તનની ખામીને મન સુધી ન જવા દઈએ – દરેક વ્યક્તિએ સમજવા જેવી વાત.

લગ્નની બાબત હોય કે કેરિયર, ઉચ્ચ અભ્યાસ-નોકરી કે વ્યવસાય-ધંધાની બાબત હોય ૨૧ મી સદીમાં આજે પણ ભારતીય સમાજમાં બાહ્ય દેખાવને જ મહત્વ આપી પસંદગી થાય છે. તેમાં પણ યુવતીઓએ તો તનની નાની-નાની ખામીઓ હોય તે સંજોગોમાં વધુ સંઘર્ષ કરવો પડે છે. શ્યામવર્ણી, ખીલ-કળા ડાઘ, દાઝ્યા વાગ્યાના ડાઘ, સફેદ દાગ, દાંત બહાર હોવા કે પછી હાથ-પગની નજીવી ખામી ધરાવતી યુવતીઓને સફળતા મેળવવા માટે ઘણી માનસિક યાતનાઓ સહન કરવી પડે છે. જેના પરિણામે ઘણીવાર ડીપ્રેશનમાં આવી જઈ અન્ય કોઈ બીમારીઓનો ભોગ બને છે કે પછી કંટાળીને આત્મહત્યાનું પગલું ભરી લે છે.

બુદ્ધિજીવી, કળા-કૌશલ્ય ધરાવતી હોય, સ્વભાવ પણ સારો હોય પરંતુ તનની નાની-મોટી ખામીઓ ધરાવનારને સ્વ-વિકાસની તકો ઓછી મળે છે. સહનાભૂતી અને દયાની નજરે જ તેઓને જોવાય છે. અથવા તો મશ્કરી કરાય કે તુચ્છ ના જેરે જોવાય. તેઓને પરાધીન બનાવવામાં આપણો સમાજ ખુદને ‘મહાન’ ગણે છે. આપણા સૌથી જ સમાજ રચાય છે માટે જ સૌ એ તેઓને અસામાન્ય નહિ પણ અસામાન્ય આવડતવાળા ગણી સ્વીકારવા જોઈએ. તેઓને તક આપી કાર્ય કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. તો જ તેઓનો આત્મવિશ્વાસ વધશે. લઘુતાગ્રંથીથી પીડાયા વગર જિંદગીને માણી શકશે.

તન કરતા મન સુંદર હોવું જીવનમાં વધુ ઉપયોગી છે. પોતાના મન પર વિજય મેળવવો એ તમામ જીતમાં સૌથી પ્રથમ અને મહાન જીત હોય છે. તનની કોઈ પણ ખામી હોય, બીમારી હોય તેને માત કરવા મનોબળ મજબૂત બનાવો. ખામીને સ્વીકારી લઇ તે સાથે શું કરી શકાય? કયું ક્ષેત્ર પોતાના માટે અનુકુળ રહેશે તે અપનાવવું. આત્મવિશ્વાસ,ઇચ્છાશક્તિ,અથાગ પરિશ્રમથી કાર્ય કરતા રહો. તનની ખામીને મન સુધી પહોચાડ્યા વગર પોતાની મંઝિલે પહોચેલા વ્યક્તિ વિશેષની જીવન-કથનીમાંથી પ્રેરણા મેળવી શકાય. ‘આપ સમાન બળ નહિ’ ને જીવનમંત્ર બનાવી હકારાત્મક અભિગમ થકી ‘self image’ સુધરવાની કોશિશ જ આત્મવિશ્વાસ વધારશે. આત્મ-સન્માન જાળવીને મનથી એક ફોર્સ આપવામાં આવે તો જીંદગી ફોર્સફૂલ બની જાય. ચિંતા- ઉદ્વેગ –અશાંતિ જેવી માનસિક કમજોરી જ આપણને દુખી બનાવી નિષ્ક્રિય બનાવે છે. ઈશ્વર પર શ્રદ્દ્ધા રાખી આંખોમાં સફળતાને જોઈએ તો તેને પામવા માટે આયોજન કરી પરિશ્રમ કરી શકાય. પરિવારના સભ્યોએ પણ તનની ખામી ધરાવતા સ્વજનને પ્રોત્સાહન આપતા રહી તેના ઉત્સાહમાં વધારો કરવો જોઈએ. તેની આવડતમાં વિશ્વાસ રાખી જરૂર પડે તે મુજબ તાલીમ અપાવી તેની ટેલેન્ટને બહાર લાવવામાં મદદ કરવી જરૂરી છે. સમાજથી છુપાવાને બદલે ખામી હોવા છતાં તેનામાં રહેલા ગુણ- આવડત તથા નાની- નાની સિદ્ધિઓને સમાજ સુધી પહોચાડવી જોઈએ.

તનની ખામીને મન સુધી પહોચાડીને નિરાશ થયા વગર સ્વીકારીને તે ખામી હોવા છતાં શું કરી શકાય તે જાણી લેવું જરૂરી છે. જાતને તે મુજબ તૈયાર કરતા જઈ ધીરજથી કાર્ય કરતા રહેવાથી ચોક્કસ પસંદ કરેલા ક્ષેત્રમાં પદ-પૈસો-પ્રતિષ્ઠા પ્રાપ્ત થઇ શકે. વ્યક્તિ માત્ર એ એક જ વાત સમજી લેવી જોઈએ કે પોતાનું નસીબ પોતાના સિવાય કોઈ ચમકાવી શકતું નથી. જે ખામી છે તે તો છે જ. પણ મનની ખૂબીને કેળવીને તનની ખામીને માત કરવા તૈયાર રહેવું. રોદણા રોઈને કે ‘બિચારા’ બની જઈ ને જીવનને ઢસડવાને બદલે મનની તાકાતથી બમણા જોરે પ્રવૃતિશીલ રહી જીવનને દોડાવી જીવંત બનાવવું એ જ ઝિંદાદિલી છે.

– પારુલ દેસાઈ

ટીપ્પણી