મનોહર પરિકર રચિત તરબૂચની વાર્તા – ખુબ જ ઊંડાણ થી ભરેલી નાની અને ચોટદાર વાત !!

“હું ગોઆનાં પારા ગામનો વતની છું, એટલે જ અમને પરિકર કહીને બોલાવાય છે.મારું ગામ તરબૂચ માટે જાણીતું છે.

જયારે હું બાળક હતો ત્યારે મે મહિનામાં, વાવણીની મોસમ પત્યા બાદ, ખેડૂતો તરબૂચ ખાવાની સ્પર્ધા યોજતા. બધાં બાળકોને બને તેટલાં વધુ તરબૂચ ખાવા માટે આમંત્રિત કરાતાં.

વર્ષો પર્યન્ત હું IIT મુંબઈમાં એન્જીન્યરીંગની ડિગ્રી ભણવા માટે જોડાયો. હું સાડા છ વર્ષે મારે ગામ ગયો. હું તરબૂચ લેવા માટે બજારમાં ગયો. તરબૂચ લગભગ અદ્રશ્ય હતા. અને જે હતાં તે પણ બહુ જ નાનાં હતાં.

હું પેલા તરબૂચ ખાવાની સ્પર્ધા યોજાનારા ખેડૂત પાસે ગયો. હવે તેનો દીકરો બધું સંભાળતો હતો. તે પણ આવી હરીફાઈઓ રાખતો,પણ તે જરા જુદા પ્રકારની હતી.

વૃદ્ધ ખેડૂત જયારે પણ અમને તરબૂચ ખાવા આપતો ત્યારે સાથે એક ખાલી કટોરો પણ આપતો જેમાં અમે બી થૂંકી શકતાં. અમને તો ખાસ કહેવામાં પણ આવતું કે બી ન ખાશો. તે પોતાના વાવેતર માટે આ બીજનો જ ઉપયોગ કરતો. આમ એક રીતે જુઓ તો અમે એક જાતના મજૂર જ બનતા, જેને પોતાના કામ માટે કોઈ પૈસા આપવામાં આવતા નહીં.

અને ફરીથી તેના જ બીમાંથી બીજા વર્ષે એથીય મોટા તરબૂચ ખેડૂત મેળવતો. જયારે તેનો દીકરો દેખરેખ કરવા લાગ્યો ત્યારે તેને લાગ્યું કે મોટાં તરબૂચ બજારમાં વેંચવાથી વધુ કમાણી થશે. તેથી તે મોટાં તરબૂચ વેંચી નાખતો અને નાનાં હરીફાઈ માટે રાખતો. બીજા વર્ષે નાનાં જ તરબૂચનો પાક ઊતરતો, એ પછીના વર્ષે એથી પણ નાનાં. તરબૂચ એક વર્ષનો સમય લે છે ફરીથી ઉગવા માટે.

સાત વર્ષમાં પારા ગામના ઉત્કૃષ્ટ તરબૂચ ખલાસ થઇ ગયાં. પણ મનુષ્યોની વાત કરીએ તો એક પેઢી બદલતાં ૨૫ વર્ષ લાગે છે. એ રીતે જોઈએ તો, આપણને આપણા બાળકોની કેળવણીમાં રહી ગયેલી કચાશ શોધતાં, ૨૦૦ વર્ષ લાગશે ! “

અનુવાદ : રૂપલ વસાવડા

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી