થપ્પડ ખાઓ અને ચહેરો ચમકાવો

સુંદરપુર નામે એક ગામ હતું. હળીમળીને ખાઈ-પી ને લહેર કરતાં સુખી લોકો રહેતા હતાં. ગામમાં એક કાળુ હજામ હતો. જે લોકોના વાળ કાપી આપતો અને દાઢી બનાવી આપતો. જેના થકી ગ્રામજનોના ચહેરા સુઘડ અને સ્વચ્છ રહેતા. વર્ષોથી આ પરંપરા ચાલતી હતી. અને સુંદરપુરના ચહેરાઓ કાળુ હજામના અસ્ત્રા, કાતરને કારણે સ્વચ્છ અને સુઘડ રહેતાં. કાળુની દુકાનની સામે બાબુ નામનો છોકરો રહેતો હતો. તેને કાળુની ઘરાકી જોઈને કાયમ ઈર્ષ્યા થતી.

એક વાર બાબુ શહેરમાં ગયો અને ત્યાં પાર્લરમાં ફેશિયલ થતું જોયુ. બેકાર રખડતાં બાબુને તેમા રસ પડ્યો. જેટલું જોયું એટલું ગ્રહણ કરી લીધું. અને ગામમાં આવીને તેને ‘બાબુ બ્યૂટી પાર્લર’નામે દુકાન ખોલી નાંખી. તેની પાસે કોઈ પદ્ધતિસરની તાલિમ તો હતી નહિ.

ના તો તેની પાસે પુરતા સંસાધન હતાં. લીલો કેસરી,સફેદ એમ ત્રણ ડબ્બા ક્રિમનાં લઈને એ બેસી ગયો હતો. ગામની યુવા પેઢીને ચહેરો ચમકાવવાની ચાનક ચઢવા લાગી. તાલિમ વગરનો બાબુ જે જોયુ હતુ તે રીતે ફેશિયલ કરવા લાગ્યો. અને ગ્રામજનોએ તો કદી જોયુ જ નહોતું એટલે બાબુ જે કરતો એજ તેમનાં માટે ફેશિયલ હતું. બાબુની ફોર્મ્યુલા સિમ્પલ હતી.તે ગ્રાહકની આંખ પર પહેલા પટ્ટી બાંધી દેતો.

પછી તેની પાસે જે ત્રણ જ ડબલા હતા એ ક્રિમ ગ્રાહકના ચહેરા પર વારાફરતી ઘસ્યા કરતો. વચ્ચે વચ્ચે ફટકડી ઘસીને ગ્રાહકને બળતરા થાય એવું કરતો. આંખે પટ્ટી બાંધેલા ગ્રાહકને કયાંથી ગતાગમ હોય કે શું થઈ રહ્યુ છે. એતો બસ ચહેરો ચમકાવવાની ધૂનમાં ચૂપચાપ બાબુ જે કરે તે અનુભવતો રહેતો.

મોઢા પર થતા મસાજનાં કારણે ગ્રાહક ઘણીવાર ખુરશી પર ઉંઘી જતો. છેલ્લે અણઘડ બાબુ ગ્રાહકનાં માથામાં અને ચહેરા પર ટપલીઓ મારતો. જેને મસાજનું હુલામણુ નામ આપી બીજા વધારાના પૈસા પડાવી લેતો. ટપલીઓ ખાઈને, ચહેરા પર બાબુની આંગળીઓ રગડાયા પછી, એક ઝોકું ખાધેલા ગ્રાહકની આંખો પરથી પટ્ટી હટતી તો એ ફ્રેશનેસનાં કારણે અને વધુ પૈસાની ચૂકવણીના કારણે ચહેરો ખરેખર ચમકી ગયાનો આત્મસંતોષ માનતો. એજ રીતે બાબુ સ્ટાઇલનાં નામે યુવાનોના ચિત્ર-વિચિત્ર વાળ કાપી આપતો. યુવાનોનાં આવા વાંદરા જેવા ચહેરાઓ જોઈ ઘરડા મનોમન અકળાતા. કયારેક બળાપો પણ કાઢતા.

” આ તમને કેવી ચાનક ચઢી છે? થપ્પડો ખાઈને ડાચું ઉજળું રાખો છો”

પણ યુવાનો આગળ તેમનું કંઈ જ ચાલતુ નહિ..
આમ ને આમ કુદરતી સુઘડ અને સ્વચ્છ ચહેરા ઘરાવતું સુંદરપુર ગામ વિચિત્ર ચહેરાઓ ધરાવતું થઈ ગયું……

એ સુંદરપુર ગામ એટલે આપણું ભારત.

એ કાળુ હજામ એટલે સાચા સંતો જે જીવન જરુરી સાચો માર્ગ બતાવતા.
અને એ બાબુ એટલે દંભી અજ્ઞાની સંતો અને રાજકારણીઓ . જેમને યુવાનોનો આંખે પટ્ટી બાંધી પોતાના લિમિટેડ જ્ઞાનરૂપી એ ત્રણ જ ડબલાઓમાંથી મનઘડત ઉપદેશો ઠોકીને, કયારેક બળતરા પેદા કરતી વાતો કરીને, તો કયારેક ટપલીદાવ કરીને ચહેરો ચમકાવવાની લાલસામાં આવનારી યુવા પેઢીને સાવ વિચિત્ર અને કદરૂપી બનાવી દીધી……!!

લેખક – ઈરફાન સાથિયા

જો આપ લેખક ની વાત સાથે શમત હો તો “I Agree” કોમેન્ટ કરવી !

ટીપ્પણી