તારો દોઢો ભાઈ : ભાઈ-બહેન ના પ્રીત નું એક પ્રકરણ !!

“કૃણાલીયા… કૃણાલ…!!” મીરાએ ઊંચા અવાજે તેનું નામ પોકાર્યું.
“શું છે? આટલા જોરથી ઘાંટા કેમ પાડે છે? હું કઈ બહેરો નથી.” કૃણાલએ રૂમમાં આવીને કહ્યું.

મીરાએ કૃણાલને ઘડિયાળ બતાવતા કહ્યું, “એમ કહે આ શું છે?”
“લે આટલુંય નથી ખબર. અભણ એને ઘડિયાળ કહેવાય.” કૃણાલે કહ્યું.
“એ દોઢો ના થા. મને એમ કહે આટલી મોંઘી ઘડિયાળ તું ક્યાંથી લાયો અને પણ વેલેન્ટાઈન ડે ના એક દિવસ પહેલા?” મીરાએ પૂછ્યું.
“શો-રૂમમાંથી લાયો મારી માઁ. હવે લોહી ના પી.” કૃણાલે જવાબ આપતા કહ્યું.

“એ દોઢા. એ ખબર પડી મને? પણ આટલી મોંઘી ઘડિયાળના પૈસા ક્યાંથી આવ્યા?” મીરાએ ફરી વળતું પૂછ્યું.

“હા, એ તો ગયા મહિને નોકરી લાગી એ આખો પગાર લગાઈ દીધો. એ પણ તું મમ્મી-પપ્પા ને ના કહેતી.” કૃણાલે વિંનતી કરતા કહ્યું.
“ચલ-ચલ, અત્યારે હું અને પપ્પા

મારા લગ્ન માટે પૈસા ભેગા કરીયે છીએ અને બીજી બાજુ તું આટલી મોંઘી ઘડિયાળો, અમે ઓળખતા પણ ના હોઈએ એવી છોકરીઓ માટે લઇ આવે. મમ્મીતો કઈ બોલશે નહીં, પણ હાલ જ હું આ પપ્પાને જઈને કહું છું.” આટલું કહીને મીરા ચાલવા લાગી.

ત્યારે તરત જ કૃણાલ બોલી ઉઠ્યો, “ના હો. તને મારા સમ.”
પછી શું? ગમે તેમ તોય મીરા એક બહેન હતી એટલે તે આગળ ના વધી.
તે દિવસોમાં કૃણાલ મીરાને કંઈક આવું બધું કહીને ચિડાવતો જ રહેતો હતો કે –

“તું જાય એટલે શાંતિ થાય. ભગવાન ભલું કરે તારા ધણી રાજનું, કઁટાળી જશે બિચારો.”

તેણે તો ત્યાં સુધી કહ્યું હતું કે મીરા તું જઈશ એ ખુશીમાં બકા તારો ભાઈ તો ફટાકડા ફોડશે. પણ હકીકત તો કંઈ અલગ જ નીવડી, વિદાઈની ઘડીની સંવેદનાથી તો નટખટ કૃણાલ પણ ના બચી શક્યો. ફટાકડા ફોડવાની વાત કરનાર તે મીરાને વળગીને ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે રડ્યો હતો.
આખરે, લગ્ન પછી જયારે મીરા તેને સોગાતમાં મળેલ ભેંટો ખોલી રહી હતી ત્યારે તેને તેમાંથી એક બોક્સ મળ્યું.

તે બોક્સ પર આપવાવાળાનું કે કોઈ પણ નામ નતું. જયારે મીરાએ બોક્સ ખોલ્યું તો અંદરથી એક મોંઘી ઘડિયાળ મળી. આ તે જ મોંઘી ઘડિયાળ હતી જેના માટે તે કૃણાલ જોડે ઝઘડી હતી. ઘડિયાળ હાથમાં લીધી તો નીચેથી એક કાગળ મળ્યું જેના પર લખ્યું હતું – “આ ઘડિયાળ તારા માટે હતી પાગલ. તારા ઘાંટાઓની બહુ યાદ આવે છે યાર. – તારો દોઢો ભાઈ (કૃણાલ)”

પ્રેમ અને રક્ષાથી બંધાયેલ ભાઈ-બહેનનો આ નટખટ સંબંધ દરેકના નસીબમાં નથી હોતો. જો તમારા નસીબમાં હોય તો ખુદને ભાગ્યશાળી ગણજો.

શીર્ષક – તારો દોઢો ભાઈ
લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

જો તમે જો સ્ટોરી વાંચી ને તમને કોઈ યાદ આવ્યું હોય તો એને ટેગ કરો !!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block