ટેલીવિઝનની ગોડમધર: એકતા કપૂર !! વાંચો, રસપ્રદ લેખ તુષાર રાજાની કલમે…!!

ભારતીય ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં એકતા કપૂર આજે સફળતાનો પર્યાય માનવામાં આવે છે. ભારતના સૌથી સફળ યુવા વ્યવસાયિકોમાં તેનું નામ મોખરે છે. બહુ નાની ઉંમરે ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં સૌથી ટોચના સ્થાને પહોંચી જનાર એકતા કપૂર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર જીતેન્દ્રની પુત્રી હોવા છતાં સ્વભાવે થોડી શરમાળ અને અંતર્મુખી હોવાના કારણે પોતાના પિતાની જેમ પડદા પર છવાઈ જવાના બદલે પડદાની પાછળ રહેવાનો વ્યવસાય સ્વીકાર્યો.આમ છતાં ટીવી દર્શકોની નાડ પારખવાની તેની અદભૂત કાબેલીયતના કારણે તેની મોટાભાગની સિરિયલો ટીઆરપીની રેસમાં હંમેશા અવ્વલ જ રહે છે,એટલું જ નહિ પણ આટલી નાની ઉંમર હોવા છતાં અનેક કલાકારોની કારકિર્દી બનાવવા અને અનેક કલાકારોની મેન્ટોર અને ગોડમધર બની ગયેલ છે.

એકતા કપૂરને તેના જન્મના સમયથી જ તેના પરિવારજનો ખૂબ ભાગ્યશાળી મને છે, કારણ કે તેના જન્મ પછી તેના પિતા જીતેન્દ્રની કારકિર્દી ટોચ પર પહોંચી ગઈ હતી.મુંબઈની મીઠીબાઈ કોલેજમાં ભણેલ એકતાને ભણવામાં જરાય રસ નહોતો,આ વાત તેના માતા પિતા જાણતા હોવાથી તેને ક્યારેય ભણવા માટે ફોર્સ નહોતો કર્યો, ઉલટાનું ફેમીલી બિઝનેસ ‘બાલાજી ફિલ્મ્સ’માં જોડાઈ જવા પ્રોત્સાહન આપ્યું અત્યારે 42 વર્ષની થયેલ એકતાએ 18 વર્ષની ઉંમરે જ બહુ મોટી સફળતા મેળવી લીધી હતી.

એકતાની ઘણી સિરિયલોને હિન્દી ટીવી જગતની માઈલસ્ટોન સિરિયલોમાં સ્થાન મળેલ છે.માનો યા ના માનો,હમ પાંચ, પડોસન,અને કેપ્ટન હાઉસ જેવી બાલાજીની સિરિયલો પછી,2000ની સાલમાં તેણે ’કયું કી સાસ ભી કભી બહુ થી’સિરિયલ બનાવી,જેને સુપરડુપર સફળતા મળી.આ સિરિયલના કલાકારો અને સિરિયલના દરેક હપ્તાઓની ભારતભરમાં ઘરઘરમાં ચર્ચાઓ થવા લાગી. આ સીરીયલની હિરોઈન તુલસી ઈરાનીને થોડા સમય પહેલા કોઈ ઓળખતું નહોતું,તે થોડા જ સમયમાં સુપરસ્ટાર બની ગઈ. આ સીરીયલની સફળતાના કારણે એકતાને 2001માં ઘણા એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી.

આ સિરિયલ તેની કેરિયરની પ્રગતિની શરૂઆત હતી, જે ભવિષ્યમાં અનેક ટોચ સર કરવાની હતી. ત્યાર બાદ એક એકથી ચડિયાતી સિરિયલોનો સિલસિલો શરુ થયો જેમ કે, કરમ અપના અપના,કસમ સે, કહાની ઘર ઘરકી,કસૌટી ઝીંદગી કી,કાવ્યાંજલિ, કોઈ તો હોગા,કોશિષ એક આશા,કોઈ દિલ મેં હૈ,કોઈ અપના સા, કુસુમ,ક્યા હાદસા ક્યા હકીકત,કુટુંબ, ક્યાં હોગા નિમ્મો કા, કુંડલી,કુછ ઝુકી પલકે,કભી સૌતન કભી સહેલી, વિગેરે એક પછી એક હીટ સીરીયલોનું નિર્માણ કર્યું. આ બધી સિરિયલોમાં નોંધપાત્ર વાત એ છે કે આ બધી સિરિયલોના નામની શરૂઆત અંગ્રેજી ‘K’થી થતી હતી. અત્યારના સમયમાં ટી આરપી ની રેસમાં કોઈ પણ ટીવી શોની સફળતા તેના ટી આર પી વડે માપવામાં આવે છે ત્યારે એકતા કપૂરની નાગિન-2 અને કુમકુમ ભાગ્ય જેવી સિરિયલો ઘણા સમયથી સૌથી ટોચ ઉપર રહેલ છે.

એકતા કપૂર એકદમ અંધશ્રધ્ધાળુ કહી શકાય એટલી બધી હદે જાત જાતની માન્યતાઓ,એસ્ટ્રોલોજી,અને ન્યુમેરોલોજીમાં વિશ્વાસ મુકે છે. તેના બંને હાથની દરેક આંગળીઓમાં જાત જાતની વીંટીઓ હંમેશા જોવા મળે છે. એકતા પોતાની પર્સનલ લાઈફને હંમેશા ખાનગી રાખવામાં માને છે. તેમ છતાં તેના વિષે અનેક જાતની અફવાઓ વારંવાર ઉડતી રહે છે. એક સમયના તેના માનીતા કલાકાર અમન વર્મા અને એક વકીલ તૈમુર બાજવા સાથે અફેર હોવાની અફવાઓ પણ ઉડી હતી.આમ છતાં તેણે આ અંગે કોઈ ખુલાસાઓ આપવાના બદલે મૌન રહેવું પસંદ કર્યું હતું.

ટીવી સિરિયલો ઉપરાંત ‘બાલાજી મોશન પિકચર્સના બેનર હેઠળ એકતા કપૂરે અનેક હીટ ફિલ્મોનું નિર્માણ પણ કરેલ છે. ‘કયું કી મૈ જૂઠ નહિ બોલતા’ થી લઈને ‘ક્યાં કૂલ હૈ હમ-3’ એમ અનેક ફિલ્મોનું નિર્માણ પણ કરેલ છે.

ડાયરેક્ટર,પ્રોડ્યુસર,વેન્ચર કેપિટાલીસ્ટ તથા બિઝનેસ વુમન ઉપરાંત બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લીસ્ટેડ પોતાની કંપની બાલાજી ટેલિફિલ્મ્સમાં જોઈન્ટ મેનેજીંગ ડીરેક્ટર અને ક્રિએટીવ ડાયરેક્ટર જેવી અનેક જવાબદારીઓ ખુબ જ સફળતાથી નિભાવનાર એકતાએ પોતાની સખત મહેનત અને બીજાઓથી સાવ અલગ વિચારીને એકદમ ક્રિએટીવ આઈડીયાઝ અને જોખમો ખેડીને આ સમગ્ર સામ્રાજ્ય ઉભું કરેલ છે.એકતાએ પોતાની કેરિયરની શરૂઆત 17 વર્ષની વયે કરી હતી. નિર્માતા કૈલાસ સુરેન્દ્રનાથ સાથે મળીને શરુ કરેલ તેનું સૌ પ્રથમ સાહસ સફળ નહોતું થયું.ત્યાર બાદ બે વર્ષ પછી

જીતેન્દ્રજીના જુના મિત્ર અને ડોલ્ફિન ગ્રુપના માલિક કેતન સોમૈયાએ જીતેન્દ્ર્જીને એક જબરદસ્ત બિઝનેસ ડીલની ઓફર કરી. કેતન સોમૈયાએ તે સમયે યુરોપમાં શરુ થયેલ સાઉથ એશિયા ટીવી ચેનલ ‘ટીવી એશિયા’ ખરીદી હતી. કેતન સોમૈયાએ આ ટીવી ચેનલ કોની પાસેથી ખરીદી હતી તે જાણો છો? અમિતાભ બચ્ચન પાસેથી. તે સમયે આ ચેનલની માલિકી અમિતાભ બચ્ચન અને તેના ગ્રુપ પાસે હતી.કેતન સોમૈયાએ આ ચેનલ ખરીદીને તેના માટે જુદા જુદા શો તૈયાર કરવાં પોતાના મિત્ર એવા જીતેન્દ્રજીને ઓફર કરી. જીતેન્દ્રએ આ ઓફર પાછળ રહેલ વિશાળ તકને પારખી લીધી.તેમણે પોતાના પત્ની શોભા કપૂર અને પુત્રી એકતાને આ બાબતમાં આગળ વધવા જણાવ્યું.આમ, પિતાના નાણાકીય બેકિંગની સાથે એકતાએ પોતાનું પ્રોડક્શન હાઉસ ‘બાલાજી ટેલિફિલ્મ્સ’ 1994માં શરુ કર્યું. આ નામ રાખવા પાછળનું કારણ એ હતું કે જીતેન્દ્રજી અને તેમનો સમગ્ર પરિવાર તિરુપતિ બાલાજીમાં ખુબ જ શ્રધ્ધા ધરાવે છે.

જો કે સફળતા મળવી એટલી સહેલી નહોતી. ખુબ બધી આશાઓ અને ઘણી બધી મહેનતથી શરુ કરાયેલ પ્રથમ છ ટેલિફિલ્મ્સના પાયલોટસ અને ત્રણ ફિલ્મોના પ્રોજેક્ટ્સ ભયંકર નિષ્ફળ નીવડ્યા.ત્યાર બાદ,1995માં શરુ કરાયેલ ટીવી સિરિયલ ‘હમ પાંચ’ ની સફળતાએ તેમને આ લાઈનમાં આગળ વધવાની હિંમત આપી. પાંચ બહેનો અને તેના માતાપિતાની આસપાસ આકાર લેતી ‘હમ પાંચ’ કોમેડી સિરિયલ લોકોને ખુબ પસંદ આવી.ત્યાર બાદ થોડા વરસો પછી એકતાએ હિન્દી ટીવી જગતમાં ઈતિહાસ સર્જી દેનાર પોતાની સૌથી લોકપ્રિય સિરિયલ ‘કયું કી સાસ ભી કભી બહુ થી’ લોન્ચ કરી.

2000ની સાલમાં એકતાએ પ્રચલિત કરેલ ‘સાસ-બહુ’ વચ્ચે આકાર લેતા જુદા જુદા સબંધો દર્શાવતી સિરિયલોનો દોર હજુ પણ એટલો જ ચાલી રહ્યો છે. આ સિરિયલે લોકોના .ખાસ કરીને દેશભરની મહિલાઓના દિલોદિમાગ પર એટલો બધો કબજો કરી લીધો હતો કે આ સીરીયલના દરેક એપીસોડસનું બીજા દિવસે દિવસના સમયે પુનઃપ્રસારણ કરવામાં આવતું હતું, તે પણ એટલી જ આતુરતાપૂર્વક અને રસપૂર્વક જોવામાં આવતું હતું. એટલું જ નહિ, પણ તે સમયે એવું પણ મોટાભાગે જોવા મળતું કે સ્ત્રીઓ જયારે ભેગી થાય ત્યારે મોટાભાગે આ સિરીયલને લગતી વાતો જ કેન્દ્રસ્થાને રહેતી હતી. આ સિરિયલની ભવ્ય સફળતાને ધ્યાનમાં લઈને એકતાએ એક બહુ બોલ્ડ નિર્ણય લીધો અને પોતાની કંપની ‘બાલાજી ટેલિફિલ્મ્સ’ને પબ્લિક લીમીટેડ કંપનીમાં રૂપાંતર કરી.

સફળતા કે નિષ્ફળતા હંમેશા કે કાયમ ટકતી નથી. કુદરતનો આ નિયમ એકતા કપૂરને પણ લાગુ પડી ગયો. ‘કયું કી સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી અને કસોટી જિંદગીકી જેવી સુપર ડુપર સિરિયલોની સફળતાનો સ્વાદ ચાખી રહેલ એકતા કપૂરનો 2008થી કપરો સમય શરુ થયો. જે સિરિયલોની ટી આર પીના જોર પર એકતા ટીવી ઇન્ડસ્ટ્રી પર એકચક્રી શાસન કરી રહી હતી,તે ત્રણેય સિરિયલો ઘણા લાંબા સમયથી ચાલી રહેલ હોવાથી દર્શકોને કંટાળો આવવા લાગ્યો.દર્શકો તે સમયે શરુ થઇ રહેલ નવી નવી સિરિયલો અને રીયાલીટી શો તરફ વળવા લાગતાં એકતાની સિરિયલોની ટી આર પી ધડાધડ નીચે ઉતારવા લાગી.

એટલું ઓછું હોય તેમ એકતાને બીજો પણ એક કમરતોડ ફટકો લાગ્યો. આ સમયે એકતા કપૂર મહાભારત પર આધારિત ખુબ જ ખર્ચાળ અને ભવ્ય સિરિયલના નિર્માણની તૈયારીઓ કરી રહેલ હતી,જે માટેનો ખૂબ જ મોંઘો સેટ પણ તૈયાર થઇ ગયો હતો.પરંતુ આ સિરિયલનો પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો.આના કારણે એકતાને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું.પરંતુ આ બધી મુસીબતોનો તેણે સામનો કર્યો અને તેમાંથી બહાર આવવાના પ્રયાસ શરુ કરી દીધા.

આ પ્રયાસોના ભાગરૂપે 2010માં તેણે ALT એન્ટરટેઈનમેન્ટ નામની કંપની શરુ કરી.જેમાં મુખ્યત્વે યુવાનોને ધ્યાનમાં રાખીને ફિલ્મો અને ટીવી કાર્યક્રમો બનાવવાનું નક્કી કર્યું.જેમાં તેણે ઘણી સફળતા મળી.ત્યાર બાદ,2012માં અન્ય એક કંપની ‘બોલ્ટ મીડિયા લીમીટેડ’શરુ કરી, જેમાં જાહેરાતો અને ઓનલાઈન કન્ટેન્ટને લાગતું કામ કરવામાં આવે છે.ફરીથી એકતાની સફળતાની ગાડી પુરપાટ દોડવા લાગી. આ ઉપરાંત, બીજી ઘણી કંપનીઓમાં રોકાણ અને હિસ્સો શરુ કરી ઘણી મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે.

આજે ટેલીવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોચનું સ્થાન ભોગવી રહેલા અનેક કલાકારો અને કસબીઓને આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરાવનાર અને સફળતાનો અને લોકપ્રિયતાનો સ્વાદ ચખાડવાનો શ્રેય એકતા કપૂરને જાય છે,એટલે જ તેને ટેલીવિઝનની ગોડમધર તરીકે પણ માનવામાં આવે છે.

લેખક : તુષાર રાજા

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી