પપ્પા હું પાનખરનું પાન – છૂટાછેડા લઈને પતિ પત્ની તો જુદા થઇ જાય છે પણ બાળકોના મન પર ખૂબ ઊંડી અસર છોડી જાય છે…

“પપ્પા હું પાનખરનું પાન”

ડીઅર પપ્પા,

હા તમે બરાબર જ વાંચ્યું… ડીઅર પપ્પા.. વિચારમાં પડી ગયાને … ખબર નહી તમને યાદ પણ હશે કે નહી?.. તેર વર્ષ થઈ ગયા મને.. હું તમારો દીકરો બિહાગ… ખબર નથી તમે મને જોયો પણ છે કે નહી? તમને મારું નામ પણ ખબર છે કે નહી? મને ક્યારેક એવો વિચાર આવે છે કે શું તમને જાણ પણ હશે મારા અસ્તિત્વની? અને જાણ હશે તો તમને મને ક્યારેક જોવાની ઈચ્છા થતી હશે કે નહી? મારી યાદ આવતી હશે? કે મને મળવાનું મન થતું હશે?
સમજણ આવી છે ત્યારથી સતત આ બધાજ પ્રશ્નોમાં ગૂંચવાયેલો રહ્યો છું અને હજી સુધી ક્યારેય આના જવાબો મને નથી મળ્યા… ઘરમાં ક્યારેય તમારા વિષે કોઈ ચર્ચા નથી કરતું, તમારું નામ પણ કોઈ ઉચ્ચારતું નથી.. જન્મ થતાંજ લોહીની સગાઈ સાથે જે સગપણ ભગવાન આપે એમા પહેલું નામ એટલે મમ્મી અને બીજું એટલે પપ્પા… જીવનની ઈમારતમાં પાયારૂપી પપ્પા નામની વ્યક્તિ હોય છે જિંદગીમાં એવી સમજણ બીજા બાળકોના પપ્પા ને જોઈને આવી ત્યારે પ્રશ્ન થયો કે મારા પપ્પા? અને કુતુહલવશ પૂછી બેસતો કે મારા પપ્પા ક્યાં છે? કોણ છે? અને ઘરમાં એક સન્નાટો છવાઈ જતો.. નાના નાની મામા મામી બધા પોતાના કામમાં વ્યસ્ત થઈ જતા પણ મમ્મી તો કેટલીયે વાર સુધી ઘરની બહાર જ ચાલી જતી કદાચ એ ડરતી હશે મારા પ્રશ્નોથી અથવાતો એ નાનકડા બાળકને કેવી રીતે જીવનની વાસ્તવિકતા જણાવવી એવી અસમંજસમાં હશે એવું મને મોટા થઈને લાગ્યું…


બાલીશ બુદ્ધિવશ એકવાર મેં મમ્મી સામે જીદ કરી બળવો કર્યો કે આજે તો એને મને મારા પપ્પા વિષે જણાવવું જ પડશે… ત્યારે તે છુટ્ટા મોંએ રડી પડેલી અને એ દિવસે પહેલીવાર મેં તમારું નામ સાંભળેલું “સાહિલ” એ દિવસે મને અન્યંત ખુશી થઈ તમારું નામ જાણીને… મારું બાળ મન વધુ સમજી શકે એમ ક્યાં હતું પણ પણ મમ્મીને ડુસકા લેતી જોઈ એટલું સમજી શકાતું હતું કે આ વાતથી મમ્મી ને દુ:ખ પહોંચે છે એટલે મેં આગળ કંઈ પૂછવાનું ટાળ્યું અને મમ્મી ને આટલું રડતા જોઈ હું પણ થોડો ડરી ગયેલો… એને વળગી પડ્યો…અને એ પણ મને છાતી સરસો ચાંપીને ખુબજ રડી એનું કારણ મને ત્યારે ખબર નહોતી પણ મમ્મી રડતી હતી તો મને પણ ખુબજ રડવું આવેલું અને ત્યાર પછી મેં ક્યારેય તમારા વિષે એને પૂછ્યું નથી.

તમારું નામ જાણ્યા પછી..ક્યાં છે મારા પપ્પા, મને કેમ મળવા નથી આવતા, અમારી સાથે કેમ નથી રહેતા, જેવા ઘણા સવાલોએ મનમાં જન્મ લીધો… એકવાર મામા મામી વાત કરી રહેલા કે “હવે તો રોજનું થયું, છુટકે કે નાછુટકે આ ભાર વિઢાળવો જ પડશે ને, ડિવોર્સ લઈને આવી છે તે અહીંયા જ રહેવાનીને..” અને મેં તરતજ ડિવોર્સનો અર્થ ડિક્શનરીમાં શોધ્યો ત્યારે મને મારા એક પ્રશ્નનો જવાબ મળી ગયેલો કે તમે કેમ અમારી સાથે નથી રહેતા…

રમવા જાઉં અને બધા પોતાના પિતા વિષે વાત કરતા ત્યારે મને થતું કે મારા પપ્પા કેવા હશે… ક્યારેય તમારો ફોટો પણ જોયો નથી. એકવાર મમ્મીના માસી આવેલા ઘરે અને વાત વાતમાં એ બોલી પડેલા કે બિહાગતો અદ્દલ એના બાપ જેવોજ લાગે છે એ સાંભળી હું લેશન મુકીને સીધો અરીસા સામે પહોંચી ગયેલો અને ધારી ધરીને મારો ચહેરો જોવા લાગ્યો એ કલ્પના કરવા મથતો હતો કે પપ્પા કેવા લાગતા હશે પછી તો જયારે જયારે મને તમને જોવાની ઈચ્છા થાય છે હું દર્પણ સામે ઉભો રહી જાઉં છું અને તમને કલ્પનામાં જોઈને હરખાઈ પણ જાઉં છું.. હવે મને સમજાય છે કે કેમ મમ્મી ઘણીબધી વાર મારા ચહેરા સામે તાકીને જોયા કરે છે.. મનમાં કંઈક યાદ કરતી હોય એમ હોઠ આછા મલકી પડે છે એના…

સાંજે ઓફિસથી મામા ઘરે આવે ત્યારે રાહુલ દોડીને એમને પપ્પા પપ્પા કરતો વળગી પડે છે અને મામા એને પોતાના હાથોમાં વ્હાલ થી ઊંચકી લે છે ત્યારે હું દરવાજાની પાછળથી તેમને જોતો હોઉં છું. પપ્પા રોજ સાંજના સમયે હું ક્યાંય સુધી ઘરના દરવાજે ઉભો રહું છું તમારી રાહ જોતો કે તમે આવો અને હું પણ તમને દોડીને વળગી પડું… પણ તમે નથી આવતા, દરેક સાંજ રોજ મને એક નિરાશાની ભેટ આપે છે…ક્યારેક તો આંખોમાં ભેજ પણ ઉતરી આવે છે… અને આંખો બંધ કરું ત્યાં રાત જેવું અંધારું મારા મનમાં પ્રસરી જાય છે..

મને સ્કુલે રોજ મમ્મી મુકવા આવે અને સ્કુલે રસ્તામાં જોઉં તો મનેય પપ્પા સાથે સ્કુલ જવાનું મન થાય છે.. સ્કુલમાં બધા વાત વાતમાં કહેતા હોય આ વસ્તુ મારા પપ્પા લાવ્યા, માર્કેટમાં નવા ટોયસ કે નવી વસ્તુઓ આવે..તો કહે મારા પપ્પાને કહીશ લાવી આપશે… તો કોઈ વળી પપ્પા રજામાં ક્યાં ફરવા લઈ જવાના છે એની વાત કરે છે, કોઈ પપ્પા સાથે રમેલી ગેમ્સની વાત કરે..કોઈ પપ્પાએ કહેલી વાર્તાની વાત કરે તો કોઈ પપ્પાએ કરેલા લાડની વાત કરે ત્યારે હું કંઈ પણ બોલ્યા વિના એમની વાતો સાંભળ્યા જ કરું છું.. ક્યારેક એકલો હોઉં ત્યારે કલ્પનામાં તમારી સાથે એ બધીજ વાતો પણ કરી લઉં છું.
પેરેન્ટ્સ મીટીંગમાં બધાજ તેના મમ્મી-પપ્પા સાથે આવે છે જયારે મારી સાથે તો ખાલી મમ્મીજ હોય છે….ત્યારે મારા મિત્રો મને પૂછે છે તારા પપ્પા કેમ ના આવ્યા અને હું કંઈ પણ બોલ્યા વિના એ લોકોથી દુર ચાલ્યો જાઉં છું જેમ મારા પ્રશ્નો સાંભળી મમ્મી જતી રહેતી હતીને એમજ…
રાત્રે સુતી વખતે મારું એક પડખું હમેશા ખાલી રહે છે, તમારા ભાગની ખાલી જગ્યા તરફ નજર રાખી સુવું… મને હમેશા એ ત્યાં તમારી ખોટ વર્તાય છે.. ક્યારેક રડવું પણ આવી જાય છે… ઉંઘના આવે અને હું જેનું અંશ છું એના વિષે મને જાણવાની ઈચ્છા થાય પણ મમ્મીનું ભીનું ઓશીકું જોઈ હું કંઈ પૂછતો નથી અને એને લપાઈને સુઈ જાઉં છું.. નાના પાસે જીદ કરીને મેં PAPA લખેલું ટેડી મંગાવ્યું અને હવે રાત્રે એને વળગીને સુવું છું .. પપ્પાના પડખાની હુંફ કેવી હોય એનો અહેસાસ એ ટેડી દ્વારા મેળવવા મથતો રહું છું. મમ્મી પણ કંઈ બોલતી નથી આ વિષે.. કદાચ હવે અમે બંને એકબીજાના ના પૂછેલા સવાલો અને ના કહેવાયેલી ઈચ્છાઓને ખુબ સારી રીતે સમજી શકીએ છીએ.
પપ્પા મને ગાર્ડન બિલકુલ નથી ગમતો … નાનુના કહેવાથી મામા રાહુલ સાથે મને પણ ગાર્ડનમાં લઇ ગયેલા.. રાહુલ એમનો હાથ પકડીને ચાલતો અને હું એમની પાછળ પાછળ… ત્યાં મારા જેવડા ઘણા બધા બાળકો હતા જે એમના મમ્મી પપ્પા સાથે રમતા હતા..એ બધાને સાથે જોઈને મને એ લોકોની ખુબજ ઈર્ષ્યા થાય છે.. તમને ક્યારેય મળ્યો નથી તો પણ તમારી બહુજ યાદ આવે છે …હવે હું ક્યારેય ગાર્ડનમાં નથી જતો


હું ભણવામાં હોશિયાર છું પણ બે વખત નાપાસ થયેલો ખબર છે કેમ? એમાં નિબંધ લખવાનો હતો જેના વિષય હતા “મારી ફેમીલી” અને “મારું ઘર”… હું કાંઈજ નહોતો લખી શક્યો..આખું પેપર કોરું રહી ગયેલુ બસ ખાલી રડ્યા કરેલો …મારે પણ મારા મમ્મી-પપ્પા સાથે રમવું છે, બંનેનો હાથ પકડીને ચાલવું છે, મારે પણ બેઉ સાથે ફોટા પડવા છે, બંને સાથે ખુબ મસ્તી કરવી છે ખુબ બધું હસવું છે,બીજા બાળકો જેવા તોફાનો કરવા છે, અને મમ્મી ખીજાય તો પપ્પા પાસે એની મીઠી ફરિયાદ કરવી છે. નવી નવી વસ્તુઓ માંગવી છે, પપ્પાને ઘોડો બનાવીને એની પર બેસવું છે…. કોઈ પણ જાતની તકલીફ હોય તો બધા છોકરાઓ એક જ વાક્ય બોલે છે “હું મારા પપ્પાને કહી દઇશ..” એવું ઘણું બધું મારે પણ મારા પપ્પાને કહેવું છે … મામાના ઘરે મારા દોસ્તારો વેકેશનમાં રહેવા જાય છે .. મારે તો ત્યાંજ રહેવાનું… મારે મારા ઘરે રહેવું છે પપ્પા… ઉતારની જિંદગીના ભારથી મુક્ત થઈને મારે પપ્પાના ખોળામાં નિરાંતે સુઈ જવું છે….
મમ્મી મારું ખુબજ ધ્યાન રાખે છે મારી દરેક જવાબદારી અને દરેક જરૂરિયાત મમ્મીએ સંભાળેલ છે મમ્મી ઓફીસથી સાંજે આવે પછીનો બધો સમય મારી સાથેજ ગાળે… કોઈને કોઈ રીતે બોજ સમજીને જાણે અજાણે ધુત્કારાતા અમે બેઉ એ બધાથી દુર જવાનો પ્રયત્ન કરતા હોઈએ એમ સાંજે અમે બેઉ ઘરની બહાર નીકળી જઈએ છીએ અને એકબીજા માટે તમારી ખોટ પૂરી કરવાની કોશિશ કર્યા કરીએ છીએ અને ક્યાંકને ક્યાંક અમે હારી જઈએ છીએ…બસ એકબીજાને એ વાતની જાણ નથી થવા દેતા…
ક્યારેક લાગે છે કે હું પાનખરનું એવું પાન છું જેના વૃક્ષનું થડ અડીખમ છે એની કપાયેલી ડાળી એના અસ્તિત્વને ટકાવી રાખવા જ્જુમી રહી છે અને હું એના પર ઉગેલું પર્ણ જે ખીલ્યા પહેલાજ કરમાતું જાય છે…

લેખક : સ્વાતિ સીલ્હર

દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી