”ટેગો – ધ તારણહાર” – જ્યારે ધણા ગામોમાં પાણી ભરાણા છે ત્યારે અચૂક વાંચો – Must Read

new flood in village

બધા એને ‘ટેગો’ કહેતા. કેમ કહેતા, એ ખબર નથી. એનાં વિષે વધારેમાં વધારે એટલી જ માહિતી છે કે ગામને છેવાડે બસ સ્ટેન્ડ પાસે આવેલ એક ઘરનાં ડોશીમા વહેલી સવારે વાસીદુ વાળીને સુંડલો લઈને જતા હતા તે બસસ્ટેન્ડ પર એક બાંકડા નીચે એક નાની એવી ગોદડીમાં એક છોકરું રોતું,તું!!! ડોશીએ તપાસ કરી, આજુબાજુ જોયું, બેઠા કલાકેક, કે કદાચ આની મા આવે,પણ કોઈ દેખાણું નહિ એટલે ડોશીમાં એ બાળકને ઘરે લઇ આવ્યા!! વિચાર્યું કે જેનું હશે એ ગોતતું ગોતતુ આવશે!! પણ કોઈ ના આવ્યું. પછી તો ટેગો ગામનાં સહારે ઉછેર પામ્યો અને આમેય આપણે ત્યાં કૂતરીના ગલુડિયા માટે પણ જો શેરો બનતો હોય તો પછી બાળક થોડું ભૂખ્યું રહે !!!!!!

થોડાંક સમય સુધી તો બધાએ બે બે દિવસ ત્રણ ત્રણ દિવસ સુધી આખા ગામમાં આ ટેગો મહેમાન ની જેમ ફર્યો. જેમ ગામ ઠાકર ને તેડી ને લઇ જાય ને એમ જ ટેગા ને તેડી ને લઇ જાય ઘરે, બે દિવસ રાખે. વળી ત્રીજા દિવસે કોઈક લઇ જાય !! આ ટેગા ભાઈ ને તો પડી ગયાં જલસા અને એણે તો શરીર જમાવી દીધું. આમને આમ છ મહિના નીકળી ગયાં. પછી મધ્યાહ્ન ભોજન યોજના ના રસોઇયા તરીકે કામ કરતાં નબુમાંએ એને કાયમ રાખી લીધો. ટેગો લગભગ કશું જ બોલતો નહિ, અને બોલે તોય તોતડું અને કોઈને ના સમજાય એવું, પણ સમજે બધુંય!! કદાચ આ એની ન બોલવાની આદતને કારણે એ કોઈને કામની ના પાડતો નહિ!!!

ટેગો પછી નબુમાં હારે નિશાળે જતો થયો. ટેંગા ને ભણવું તો આમેય ના ગમતું, અને એ ક્યાં કાયદેસરનો યુનિક આઈડી ધરાવતો વિદ્યાર્થી હતો!!! નબુમાં એ બે વાર મોટા સાબને કીધેલું પણ ના માનું નામ,!! ના બાપનું નામ,!! નાં જન્મ તારીખ મળે!! નાં જ્ઞાતિ મળે!!પહેલાં ધોરણમાં આ ‘ટેંગા’ નું નામ ચડાવવું કઈ રીતે !! ટેંગાનું યુનિક આઈડી ભગવાને એની પાસે રાખેલું!!! પછી એવું નક્કી થયું કે નામ વગર તો નામ વગર ભલે ને ટેગો નિશાળે આવે!! નબુ ડોશી તો રાજીના રેડ!! પણ ટેગો નિશાળે આવે પણ એને બહાર જ વધુ ફાવે!! બગીચાને પાણી પાતો હોય, મધ્યાહન ભોજન ના રસોડામાં લાકડા કાપતો હોય કે નબુમાંના ખોળામાં સૂતો પણ હૉય!! આ ટેગો ધીમે ધીમે લોન્ઠકો થવા લાગ્યા, કાંડા કસાયેલા, હાથમાં સ્નાયુ ઉપસી આવે ને. એ કારણ ગમે તે હોય પણ માં બાપ વિનાના છોકરાઓને મેં બહુ ઓછા બીમાર પડતા જોયા છે, જાણે ભગવાન તેને હવા મારફતે જ બધાં વિટામિન અને ખનીજ તત્વો પુરા પાડતો ના હોય!!! એમ ટેગો પણ ક્યારેય બીમાર પડ્યો હોય ગામ પાસેથી સાંભળ્યું નથી..

આ ટેંગા ને બે શોખ! એક તરવાનો શોખ, અને બીજો મધ ખાવાનો શોખ!! શનિવાર અને રવિવારે ટેગો ગામની ઉપરવાસ આવેલા એક મોટા ડેમ માં નાતો હોય!! નાહવાની અનેક પદ્ધતિઓ ટેગો કોઈની પણ દોરવણી વગર શીખી ગયેલો!! પાણીની અંદર શ્વાસ રોકીને પાંચ મિનિટ રહેવું એ ટેગા માટે સામાન્ય વાત!! ટેગો ઊંધો પણ તરી શકે!! ગમે ત્યાં મધ હોય તમે ટેગાને કહો કે તરત જ એ જઈને મધપૂડો તોડી લાવે, ટેગો જાય મધપૂડો લેવા અને સીધો હાથ જ નાંખે, હવે એવું શું કામ થાય છે એ તો ટેગાને ને મધમાખી ને ખબર!! પણ હજુ સુધી એક પણ વખત ટેગાને એક પણ માખીએ ડંખ નથી દીધો. ટેગો થોડું મધ ચાખે અને બાકીનું આપી દે નબુમાં ને, અને ગામમાં કોઈ ને મધ જોઈતું હોય તો એ નબુમાં પાસેથી વગર પૈસે મળી જાય..!! પછી તો કોઈના ઘરમાં મધ બેઠું હોય, વાડીએ બેઠું હોય, કે લોકો બોલાવે ટેગાને પણ શરત એટલી કે એ મધમાંથી તમને ના મળે, થોડું ટેગો ખાય અને બીજું એ ઘરે લઇ જાય.. ઘરે પણ બીજાની સેવા માટેજ…હવે તો આજુબાજુ વાળા પણ ટેગાને બોલાવી જાય.. હવે ટેગો થોડો મોટો થયો ખેતીકામ કરતો થાય નબુમાં એને દીકરાની જેમ જ રાખે.. અજાણ્યાને તો ખબર જ ના પડે કે માડીનો આ સગો દીકરો નથી.. આમને આમ ટેગો 14 વર્ષનો થયો…

એક વખતની વાત ચોમાસુ બરોબર નું બેઠું, એક ધારો બે દિવસ સુપડા ધારે વરસાદ પડ્યો, અત્યાર સુધીમાં આવો વરસાદ એમની હામભરણ નાં નથી પડ્યો એવું ગામનાં ભાભલા કેતા’તા. બે દિવસ તો ગામને મોજ પડી કે કોઈ દી ના ભરાતો ડેમ હવે ભરાવાનો,!! એય આખું ગામ ઉમટે!! પલળતું પલળતું ય પાણી જોવે.!! પછી બીજા દિવસે સાંજે ગામ મુંજાણૂ કે આખો ડેમ ભરાઈ જાય તો હજુ ત્યાં રહેનારો મકાદમ કે જે ઉપરથી હેંડલ ફેરવે ને પાટિયા ખુલે ને ડેમ ખાલી થાય તો વાંધો ના આવે!! સાંજે મકાદમ આવી ગયો એણે પાટિયા ખોલવાનો પ્રયત્ન કર્યો ને ગામ હબક ખાઈ ગયું!!! એમાં વાત એવી હતી કે નીચેનું એક તાળું ખોલવાનું જ રહી ગયેલું!! અને મકાદમ એ ભૂલી ગયેલો!!30 ફુટ નીચે પાણીમાં જઈને નીચે એક તાળામાં ચાવી નાંખો એને ફેરવો ને પછી જ ઉપરથી પાટિયા ખુલે એવી સિસ્ટમ!! ગામે રાતે ખાધું નહિ, એક બાજુ ધોધમાર વરસાદ!! વીજળી તો ક્યાંથી હોય!!?? આજુ બાજુ કોઈ ગામ નહિ ને ગામની ઉપર મોટો ડેમ જે હવે ભરાવાની તૈયારીમાં!! વરસાદ વધ્યો!! મોટી વરસણીએ શરુ થયો,!! રાતના દસ વાગ્યે પેલા મકાદમ પાસે મુખી અને ગામનાં આઠ દસ જણ ગયાં. પરિસ્થિતિ ગંભીર હતી. પાણી હવે ડેમ ઉપર થઇ ને જવાની તૈયારીમાં હતું.. વાયરલેસ લાગતો નહોતો, બેટરી ઊતરી ગઈ હતી, તાલુકે જવાય એમ નહોતું કારણે કે ખેતલિયાનો બેઠો પુલ તુટી ગ્યોતો, ગામ ચારેય બાજુથી ઘેરાઈ ગયું તું..

મકાદમ બોલ્યો
“એક રસ્તો છે કોઈ અત્યારે ડેમ માં આ જગ્યા એ જઈને ને નીચે આ ચાવી થી તાળું ખોલી આવે ને તો હું પાટિયા ખોલી દવ” બધા વિચારમાં પડ્યા કે કોણ તૈયાર થાય!!??અચાનક મુખીને ટેગો સાંભર્યો એણે તાબડતોબ ટેગાને બોલાવ્યો!!!

રાતના બાર થવા જાય છે હવે ડેમ ઉપર થી બે ફુટ પાણી જતું તું ગામ માં બધા પોતાના પૈસા ને ઘરેણાં ના પોટકા વાળીને બાજુમાં મૂકીને ભગવાનનું ધ્યાન ધરતા હતા.!! પોટકા એટલે વાળ્યાતા કે કદાચ ડેમ તૂટે ને તણાવાનું થાય તો આ ધન અને ઘરેણાને લઈને જ તણાવું..!! જો બચી ગયાં તો પછી પૈસા ગોતવા નહિ અથવા મારી જાશું તો આ પણ આપણી હારે આવશે આવી ગણતરી ખરી!! !! ટેગો આવ્યો હવે તો બે ફુટ પાણી ડેમ ઉપરથી જાતું હોય ને ડેમ પર કોણ ઉભો હોય!! જુના જમાનાનું બાંધકામ એટલે હજુ ડેમ તુટ્યો નહોતો!! આઘે થી મકાદમે બેટરીનો લાંબો શેરડો પાડીને ટેગાને સમજાવ્યું કે જો પેલા 4 નંબરનો ગેટ છે એની બરાબર નીચે તારે કૂદકો મારીને જાવાનું અને ત્યાં એક મોટું તાળા જેવું હશે એમાં તારે આ ચાવી દખાણાદી કોર્ય ચાર આંટા ફેરવી ને પછી ઉપર આવવું!! ને જો આ બીજી ચાવી ગેટ ન એક છે ત્યાં ઓરડીમાં ગોળ હેંડલ છે એની છે એ ઈમાં ભરાવીને ને ઉગમણી ફેરવાની!! ટેગો બોલતો તો નહોતો એટલે ના પાડવાનો તો સવાલ જ નહોતો..!! બેય ચાવી ડાબા જમણા ખિસ્સામાં નાંખી ને ટેગો ડેમની પાળ પર રીતસર નો દોડ્યો!!

પાણી વધતું ગયું!! મુખી અને એ લોકો પણ આઘા આઘા થતા ગયા!! ગામમાં પણ બધાના રસોડામાં પાણી આવી ગયું!! અને હવે જો ડેમ તૂટ્યો તો ગામ આખાનું બોર્ડ પૂરું!! અચ્યુતમ કેશવમ થઇ જાય!!! ટેગાએ ચાર નંબર પરથી ભૂસકો માર્યો. ત્રણેક મિનિટ પછી ટેગો ઉપર આવ્યો… ઘડીક પાણીમાં બેઠો.. પાણી એના ગળા સુધી આવતું હતું.. પાછો ઉભો થયો અને એક નંબર પર ગયો.. ઓરડી ખોલી ને પાંચેક મિનિટ પછી જોરદાર પાણી નો આવાજ આવ્યો બધા એ લાઇટનો શેરડો કરીને ડેમ ના હેઠાણ વાસ તરફ જોયું હા!! દરવાજા ના પાટિયા ખુલી રહ્યા હતા!!! પાણી ધોધમાર જઈ રહ્યું હતું!! ખતરો ટળી ગયો હતો.

રાતના બે વાગ્યે બધા ગામમાં આવ્યા!! વાત વા વેગે ફેલાણી કે હવે ડેમ નહિ તૂટે, જે ભગવાન, કે માતાજી ના ફોટા આગળ હાથ જોડીને રડતા હતા એ સડેસાટ ઉભા થયા ઘરેણાં ને ધન પાછું મૂકી દીધું એય ને પટારાના તળિયે,!!! માતાજીના અને ભગવાનના ફોટા ત્યાં ને ત્યાં પડી રહ્યા!! ફોટામાંથી અમુક માતાજી ને પણ આંસુડા આવી ગયાં જાણે કહેતા હોય કે કામ પતી ગયું એટલે આમ ભાગી જાવાનું!!! અને લોકો નીકળ્યા ગામની બહાર,!! ગામ આખું ત્રણ વાગ્યે કોટામાં આવી ગયું!! ટેગો પણ પલળતો પલળતો આવી ગયો!! ગામના જુવાનીયાએ ટેગાને ઊંચકી લીધો!! ટેગા એ એનું ઋણ ચૂકવી દીધું હતું!!! કૃષ્ણે ગીતાજીમાં કહ્યું છે કે “સંભવામી યુગે યુગે, પણ મને લાગે છે કે જો આપણે શ્રદ્ધાને વધારીએ તો કદાચ “સંભવામી ક્ષણે ક્ષણે” પણ બની શકે!!!

લેખક:- મુકેશ સોજીત્રા ઢસાગામ તા ગઢડા જિ. બોટાદ ૩૬૪૭૩૦

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

વાંચો.. આ સ્ટોરી પર ભુતકાળમાં આવેલી ઉત્સાહવર્ધક કોમેન્ટ્સ –

Superb Story… Mukeshbhai Aapni kalam ma Saraswati no vas chhe.. Ma Saraswati ni Aaradhna karta raho ane siddhi na sopan sar karta raho tevi shubhechchha

Outstanding wonderful story

Very good story sir, happy ending.

Nisvarth seva !!!? Good job

ખૂબ ખૂબ જ સુંદર વાર્તા મુકેશભાઇ

ટેગો
મસ્ત વાર્તા
અત્યાર ના સમયે કે જ્યારે
ડેમ તળાવ ભારણાં હોય
કદાચ ત્યારે જ ટેગા ની જરૂર પડે
અને સાથે સાથે ભગવાન ને પણ તો જ યાદ કરે કે જ્યાં સુધી જરૂર હોય
વાહ રે માનવી
સ્વાર્થ તો માનવી ની જાણે ખાસિયત બની ગઈ છે.

તમને આ સ્ટોરી કેવી લાગી? કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપો.. અને પોસ્ટ ગમી હોય તો અચૂક લાઇક અને શેર કરો..

ટીપ્પણી