“ધ ઓપેરાહાઉસ રોબરી” – ચાર દાયકા પછી પણ અણઉકેલ રહેલું રહસ્ય…વાંચો શું થયું હતું તે દિવસે..

મંગળવાર, 17 માર્ચ 1987

મુંબઈની હરહંમેશ વ્યસ્ત રહેતી સવાર એ મહાશય માટે રોજની જેમ આળસુ અને કામચોર હતી. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ દૈનિકનાં પાનાઓ ઉથલાંવતે ઉથલાંવતે કોફીની ચુસ્કીઓ લેતો તે બાલ્કનીમાં આરામખુરશી પર બેઠો હતો. કામ પર જવાની કોઈ જલ્દી ન હતી, કારણકે તે બેરોજગાર હતો. નવી નવી નોકરીઓ માટે અરજી કરી ઇન્ટરવ્યૂ આપવા સિવાય તે શરીરને બીજી કોઈ તસ્દી આપતો ન હતો. સામે પક્ષે ઇન્ટરવ્યૂઅર્સ પણ તેને શરૂઆતી તબક્કાઓમાં જ રિજેક્ટ કરીને વધુ પળોજણથી દૂર રાખતા હતાં !

અચાનક અખબારનું પાનું પલટાવતી વખતે તેનું ધ્યાન એક ખૂણે આપેલી જાહેરખબર પર પડ્યું અને તે ખુરશીમાં ઉત્સાહનો માર્યો ઉભડક બેસી ગયો. અંગ્રેજીમાં લખેલી એ જાહેરખબર આટલી હતી… ‘વોન્ટેડ: 50 ડાયનામિક ગ્રેજ્યુએટ્સ ફોર ઇન્ટેલીજન્સ ઓફિસર્સ એન્ડ સિક્યુરિટી ઓફિસર્સ પોસ્ટ’.

જાહેરાત સરકારી નોકરીની હતી અને પાછી એ નોકરી સી.બી.આઇ-‘સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન’ની, પૈસા અને પદ સાથે મળતાં હોય, તો બીજું શું જોઈએ ! બસ, આ જ પોસ્ટ મેળવવા માટે ભગવાને તેને બેરોજગાર રાખ્યો હશે (!) એમ માનીને તેણે આ નોકરી માટે પણ અરજી કરવાનું નક્કી કરી નાખ્યું. કોફીનો મગ બાજુએ રહ્યો, ગ્રેજ્યુએશન સર્ટીફિકેટ તથા અન્ય પ્રમાણપત્રોની ફાઇલ શોધી હાથવગી રાખવા અને પોતાના પિતાને ‘નવી નોકરી’ વિશે આગોતરી ખુશખબરી આપવા તે છાપું લઈને અંદર દોડ્યો.

ઇન્ટરવ્યૂ બીજા દિવસે મુંબઈની પ્રખ્યાત હોટેલ ‘તાજ ઇન્ટરકોન્ટિનેન્ટલ’માં સવારે દસથી સાંજે પાંચ સુધી સીબીઆઇએ ‘નીમેલા’ અફસરો દ્વારા લેવાવાનો હતો. પાછળથી જોકે સ્થળ બદલાવવામાં આવ્યું. નરીમાન પોઈન્ટ પાસે આવેલા મિત્તલ ટાવરમાં ભાડે લેવાયેલા એક હોલમાં ઉમેદવારોએ પોતપોતાનાં સર્ટીફિકેટો સાથે 18 માર્ચે ધામા નાખ્યાં. 50 ઉમેદવારો માટે ભરતી કરવાની હતી. સેંકડોની અરજી આવી હતી, જેમાંથી અમુક અરજદારો તો પહેલેથી જ સરકારી નોકર હતાં, માત્ર સારા પદની લાલચે તેઓ અહીં સુધી આવ્યા હતાં.

જોકે તેઓ એક દિવસ પછી ઘટવા જઇ રહેલા અને લાંબા સમય સુધી દેશભરમાં ચકચાર મચાવનારા નાટકીય ઘટનાક્રમથી અજાણ હતાં. ખેર, એમનું ભવિષ્ય બદલી નાખનાર ઘટનાઓનો સિલસિલો શરૂ થઇ ચૂક્યો હતો. બધાનાં ઇન્ટરવ્યૂ લેવાયા પછી 50ને બદલે 26 જણાંની આગલા રાઉન્ડ માટે પસંદગી થઇ. સિલેક્ટ થયેલા મૂરતીયાઓને બીજા દિવસે સવારે 11 વાગ્યે ‘તાજ ઇન્ટરકોન્ટિનેટલ’માં રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું.

કેલેન્ડરમાં તારીખ બદલાઈ. 19 માર્ચનો મુંબઈગરાઓ માટે નવાજુનીથી ભરપૂર દિવસ ઉગ્યો. બરાબર 11 વાગ્યે ‘ભાવિ સીબીઆઇ ઓફિસરો’ તાજમાં પહોંચ્યા. તેમનો ઇન્ટરવ્યૂ લેનાર ઓફીસરે કે જેણે તાજના રજીસ્ટરમાં પોતાનું નામ મોહનસિંહ લખાવ્યું હતું, તેમને આઇડેન્ટિટી કાર્ડ આપ્યાં, ઓપેરાહાઉસમાં આવેલા દગીનાનાં એક જાણીતાં શો-રૂમમાં પાડવાની ‘મોક રેડ’ માટે બ્રીફ કર્યું અને તેમને રેડ દરમિયાન નિભાવવાની થતી અલગ અલગ જવાબદારીઓ સોંપી. આ રેડમાં તેમના પ્રદર્શનને આધારે આખરી નિમણૂક થશે એમ પણ જણાવવામાં આવ્યું. મુંબઈનું ઓપેરાહાઉસ અનેક મોંઘી જ્વેલરી શોપ માટેનું જાણીતું સ્થળ હતું. એમાંના એક મોટા શો-રૂમમાં એ 26 તાલીમી અફસરોએ ખરેખરી રેડનું ‘પ્રેકટીકલ’ કરવાનું હતું. 19 માર્ચ પછી એ ઓપેરાહાઉસ મહિનાઓ સુધી સમાચારોમાં ચમકતું રહેવાનું હતું.

‘તાજ ઇન્ટરકોન્ટિનેન્ટલ’ના પ્રશાસન તરફથી જ કથિત મોહનસિંહે એક બસ ભાડા પર રોકી હતી. તે અને તેની સાથેનાં 26 લોકો બસમાં બેઠાં અને ઓપેરાહાઉસ જવા નીકળ્યા. ચોપાટી પાસે મોહનસિંહે બસ ઉભી રખાવીને પોતાના તાલીમાર્થીઓને સોફ્ટ ડ્રિન્કની પાર્ટી આપી ! માર્ચનો ભરબપોરનો તડકો માથું ભમાવી નાખે, તેથી તેમને ‘કુછ ઠંડા હો જાયે’ વાળો અહેસાસ કરાવવો જરૂરી હતો.

છેક બપોરે સવા બે વાગ્યે તેઓ ઓપેરાહાઉસ પહોંચ્યા. જ્વેલરી બાબતે સૌથી સમૃદ્ધ ગણાતાં ‘ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી’ની ફર્મનું શો-રૂમ તેમના નિશાને હતું. બધાને એકદમ ચોક્સાઈથી પોતાની જવાબદારી નિભાવવાની તાકીદ કરીને મોહનસિંહ એન્ડ કંપની તાત્કાલિક અંદર ઘૂસી. શો-રૂમના માલિક પ્રતાપ ઝવેરી અને તેમનો સ્ટાફ કે અન્ય ગ્રાહકો કંઈ સમજે એ પહેલાં જ મોહનસિંહે પ્રતાપ ઝવેરી પાસે ધસી જઈને પોતાનો ‘સીબીઆઇ’ના બેજવાળો આઇડેન્ટિટી કાર્ડ તેમની સામે ધરી દીધો અને કહ્યું “સીબીઆઇ પાસે તમારા શો-રૂમની તલાશી લેવા માટેનું સર્ચ વોરન્ટ છે, કૃપા કરીને તપાસમાં સહકાર આપો !” પોતાની સામે ઉભેલા ‘ઓફિસર’ની વાત સાંભળીને પ્રતાપ ઝવેરીને ઝાટકો લાગ્યો. અલબત્ત તેનાથી મોટો ઝાટકો (ખરેખર તો આઘાત) તેમને બેએક કલાક રહીને લાગવાનો હતો ! મોહન સિંહે રેડનું કારણ દર્શાવતા કહ્યું કે તેઓ દાગીનામાં વપરાતાં સોનાની ક્વોલિટી ચેક કરવા માટે આવ્યા હતાં.

તરત શો-રૂમના શટર પાડી દેવામાં આવ્યાં. ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કેમેરા (CCTV કેમેરા) બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો. ટેલિફોન વાયર કાપી નાખવામાં આવ્યા. પ્રતાપ ઝવેરીને તેની લાયસન્સવાળી રિવોલ્વર ટીમને સોંપી દેવાનો આદેશ આપવામાં આવ્યો. ગ્રાહકો અને કર્મચારીઓને એક તરફ ઉભા રાખવામાં આવ્યા. મોહનસિંહે પ્રતાપ ઝવેરીને પોતાની સાથે આવવા કહ્યું. તેમણે શો-રૂમમાંથી દાગીનાઓના વિવિધ સેમ્પલો લીધા અને તેને સીલ કરી ‘સીબીઆઇ’નો સરકારી સિક્કો લગાડી બ્રીફકેસમાં ભરવામાં આવ્યા. દાગીનાઓ પછી રોકડનો પણ વારો આવ્યો. રોકડ રકમને અલગ બ્રીફકેસમાં એકઠી કરવામાં આવી.

આ બધું ચાલતું હતું એ દરમિયાન એક તાલીમાર્થી ‘અંદર રેડ ચાલુ છે’ એવા મતલબનો બોર્ડ લઈને બહાર દરવાજા પાસે ઉભો હતો, જેથી અંદર કોઈ ગ્રાહક આવી ન શકે ! કુલ્લ 45 મિનિટની ‘સાફ-સફાઈ’ પછી મોહનસિંહે બે જણને બધી બ્રીફકેસ લઈને બસમાં મૂકી આવવા જણાવ્યું. પોતાને બીજી એક જગ્યાએ રેડ પાડવાની છે, જે પતાવીને થોડીવાર પછી ફરી અહીં આવશે, એવું કહીને એ સરકી ગયો. તેની સાથે રહેલા 26 તાલીમાર્થીઓને ત્યાં જ રહીને શો રૂમનું ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી.

અડધો કલાક થયો, પછી પોણો અને પછી એક… ! એટલીવાર સુધીમાં તો નવાસવાં જોડાયેલા ‘સીબીઆઇ’ અફસરોનો જોશ શમી ચૂક્યો હતો. હવે તેમને કંઈક લોચો પડ્યાનો અહેસાસ થયો. પોલીસને ફોન કરીને તરત ઓપેરાહાઉસ બોલાવવામાં આવી. થોડી જ વારમાં ક્રાઇમ ડિવીઝનના ઓફિસર અરવિંદ ઇનામદાર (જે ભવિષ્યમાં મહારાષ્ટ્ર પોલીસના ડિરેકટર જનરલ-ડીજીપી બનવાના હતાં) પોતાની ટુકડી લઈને આવી પહોંચ્યા. જોયું તો શો-રૂમ સફાચટ પડ્યો હતો. આરોપીએ કોઈ પણ સબૂત રહેવા દીધા ન હતા. એક વાતે તેમને અચંભામાં નાખી દીધી, કે આ કારનામું કરનાર છવ્વીસ લોકોની (સોરી ‘સીબીઆઇ અફસરો’ની) ટીમ પણ ત્યાં હતી, તેના સૂત્રધાર સિવાય ! બધા એકબીજાનું મોં તાકી રહ્યા. કુલ્લ ત્રીસથી પાંત્રીસ લાખ જેટલો મુદ્દામાલ તફડાવવામાં આવ્યો હતો.

ઇનામદારને ખબર પડતાં વાર ન લાગી કે આ મામલો ફ્રોડ સીબીઆઇનો હતો અને એ છવ્વીસ જણાંને ખૂબ જ ચાલાકીપૂર્વક તેમની જાણ બહાર લૂંટના ભાગીદાર બનાવાયા હતાં. સીબીઆઇના અફસર બનતાં તો રહી ગયા, પણ ઉલ્લુ કેમ બનાય એ ત્યાં હાજર રહેલા બધાને હવે સારી રીતે સમજમાં આવી ગયું હતું. એ છવ્વીસ જણાંએ હવે આરોપી કમ સાક્ષીનો બેવડો રોલ ભજવવાનો હતો, તેથી તેમને તરત પકડી લેવામાં આવ્યા અને સમગ્ર પોલીસખાતું હવે મોહનસિંહની તલાશમાં લાગી ગયું.

નામ પણ ક્યાં એનું સાચું હતું, છતાં બુદ્ધિશાળી ગુનેગારોની જમાતમાં હવે એ આ જ નામે ઓળખાવાનો હતો ! દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો. સઘન તપાસ દરમિયાન ખાલી ચણાં-મમરા જેવી બાબતો સામે આવી. એક એ કે તેણે ‘તાજ ઇન્ટરકોન્ટિનેટલ’માં રૂમ નંબર 415 બુક કરાવ્યો હતો. તે ત્રિવેંદ્રમથી આવ્યો હતો એવું તેણે જણાવ્યું હતું. બીજું, કે લૂંટ પછી તે હોટેલ પાછો આવ્યો હતો. ત્યાંથી ટેક્સી કરી વિલે પાર્લે ઉતર્યો, અને ત્યાંથી ઓટો રિક્ષામાં બેઠો. પછી ખબર નહીં ક્યાં ગયો ! કારણકે ઓટોમાં બેઠા પછીથી એના કોઈ સગડ પોલીસને નથી મળ્યા–આજ સુધી !!

આગળની તપાસ માટે એક ટીમને કેરળના ત્રિવેંદ્રમ મોકલવામાં આવી, અમુક શકમંદોને પણ પકડવામાં આવ્યાં, પણ ‘મોહનસિંહ’ કંઈ રસ્તે રખડતો ટપોરી થોડી હતો કે સહેલાઈથી હાથમાં આવી જાય ! થોડા મહિના પછી એવી બાતમી મળી કે એ દુબઇમાં મોજમજા કરી રહ્યો હતો. ‘કાનૂનના હાથ’ દુબઇ સુધી પણ લંબાયા, પણ ફરીથી પરિણામ શૂન્ય ! ભારતીય તપાસ એજન્સીઓની શાખ પર બટ્ટો લગાવીને એ કરતબબાજ હંમેશ માટે છૂમંતર થઇ ગયો.

હા, પાછળ મહિનાઓ સુધી દેશભરમાં ખળભળાટ મચાવનાર એક અવિશ્વસનીય પ્રકરણ છોડતો ગયો, સાથે સાથે એક એવરગ્રીન સવાલ પણ–કે એ મોહનસિંહ ખરેખર હતો કોણ ? શું તે ગરીબોનો મસીહા રોબિનહૂડ હતો ? કે પછી સીબીઆઇનો ભૂતપૂર્વ અધિકારી હતો ? કે મિથુનદા’ ટાઈપ કોઈ ફિલ્મી હીરો, જેના પરિવારને સરકારે નુકસાન પહોંચાડ્યું હોય અને તેણે બદલો લેવા માટે આમ કર્યું ? શોખ ખાતર દુનિયામાં ઉથલપાથલ કરનાર કોઈ સનકી પણ હોઈ શકે ! આ બધી સંભાવનાઓ માટે માત્ર અનુમાન જ લગાવી શકાય. કારણકે એ કથિત મોહનસિંહ હજુ ફરાર છે.

26 જણાંની લૂંટના ‘સહિયારા હેતુસર’ છેડેચોક જાહેરાત આપીને ભરતી કરવી, અદ્દલ સીબીઆઈની ટ્રેડમાર્ક સ્ટાઈલમાં રેડ પાડવી, આદેશો આપવા અને પછી પોતાના અસલી રૂપમાં આવીને સિફતપૂર્વક છટકી જવું ! આ બધું કોઈ ફિલ્મી કહાણીથી ઓછું નથી. ‘મોહનસિંહ’ પણ ક્યાં કોઈ અદાકારથી ઊણો ઉતરે એમ હતો ! આ જ કિસ્સા પરથી પ્રેરિત ‘સ્પેશિયલ 26’ નામની સુપરહિટ ફિલ્મ પણ બની છે. નીરજ પાંડેના દિગ્દર્શન હેઠળ 2013માં બનેલી મલ્ટી સ્ટારર ફિલ્મમાં મુખ્ય પાત્ર અક્ષય કુમારે ભજવ્યો છે. ‘સ્પેશિયલ 26’એ નિર્માતાઓ કુલ્લ 103 કરોડ કમાવી આપ્યા હતાં. જોકે એની પટકથા અસલ ઘટનાથી અમુક જગ્યાએ જુદી પડે છે.

અત્યારે તો તપાસનું કદાચ ફીંડલું વાળી દેવામાં આવ્યું હોય, પણ એક વાત તો સાચી કે એક અજાણ્યા શખ્સે એ વખતે મોટા મોટા પોલીસ અધિકારીઓની ઊંઘ હરામ કરી નાખી હતી. હજુ, ચાલીસ વર્ષ પછી પણ કાયદાની બેડીઓથી તે માઈલો દૂર છે. તેના પકડાયાં પછી જ વર્ષોથી ધૂળ ખાતી ‘ઓપેરાહાઉસ લૂંટ પ્રકરણ’ની ફાઇલ કાયમ માટે બંધ થઇ શકશે. પણ એ પકડાશે કે કેમ, કોને ખબર !!

લેખક: પ્રતીક. ડી. ગોસ્વામી (ભુજ-કચ્છ)

આપ સૌ ના પ્રતિભાવો મને વધુ લખવા અચૂક ઉત્સાહ આપશે અને પ્રેરણા આપશે…કઈ ક તો લખજો કોમેન્ટ માં હો !!!

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!