કિશોર વયની છોકરીઓની લાઇફ-સ્ટાઇલની સીધી અસર થાય છે તેના સ્વાસ્થ્ય પર..

તાજેતરમાં થયેલા સર્વે મુજબ ૧૧થી ૧૯ વર્ષની છોકરીઓમાં ૭૦ ટકા છોકરીઓ પર લાઇફ-સ્ટાઇલ ડિસીઝ જેમ કે ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, હાર્ટ-ડિસીઝ કે હૉર્મોનલ પ્રૉબ્લેમ જેમ કે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ જેવા રોગો થવાનું રિસ્ક ઘણું વધારે છે.

તાજેતરમાં શહેરની જાણીતી હૉસ્પિટલ દ્વારા નવી મુંબઈની કેટલીક સ્કૂલમાં ૬૦૦ છોકરીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ છોકરીઓની ઉંમર ૧૧થી ૧૯ વર્ષની રહી હતી. આ સર્વે કરવાનું કારણ એ હતું કે આ છોકરીઓમાં આજની બદલાયેલી લાઇફ-સ્ટાઇલની કેટલીક અને કેવી અસર રહે છે એ જાણી શકાય. આજકાલ નાની ઉંમરે લાઇફ-સ્ટાઇલ સંબંધિત રોગોનું રિસ્ક ઘણું વધી રહ્યું છે. આ રોગો જેવા કે ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, હાર્ટ-ડિસીઝ, હૉર્મોન્સ સંબંધિત તકલીફો જેમ કે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ વગેરે. સર્વે મુજબ ૭૦ ટકા ટીનેજર્સ છોકરીઓ આ પ્રકારના લાઇફ-સ્ટાઇલ ડિસીઝનું રિસ્ક ધરાવે છે. જેના કારણમાં એ જણાયું હતું કે ૧૧થી ૧૯ વર્ષની ૭૦ ટકા છોકરીઓ બેઠાડુ જીવન જીવે છે અને કોઈ જ પ્રકારની ફિઝિકલ ઍક્ટિવિટી કરતી નથી. આ સિવાય સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે ૩૬ ટકા છોકરીઓને વેઇટ મૅનેજમેન્ટ કરવાની જરૂરત હતી, કારણ કે કાં તો તેઓ વધારે વજન ધરાવતી હતી કાં તો ઓછું. બન્ને જ પરિસ્થિતિમાં તેમને જરૂર હતી કે તેઓ વજન પ્રત્યે ધ્યાન આપે. જોવા મળ્યું હતું કે ખોરાકને લઈને ઘણી અનિયમિતતા પણ આ છોકરીઓમાં હતી.

આ સિવાય મોટા ભાગની છોકરીઓના ઘરમાં લાઇફ-સ્ટાઇલ પ્રૉબ્લેમ્સ હતા એટલે કે તેમનાં માતા-પિતાને કે તેમનાં દાદા-દાદી, નાના-નાનીને પણ આ પ્રકારની તકલીફો હતી જ. જેને કારણે સમજી શકાય કે આ છોકરીઓના જીન્સને કારણે પણ આ રોગો આવવાનું રિસ્ક વધુ જ રહેવાનું. આ સિવાય સર્વેમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે મોટા ભાગના પરિવારોમાં બહાર ખાવાનું પ્રમાણ ઘણું વધારે હતું જેને લીધે ૩૦ ટકા છોકરીઓનું વેઇટ-મૅનેજમેન્ટ ઠીક નહોતું. બહારનું જન્ક કે ફાસ્ટ ફૂડ ખાઈને પોષણની કમી આ છોકરીઓમાં સ્પષ્ટ દેખાતી હતી. અમુક ઓબીસ હતી તો અમુક ઓછું વજન ધરાવતી હતી, પરંતુ પોષણયુક્ત ખોરાક તેમના શરીરમાં ન જવાને લીધે બન્ને પ્રકારે તેઓ કુપોષિત હતી. આ સિવાય કુલ ૩૦ ટકા છોકરીઓ ઓબીસ કે ઓવરવેઇટ હતી જેની અસર તેમના માસિક પર દેખાતી હતી. અનિયમિત કે પીડાકારક માસિક હોવા પાછળનું એક કારણ વધુ વજન હોય છે, કારણ કે જે છોકરીઓનું વજન વધુ હોય તો તેમનામાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ થવાની શક્યતા પણ ઘણી વધારે રહે છે.

નાની ઉંમરથી અસર 

આ સર્વે કરાવનારા વર્લ્ડ ઑફ વુમન-વાશીનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘મોટા ભાગના લાઇફ-સ્ટાઇલ પ્રૉબ્લેમની શરૂઆત નાની ઉંમરેથી જ થાય છે. આ પ્રૉબ્લેમ્સ એવા નથી હોતા કે ૧-૨ વર્ષ લાઇફ-સ્ટાઇલ ખરાબ રહી અને તકલીફ આવી ગઈ. આ વર્ષોની આદતો હોય છે જે ધીમે-ધીમે શરીર પર છાપ છોડે છે. માટે જરૂરી છે કે નાનપણથી જ બાળકોમાં હેલ્ધી આદતો હોય. ખાસ કરીને છોકરીઓનું ખાનપાન અને ઍક્ટિવિટી-લેવલ સારું જ હોવું જોઈએ. જો તે પોષણયુક્ત ખોરાક ખાતી હોય અને હેલ્ધી-ઍક્ટિવ લાઇફ જીવતી હોય તો તકલીફ નથી આવતી, પરંતુ જ્યારે બન્ને ઇમ્બૅલૅન્સ થાય ત્યારે તેમનાં ગ્રોથ યર્સ પર અસર પડે છે. વળી મોટા ભાગે આ સમય માસિકની શરૂઆતનો હોય છે. આ સમયે જો પોષણ પૂરું ન હોય તો માસિક સંબંધિત તકલીફો આવી શકે છે. નાની-નાની હેલ્ધી આદતો આગળ જતાં મોટા રોગોથી બચાવતી હોય છે.’

ઍક્ટિવિટીનો અભાવ

આજકાલ ભાર સાથેનું ભણતર હોય છે. બાળકો ૭થી ૯ કલાક સ્કૂલમાં વિતાવે અને ઘરે આવે ત્યારે થાકી ગયાં હોય છે. પ્રવૃત્તિના નામે તેમની પાસે લૅપટૉપ કે મોબાઇલ હોય છે. આજનાં બાળકો ફુટબૉલ તો રમતાં હોય છે, પરંતુ સોફા પર બેઠાં-બેઠાં તેમના મોબાઇલમાં. આમ આઉટડોર સ્પોર્ટ્સનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે એટલું જ નહીં; સાઇક્લિંગ, સ્વિમિંગ કે ઍથ્લેટિક્સ જેવી સ્પોર્ટ્સમાં પણ ૧૦ વર્ષથી નીચેનાં બાળકો જ વધુ જોવા મળે છે, કારણ કે તેમના પર ભણવાનું ભારણ સરખામણી કરીએ તો ઓછું હોય છે. બાકી ૧૧ વર્ષથી ઉપરનાં બાળકો સ્કૂલમાં ૮-૯ કલાક ભણે છે અને પછી ઘરે આવીને ટ્યુશનમાં ૨-૩ કલાક કે હોમવર્ક પાછળ એટલો સમય આપે છે. પહેલાંની જેમ સોસાયટીમાં નીચે રમતો રમવાનો ટ્રેન્ડ ધીમે-ધીમે ખતમ થતો જાય છે. છોકરીઓને ઍક્ટિવિટી કરવી અત્યંત જરૂરી છે. નાની ઉંમરથી શરીર સશક્ત હશે તો આગળ જતાં રોગોનું રિસ્ક નહીંવત રહેશે.

ફૅમિલી હિસ્ટરીથી ચેતીને રહો

 

જો ઘરમાં છોકરીઓનાં માતા-પિતા કે ગ્રૅન્ડ પેરન્ટ્સને કોઈ પણ લાઇફ-સ્ટાઇલ ડિસીઝ છે તો આ છોકરીઓનાં માતા-પિતાએ વધુ સજાગ રહેવું જોઈએ. આ બાબતે સમજાવતાં દહિસરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘એ હકીકત છે કે લાઇફ-સ્ટાઇલ ડિસીઝમાં જિનેટિક ફૅક્ટર ખૂબ મહત્વનું છે, પરંતુ જિનેટિક રીતે જો તમને આ ડિસીઝ થવાની શક્યતા હોય એનો અર્થ એ નથી કે તમને આ રોગ થશે જ. આ રિસ્કને તમે લાઇફ-સ્ટાઇલ ઠીક રાખીને અવગણી શકો છો અથવા તો કહીએ કે પાછળ તો ઠેલી જ શકો છો. જો તમારી ઊંઘ રાતની ૮ કલાકની હોય, જો તમારું ખાન-પાન ઠીક હોય, દરરોજ રમતો દ્વારા કે બીજી કોઈ ઍક્ટિવિટી દ્વારા ફિઝિકલ ઍક્ટિવિટી થતી હોય, તમારું વેઇટ પ્રમાણસર હોય તો આ રોગોનું રિસ્ક ઘણી હદે ઘટી જાય છે. અહી સમજવા જેવી વાત એ છે કે જો તમારા ઘરમાં આ રોગ હોય તો તમારાં બાળકોની લાઇફ-સ્ટાઇલ યોગ્ય હોવી અત્યંત જરૂરી છે. જો આ બાબતે સાવધાની રાખશો તો ભવિષ્યમાં તકલીફ ઓછી રહેશે.’

લાઇફ-સ્ટાઇલ ઠીક ન હોવાને લીધે કિશોરીઓને થતો પ્રૉબ્લેમ

મુખ્ય જે પ્રૉબ્લેમ કિશોર છોકરીઓમાં જોવા મળે છે એ છે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ. હૉર્મોનલ ઇન્બૅલૅન્સ થવાને કારણે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમમાં સ્ત્રીના શરીરમાં પોતાના સ્ત્રી-હૉર્મોન એસ્ટ્રોજનની કમી સર્જા‍ય છે, પૅãન્ક્રયાસમાં બનતા ઇન્સ્યુલિન હૉર્મોન્સ વધી જાય છે અને એની સાથે-સાથે પુરુષના શરીરમાં વધુ પ્રમાણમાં જોવા મળતાં હૉર્મોન ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ પણ વધી જાય છે. જેને કારણે સ્ત્રીની ઓવરીમાં એક કરતાં વધુ સિસ્ટ એટલે કે સમાન્ય ભાષામાં ગાંઠ જેવું દેખાય છે. આ સિસ્ટ એ સ્ત્રીનાં રિલીઝ ન થયેલાં એગ્સ જ હોય છે. આ રોગમાં કયા પ્રકારનાં ચિહ્નો દેખાય છે એ સમજાવતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘વધેલું ટેસ્ટોસ્ટેરોન એગને રિલીઝ થતાં અટકાવ્યા કરે છે, જેને લીધે સ્ત્રી ઇન્ફર્ટિલિટીનો શિકાર બની શકે છે. આ સિવાય એને કારણે સ્ત્રીને ઍક્ને અને અવાંછિત વાળની સમસ્યા સતાવે છે. સ્ત્રીને અચાનક જ દાઢી પર કે પ્રાઇવેટ પાર્ટ્સ પર વધુ પ્રમાણમાં હેર-ગ્રોથ થાય એવું બને. કોઈ સ્ત્રીને વજન વધારે હોય કે એકદમ વધી જાય. આ ઉપરાંત તેમનામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થયું હોય કે બ્લડ-પ્રેશર વધી ગયું હોય કે કૉલેસ્ટરોલ-લેવલ વધારે હોય, સ્ત્રીનું માસિક એકદમ અનિયમિત હોય એવું બની શકે છે. જોકે દરેક સ્ત્રીને આ બધાં જ લક્ષણો હોય એ જરૂરી નથી. આમાંથી કોઈ પણ લક્ષણો હોય શકે છે.’

સૌજન્ય : મીડ-ડે

શેર કરો આ ઉપયોગી માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી