવા કેટલાંક સ્પેશિયલ કપલ્સની મુલાકત રજુ કરે છે, જેઓ શારીરિક રીતે અક્ષમ છે, મૂક-બધિર છે, પણ તેમના પ્રેમ થકી તેઓ જિંદગીને ભરપૂર રીતે માણે ક્ષમતાને અવગણીને તેઓ જીવન વિતાવે છે. આ સ્પેશિયલ કપલ્સ  તેમનાં સુખી જીવનનાં સિક્રેટ અહીં ‘કોકટેલ ઝિંદગી’ સાથે શેર કરે છે.

કોઈનો પ્રેમ ઓછો નથી હોતો, આપણી અપેક્ષા વધુ હોય છે

બોરીવલી-પશ્ચિમમાં અશોકનગરમાં રહેતા તુષાર હરીશ વાણી જન્મથી બધિર છે, પણ તેમને મળો તો તમને તેમની આ ક્ષમતાનો વિચાર પણ ન આવે. તેઓ એલ.આઈ.સી.ના કરોડપતિ એજન્ટ છે અને એલ.આઈ.સી.એ તેમને વિશ્વના કોઈપણ ખૂણે જઈને સંસ્થાનો પ્રચાર કરવાની તેમ જ પોલીસી વેચવાની પરવાનગી આપી છે. જે દરેક એજન્ટ્સને સરળતાથી મળતી નથી. તેમનું ઇન્ટ્રોડકશન હજુ પૂરું નથી થયું. તુષારભાઈ નવરાત્રી નવયુવક મંડળ ફોર ડેફ એન્ડ ડમ્બના સેક્રેટરી છે તેમ જ ફક્ત મૂક-બધિરો માટે નેશનલ તેમ જ ઇન્ટરનેશનલ ટુર્સનું આયોજન કરે છે. ૩૮ વર્ષના તુષારભાઈ શ્રવણયંત્રની મદદથી સાંભળી શકે છે અને આટલાં વર્ષોની સ્પીચ થેરાપીને પગલે થોડી અસ્ફુટ ભાષામાં બધું બોલી શકે છે. તેમના ફાલ્ગુની સાથેના લગ્નને ૧૭ વર્ષ થયાં છે અને તેમનો પુત્ર નિહાર એસ.એસ.સી.માં આવી ચુક્યો છે. તેઓ કહે છે કે મારા પરિવારે મારા માટે ખૂબજ ભોગ આપ્યો છે. મારા માતા-પિતાને કારણે જ હું આજે આ મુકામે પહોંચ્યો છું. મારી મોટી બહેન રૂપાલીદીદીએ તો મારા માટે જ સ્પીચ થેરાપીસ્ટ બનવાનો નિર્ણય લીધો હતો.

તેમના લગ્નજીવન અને પ્રેમની વાત કરતા તુષારભાઈ કહે છે, ‘અમે પહેલીવાર સ્પેશિયલ બાળકો માટેના બુક-બાઈન્ડિંગ શીખવાના ક્લાસમાં મળ્યાં. ત્યારે અમે એસ.એસ.સી.માં ભણતાં હતાં. ત્યારે ફકત હાય-બાયનો પરિચય કેળવાયો. છ મહિના બાદ અમે ફરી દાદરમાં ટાઈપિંગ ક્લાસમાં ભટકાઈ ગયાં. ત્યારે અમારા પેરન્ટ્સનો પણ એકબીજા સાથે પરિચય થયો અને અમારી ફ્રેન્ડશિપ થઇ. ધીમે-ધીમે અમે એકબીજાને પત્રો લખતાં થયા. ત્યારે ક્યાં ફોન અને ઈન્ટરનેટ હતાં. આમ ધીમે-ધીમે અમે મોટા થયાં. મારી બહેન ત્યાં સુધીમાં સ્પીચ થેરાપીસ્ટ બની ચૂકી હતી અને તેણે પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું. ફરી અમે તેના ક્લિનિકમાં મળ્યાં. તેણે મારી બહેન પાસે સ્પીચ થેરાપી શરૂ કરી હતી. અને પછી અમારા જેવા જ મૂક-બધિર મિત્રો સાથે અમે એસ્સલ વર્લ્ડ ફરવા ગયા હતા. ત્યારે મેં ફાલ્ગુનીને લગ્ન માટે પ્રપોઝ કર્યું. પણ તેને મને ચોખ્ખી ના કહી દીધી. તેને કહ્યું કે આપણે ફક્ત મિત્રો છીએ. થોડું ખરાબ લાગ્યું પણ આપણે સમજવું જોઈએ કે કોઈનો પ્રેમ ઓછો હોતો નથી, આપણી અપેક્ષા વધુ હોય છે. મેં તેની મિત્રતા સ્વીકારી અને અમારૂં જીવન યથાવત ચાલતું રહ્યું. પણ પછી અમારા પરિવારને પણ લાગ્યું કે અમે એકબીજા માટે પરફેક્ટ છીએ અને તેમણે અમારાં લગ્નની વાત આગળ વધારી અને આમ અમારાં અરેન્જડ મેરેજ થયાં.

ફાલ્ગુનીને આ બાબતે પૂછતાં તેઓ કહે છે કે મને તેમની આદત હતી, પણ આને જ પ્રેમ કહેવાય એવી સમજણ નહોતી. આજે મને પોતાના અણસમજુ વહેવાર પર હસવું આવે છે. વી આર જસ્ટ પરફેક્ટ ફોર ઈચ અધર.’

એકબીજા વિનાના જીવનની કલ્પના પણ કરી શકતા નથી

મહાવીર નગરમાં ‘પુષ્પ હેરીટેજ’માં રહેતાં શશાંક મુકેશ સંઘવી અને જીનલ સંઘવીના શબ્દોમાં કહીએ તો માઈનસ પ્લસ ઇઝીક્વ્લ ટુ પ્લસ એટલે જિંદગી, હજુ તેમનાં લગ્નને મહિનો જ થયો છે પણ તેઓ એકબીજા વિનાના જીવવાની કલ્પના પણ કરી શકતા નથી. તેમના અરેન્જડ મેરેજ છે. મૂક-બધિર માટેના સ્પેશિયલ મેરેજ બ્યુરો થકી તેમનું સગપણ નક્કી થયું હતું. શશાંક પોતાના જીવન વિશે વાત કરતા કહે છે કે અમારા જેવા લોકો નાનપણથી જ જીવવાના પડકારોને પચાવતા શીખી ગયા હોય છે. જે સામાન્ય માણસો માટે થોડું અઘરું થઇ પડે છે. વ્યક્તિ જો નકારાત્મકને પચાવી લઈને જીવનમાં આગળ વધે તો કોઈ તેને પાછળ પાડી શકે નહીં. શશાંકભાઈએ જ્વેલરી ડીઝાઈનીગનો કોર્સ કર્યો છે અને હવે તેઓ તેમના પિતાને કેમિકલ્સના ધંધામાં મદદ કરે છે. જયારે તેમના પત્ની જીનલે બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો છે.

શશાંકભાઈ કહે છે કે મારા ભાઈ દિગંત મારાથી બે વર્ષ મોટા છે. નાનપણમાં મારા ખુબજ ઓછા મિત્રો હતા. તેથી મને મનમાં ખૂબ જ ઓછું આવતું, બીજી તરફ મારી આ તકલીફને કારણે મને માતા-પિતાના મળતાં અટેનશનથી કદાચ મારા ભાઈ પણ મનમાં હિજરાતા હશે. પણ હવે બધું બદલાઈ ગયું છે. જીવનસાથીના રૂપમાં મને બેસ્ટ ફ્રેન્ડ મળી ગઈ છે અને અમારાં જેવાં સ્પેશિયલ ક્પ્લ્સનું અમે મિત્રવર્તુળ પણ બનાવી લીધું છે. અમે બધા જ્યાં જઈએ ત્યાં સાથે જ જઈએ છીએ અને જીવનને ભરપૂર માણીએ છિએ.

રાત ગઈ, બાત ગઈ

ગોરેગાવ બાંગુનગરમાં રહેતા ચિરાગ કોઠારી અને માનસી કોઠારી સ્મિત અને નીવ એમ બે સંતાનોનાં માતા-પિતા છે. તેમની એકબીજા પ્રત્યેની અનુભૂતિને તેઓ એકબીજાની આદત તરીકે ઓળખાવે છે. જોકે તેઓ કહે છે કે તેમને એકબીજા વગર રેહવું ગમતું નથી. મસ્તી કરતાં ચિરાગ કહે છે કે મને ભૂખ લાગે ત્યારે માનસીની યાદ આવે. માનસી પિયર જાય તો મને ગમે નહિ. કારણ કે તે ખૂબ જ સારું ભોજન બનાવે છે. આ સાંભળીને માનસી કહે છે કે મને જયારે બાઈક પર ફરવું હોય કે જુહુ ચોપાટી જવું હોય તો જ તેમની યાદ આવે છે.

એકબીજાના મૂક્કા એકબીજા સાથે અથડાવતા બન્ને ઈશારાથી કહે છે કે, દરેક દંપતીની જેમ અમારી વચ્ચે પણ ઝઘડા થાય છે. પણ બહુ લાંબા ચાલતા નથી. હમણાં કટ્ટી કરી અને હમણાં બોલતા થયા. તમને જાણીને નવાઈ લાગશે કે અમારી વચ્ચે ક્યારેય પર્સનલ કારણોને લીધે ઝઘડા થતા નથી. પણ મોટેભાગે બાળકોની બાબતો કે પછી મોબાઈલ, ટીવી કે લેપટોપ જેવા ગેઝેટ્સના વધુપડતા ઉપયોગને કારણે જ ઝઘડો થતો હોય છે. સેન્ટ્રલ ગવર્ન્મેન્ટ એમ્પ્લોયી ચિરાગ માનસી સાથે ની પહેલી મુલાકાત ને યાદ કરતાં કહે છે કે મારી બહેન અને માનસીની બહેન કોલેજ ફ્રેન્ડ્સ હતાં અને તેમણે અમારી ઓળખાણ કરાવી. અમારા પરિવારે અમને લગ્ન માટે પૂછ્યું અને અમે હા ભણી દીધી. આજે અમે પરિવારના આ નિર્ણયથી ખૂબ જ ખુશ છીએ. ઉલ્લેખનીય છે કે ચિરાગના નાનાભાઈ રોશન કોઠારી અને તેમની પત્ની પૂર્વી મૂક-બધિર છે અને તેમની પુત્રી ખુશીએ તેમના જીવનને સંપૂર્ણ બનાવી દીધું છે. ચિરાગ કહે છે કે, અમારા જેવા અક્ષમ લોકોને લગ્ન નામની જવાબદારીથી ડર લાગતો હોય છે, કારણ કે અમે પોતે જ અમારા પરિવાર પર નિર્ભર હોઈએ છીએ. પણ જયારે અમારાં જેવી જ સમસ્યા ધરાવતાં જીવનસાથી અમને મળી છે તો લાઈફ એન્જોયેબલ બની જાય છે.

જ્યૂસ પીવાનો, કેરમ રમવાનું, મજ્જાની લાઈફ!

બોરીવલી પશ્ચિમમાં જયરાજનગરમાં રહેતાં તેજસ અને નેહા સોમેલના લગ્નની તો સમસ્યા જ અલગ છે. તેજસ ૯૯ ટકા ડેફ છે, જયારે નેહા લગ્ન સમયે ૮૫ ટકા સાંભળી શકતી હતી. તેઓ બન્ને ગવર્ન્મેન્ટ જોબ ધરાવે છે. તુષારભાઈએ ઓર્ગેનાઈઝ કરેલી વૈસણોદેવીની ટુરમાં બન્ને પહેલીવાર મળ્યાં. પરિવારને વાત કરી અને પછી લગ્ન થયાં. પણ ઓછું સાંભળવાને કારણે તેજસને ખૂબ જ ગુસ્સો આવી જતો. તેઓ લગ્નના શરૂઆતના તબક્કામાં એકદમ નેગેટીવ અને અંતર્મુખી હતા. પણ નેહાએ તેમનાં જીવનમાં ખુશીનાં રંગ ભરી દીધા. નેહા તે સમયને યાદ કરતાં કહે છે કે લગ્ન પછીનો એ સમયગાળો ખૂબ જ કપરો હતો. હું તેમને હસાવવાના અનેક પ્રયત્નો કરતી. તેમને જીવનને સકારાત્મક રીતે લેતાં શીખવતાં મને એક વર્ષ લાગ્યું. આ દરમિયાન મને તેમના મિત્રોનો ખૂબ જ સહકાર મળ્યો. આખરે જય(બાળક)ના જન્મ પછી અમારું લગ્નજીવન પાટે ચડયું. હજુ પણ તેમને ગુસ્સો તો આવી જ જાય છે, પણ મેં પાંચ વર્ષના જયને પણ સમજાવ્યું છે કે, તારા મમ્મી-પપ્પા તારા કરતાં પણ નાનાં છે અને તેમને તારે સંભળવાના છે. અને તે ધીમે-ધીમે સાઈન લેન્ગ્વેજનો ઉપયોગ પણ શીખવા લાગ્યો છે. જે અમને ખૂબ જ મદદ કરે છે. અમે હવે બહાર ફરવા જઈએ છીએ. હોટેલમાં જમવા જઈએ છીએ, રમતો રમીએ છીએ. જિંદગીને ભરપૂર માણીએ છીએ.

જીવનમાં અપ-ડાઉન તો આવ્યા કરે, લેટ ઈટ બી

તુષારભાઈનાં મમ્મી છાયાબેન કહે છે કે, નાનપણમાં તુષાર ભારે એગ્રેસિવ હતો. તેને સમજાવવો કે તેની પરવરિશ કરવી સહેલી નહોતી. આ પ્રકારનાં બાળકોને પ્રેકટીકલ ટ્રેનિંગ દ્રારા શબ્દો અને વસ્તુઓનું જ્ઞાન આપવું પડતું હોય છે. તુષારને આજે બહુ વરસાદ પડે છે, એ વાક્ય શીખડાવતાં અને સમજાવતાં મને દોઢ મહિનો લાગ્યો હતો. મગ શું છે એ શીખડાવવા માટે મગ લાવીને દેખાડવા પડે, મોચી શું છે એ સમજાવવા માટે ચંપલ તોડીને મોચી પાસે લઇ જઈને તેને સમજાવવું પડે, આ પ્રકારનાં બાળકોને સામાન્ય બાળક સાથે પણ એડજેસ્ટ થતાં વાર લાગે છે. હજુ પણ તેઓ કોઈ ઓળખીતાના ઘરે જાય ત્યારે જો યજમાન તેમની સાથે વધુ વાત ન કરે તો તેમને લેફ્ટ આઉટ ફીલ થતું હોય છે. પણ જીવનના આ દરેક અપ-ડાઉન તેમની ઝીંદાદિલી સામે ફિક્કા પડે છે. જે રીતે તુષારે પોતાનો વ્યવસાય વિકસાવ્યો છે, એ કાબિલેતારીફ છે અને તેની હિંમતને હું દાદ આપું છું. આવાં બાળકોને ઘરની ખૂંટીએ બાંધવાના બદલે તેમને ઘરની બહાર મોકલવાથી તેઓ વધુ ખીલે છે. શશાંકનાં માતા દક્ષાબહેન પણ કઈક આવો જ અભિપ્રાય ધરાવે છે. તેમના મતે આ પ્રકારનાં બાળકો સામાન્ય બાળકોની સરખામણીએ વધુ મેચ્યોર હોય છે અને જીવનના અપ-ડાઉનને સહજતાથી પચાવી લેતાં હોય છે.

કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના

આ બધાં જ કપલ્સની સામાન્ય લોકો કે સમાજ સામે એક ફરિયાદ છે. તેઓ કહે છે કે અમે અમારી ખામીઓ સ્વીકારીને જીવતાં શીખી જઈએ છીએ. પણ સમાજ અમને અમારી ખામીઓ બિલોરી કાચથી દેખાડતો રહે છે અને તેથી અમારી હિંમત ક્યારેક ઓછી પણ થઇ જાય છે. લોકો શારીરિક રીતે અક્ષમ લોકોને માનસિક રીતે પાંગળા બનાવી દે છે. કેટલાક અમને અલગ ટ્રીટમેન્ટ  આપે છે, તો કેટલાય દયા દેખાડે છે, તો કેટલાંક ધુત્કારે છે. તુષારભાઈ કહે છે કે પીક-અવર્સના સમયે રિક્ષવાળનો કે ધંધાના સમયે ભાજીવાળાનો સમય પણ અમે વ્યય કરીએ તો તેઓ અમારું ઈન્સલ્ટ કરી દેતા હોય છે. ઘરે આવતા મેહમાનો અમને નીગ્લેસ કરે છે. જો સમાજ અમને પ્રોત્સાહન આપે અને સહજતાથી સ્વીકારે તો અમે વધુ પ્રગતિ કરી શકીએ. અમે તેઓના પ્રતિભાવની અવગણના કરતાં શીખી ગયા છીએ અને અમારું પોતાનું આગવું સોશિયલ ગ્રુપ બનાવી એન્જોય કરીએ છીએ. પણ તેમ છતાં ક્યારેક અમને આ વાતનું માઠું જરૂર લાગે છે.

જોઈન્ટ ફેમીલી, હેપી ફેમીલી

આજે એક તરફ જયારે ન્યુક્લિયર ફેમીલીની બોલબાલા વધી રહી છે, ત્યારે આ પ્રકારનાં સ્પેશિયલ કપલ્સ પોતાના પરિવારને પોતાની સ્ટ્રેન્ગ્થ માને છે. તેમના મતે પરિવારને કારણે તેઓ સેફ ફીલ કરે છે. પોતાના બાળકો થાય ત્યારે તેઓ ફુલફિલ્મેન્ટનો અનુભવ કરે છે. જો પરિવાર સ્પોર્ટીવ હોય તો તેઓ પોતાની કરીઅર બનાવીને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા સક્ષમ બની શકે છે. જોકે, ક્યારેક પરીવારનો ઓવરપ્રોટેક્ટીવ સ્વભાવ તેમણે અકળાવે પણ છે. જેમ કે ચીરાગને જયારે તેમના માતા-પિતા રાત્રે મોડા ફિલ્મ જોવા જવાની મનાઈ ફરમાવે તો તેમને ગુસ્સો આવે છે. જયારે છાયાબહેન તેમની વહુને ફેશનેબલ કપડાં પહેરવાની ના પાડે તો તુષારનું મોઢું ચઢી જાય છે. પણ તેમ છતાં તેઓ પરિવાર વિનાના જીવનની કલ્પના કરી શકતાં નથી.

મૂક-બધીરના પ્રકાર

બધિર લોકો મૂક હોય એવું જરૂરી નથી. તેઓ સાંભળી શકતાં ન હોવાને કારણે શબ્દોના ઉચ્ચારનું જ્ઞાન મેળવી શકતાં નથી અને તેથી તેમને બોલવામાં પણ મુશ્કેલી પડે છે. બહેરાશના જુદા-જુદા પ્રકાર હોય છે.

૧. પ્રોફાઉન્ડ હિયરિંગ લોસ – આ પ્રકારની સમસ્યા ધરાવતા લોકોની સંભાળવાની ક્ષમતા માત્ર ૨ – ૩ ટકા હોય છે. તેઓ ભાગ્યે જ કાંઈક સાંભળી શકતા હોય છે. તેમના માટે કાનનું મશીન પહેરવું અનિવાર્ય છે અને તેઓ લીપ મૂવમેન્ટ તેમ જ સાઈન લેંગવેજ દ્વારા લોકોને સમજવાનો પ્રયાસ કરે છે.

૨. સેવર ડેફ્નેસ – આ પ્રકારની અક્ષમતા ધરાવતા લોકો ૮૦-૧૦૦ ડેસીબલ સુધીનો અવાજ સાંભળી શકે છે. તેઓ લોકોને સાંભળી શકે છે. પણ તેમ છતાં સામાન્ય માણસની સરખામણીએ તેઓ સંભાળવાની ક્ષમતા ઓછી ધરાવે છે.

૩. મોડરેટ ડેફ્નેસ – આ પ્રકારની સમસ્યા ધરાવતા લોકો ૪૦ થી ૭૦ ડેસીબલ સુધીનો અવાજ સાંભળી શકે છે, તેઓ જો હિયરીંગ મશીન પહેરે તો સામાન્ય લોકોના શબ્દોને સહજતાથી સમજી શકે છે.

યાદ રાખો, દરેક મૂક-બધિરની જુદી-જુદી સમસ્યાઓ હોય છે અને તેઓ પોતાની વાત રજૂ કરવા માટે જુદા-જુદા પ્રકારની કોમ્યુનીકેશન ટેકનીકનો ઉપયોગ કરે છે. તેમની સાથે વાત કરતી વખતે ભાષાના ઉપયોગ બાબતે વધુ સેન્સિટિવ રહેવું અનિવાર્ય છે.

— Cocktailzindagi.com

કોકટેલ ઝિંદગી દીપોત્સવી ૨૦૧૭ નો અંક મેળવવા અહિયાં ક્લિક કરો https://goo.gl/PGVSs2

કોકટેલ ઝિંદગી પ્રીમીયમ મેગેઝીનના બધ્ધા અંક મેળવવા માટે ક્લિક કરો https://goo.gl/14qRJr અથવા ઘરે બેઠા મેળવવા Whatsapp on 08000057004

આ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ

fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું લેન્ડમાર્ક અને પીનકોડ સાથે મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા Whatsapp કરો 08000057004  પર અમારા કસ્ટમર કેરમાં. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક પુસ્તક પર 15% DISCOUNT.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા ઈમેલ [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર…

ટીપ્પણી