તમે યાદ આવ્યા – વાંચવા જેવો હાસ્ય લેખ !!!!

આજથી બરાબર ૨૫ વર્ષ પહેલાં, આ જ દિવસે આપણે પહેલી વાર મળ્યાં હતાં– યાદ છે? મારી ઉપર બધાંની પસંદગીની મહોર લાગી ગઈ હતી પણ જ્યાં સુધી તમે મને મન ભરીને જુઓ નહીં ને પસંદ કરો નહીં ત્યાં સુધી આપણા સંબંધ પર મંજુરીની મહોર ક્યાંથી લાગવાની હતી? બધા સાથે તો હું ઘણી સ્વસ્થ રહી શકી પણ તમારી સમક્ષ હાજર થવાની ઘડી આવી પહોંચી કે મારા પગ પાણી પાણી થવા માંડ્યા.

હૃદયની ધડકન ડબલ ફાસ્ટ ટ્રેન બની ગઈ એવું લાગ્યું. આંખોની આગળ અંધારાં આવું આવું કરવા માંડ્યાં. (મને અંધારાં–અજવાળાં બોલાવે જેવું થવા માંડ્યું). કાનમાં(તમારા) નામની ધાક પડી ગઈ. વિચારો થંભી ગયા. જીભ અંદર બહાર જવાને બદલે તાળવે ચોંટી ગઈ. બસ–આ જ એ ઘડી હતી જેનો તમને ઈંતઝાર હતો. (મને નહોતો?)

ખબર નહીં કોણે તે ઘડીએ મને સહારો આપીને તમારી સમક્ષ હાજર કરી દીધી. મેં તો નજરો ઢાળેલી રાખીને પગના અંગૂઠાથી લીંપણ ઉખેડવાની કોશિશ કરવા માંડી કે, તમે (જાણી જોઈને) કરડા અવાજે બોલ્યા, ‘રે’વા દે, હજી કાલે જ લીંપાવ્યું છે.’ મેં ગભરાઈને પગ સીધો કરી લીધો. લીંપણની ડીઝાઈન પર અમસ્તી નજર ફેરવતી રહી. ‘અહીં પાસે આવ’ કહી તમે મને તમારી નજીક બોલાવી. મને લાગ્યું કે હું બેભાન જ થઈ જઈશ. પણ તમે કેવો સવાલ પૂછ્યો? ‘રસોઈ આવડે છે?’ આવો સવાલ પૂછવા નજીક બોલાવી?

જોકે, આ જ પ્રશ્નની મને બીક હતી. મા કેટલા સમયથી કહેવા માંડેલી, ‘દીકરીની જાત છે, રસોઈ શીખી લે. એ શું આખો દિવસ ચોપડા ને ચોપડા. સાસરામાં બધાં મશ્કરી કરશે ત્યારે મા યાદ આવશે.’ ખરેખર, તમારા પ્રશ્ન પર મને મા…મા… કહી ભેંકડો તાણવાનું મન થઈ આવેલું. ધર્મસંકટ આવી પડ્યું. સાચું બોલું કે જૂઠું? રાજા હરિશ્ચંદ્ર અને ગાંધીજીના સત્યના પ્રયોગો યાદ આવી ગયા. સાચું બોલું તો ઈજ્જત જાય અને જૂઠું બોલું તો? ‘ચાલો, રસોડામાંથી બધા બહાર નીકળો. આજની રસોઈ આજના મુખ્ય મહેમાન બનાવશે.’ આવો ઓર્ડર જો છૂટે તો તો મારી ઈજ્જતનો ફાલુદો(કે કચરો) જ થઈ જાય ને! મેં કહી દીધું, ‘આવડે છે પણ તમારા જેવી નહીં.’

આવા સમયે વહેવારડાહ્યાઓ કે ડાહીઓ હાજર જ હોય. તરત જ મધ ટપકેલું, ‘કંઈ નહીં, એમાં શું? અમે પણ કંઈ શીખીને આવેલાં? ને કમુબહેન છે પછી જોવાનું શું? તું તો આમ થોડા દિવસોમાં ઘડાઈ જશે જોજે ને.’ એ સાંભળીને તમારું બોખું મોં મરક મરક થઈ રહેલું.

બસ. ત્યાર પછી આપણો સાથ પાંચ વર્ષોનો રહ્યો પણ પછીનાં લાં…બાં વીસ વર્ષો વીતી જવા છતાંય આજે પણ તમે મને દરેક વાર તહેવારે ને પ્રસંગે અચૂક યાદ આવો જ છો. શું આપણો સંબંધ એવો જ હોતો હશે? યાદ છે? મને પાપડ શીખવવા, ખાસ તમે વગર સીઝને પણ પાપડનો લોટ બંધાવેલો?

‘પાપડ લીલા જોયા ને તમે યાદ આવ્યાં
જાણે સીઝનના પહેલા પાપડ વણ્યા હો માત!’

સવારના પહોરમાં એ છ વાગ્યાનું બધાનું ઊઠી જવું અને આખા ઘરમાં લગ્નપ્રસંગ જેવી ધમાલ મચાવવી. ‘આજે પાપડ કરવાના છે’ની ધમકી હેઠળ પુરુષવર્ગને બહાર ધકેલી, સ્ત્રીવર્ગે યુધ્ધના ધોરણે વાડામાં મોરચો માંડવો. ખરું કહું તો, મને તો આ બધું બહુ જ વિચિત્ર લાગતું હતું. આ લોકો વેચાતા પાપડ લઈ લે તો શું થાય?

આ બધી ધમાલ કરીને, કચકચ કરીને, ઘરનાંનાં મન દુભવીને અને બાળકોને રડાવીને પાપડ કરવાનો શો અર્થ? પણ નવી વહુએ જીભને વશમાં રાખવાની હોય અને હાથપગની કમાલ (કામ કરીને) બતાવવાની હોય! સારું હતું કે, રોટલી વણતાં આવડતી હતી. આજુબાજુ પાપડ વણતી સ્ત્રીઓની કૉપી તો મેં કરી લીધી પણ તમે તો વહુને ટ્રેઈન કરવાની હોંશમાં ને હોંશમાં મારા હોશ ઉડાડી દીધા. સાંજ પડી ગઈ, આજુબાજુની સ્ત્રીઓ બહાનાં કાઢીને છટકી ગઈ તોય, એક કિલો લોટ બીજો બાંધી દીધો! મારા તો મોતિયા જ મરી ગયા. રાત્રે સપનામાં પણ પાપડનો લોટ, પાટલા, વેલણ, ડબ્બા ને તમારી સતત ચાલેલી પાપડ કોમેન્ટ્રી જ છવાયેલી રહી. સવારે બે ચાર વાર તો ‘ચા મૂકું?’ને બદલે ‘પાપડ મૂકું?’ જ બોલાઈ ગયેલું!

બીજે દિવસે તો, આગલા દિવસને એક ભયાનક સપનું સમજીને ભૂલવા બહુ કોશિશો કરેલી પણ આજ સુધી પાપડ દર્શને જ, મને એ પહેલી સીઝનના પહેલા પાપડ યાદ આવી જ જાય, ને સાથે મનમાં ગવાઈ પણ જાય,

‘પાપડ વણું તો થાકી થાકી જાઉં ને
પાપડ સૂકવું તો ઊડી ઊડી જાય.’

કવિ કલાપીએ કદાચ વર્ષો પહેલાં પોતાની સાસુ માટે જ(૧૦૦%) અથવા તો સ્ત્રીહૃદયની વેદના વ્યક્ત કરવા માટે જ આ પંક્તિઓ રચી હશે. ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની.’ એક નજર ફરે ત્યાં એકલી એક જ યાદ નથી હોતી, આખી ને આખી યાદી (લિસ્ટ) જ હોય છે! દરેક વસ્તુ, જગ્યા કે જણ સાથે કોઈ ને કોઈ યાદગાર પ્રસંગ તો સંકળાયેલો જ હોય.

ગેસનો ચૂલો શબ્દ સાંભળું કે, (તમે) મને પહેલી વાર ચૂલે ચડાવેલી તે(તપેલી) અચૂક યાદ આવી જ જાય. ફૂંકણી લઈને ચૂલામાં ફૂંક મારવાને બદલે મેં બહારની રાખ પર ફૂંક મારેલી અને બધે રાખ રાખ થઈ ગયેલું, યાદ છે? સારું કે, હજી રસોઈ બની નહોતી નહીં તો, તમે તો ડાયલૉગ જ મારતે ને કે, ‘મેરી સારી મેહનત ખાકમેં મિલા દી.’

આજે તો પરિસ્થિતિ ઘણી જ બદલાઈ ગઈ છે. વર્ષો સુધી વહુ ‘સાસુ’ નામના કાલ્પનિક પ્રાણીથી ગભરાતી. કદાચ એટલે જ તમે મારી સામે ચશ્માંમાંથી જોતાં ત્યારે મને ડરાવતાં હો એવું જ લાગતું. આજેય તમારા ફોટા સામે પણ નજર કરવાની મારી હિંમત નથી ચાલતી! તમારી યાદને કારણે, તમારી હાજરી આટલે વર્ષેય ઘરમાં સતત અનુભવું છું! મેં તમને ક્યાં કહ્યું હતું કે,
‘જાવ છો તો જાવ, ભલે દૂર તમે જાજો
બીજું કશું નહીં, બસ યાદ તમારી મૂકતાં જાજો.’

લેખક : કલ્પના દેસાઈ (અખંડ આનંદ)

આપ સૌ ને મારો લેખ કેવો લાગ્યો ? અચૂક જણાવજો !!

ટીપ્પણી