મુકેશ સોજીત્રાની ટચુકડી વાર્તાઓ — આજે વાંચો ભાગ ૧

- Advertisement -

સોનાની બુટ્ટી :

રાકેશને દસમાં ધોરણમાં 98% આવ્યાં. ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. એનાં પિતા મધ્યમવર્ગીય ખેડૂત હતાં,ઉપરાછાપરી બે વરસો દુષ્કાળ જેવાં પસાર થયા હતાં, તેઓ સખત નાણાં ભીડમાં હતાં, હવે સવાલ એડમિશનનો હતો. રાકેશનાં પિતા માંડ ચાર ચોપડી ભણેલાં પણ હતાં કોઠાસૂઝ વાળા એમણે નક્કી કર્યું કે છોકરાને સાયન્સમાં જ મુકવો છે,અને એ પણ સારી સ્કૂલમાં. અનુભવીને મળીને નક્કી કર્યુંકે ભાવનગરમાં એક સારી સ્કુલ છે. ભાવનગર જઈ આવ્યા. ઘરે આવીને વાત કરી કે રાકેશને એડમિશન તો મળી જશે. પણ અત્યારે ને અત્યારે રૂપિયા 60000 નો જોગ કરવો પડશે. રાકેશે ના પાડી ” પાપા હું બાજુની શાળામાં ભણીશ. આવી મોંઘી શાળા આપણેને ના પોંસાય.””

રાતે મોડે સુધી એનાં મમ્મી પાપા પૈસાનો જોગ કેવી રીતે કરવો એ વિચાર કરતાં રહ્યા. બીજો દિવસ વીત્યો, કાલે એડમિશન નો છેલ્લો દિવસ હતો. સાંજે ઘરમાં રાકેશનો બિસ્તરો,સૂટકેશ તૈયાર થતી હતી. રાકેશે કીધું “પણ પપ્પા આટલાં બધાં પૈસા” ??

“અરે ગાંડા એ વ્યવસ્થા થઇ ગઈ તું ચિંતા ના કર, મારે તારૂ ભવિષ્ય નથી બગાડવું, કાલે વહેલી સવારની લોકલમાં હું તને ભાવનગર મુકવા આવું છું.”

સવારે રાકેશ તૈયાર થઈને જવા નીકળ્યો. એ એની મમ્મીને વળગીને રોવા લાગ્યો. મમ્મી પણ ગળગળી થઇ ગઈ. અચાનક જ રાકેશે જોયું કે મમ્મીના કાનમાં આજ સોનાની બુટ્ટી નથી, જે મમ્મી કાયમ પહેરતી હતી. ” મમ્મી તારી સોનાની બુટ્ટી ક્યાં??? આજ તે કેમ નથી પહેરી??

મમ્મીએ એને છાતી સરસો છાપીને વહાલ કરતાં બોલી
“તું તો મારી આંખનું રતન છો બેટા, આંખનાં રતન માટે કાનની બુટ્ટી આટલો ભોગ તો આપેજ ને”!!

વાતાવરણમાં એક મધુર માતૃવાત્સલ્યની સુવાસ પ્રસરી ગઈ…

સફરજન

ડો. ભરત પોતાનાં શિવમ ક્લિનિક પર બેઠાં હતાં. એવામાં એક 40 વરસની વ્યક્તિ પોતાનાં બાળકને લઇને સાહેબ પાસે આવી.

“ડો. સાહેબ આને તાવ છે, ઉલટી થાય છે.”

ડો. ભરતે બાળકને જોયું, એક દમ ફિકુ શરીર, નખ પીળાં, ચહેરો કરમાઈ ગયો હતો. કુદરતે આપેલી અણમોલ ભેટની આવી હાલત જોઈને ભરત બોલી ઉઠ્યો..

“આ બાળકને ખોરાકની જરુર છે,આ કુપોષણથી પીડાઈ છે, તમે આને પુરતો ખોરાક આપો. તમે શું ધંધો કરો છો”

“ફળની લારી છે સાહેબ, આ મોંઘવારીમાં માંડ બે છેડા ભેગા થાય છે” લાચાર બાપની વેદના સામે આવી.

“તો આને સફરજન ખવરાવો, ચીકુ ખવરાવો, કેળાં ખવરાવો”. ડો. બોલ્યાં.

“સાહેબ બધું અમે ખાઈએ તો વેચીશું શું???? અમારે આ બધું વેચવાનું હોય, ખાવાનું ના પોસાય.”
“પણ કોઈ બગડેલું સફરજન હોય એના સારા ભાગને તો કાપીને ખવાય ને”? ડોકટર હવે બગડ્યા..
“પણ સાહેબ એય વેચાઈ જાય, ફ્રુટ સલાડ વાળા એ સડ઼ેલું પણ લઇ જાય,એનો અડધો ભાવ આપે ને હરીફાઈનો આ ધંધો ખાસ કાઈ નથી મળતું. માંડ ઘર ચાલે, સાહેબ તમારે તો બોલવું છે પણ અમારું મન જાણે છે કે કઇ રીતે પુરુ કરવું” બાપે વરાળ કાઢી.

ડો. કશું ના બોલ્યા, ઇન્જેક્શન આપ્યાં, બોટલો આપી, સુચના આપી અને એક પણ પણ રૂપિયો લીધાં વગર દર્દીને અને તેનાં બાપને રવાના કર્યો. પણ એનાં મનમાં પેલાં શબ્દો ઘૂમરાઈ રહ્યાં “સાહેબ અમે બધું ખાઇશું તો વેચીશું શું”???

તેનું મન ખિન્ન થઈ ગયુ. સાંજે બાઇક બહાર કાઢી ચોકડી પર ગયાં. પાંચ કિલો સફરજન લીધાં. બાઇક ઝુપડપટી તરફ ચાલી, સાંકડી ઝુપડપટ્ટીમાં બાળકો રમી રહ્યાં હતાં. એક બાળકને એક સફરજન આપીને ડોકટર ઘરે આવ્યાં..

ખરીદીને સફરજન ખાવામાં મીઠાશ અને આનંદ મળે પણ ખરીદીને સફરજન વહેંચવામાં પરમાનંદ મળે…

વદાડ

“નહીં આ વખતે જો ગામડે સાતમ આઠમ કરવાં જવું હોય તો કાર લઈને જ જવું છે, નહિ તો નહિ.” રીટાએ હઠ પકડી. ગૌરવે એને ઘણી સમજાવી કે મોટાભાઈ અને ભાભી તો ભગવાનના માણસ એ તો અમસ્તા જ બોલ્યા કરે એનાં મનમાં તું વિચારે એવું કાંઈ ના હોય. પણ રીટાએ તો ગાંઠ વાળી જ લીઘીકે આ વખતે ગામડે જઈને વટ જ પાડવો છે. ગૌરવ શહેરમાં શિક્ષકની નોકરી કરતો,મોટાભાઈ ગામડે રહીને ખેતી સંભાળતા. વાર તહેવારે ગૌરવ અને રીટા ગામડે જતાં. જેઠાણી મંજુ રીટાને નવી નવી વસ્તુ બતાવતાં અને કહેતાં કે તમારા જેઠને તો મોળું તો ગમે જ નહિ. આ આ કડલાં 6 તોલાના, આ બંગડી 4 તોલાની, આ બાંધણી તો એ જેતપુરથી લાવ્યા. શહેરમાં ઉછરેલી રીટાને ખુબ લાગી આવતુંકે ગામડામાં રહીને જેઠાણી જલસા કરે છે. ગૌરવે બાઇક લીધું તો જેઠે એની પહેલાં જ બુલેટ લીધું. પોતાને કેટલું નીચાજોણું થાય. છેવટે ગૌરવે બેન્કમાંથી લોન લઈને વેગનઆર લીધી. અને રાજીના રેડ થતી રીટા ગામડે જવા તત્પર થઇ. રાંધણછઠ ને દિવસે ગામડે પહોંચ્યા. મંજુભાભીને ગૌરવ પગે લાગ્યો. રીટા પણ જેઠાણી ભેટીને કહે ભાભી અમે કાર લીધી. જેઠાણી બોલ્યાં તમારા જેઠે પણ લીધી પણ મોટી લીધી. મને તો નામેય ના આવડે કંઈક “ખરપિયો” કે એવું કાંઈ કહે છે. ત્યાં હોર્ન વાગ્યું ને મોટાભાઈ ” સ્કોર્પિયો” લઈને ઘરમાં આવ્યા ને મંજુભાભી બોલ્યા કે આમેય તમારા જેઠને મોળું તો સ્હેજેય ના ગમે.. ચાલો હાથપગ ધોઇ નાંખો પછી આપણે ” ખરપીયા”માં બેહીને વાડીએ જાશું..!!

શૂરવીરતા…

“આ ખાલી આપણી મિલિટરીને છૂટ આપેને તો બે દિવસમાં જ પાકિસ્તાન સાફ” 138નો માવાની પિચકારી મારીને રાકેશ બોલ્યો..
“ઇઝરાયેલ જેવું જ કરાય પણ આપણી નેતાગીરી નપુંસક છે” શિવાજી બીડી ની સટ મારીને ઉધરસ ખાતો ખાતો જીવો બોલ્યો..
“આપણાં નેતા ભાષણ બાજીમાંથી જ ઉંચા નથી આવતાં” માંગેલી મોટર સાયકલ પર આવેલ કિશન બોલ્યો.

“મારો તો જીવ બળે છે જે રીતે આ સૈનિકો મરે એ કેમ પોસાય,મારૂ ચાલે તો હું મશીનગન થી બધાને ધીબેડી નાંખુ” મિરાજ ચૉળતાં ચૉળતાં હરજી બોલ્યો..આવી ચર્ચા ચાલતી હતી ગામની ભાગોળે આવેલ મારાજની પાન ની કેબીન પર…!! એવામાં એક કૂતરું આવ્યું, લથડીયાં ખાતું ખાતું.. પાનની કેબીન વાળા મારાજ બોલ્યા.. “હડકાયું લાગે છે..

“હોય નહીં ક્યાંક” કહેતાં બધાં ભાંગ્યા.. શૂરવીરો ઘડીના છઠ્ઠા ભાગમાં અલોપ થઈ ગયાં…

તુલસી વિવાહ

શેઠની એકની એક દિકરી એ પોતાની જ જ્ઞાતિનો એક યુવાન પસંદ કરીને પરણવાની ઇચ્છા જાહેર કરી. શેઠે બીજો મુરતિયો પસંદ કરી રાખ્યો હતો જે દીકરીને પસંદ ના હતો. બે વરસ પહેલાં દીકરીએ હારી થાકીને આયખું ટૂંકાવી નાખ્યું. સંભળાય છે કે શેઠ આ વરસે તમામ ખર્ચ સાથે તુલસી વિવાહનું આયોજન કરી રહ્યાં છે!!

ગરીબી

એક રાત્રીના ભજન ગાવાના સાડા ત્રણ લાખ રૂપિયા લેતા કલાકારે ડાયરામાં ભજન શરુ કર્યું!! “કર ગુજરાન ગરીબીમે” અને શ્રોતાઓ ડોલી ઉઠ્યા ભાઈ ભાઈ!!

“પ્રોમિસ ડે”-

ચમનલાલે દીનેશને એક ઝાપટ મારી અને દિનેશ પડી ગયો.

“સાલા તારી જાત પર ગયો એમને, જે ઘરમાં ખાશો એ ઘરમાં જ ધાડ પાડી. જે ઘરનો રોટલો ખાશો એ જ ઘરમાં કૂડી નજર કરી” દિનેશ કશું બોલ્યો… શેઠે લાકડી લીધી અને માંડયા ઝુડવા!! દિનેશ માર ખાતો રહ્યો.. પણ એકેય શબ્દ ના બોલ્યો..!! ચમન લાલ મારી મારીને થાકી ગયાં.. એણે જમાદાર ને બોલાવ્યાં અને વાત કરી

“સાહેબ આ મારો ડ્રાયવર છે, એને એના બાપની જગ્યા મેં એને રાખ્યો અને એણે એનું પોત પ્રકાશયું છે મારી જ છોકરીને આ ચિઠ્ઠી આપતો પકડાઈ ગયો. આ ગિફ્ટ લાવ્યો.. કેટલાય દિવસથી હેરાન કરે છે.. આતો છોકરીએ અત્યારે મને કીધું…”

“હા જમાદાર સાહેબ આજે મને જુઓ આ ટેડી બેર અને ગુલાબનું ફૂલ, આ ચોકલેટ દેવા આવ્યો. ઘણા દિવસથી મને ઈશારા કરતો હતો.. પણ હું આબરુની બીકે કાંઈ બોલતી નહોતી, “શેઠની છોકરી માલતીની વાત સાંભળીને દીનેશ તો આભો બની ગયો..

“ચાલો ઉપાડો એને થાણે અને કરી દઉં ખોખરો” જમાદાર પણ હવે તાનમાં આવી ગયાં હતાં.

“ના સાહેબ એમાં અમારી આબરૂ પણ ઘટેને , આવાની આબરૂ ના હોય પણ અમારે તો હોયને.. જે કરવું હોય એ અહીં કરો અને એવું કરો કે ખો ભૂલી જાય, આપણે પછી સમજી લઇશું” ચમનલાલે કીધું અને જમાદારે શરૂ કર્યો ખેલ.. શરૂઆતમાં ઢીકા પાટું, પછી ચલાવી લાકડી, અને છેલ્લે કાઢ્યો પટ્ટો અને મંડ્યા સબોડવા અને કહેતા ગયાં.

“ચાલ માંગ માફી, માફી નહીં માંગ તો ચામડાં તોડી નાંખીશ ”

પણ દિનેશ જેનું નામ એક અક્ષર પણ બોલ્યો નહીં. દાંતમાંથી લોહી નિકળ્યું!! બરડો સોજી ગયો!! ભરોળું પડી ગઈ.. વાંહો આખો લોહી થી ચિતરાઈ ગયો!! જમાદાર થાક્યાં પણ દિનેશ ના બોલ્યો.. દિનેશ માર ખાઈ ખાઈને અધમુવા જેવો થઈ ગયો હતો..દીનેશના બાપુજી આવ્યા!! માફી માંગી!! રીતસરના પગે પડ્યા!! છેવટે દીનેશનો બાપ કાનો એને લઈને ઘરે આવ્યો!! દિનેશ ની હાલત જોઈને ટોળું ભેગુ થયું!! દીનેશનો બાપ વેલજી ખિજાણો.. બાજુમાંથી રૂપલી આવી. રૂપલી જોઈ જ રહી!! ઘરમાં જઈને વેલજીના ના બાપે એક લાકડી લીધી!! દિનેશની મા ધુડી આડી આવી દીનેશને બચાવવા તો એને એક ઝીંકી તે એ પડી ઓશરીની કોરે અને એક લાકડી ઝીંકી દિનેશ ને વેલજી બોલ્યો..

“ઓટીવાળ, શુ હતું બોલ મોઢામાં જીભડો છે કે નહીં, બોલ્ય નહીંતર પતાવી દેવાનો છે તને” આટલું કહીને બીજી લાકડી ઝીંકવા જાય છે,ત્યાં જ રૂપલી દોડી અને દીનેશની આડે બેસી ગાઈને બે હાથ ઊંચા કરીને બોલી..

“એય એને મારોમાં એ કાંઈ નહીં બોલે , એણે મને વચન આપ્યું છે, આ વાત કોઈને નહીં કહેવાની, તમારે મારવી હોય તો મને મારો” વેલજીના હાથમાં લાકડી એમ ને એમ રહી ગઈ. અને રૂપલીએ વાત કરી.

“હું જ્યાં કામ કરૂં છું ને શેઠના દીપલા ને શેઠની દીકરી માલતી સાથે મેળ થઈ ગયો તે આજ કંઈક ઓલું વેલેન્ટાઈન ડે જેવું છે તે દીપલા એ મને કીધું કે તારો ભાઈબંધ દીનીયો છેને ત્યાં તો તું એને આપી દેજે ને એ માલતીને આપી દેશે.. આ બધું.. તો મેં દીનીયા ને એ આપવા કહેલું અને એ પણ કીધેલું કે કોઈ પૂછે તો મારા સોગંદ કાંઈ બોલ્યો છો તો, એ સોગંદ પાળશે પણ બોલશે નહીં, મારું એને બહુ છે અને હવે તમેય સાંભળી લ્યો અમે બેય પરણવા ના છીએ.. હવે મારવા હોય તો બધા ભેગા થઈને અમને મારી નાંખો” વેલજી સ્તબ્ધ થઈ ગયો.. લાકડી નાંખી દીધી.. બીડી સળગાવીને સીધો બહાર.. રૂપલીએ દીનેશ ને ટેકો દઈને ખાટલે સુવડાવ્યો.. રુપલીએ હળદર હળદર ગરમ કરી અને ખાટલે મૂકી. રૂપલી એ દીનેશ ના વાંસામાં હળદર લગાડીને બોલી..

“બહુ દુઃખે છે ને??, રોયાવે ઢોર માર માર્યો છે,

“પણ રૂપલી મારા બાપમાં ફેર હોય જો એક શબ્દ બોલ્યો હોવ તો, તને વચન આપ્યું હતું ને કે આ વાત બીજા કોઈને નહીં કહેવાની એટલે મરી જાવ પણ બોલું નહીં” રૂપલી ની અને દીનેશની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો.. સવારમાં એનો પ્રોમિસ ડે હતો!! અત્યારે વેલેન્ટાઇન ડે શરૂ હતો!!

વાસ્તુ દોષ

“શાસ્ત્રીજી, જ્યારે આ બંગલામાં ૫ વર્ષથી રહું છુ. પહેલાં બે વરસતો શાંતિ રહી. પછી નાં જાણે કોઈને કોઈ મુશ્કેલી આવે છે,ધંધામાં પણ પડતી શરુ થઇ છે. મારી વાઇફ અને મારી છોકરીની તબિયત પણ અચાનક જ બગડી જાય છે.આમ તો આ બંગલો મેં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જ બનાવ્યો છે.” મલ્હારે શાસ્ત્રીશ્રી દિનેશભાઇ ને કહ્યું. દીનેશભાઈએ આખા બંગલાનું નિરીક્ષણ કર્યું, વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બંગલો એકદમ પરફેક્ટ હતો. કોઈ જ ખામી નહોતી. અચાનક બંગલાની પાછળ બે નાનકડી ઓરડી હતી. “મલ્હાર ત્યાં શું છે?. પેલી બે ઓરડીમાં?
“મમ્મી પાપા રહેતા હતા. 3 વરસ પછી આ બંગલામાં એને એકલું લાગ્યું એટલે એને જ જીદ કરી તો હું એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. ત્યાં તેમની ઉમરના હોય એટલે મમ્મી પાપાને કંપની મળી રહે ને.”મલ્હારે થોથવાતા જવાબ આપ્યો.
“એને ઘરે પાછા લઇ આવ, તારી બધી મુસીબત હલ થઇ જશે”. આટલું કહીને દિનેશભાઇ બંગલાની બહાર નીકળી ગયા…

કુંડળી

જેઠાલાલ ની કુંડળી જોતાં જોતાં જ્યોતિષી બોલતાં હતાં… આ તમારો શુક્ર પાવરફુલ છે,એટલે તમને પત્ની સુખ સારું મળી રહ્યુ છે તમારાં ગુરુ ને કારણે તમને માન પાન મળી રહ્યુ છે.. આ તમારી શનિની સારી દ્રષ્ટિને કારણે તબિયત સારી છે.. આ મંગળ ઉંચા સ્થાને બેઠો છે એટલે તમારુ જીવન મંગળમય બની રહ્યુ છું.

“તે વચ્ચે હું બે વાર બબ્બે વરસ જેલમાં ગયો હતો એ ક્યાં ગ્રહોને કારણે” ?? જેઠાલાલે મજાક કરી…

“બધું ગ્રહોને કારણે ના થાય… અમુક વસ્તું આપણાં લખણને કારણે થાય.. તમારો આ લખણખોટીનો સ્વભાવ એ તમને નડતો મોટામાં મોટો ગ્રહ છે!!” જ્યોતિષીએ કહ્યુ.

જેઠાલાલનું મોઢું જોવા જેવું હતુ..

પંખો

સાત સાત વરસથી વૃદ્ધાશ્રમમાં રહીને મરણ પથારીએ પડેલાં બાપને દીકરાએ પૂછ્યું.
” બાપુજી કાંઈ છેલ્લી ઈચ્છા”??
“બસ આ વૃદ્ધાશ્રમમાં રૂમે રૂમે પંખા નંખાવી દેજે ને તારી પાસે પૈસા તો છે જ” બાપે કહ્યું!!
“હવે સાત સાત વરહ તો કાઢી નાંખ્યા ને અંતિમ સમયે પંખાની શી જરૂર”?? દીકરો બોલ્યો.
” મારું બોર્ડ તો હવે પૂરું થવામાં જ છે, આ તો તારી માટે કહું છું.. જ્યારે તું અહીં આવીશને ત્યારે પંખા વગર નહીં રહી શકે!!!
આટલું કહીને બાપે છેલ્લા શ્વાસ લીધાં!!!

(લેખકના નામ વગરની એક અંગ્રેજી વાર્તાનો ટુંકસાર)

“ખિસ્સા કાતરુંથી સાવધાન”

અને દશરથભાઇ આભાજ બની ગયાં!! વરસો પછી એ આ મંદિરે આવ્યાં હતાં!! ક્યાં પહેલાનું નાનું અને સાદું મંદિર અને ક્યાં અત્યારનું આ 4જી મંદિર!! ભગવાનની મૂર્તિ પણ બદલાઈ ચુકી હતી. મંદિરની આજુબાજુ બીજાં નાના મોટા ભગવાન પોતાની સિનિયોરિટી મુજબ ગોઠવાઈ ગયાં હતાં!! દશરથભાઇએ દર્શન કરીને મંદિરનું અવલોકન શરૂ કર્યું!! ઘણું બદલાઈ ગયું હતું..!! મંદિરનાં ચોગાનમાં જ એક મોટું બોર્ડ હતું. જેમ હોટેલમાં મેનુ હોય એમજ !!

સવારની આરતી.. 5000 રૂપિયા!!

બપોરની આરતી… 5000 રૂપિયા!!

પ્રાઈમટાઈમ યાની કે સંધ્યાઆરતી… 10000 રૂપિયા!!!

આવી જ રીતે ભગવાનને ઉઠાડવાના, નવરાવવાના, ખવરાવવાના,અને છેલ્લે સુવડાવવાના એમ ભગવાનની દરેક પ્રવૃત્તિ માટેનું એક વ્યવસ્થિત ભાવ પત્રક હતું!! દશરથભાઇને પણ પુણ્ય કમાવવાની ઈચ્છા થઈ!! મંદિરનું વાતાવરણ જ એવું હતું કે તમને દાન કરવાનું મન થઇ જ જાય!! દશરથભાઇ નો હાથ પેન્ટના ખિસ્સામાં ગયો અને પાકીટ બહાર કાઢ્યું!!
અચાનક જ એની નજર મંદિરમાં જ લાગેલ એક મોટા બોર્ડ પર ગઈ!! બોર્ડમાં લખ્યું હતું કે!!

“ખિસ્સાકાતરુંથી સાવધાન” !!

અને તરત જ દશરથભાઇએ પાકીટ ખિસ્સામાં મૂકી દીધું અને મંદિરની બહાર નીકળી ગયાં!!!

બે રજા

ઘણાં સમય પહેલાની વાત!
અંતરિયાળ ગામ. માયાળુ પણ એટલું જ. શિક્ષકો પણ ખૂબ માયાળુ અને દયાળુ. ગામમાં કોઈ અવસાન પામે એટલે તરત જ સદગતનાં માનમાં શાળામાંથી બાળકો ને તરતજ રજા!!!

એક વખત પ્રાર્થના ચાલતી હતી ને સમાચાર આવ્યા કે ઘુસાઆતા દેવ થઈ ગયાં છે!! અને તરત જ સદગતને શ્રદ્ધાંજલિ આપીને રજા આપવા આવી!!

બધાં બાળકોની સાથે નટો અને જટો પણ ઘરે જતા હતાં ખભે દફતર ભરાવીને એય મોજમાં!! એમાં નીચલી બજારે બે ભાભલા લાકડીને ટેકે ધીમે ધીમે ચાલ્યાં આવે! નેવુંની કોર્ય મોર્ય પહોંચેલા ભાભાઓને જોઈ ને નટો બોલ્યો!!

“જો જટા બે રજાઓ હાલી આવે છે!!!

ભગવાનની ભેટ

“સ્વીટી આજે થોડી વહેલા રસોઈ બનાવી નાંખજે ને સાડા નવ વાગ્યે મારે શાળાએ જવાનું છે બીએલઓ ની કામગીરી છે . સાંજે 6 વાગ્યા પછી આવીશ” પંકજે સહેજ બીતાં બીતાં એની ધર્મ પત્ની નેહાને કહ્યું.. અને જયારે જયારે આવું કંઈક કહેવાનું હોય ત્યારે પંકજ પોતાની પત્ની માટે સ્વીટી શબ્દ જ વાપરતો!!

“તે આ રવિવારે પણ નિરાંત નહીં, અને હું કહું છું કે આ બધી કામગીરી તમારે જ કેમ આવે છે,?? તમે એકલાં જ નોકરી કરો છો?? તમે જ ગધેડી પકડી છે?? તમારા સ્ટાફમાં બીજા આઠ શિક્ષકો છે. એને કાંઈ નથી આવતું ને તમારે જ બધુ આવે છે!! વસ્તી ગણતરી તો તમારે!! તાલીમ પણ તમારે જ આવે !! વેકેશનમાં નિશાળમાં ઝાડવા પાવાનું પણ તમારે જ આવે અને હું બોલું તો તરત જ એમ કહે કે આપણે સ્થાનિક રહીએ છીએ અને બીજા શિક્ષકો બીજા જિલ્લાનાં અને એ વેકેશનમાં તો અહીં ના હોય ને એટલે ઝાડવાને પાણી તો આપણે જ પાવું પડે નહીં ને!! તમે સાવ ભોળા છો, બધા તમને ચડાવી દે છે અને છેતરી જાય છે!!” નેહાએ એના સ્વભાવ પ્રમાણે જવાબ વાળ્યો જેની સો ટકા અપેક્ષા પંકજ ને હતી જ..

“બીજું બધું તો ઠીક તારી છેલ્લી વાત સાથે હું સહમત છું કે મને બધા છેતરી જાય છે અને એ શરૂઆત મારા સસરાએ કરેલી” પંકજ હસીને બોલ્યો..!!

“શું કીધું મારા પાપાએ તમને છેતર્યા એમ હવે સહેજ લાજો હવે લાજો! આ તો હું તમારા પનારે પડી બાકી બીજી કોઈ હોતને તો ખબર પડત કે કેટલી વિસે સો થાય” નેહા છણકો કરતાં બોલી. પંકજને નેહાની આ અદા ખુબજ ગમતી. .. બાજુમાં જ ભાડે રહેતાં એક શિક્ષક દંપતી અનિલ અને કેતકી આ મીઠો સંવાદ સાંભળી રહ્યા હતાં.. સાડા નવે પંકજ જમીને પોતાના બુથ પર જવા રવાના થયો..!! દરરોજની ટેવ મુજબ નેહા એને ગેટ સુધી મુકવા આવી.. અને પંકજ હસતે મોઢ બાઇક પર ચાલી નીકળ્યો!!

સાંજે સાત વાગ્યે પંકજ બુથ પરથી આવ્યો અને જમીને પાડોશી શિક્ષક અનિલ સાથે બજારમાં ખુરશી ઢાળીને વાતો કરી રહ્યો હતો. અનિલને હજુ દોઢ વરસ પહેલા જ શિક્ષક તરીકે નોકરીમાં જોડાયો હતો.. નેહા અને કેતકી ઓટલે બેઠા હતાં..

“મારા બેનની વાત સાચી છે પંકજભાઈ , મેં પણ સાંભળ્યું છે કે તમે કોઈ કામની ના પાડતા નથી એટલે જ બધા તમને કામ ચીંધે છે અને તમારો ઉપયોગ કરી જાય છે.. હવે તમે થોડા કડક થાવ અને સામું બોલતાં શીખો.. અને ના પાડતા શીખો નહીંતર નિવૃત થશો ને ત્યાં સુધી આ તંત્ર તમને છોડશે નહીં હો, !! હું તો અત્યારથી જ કડક છું.. મને કોઈ ખોટી રીતે બનાવી જાય એ વાતમાં માલ નથી” અનિલે કેતકી અને નેહા સામુ જોઈને બોલ્યો. કેતકીએ પણ એક ગર્વિષ્ઠ નજરે નેહા સામે જોયું..

“એમાં એવું છે ને કે તમે રહ્યા બી.એડ અને હું ફક્ત એસએસસી પીટીસી એટલે તમને આવું લાગે બાકી મને કોઈ કામનો કંટાળો આવતો જ નથી..ભગવાને આવી સરસ મજાની શિક્ષકની નોકરી ભેટ તરીકે આપી છે અને પહેલેથી જ ભગવાને મારી તરફ પક્ષપાત રાખ્યો છે એટલે જ મેં નક્કી કર્યું છે કે કોઈ કામ આવે એ હસતાં મોઢે કરવાનું.. ના બળતરા કરવાની કે ના વલોપાત!! ખોટાં લોહી ઉકાળા શા માટે કરવાં!??!એવું કરવાથી તબિયત બગડે!!” પંકજે કહ્યુ અને નેહા મીઠું હસી..

“હું કંઈ સમજ્યો નહીં પંકજ ભાઈ આ તમારી ભગવાનની ભેટ વાળી ફિલોસોફી!! તમને અને મને નોકરી મળી છે એ મહેનતથી મળી છે કોઈએ ઉપકાર થોડો કર્યો છે.?? નિયમ પ્રમાણે જ કામ કરવાનું!!! નિયમ બહાર નહીં કરવાનું” અનિલે જવાબ આપ્યો. પંકજ ખોંખારો ખાઈને બોલ્યો..

“એ તમારા કિસ્સામાં હશે , મારા કિસ્સામાં એવું નથી . ચાલો હું તમને મારી વાત કહું.. નવમા ધોરણ સુધી હું સાવ સામાન્ય વિદ્યાર્થી હતો. ધોરણ દસમાં ખૂબ મહેનત કરી. અને ધાર્યા બહાર ટકા આવ્યાં. પીટીસીમાં ફોર્મ ભર્યું અને ત્રીજા રાઉન્ડમાં છેલ્લો ઓર્ડર આવ્યો!! બે વરસ પીટીસી કર્યું અને જેવું પરિણામ આવ્યું કે તરત જ ભરતી આવી.!! હું સિલેક્ટ થઈ ગયો.. નોકરી મળી કે તરત જ છોકરી મળી ગઈ અને આ નેહા સાથે પરણી ગયો..!! એ વખતે પીટીસી એટલે પરણવાનું તાત્કાલિક સર્ટિફિકેટ એવું ગણાતું!!! મને મારા બાપાએ સાત વર્ષે ભણવા બેસાર્યો હતો એટલે ભરતી વખતે મારાં અઢાર વરસ થઈ જતાં હતાં .મારી સાથે જ પીટીસીમાં પાસ થવા વાળા અને સારા સારા ગુણ વાળા રહી ગયાં એ ભરતીમાં કારણ કે એ બધાં પાંચ વર્ષે નિશાળે બેસી ગયા હતા અને ભરતી થઈ એ વખતે 17 વરસના હતાં..!!

પીટીસી પાસ થયાં પછી એક જ માસમાં મને સરકારી નોકરી મળી ગઈ!! આ ઈશ્વરનો પક્ષપાત નહીં તો શું.. ??? શિક્ષકોની બીજી ભરતી પાંચ વરસ પછી થઈ.. મારી સાથે જ પીટીસી કરનારાં પાંચ વરસ પછી લાગ્યાં.. અમુક તો સાત વરસ પછી પણ લાગ્યાં!! ભગવાનને મેં કોઈ દિવસ ફરિયાદ નથી કરી કે તે મને પાંચ વરસ નોકરી એ વહેલો કેમ લગાડ્યો..???? તો પછી થોડું વધારે કામ કરવું પડે એમાં ક્યાં તુટીને ભડાકો થઇ જાય એ કહો..માફ કરજો આ મારી વિચારચરણી છે. બીજા એની રીતે વિચારતાં હોય!! એ લોકોને હું કોઈ જ સલાહ કે ઉપદેશ નથી આપતો કે હું મહાન છું અને તમે નકામા છો.. હું તો ફક્ત એટલું જ માનું છું કે મેં નક્કી કર્યું છે કે ભગવાને આવી સરસ નોકરીની ભેટ આપી છે તો મારે પણ જેટલું કામ આપે એટલું કરવું જ!! ના પાડવી જ નહીં!! અને હું સુખી છું!! મનથી સુખી છું અને તનથી પણ” પંકજ આટલું બોલ્યો અને નેહાએ ગૌરવથી કેતકી તરફ જોયું..

વાતાવરણમાં એક મધુર પ્રસન્નતા છવાઈ ગઈ હતી..

લેખક :- મુકેશ સોજીત્રા

ઢસા ગામ તા ગઢડા જિ. બોટાદ પીન ૩૬૪૭૩૦

ટીપ્પણી