દસ માઈક્રો વાર્તાઓ ફટાફટ વાંચો અને શેર જરૂર કરજો…

દસ માઈક્રો વાર્તાઓ

1,
“આ યુનિવર્સ એટલું મોટું છે કે આપણને મહાકાય લાગતા હિમાલય જેવા પર્વતો કે નદી-કોતરો પણ દૂર આકાશમાંથી નાના ટપકાં જેવડા લાગે… જાણે તેમનું કોઈ અસ્તિત્વ જ નથી!” ખીચોખીચ મેદની વચ્ચે સ્પીચ આપી રહેલા પ્રખ્યાત ખગોળશાસ્ત્રીના વક્તવ્યની એ છેલ્લી લાઈન હતી.

તેઓ ઘરે પહોંચ્યા અને એક જ દીકરી ધરાવતા પોતાના દીકરાને કહેવા લાગ્યા, “એક દીકરો તો જોઈએ, નહિતર આ દુનિયામાં આપણા કુળનો વંશ-વેલો કેવી રીતે રહે?”

૨.

એક મા પોતાના દીકરાને વાર્તા કહી રહી હતી, “ચાંદો ને સૂરજ બે ભાઈ, એક આવે ને બીજો જાય…”
“પપ્પા ને કાકાની જેમ જ ને! તેમને પણ એકબીજા સાથે ફાવતું નથી!” સાત વર્ષના દીકરાએ કહ્યું.

૩.

“જંગલમાં બધા પ્રાણીઓ સિંહને વિનંતી કરતા હતાં, “વનરાજ, અઠવાડિયામાં એક દિવસ તમે રજા રાખો. તે દિવસે તમારે ઉપવાસ કરવાનો. બીજાં પ્રાણીઓને પણ રાહત મળે.””
બાળ ભાસ્કરમાં આવેલી ઉપરની વાત વાંચી મને દેશના નેતાઓ અને ઉદ્યોગપતિઓ યાદ આવી ગયા…

૪.

“હેં પપ્પા, રજા એટલે શું?” રવિવારના દિવસે મોડા ઉઠેલા પપ્પાને ચાર વર્ષના દીકરાએ પૂછ્યું.
“બેટા, રજા એટલે મજા. આખો દિવસ જલસા જ કરવાના.”
આ સાંભળતી તેની પત્નીના ચહેરા પર મુસ્કાન આવી. તે રોજની જેમ કામકાજમાં જોતરાઈ ગઈ હતી…

૫.

“આ દુનિયામાં સૌથી વધુ સાતત્ય ધરાવતી વસ્તુ સૂર્ય અને ચંદ્ર છે…” આર્ટ્સના પ્રોફેસરે વિદ્યાર્થીઓને કહ્યું.
“સોરી સાહેબ! આ દુનિયામાં સૌથી વધુ સાતત્ય ધરાવતી વસ્તુ સૂર્ય અને ગૃહિણી છે!” એક યુવતીએ દલીલ કરી, “ચંદ્રને પણ અમાસના દિવસે રજા મળે છે, ગૃહિણીને નહીં…”

૬.

“શું થશે આ નવી પેઢીનું? એમને લોકોને કોઈ વાતનું ભાન નથી!” ઈનોવા ચલાવી રહેલા પોતાના નિવૃત્ત મિત્ર સામે જોઈ મનુભાઈ બોલ્યા. પછી તેમણે ઈનોવાની બારીનો કાચ ઉતાર્યો અને ખવાઈ ગયેલ વેફરનું ખાલી પડીકું ગાડીની બહાર ફેંકી દીધું !

૭.

નવા વર્ષના પહેલા દિવસની વહેલી સવારે પપ્પાએ દીકરાને કહ્યું, “જો બેટા, આજથી નિશ્ચય કર કે તારા બધા કામ તું જાતે કરીશ.” અને તેમણે પોતાની પત્નીને કહ્યું, “મારે થોડી ઉતાવળ છે. ન્હાવા માટેનું પાણી ગરમ કરવા મૂકી દે.”

૮.

અઠવાડિયા પહેલા… પ્રકાશભાઈ પુસ્તક વાંચી રહ્યા હતા. તેમના બંને પુત્રો સોફા પર બેસી ટી.વી. જોઈ રહ્યા હતા. તેમના પત્ની અને બંને પુત્રવધુઓ ફરસ પર બેસી પોપટા ફોલી રહ્યા હતા. એવામાં તેમણે એક વાક્ય વાંચ્યું અને તેઓ નીચે બેસી પોપટા ફોલતી ત્રિપુટીને મદદ કરવા લાગ્યા. ત્રીજા દિવસે તેમાં મોટો દીકરો જોડાયો અને આજે નાનો દીકરો… તે દિવસે પ્રકાશભાઈએ વાંચેલું વાક્ય હતું : “તમે જેવા સંતાન ઈચ્છતા હો એવા પોતે બની જાવ, કહેલા કરતા કરેલાની અસર વધુ થતી હોય છે.”

૯.

૧૫૦ રૂપિયાની ટિકિટ લઇ, ૧૦૦ રૂપિયાના પોપ કોર્ન ખાઈ, મૂવીની મજા કરી થીએટરમાંથી બહાર નીકળતા વિકાસે ફુગ્ગાવાળાને જોયો. તેણે તરત જ મિત્ર અર્ણવને કહ્યું, “યાર આ લોકો આપણને જબરા લૂંટે છે… પાંચ રૂપિયાના ફુગ્ગાના વીસ રૂપિયા લે છે, બોલ!”

૧૦.

વકીલ અને જજના ખિસ્સા ભરાઈ ગયા, ગુનેગાર છૂટી ગયો. નિર્દોષને સજા થઇ, ભારે વિરોધ થયો. છેવટે, ન્યાયદેવીની આંખે બાંધેલી પટ્ટી ખોલી નાખવાનું નક્કી થયું. પણ, વકીલ અને જજ હોશિયાર હતા. તેમણે પટ્ટી ખોલતા પહેલા ન્યાયદેવીના બે હોઠ વચ્ચે ફેવિક્વિકનું ટીપું મૂકી દીધું!

લેખક : હાર્દિક કનેરિયા

દરરોજ આવી નાની નાની સમજવા જેવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી