ટીમવર્ક – એક લક્કી વહુની વાર્તા !! A must read for all ~

Hyatt Regency Huntington Beach and Ashish and Siddhi Indian Wedding Ceremony

થોડાજ દિવસો માં લગ્ન કરી હવે સાસરે જવાનું હતું. નવું ઘર, નવું કુટુંબ, નવું શહેર, નવા મિત્રો, નવો જોબ. એકજ દિવસ માં બધું જ જાણે પાછળ છૂટી જશે. બધીજ સખીઓ એને મળવા આવી ચૂકી હતી પણ સંધ્યા હજી નહીં આવી? બીજી બધી સખીઓ હજી કુંવારી પણ સંધ્યા તો લગ્ન ના બંધન માં બંધાઈ ચૂકી . લગ્ન થવાને એક વર્ષ થવા આવ્યો . વોટ્સ એપ, ફેસ બુક પર જરા ડોકાઈ જતી પણ સાથે બેસી ને પહેલા ની જેમ વાત જ ક્યાં થઇ ? વૈદેહી ને થયું જાતેજ જઈ એને મળી આવે . નવા જીવન વિશે મન માં ઉભરાઈ રહેલી ખુશી ને ચિંતા ની મિશ્ર ભાવનાઓ ને સંધ્યા થી વધુ કોણ સમજી શકશે ?

સંધ્યા વૈદેહી ની ખાસ સખી. એની બેસ્ટ ફ્રેન્ડ. કોલેજ અને યુનિવર્સીટી નો અભ્યાસ બંને એ સાથે જ પૂરો કર્યો . બંને એકબીજા ના ઘરે નિયમિત આવજાવ કરતા. જાણે કે કુટુંબ નાજ સભ્યો. સંધ્યા પણ વૈદેહી ની જેમજ અભ્યાસુ, ધગશી . આજ ની મોડર્ન અને આધુનિક વિચાર શરણી ધરાવતી યુવતી. પુરુષો ની જોડે ખભા મેળવી ને ચાલવા માં માનનારી .

બંને સખીઓ નો જીવન દ્રષ્ટિકોણ એક સમાન. પોતાના અભ્યાસ ને ફક્ત પુસ્તકો ને ડિગ્રી સર્ટિફિકેટ માં ઢાળી અલમારી ના એક ખૂણે બંધ કરી ને રાખવા માં એ ક્યાં થી માને ? બંને નું ધ્યેય પોતાની મહેનત ,અભ્યાસ અને કુશળતા થી જીવન માં ઘણું આગળ ઉઠવાનું, માતા પિતા ને સમાજ ને ગર્વ અપાવવા નું ને પોતાની કારકિર્દી ને સફળતા થી પાર પાડવાનુંજ . સંધ્યા ના માતા પિતા એ પણ વૈદેહી ના માતા પિતા જેમજ એના અભ્યાસ ને કારકિર્દી ઘડવા માં સહૃદય સંપૂર્ણ યોગદાન આપ્યું હતું. પણ જયારે લગ્ન માટે એક સદ્ધર પરિવાર માંથી કહેણ આવ્યું કે એમણે પોતાની ફરજ પૂરી કરતા દીકરી ને ઠેકાણે પાડી , એક ઉમર થતા દીકરીઓ તો સાસરેજ શોભે એજ સામાજિક પારંપરિક પ્રણાલી થી દોરાય !

સંધ્યા ના સાસરે બેઠી વૈદેહી ની નજર એને શોધી રહી . સંયુક્ત કુટુંબ ની સૌથી નાની વહુ કશે દેખાઈ રહી ન હતી. ઔપચારિક ચા નાસ્તો કરી, સંધ્યા ની સાસુ ના પ્રશ્નો ના ઔપચારિક ઉત્તરો આપતી વૈદેહી ની નજર ચારે તરફ ફરી રહી. થોડા સમય પછી રસોડા નું કામ નિપટાવી આખરે સંધ્યા બહાર નીકળી ને પોતાની સખી ને પોતાના ઓરડા માં લઇ ગઈ. સંધ્યા ઘણી બદલાયેલી લાગતી હતી. હંમેશા નટખટ ને મસ્તી થી ભરેલી સંધ્યા શાંત ને ધીર ગંભીર ભાસી રહી. ચ્હેરો થાકેલો ને શરીર તો પહેલા કરતા કેટલું ઉતરી ગયેલું ? લગ્ન પછી બદલાવ તો આવે પણ આટલો બધો ? થોડાજ સમય માં પોતાના લગ્ન પણ લેવાશે તો શું પોતે પણ આમ બદલાઈ જશે ? મનોમંથન ને હડસેલી એણે વાત શરુ કરી :

” અરે તું તો ખોવાયજ ગઈ, લગ્ન પછી તો મને ભૂલીજ ગઇ ?”

” નહીં યાર એવું નથી , બસ નવી જવાબદારીઓ સાથે સંતોલન સાધવા પ્રયાસ કરી રહી છું ”

” સંધ્યા, આ ચૂલો બંધ કરવાનો છે ? ” બહાર થી સાસુ નો અવાજ ઊંચો થયો કે એ બહાર દોડી . રસોડા નો એક ચક્કર લઇ ફરીથી ઓરડા માં આવી.

” સોરી યાર જરા…” રાહ જોતી વૈદેહી ને સંબોધી એ બોલી રહી .

” નોટ એટ ઑલ …..આઈ અન્ડર સ્ટૅન્ડ ” સંધ્યા નો ઉતરેલો ચ્હેરો નીરખી રહેલી આંખો સાથે વૈદેહી બોલી .

” તો લગ્ન ની તૈયારીઓ થઇ ગઈ ?”

” હા ઑલમોસ્ટ . ફક્ત નવા જીવન ની મૂંઝવણો માં ઘેરાઈ રહી છું ”

” હા , લગ્ન પછી તો બધુજ બદલાઈ જાય ….આપણું ઘર તે આપણુંજ ઘર ….સાસરે તો ફક્ત ઔપચારિકતાઓ …….” સંધ્યા નો ઉદાસ સ્વર ન કહેતા પણ ઘણું પ્રતિબિંબિત કરી રહ્યું . વાત બદલવા ના હેતુસર વૈદેહી એ નવો પ્રશ્ન પૂછ્યો :

” જોબ કૅમ ચાલે છે ? ”

” જોબ છોડી દીધી …..”

” વૉટ ? જૉબ છોડી દીધી એટલે ? તારા કારકીર્દી માટે અંકલ આંટી એ કેટલી મહેનત કરી છે ….. ને તારાં સાસરે વાળા તો ઓપન માઇન્ડેડ છે ..જોબ કરવા દેશે એમ સ્પષ્ટ વાત તો થઇ હતી ?!? ”

સંધ્યા કટાક્ષ માં હસી . ” હા , વાત થઈ હતી … પણ ઘરે તો મમ્મી નો પુરેપુરો સપોર્ટ હતો . આખો દિવસ જોબ પર હોઉં તો ઘર ના કાર્યો ની જરાએ ચિંતા નહીં . મમ્મી બધુંજ સંભાળી લેતાં . રસોઈ , ઘર ની સાફસફાઈ , સામાજિક પ્રસંગો ની દોડધામ બધુંજ . પપ્પા એ એક કામવાળી રાખી હતી જે મમ્મી ને મદદ કરી નાખતી . ઇટ વોઝ ઍ કમ્પ્લીટ ટીમ વર્ક …..પણ અહીં તો બધું જ જાતે કરવું પડે છે …. અને જો દોડધામ કરી ને કારકિર્દી આગળ વધારું તો પણ બાળક ના આવવાં પછી તો બધુંજ સ્માપ્ત ….. આમ પ્રેગ્નન્ટ ……..”

માં બનવા ની ખુશી જાણે જીવન છૂટી જવાની ભાવનાઓ પાછળ ધકેલાઇ રહી હતી . શું એક માં બની સ્ત્રી નું પોતાનું કોઈ અંગત જીવન , અંગત સ્વ્પ્નો , અંગત ખુશીઓ , અંગત લક્ષ્ય ના સેવી શકે ? જોબ કરવાની ‘સ્વાતંત્રતા ‘ આપતાં સાસરે વાળા માતા પિતા જેમ સાથ સહકાર ન આપી શકે ? પુરુષ ની કારકિર્દી માં સ્ત્રી નો સાથ સહકાર ઝંખતો સમાજ શું સ્ત્રી ની કારકિર્દી માં સાથ સહકાર ન આપી શકે ? વૈદેહી ના વિચારો એના શ્વાસ ને રૂંધી રહ્યા …સંધ્યા ના પતિ ઓરડા માં પ્રવેશ્યા ને બંને સખીઓ ઔપચારિકતા પતાવી છૂટી પડી …………..

થોડા દિવસો પછી વૈદેહી પણ સંધ્યા ની જેમજ પોતાના સાસરે રસોડા માં ઉભી હતી . લગ્ન , હનીમૂન ને પછી આજે વાસ્તવિક જીવન નો પહેલો દિવસ . આજે નવી જોબ નો પ્રથમ દિન . એ સૌ થી પહેલા ઉઠી ગઈ . પતિ ને સાસુ સસરા આરામ થી ઊંઘી રહ્યા હતા . પણ એને તો આખા દિવસ નો વ્યવસ્થિત યોજનાનુસાર સમય બદ્ધ ઉપયોગ કરવાનો હતો . ઘર ના કાર્યો ને ઓફિસ ની જવાબદારીઓ બંને ને સમાન ન્યાય આપવાનો હતો . મમ્મી નો ચ્હેરો સામે આવ્યો ને આંખો ભીની થઇ . સંધ્યા સામે દેખાઈ ને આત્મવિશ્વાસ ડગમગવા લાગ્યો . નોકરી ન કરું તો ????

” અરે આટલી જલ્દી ઉઠી ગઇ ?”સાસુ ના અવાજ થી એ ચમકી ” હા ,આજે તો તારી નોકરી નો પહેલો દિવસ ને ?”

” જી એટલેજ …….”

વૈદેહી આગળ કંઈક બોલે એ પહેલાજ એમણે ચા ની પતેલી સ્ટવ પર ગોઠવી .” હું નાસ્તો ને ટિફિન કરું છું ….જા તું તૈયાર થઇ જા ”

વૈદેહી ની આંખો ધડ ધડ વહી રહી . એને લાગ્યું જાણે સામે મમ્મી જ ઉભા છે . એની વહેતી આંખો જોતા એમણે સ્ટવ બંધ કર્યો .

” અહીં આવ જોઉં ……..” કહેતા એ વૈદેહી નો હાથ પકડી બાલ્કની ઉપર લઇ ગયા . સૂર્ય બરાબર હજી ઉગ્યો ન હતો . આખું શહેર સૂમસાન .

” હું જયારે લગ્ન કરી આ શહેર માં આવી ત્યારે આંખો માં ઘણા સપનાઓ સાથે લઇ આવી હતી . જીવન માં ઘણું બધું કરવું હતુ . ઘર ની સાથે સાથે કારકિર્દી પર ધ્યાન આપવું હતું . ખૂબ સરસ કમાઈ સ્વિત્ઝર્લેન્ડ જવું એ મારું સૌથી મોટું સ્વ્પ્ન . ત્યાં જઈ આઇસ સ્કી કરવું હતું ” મંદ મંદ હસતા એમણે વૈદેહી નો હાથ થપથપાવ્યો . વૈદેહી ખૂબજ ઘ્યાન થી બધું સાંભળી રહી .

” કાર માં ફરવાની મજા તો પડે પણ સ્ટીઅરિંગ જયારે હાથ માં હોઈ એની મજા તો કંઈક ઑર !” વૈદેહી ઉદાહરણ પાછળ નું મર્મ પૂરેપૂરું સમજી રહી .

” આપણો સમાજ આજે પણ આધુનિકતા ને નામે પાશ્ચાત્ય સંસ્કૃતિ ને અનુસરે તો છે પણ ફક્ત પોતાના ફાયદા પૂરતોજ . આપણે ત્યાં સ્ત્રીઓ ને નોકરી કરવાની છૂટ તો મળે છે પણ થાકી ને આવેલા પતિ પત્ની માંથી રસોઈ તો પત્ની નેજ કરવી પડે . જ્યારે અન્ય દેશોં માં ઘર ના કાર્યો સમાન પણે વહેંચાય જાય !”નિસાસો નાખતા શ્વાસ સાથે શબ્દો આગળ વધ્યા .

” ઘર નું કામકાજ , બાળકો ની જવાબદારી બધુજ સ્ત્રી ને માથે . લગ્ન પછી આ બધી ફરજો વચ્ચે બધુજ પાછળ છૂટી ગયું . સપનાઓ સપનાંઓ જ રહી ગયા ને મારુ ભણતર ને ડિગ્રી એક કાગળ ની પસ્તી . મને નાસ્તો આપવા કે ટિફિન આપવાં હાથ આગળ ન આવ્યા . જો મારી સાસુ નો મમતાભર્યો સહકાર સાંપડ્યો હોત તો ………” આંખો ના ખૂણે બાઝેલું પાણી સાફ કરતા વૈદેહી ના ખભે એમના હાથ મૂકાયા ….

” ઈશ્વરે જો દીકરી આપી હોત તો એ મારુ સ્વપ્ન જીવત .પણ તું પણ મારી દીકરીજ ને …..તારા જીવન નું સ્ટીઅરિંગ તારા હાથ માં જ રહેશે …..એ મારી જવાબદારી ….વિ વીલ બી એ ગ્રેટ ટીમ ” એમણે વૈદેહી આગળ હાથ ધર્યો ને વૈદેહી ભીનાયેલી આંખો સાથે શેક હૅન્ડ કરી એમને ભેટી પડી . સૂર્ય ઉપર ઊઠ્યો ને નવી સવાર આવી ઉભી .

” ચાલ હવે જલ્દી થી તૈયાર થા ….. હું ચા બનાવું ”
અને એ નવી ટીમ નવા જીવન લક્ષ્ય સામે ઝઝૂમવા ઉપડી પડી .

દસ વર્ષો પછી ……………………………………..

વૈદેહી અને એના સાસુ સ્વિટ્ઝર્લેન્ડ માં હોલીડે ઉજવી રહ્યા છે . આઈસ સ્કી શીખવા માં એક સાથે પડતા ઉઠતા ખીલખીલાટ હસી રહ્યા છે . વૈદેહી ને આટલા વર્ષો માં બબ્બે પ્રોમોશન મળી ચૂક્યા છે . બે ફૂલ જેવા બાળકો જે દાદી ના જીવન ના શ્વાસ છે .અરે , ફેસબુક પર વૈદેહી ઍ સાસુનો સ્કી વાળો ફોટો અપલોડ કર્યો …..સૌ થી પહેલી કોમેન્ટ સંધ્યા એ લખી :
“ગ્રેટ ટિમ ……લકી યુ ……..”
વૈદેહી એ તરત જ રિપ્લાઈ લખ્યો :
” યસ આઈ ઍમ 🙂 ”

આ માં દીકરી ની ટિમ હજી તો સફળતા ના ઘણા શિખર સર કરશે .

લેખક : મરિયમ ધુપલી

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી