તને મનાવવાનો આ પ્રયત્ન નથી ! – ડિવોર્સ પહેલાં પતિએ લખેલો લેટર…અચૂક વાંચજો !!!

હાઈ માનસી, કેમ છો કેમ નહીંની ફોર્માલીટી નહીં કરું.આઈમ શ્યોર કે મારો કાગળ તારા હાથમાં હશે ત્યારે તને એક હળવો આંચકો તો લાગશે જ કે સંકેતનો કાગળ કેમ આવ્યો હશે ? પણ મારો વિશ્વાસ કરજે કે તને મનાવવાનો આ પ્રયત્ન નથી ! હું તને એમ નહીં કહું કે તું આપણું ઘર છોડીને તારા પપ્પાના ઘરે જતી રહી એ બરાબર કર્યું છે કે નહીં, કેમકે એ તારી ચોઈસ હતી. હા, હું માનું છું કે હું તને રોકી શક્યો હોત પણ સાચ્ચું કહું તો એ તબક્કે મને પણ એવું જ હતું કે તું અહીંથી જતી રહે ! તું જ્યારે આ કાગળ વાંચી રહી હોઈશ એના બીજા દિવસની બપોરે તો આપણા ડિવોર્સ પણ થઈ ગયા હશે. કોર્ટ પણ કદાચ તારીખો આપી આપીને થાકી ગઈ છે ! હા, હું એ પણ સ્વીકારું છું કે આપણા લગ્નના છેલ્લા આ બે વર્ષ બહુ જ તણાવભર્યા રહ્યા છે. માનસી, હું સ્વીકારું છું કે એના માટે મોટા ભાગે હું જ જવાબદાર છું. આ કાગળ તને એ વાત કહેવા માટે જ લખ્યો છે.

આપણી વચ્ચે એટલા બધા પ્રશ્નો આવી ગયા છે કે કોઈ એક પ્રશ્ન પર આંગળી મુકીને કહી શકાય એમ નથી કે અહીંયા પ્રોબ્લેમ છે. ઝીણી ઝીણી એટલી બધી અણગમતી બાબતો આપણા લગ્નજીવનમાં ફાંસ બની બેઠી હતી કે એક તબક્કે આપણે બંને મુંઝાઈ ગયા કે કઈ ફાંસ કાઢવી અને કઈ રાખવી ? તને થતું હશે કે હું આ બધો બફાટ અત્યારે કેમ કરી રહ્યો છું ? અચાનક આવું બધું શું સુઝ્યું કે તને કાગળ લખવા બેસી ગયો, સ્વાભાવિક છે. મારી જેવો માણસ જે તને ક્યારેય એમ પણ ન કહી શકતો હોય કે આજે શાક બહુ મસ્ત બન્યું હતું એ લગ્નજીવનની પોતાની ભૂલો સામેથી ગણાવવા બેસે તો નવાઈ લાગે જ.

મને લઈને તારી પાસે અત્યારે અનેક ફરિયાદો હશે. ના, છે જ. ઓફીસથી રાત્રે ઘેર પાછા આવવાનો કોઈ સમય નક્કી નથી હોતો, રવિવારે પણ તને ટાઈમ નથી આપી શકતો, ઘરના કામકાજમાં ધ્યાન નથી આપતો, સગાવહાલામાં બધો વ્યવહાર તારે એકલીએ સાચવવો પડે છે, તને આ ઘર બહું નાનું પડે છે તો નવું ઘર હું લેતો નથી, તારી પસંદ નાપસંદ સાચવતો નથી, તારા પર ગુસ્સો કરું છું, રાત્રે લાઈટ શરું રાખીને લેપટોપમાં ટકટક અવાજે ટાઈપ કરતો રહું છું, ભીનો ટુવાલ સોફા પર પડ્યો રાખું છું, ટી.વી. પર ક્રિકેટ આવતી હોય ત્યારે આગળપાછળનું બધું ભૂલીને વેફર અને કોલ્ડ્રીંક્સ લઈને સોફા પર ગોઠવાઈ જાઉ છું. ઓ બાપ રે ! માનસી, અત્યારે ગણાવવા બેઠો છું તો સમજાય છે કે ખરેખર યાર મારી ભૂલોનું લીસ્ટ તો બહુ મોટું છે; અટકવાનું નામ જ નથી લેતું.

તને કહું માનસી. જીંદગીમાં ક્યારેક આપણે આપણી પોતાની વાતોમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે આસપાસની દુનિયાનું કોઈ ભાનસાન હોતું નથી. એક ધુમ્મસ જેવું આવરણ નશો બનીને તમારી આસપાસ સતત ફર્યા કરે. માણસ આંખો બંધ કરીને કોઈ હિલસ્ટેશનની ટોચ પર પવન સાથે વાતો કરતો રહે. એ ભૂલી જાય છે કે આ બધી મસ્તીમાં, આ બધી ધમાલમાં કોઈ એની સામે કંઈક અપેક્ષાએ જોઈ રહ્યું છે. તને ખબર છે આ જીવનનું સૌથી મોટું દુ:ખ કયું છે ? કોઈને તમારી પાસે કંઈક અપેક્ષા હતી અને તમે એ જાણી શક્યા નહીં એ. પછી જ્યારે તમને બહુ મોડેથી જાણ થાય ત્યાં સુધીમાં અપેક્ષા ઉપેક્ષા બની પડી ભાંગી હોય…તમને ખબર પણ ન હોય અને તમે ઓલરેડી ગુનેગાર બની ચુક્યા હો એ તકલીફ આખી જીંદગી અંદરથી ખુંચ્યા કરે. માનસી તું ક્યારેય કશું બોલી નથી. ચૂપચાપ જોતી રહી. કોઈને એટલો બધો પ્રેમ પણ ન કરો કે સામાવાળો પ્રેમને ફરજ માની બેસે. ‘’એ તો માનસીનું કામ છે, એ કરી નાખશે !’’ મારા આ સ્વભાવના કારણે આપણા સંબંધની મીઠાશ તુરી થઈ ગઈ. છેલ્લે જ્યારે ઘર છોડીને તું નીકળી એ પહેલાં તે એટલા મોટા અવાજે ઝઘડો કર્યો ત્યારે હું ડઘાઈ ગયેલો. હું એટલે નહોતો ડઘાઈ ગયેલો કે તું મોટા અવાજે બોલતી હતી. હું એટલે ગભરાઈ ગયેલો કે મેં આજ સુધી માનેલું કે માનસીને ક્યાં કઈ ફેર પડે છે. તને આટલો બધો ફેર પડે છે એ વાત મને અચાનક સમજાઈ એટલે હું અંદરથી હચમચી ગયો. જો કે એ દિવસોમાં આપણો ઝધડો એવી ઝીણી ઝીણી વાતો પર વધી ગયેલો કે આપણે બંને એકબીજાથી ધીમે ધીમે ત્રાસવા લાગ્યા હતા.

તને એક વાત કહું ? હું તને પ્રેમ કરું છું એ વાત તો મને ત્યારે સમજાઈ જ્યારે તું ઘર છોડીને જતી રહી. અત્યારે આ લખી રહ્યો છું ત્યારે મારી આંખોમાં પાણી ભરાઈ આવે છે. અગેઈન ખાત્રી આપું છું કે તને મનાવવા આ કાગળ નથી લખતો. મારી વાત કરવા આ કાગળ લખી રહ્યો છું.

મારે તને એક વાત કહેવી છે જે કદાચ મેં તને ક્યારેય નથી કીધી. મને તારી આંખો બહુ ગમે છે. મેં બહુ પહેલેથી નક્કી કરી લીઘું હતું કે હું અરેન્જ મેરેજ નહીં કરું. મમ્મીની જીદના કારણે હું તને જોવા આવેલો પણ મારો જવાબ રેડી જ હતો કે મને છોકરી નથી ગમતી. પણ તું જ્યારે સ્કાયબ્લુ કલરના સલવાર પહેરીને ચાય આપવા આવી ત્યારે તારી આંખો મેં જોઈ. હું તારી એ મોટી ભાવવાહી આંખોના પ્રેમમાં પડી ગયો અને મેં લગ્ન માટે તરત હા પાડી દીધેલી. મને ખબર છે કે આ વાત મેં તને ક્યારેય નથી કરી પણ આજે અચાનક મન થયું તો કહી રહ્યો છું. ખેર જવા દે, હું લખતો લખતો આગળનું લખેલું વાંચું છું તો ફીલ થાય છે કે મેં બધું આડેધડ હાથપગ વગરનું જેમ ફાવે એમ લખ્યું છે. લખતા લખતા ગુંચવાઈ ગયો કે શું કહેવાનું છે અને શું નહીં. આવતી કાલે તો આપણે બંને છુટા પડી જઈશું !

અંગ્રેજીમાં ટાઈપ થયેલા કેટલાક શબ્દો અને આપણા બંનેની સાઈન નક્કી કરશે કે આપણા સંબંધ પુરા ? તું તો બહુ સ્ટ્રોંગ છે પણ મને મારી ખબર નથી કે તારા વિના હું કઈ રીતે રહીશ..આઈમીન હવે હું રાત્રે મોડો ઘેર આવીશ તો તારી આંખો જોવા નહીં મળે. તને ખબર છે? તમે સાંજે ઘરે જશો અને ઘરે તમારી રાહ જોનારું કોઈ નથી….આ પીડા જગતની સૌથી ભયાનક પીડા હશે. કોઈને તમારા આવવાની રાહ નથી, કોઈ આંખો દરવાજે લાગેલી નથી, કોઈ રસોઈ ઢાંકીને વારંવાર બહારની લાઈટ શરું કરી રસ્તામાં તમારા પગરવ સાંભળવાનો પ્રયત્ન નથી કરવાનું એ હકીકત માણસને જીવતે જીવ હતો ન હતો કરી નાખવા પુરતી છે. તને ખબર છે કે તું રાત્રે બક્યા કરે છે. હા, ઉંધમાં બોલે છે. મારી ઉંઘ ઉડી જાય ત્યારે તને હું સાંભળતો રહું છું. હવે મારી ઉંઘ ઉડી જશે તારે મારી બાજુનું આખું પડખું ખાલી હશે. તું પણ રાત્રે ઉંઘમાં બોલતી હોઈશ ત્યારે તકીયો ખોળામાં લઈને તને શાંતિથી સાંભળનારું કદાચ કોઈ નહીં હોય ! હવે તારી સાડીઓની થપ્પીઓની વચ્ચેથી મારા હાથરૂમાલ નહીં નીકળે, ભીનો ટુવાલ બેડ પર નહીં પડ્યો હોય, ડ્રોઈંગરૂમમાં મોટા અવાજે કોઈ ક્રીકેટ મેચ નહીં જોતું હોય, મોડી રાત સુધી તું સુઈશ એ રૂમમાં લાઈટ શરૂં રાખી લેપટોપ પર કોઈ ટકટક અવાજે ટાઈપ નહીં કરતું હોય.

મને લાગે છે કે મારે હવે કાગળ અટકાવવો જોઈએ કેમકે હું બોલ બોલ કરું છું ત્યારે ત્યારે તું હંમેશા રડી છે. જો કે મને અત્યારે પણ એવું અનુભવાય છે કે વાંચતા વાંચતા તું રડી રહી હોઈશ. આ છેલ્લીવાર તું મારા કારણે રડી રહી છે. તને એક સલાહ આપું ? બેસી ન રહેતી. તું બહુ સ્ટ્રોંગ છે માનસી. સારી નોકરી શોધી લેજે. જીવનમાં આગળ વધશે કેમકે હું તો તારા જીવનનું કારણ વગરનું એક પ્રકરણ હતો. તારે હજું તો જીવતર નામનું આખું પુસ્તક જીવવાનું છે એન્ડ આઈમ શ્યોર હવે પછીના બધા જ પ્રકરણો બહું સુંદર હશે.
તારું સ્મિત હંમેશા ટકાવી રાખજે અને મને માફ કરી દેજે !

લિ. તારા જીવનની એક માત્ર ભૂલ

– સંકેત

લેખક : રામ મોરી 

આપ સૌ ને આ પત્ર કેવો લાગ્યો ? કોમેન્ટ માં અચૂક જણાવજો !!!

ટીપ્પણી