હવે વોટ્સએપ પણ નકલી? તમારા ફોનમાં નકલી વોટ્સએપ તો નથી ને?? જાણી લો..

સોશિયલ મીડિયાનો ક્રેઝ અત્યારે ચરમસીમાએ છે,લગભગ આખી દુનિયા કોઈ ને કોઈ રીતે તેના સકંજામાં આવી ગઈ છે .એક સમય એવો હતો જ્યારે ટેલીફોનના ડબલાને પણ લોકો કુતૂહલથી જોતા હતા અને તેઓ માની જ નહોતા શકતા કે આવી રીતે એક જગ્યાએથી કરવામાં આવતી વાતચીતનો અવાજ અનેક કિલોમીટર દૂર સાંભળી શકાય અને આવી રીતે વાતચીત કરી શકાય. ત્યાર બાદ મોબાઈલ ફોન અને તેના દ્વારા વીડિયો કોલિંગ જેવી ટેકનિકના કારણે જાણે દુનિયા જ બદલાઈ ગઈ. બદલાતા સમયની સાથે ટેકનોલોજી પણ બદલાતી રહે છે. હવેનો જમાનો કોમ્યુનિકેશનમાં થ્રી ડાયમેંશનલ વર્ચ્યુઅલ રિયાલિટીનો રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે.

આ ટેકનોલોજી એવી જબરદસ્ત છે કે મોબાઈલ વડે એકબીજા સાથે અથવા તો ગ્રુપમાં કોન્ફરન્સ વડે વાતચીત કરી રહેલા લોકો એકબીજાની બાજુ બાજુમાં બેઠા રૂબરૂ જ વાતચીત કરી રહ્યા હોય તેવી જ અનુભૂતિ થશે. જર્મનીના વાઇમાર ખાતેની બાઉહાઉસ યુનિવર્સીટીમાં સંશોધનકારો હાલમાં આ ટેકનોલોજીને વધુ સરળ અને અસરકારક બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. સાવ અલગ અલગ જગ્યાઓએથી વાતચીત કરી રહેલા બે થી વધુ લોકો પણ આ ટેકનોલોજીના કારણે એકબીજાથી સાથે જ,બાજુમાં જ હોય તેવી રીતે વાત કરી શકશે.

હાલમાં સિનેમા અને ગેમિંગમાં તો આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાના પ્રયોગો શરૂ થઈ જ ગયા છે. જેમાં કોઈ પણ દ્રશ્યને 360 ડિગ્રી પર જોઈ શકાય છે. આ પ્રયોગો જેમણે પણ જોયા છે તેઓ આશ્ચર્યચકિત થયા વિના રહી શક્યા નથી.

આ નવી ટેકનોલોજીની ખાસિયત એ છે કે તેની મદદથી ઇન્ટરએક્ટિવિટીને એક અલગ ક્વોલિટી જ પ્રાપ્ત થાય છે. અસલી અને વર્ચ્યુઅલ હકીકત એટલી હદે એકબીજા સાથે મિક્સ થઈ જાય છે કે બંનેને અલગ ઓળખવા મુશ્કેલ થઈ જાય છે. આ પ્રક્રિયાને મિક્સડ રિયાલિટી કહેવામાં આવે છે. કોમ્યુનિકેશનની આખી દુનિયા જ તેના કારણે બદલાઈ જશે તેમ માનવામાં આવે છે.

આ ટેકનોલોજીના નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ ટેકનોલોજીની મદદથી કોઈ પણ વ્યક્તિને કોઈ અન્ય જગ્યાએ વર્ચ્યુઅલી બીમ કરી શકાય છે. ભવિષ્યમાં એવું પણ બની શકે કે લોકો વર્ચ્યુઅલી એકબીજા સાથે વાતચીત કરતા હશે અને સામે વાત કરી રહેલ વ્યક્તિને ખબર પણ નહીં પડે કે જેની સાથે પોતે વાતચીત કરી રહેલ છે તે અસલી છે કે નકલી છે.

ટ્વીટર પર 35000 કેરેક્ટર્સની પોસ્ટ થઇ શકે?

માઈક્રો બ્લોગીંગ સાઇટ ટ્વીટર ની કેરેક્ટર લિમિટ 140 કેરેક્ટરની છે, તે તો આપણે જાણીએ જ છીએ,એનાથી વધારે એક પણ અક્ષર પોસ્ટ ન થઈ શકે. હવે તમને કોઈ એમ કહે કે ટ્વીટરમાં 35000 કેરેક્ટર્સની ટ્વીટ પોસ્ટ કરી, તો તમે માની શકો? બે ભેજાબાજ ટ્વીટર યુઝર્સે 35000 કેરેક્ટર્સની ટ્વીટ પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે ટ્વીટરે આ વાત ધ્યાનમાં આવતા તરત જ આ ટ્વીટ ડીલીટ કરી નાખી હતી,એટલું જ નહીં પરંતુ આ બંને યુઝર્સને થોડા સમય માટે સસ્પેન્ડ પણ કરી નાખવામાં આવ્યા હતા. આ દુનિયામાં એવા અનેક જીનિયસ ભેંજાબાજો છે જેઓ ગમે તેવી સાયબર સિક્યુરિટીની ઐસી કી તૈસી કરવા સક્ષમ છે. કોઈ પણ સોફ્ટવેર કે ફૂલપ્રુફ સિક્યુરિટીમાં છીંડા પાડી શકે છે. આ યુઝરે પોતાની ટ્વીટમાં જણાવ્યું હતું કે એક યુક્તિ વડે ટ્વીટરની કેરેક્ટર લિમિટ વધારી શકાય છે. આમ જણાવી તેમણે તેના પુરાવારૂપે 35000 કેરેક્ટર્સ લખ્યા હતા.

તમને કાંઈ આઈડિયા આવે છે કે આમ કેવી રીતે બની શકે? આવા જ એક બીજા ટ્વીટરના ખેરખાં પાસેથી આ રહસ્યનો ખુલાસો જાણવા મળ્યો હતો. તેના જણાવ્યા મુજબ,ટ્વિટર URL ને એક સિંગલ કેરેક્ટર ગણે છે. જો તમે કોઈ ટ્વિટ www. થી શરૂ કરો અને .cc સાથે ટ્વિટ પુરી કરો અને વચ્ચે સ્પેસ આપ્યા વિના ગમે તેટલું પણ લખો તો ટ્વિટર તેને સિંગલ કેરેક્ટર ગણશે.

તમને પણ આ ‘સળી’ કરવાનું મન થાય તો ટ્રાય કરી શકો છો.શરત એટલી જ કે તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થાય તો તેની તૈયારી રાખજો!

હવે વોટ્સએપ પણ નકલી!

તમે હમણાં થોડા દિવસો પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી વોટ્સએપ ડાઉનલોડ કરેલ હોય તો બરોબર ચેક કરી લેજો કે તે નકલી છે કે અસલી છે. ગૂગલ જેવી દુનિયાની સૌથી મોટા સર્ચ એન્જીનની અભેદ્ય સિક્યોરિટી સિસ્ટમને જાણે ચેલેન્જ કરતી હોય તેમ વોટ્સએપની બિલકુલ નકલી-ડુપ્લીકેટ-ફર્જી એપ્લિકેશન પ્લે સ્ટોર પર આવી અને તેને લગભગ 10 લાખ લોકોએ ડાઉનલોડ પણ કરી લીધી હતી. આ સમગ્ર કિસ્સામાં સૌથી ગંભીર અને ચોંકાવનારી બાબત એ છે કે, વોટ્સએપની ઓરીજીનલ એપ્લિકેશન જે ડેવલપરના નામથી પ્લે સ્ટોર પર હતી,તે જ ડેવલપરનું નામ આ નકલી એપ્લિકેશનના ડેવલપર તરીકે જોવા મળતું હોવાથી લોકો પણ સહેલાઈથી છેતરાઈ ગયા હતા અને આ એપ્લિકેશન નકલી હોય તેવી કોઈ શંકા પણ ઉદ્દભવે તેમ નહોતું. આ અસલી ને નકલી એમ બંને એપ્લિકેશનના ડેવલપર તરીકે WhatsApp Inc નું નામ હતું.

તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરાયેલ વોટ્સએપ અસલી છે કે નકલી છે તે આસાનીથી જાણી શકાય છે. સૌથી પહેલા તમે જે એપ્લીકેશન ડાઉનલોડ કરેલ છે તેની ડાઉનલોડીંગ સંખ્યા જોવી જોઈએ. અસલી વોટ્સએપ ની ડાઉનલોડીંગ સંખ્યા એક અબજ કરતા પણ વધુ હશે.જયારે નકલી એપ્લીકેશનમાં ડાઉનલોડની સંખ્યા બતાવવામાં આવતી નથી. ઉપરંત, અસલી એપ્લીકેશનમાં વેબસાઈટ ડેવલપરનું અમેરિકાનું પૂરું સરનામું આપવામાં આવેલું છે, જયારે નકલી એપ્લીકેશનમાં ફક્ત ઈમેલ એડ્રેસ જ આપવામાં આવેલું છે.

લેખક : તુષાર રાજા

શેર કરો આ માહિતી દરેક સોસીયલ મીડિયા લવર ને અને જાગૃત કરો તેમને…

ટીપ્પણી