સ્વતંત્રતા

શોભાદેવી ખાદીની શ્વેત સાડીઓના થપ્પામાંથી એક સાડી કાઢી તૈયાર થઇ રહ્યાં હતાં. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન શોભાદેવી ચળવળમાં અગ્રેસર રહેવા ઉપરતળે થતાં. અનેક ભાષણોમાં હાજરી આપતાં આપતાં, આજીવન કાળ માટે એક હમઉમ્ર સ્ત્રી સાથે મૈત્રી બંધાઈ હતી. બસ, આજે એ જ સ્ત્રી ઉર્મિલા, મહિલાઓના ઉત્થાન વિશેના પ્રવચન માટે શહેરમાં આવનાર હતી.

શોભાદેવી ઉર્મિલાને મળવા તલપાપડ હતાં. ઉર્મિલા એક નામી સ્વાતંત્ર્ય સેનાનીને પરણ્યા હતાં. હવે પતિ તો નહોતા રહ્યા પણ ઉર્મિલા નાના મોટા સામાજિક કાર્યોમાં સક્રિય રહીને પોતાનો ફાળો નોંધાવતાં.
શોભાદેવીને ચાર સંતાનો. એ પૈકી મોટી બે પુત્રીઓ અમેરિકા સ્થિત ભારતીયોને પરણી હતી.

ત્રીજી શોભાદેવીના બઁગલાની બિલકુલ પાછળ નિવાસ કરતી હતી. બાકી રહ્યો સૌથી નાનો પુત્ર જતીન. જતીનની પત્ની નીતા લગભગ ઘર, બાળકો અને વચ્ચેનો તમામ સમય સાસુ પાછળ દોડવામાં વિતાવતી. સરળ, સુંદર અને ભારતીય પરિધાનમાં સજ્જ નીતાને ક્યારેય અમેરિકા સ્થિત નણંદોની હરીફાઈ કરવા મન નહોતું થયું. શોભાદેવી મોટી બંને પુત્રીઓના આલબમ જોઈ ધરાતા નહીં. પોતે જિંદગી આખી ખાદી ઓઢી, પણ પુત્રીઓનું અમેરિકીકરણ જોઈ છાતી ગજગજ ફુલાતી !!
શોભાદેવી નીતાને સતત કાર્યરત રાખતાં. એક બપોરે…

નીતા: બા તમારી ચામાં આદુ નાખું કે નહીં ?
શોભાદેવી : ના, મસાલો નાખ.
નીતા : સારું બા.
ચા પીધાને થોડી મિનીટો પસાર થયા બાદ ..
શોભાદેવી : નીતા ! પરમ દહાડે તે ટામેટાંનો સૂપ સારો બનાવેલ..ઠંડી ઘણી પડે છે..જરા મને એ સૂપ પીવા મન થયું છે.
નીતા માંડ રસોડામાંથી બહાર નીકળી હતી. પણ જરાય અણગમો લાવ્યા વગર બોલી : બા થોડા ટામેટાં પડ્યા છે..બનાવી દઉં ?
શોભાદેવી એ તરત જ હા પાડી દીધી. એટલું જ નહીં એકવાર સૂપ પીધા પછી નીતાને ફરી માર્કેટ મોકલીને બીજા ટામેટાં મગાવ્યા જેથી રાત્રે પણ સૂપ પી શકાય.

નીતાને પુત્રવધૂ આવી ગઈ પણ બા અને પાછળ રહેતી નણંદની ફરમાઈશો પુરી કરવામાં નીતાની જિંદગી ખર્ચાઈ ગઈ. સુંદર સ્ત્રીમાંથી નીતા હાડપિંજર બની ગઈ હતી. આ તરફ એંશી વર્ષે પણ શોભાદેવીનો દબદબો અકબંધ હતો. મોટી પુત્રીઓના વખાણ અને નાનીપુત્રીને પડખામાં રાખી વહુને એ સતત શિક્ષણ આપતાં રહેતાં.

જાતજાતના ગુજરાતી પુસ્તકો વાંચી પોતાની સખીઓ આગળ એનું વર્ણન કરતા એ થાકતાં નહીં. ઉર્મિલા સાથે પુસ્તકોની આપ લે થતી રહેતી. આસપાસની સ્ત્રીઓ એમના જ્ઞાનથી ચકિત રહેતી. સાથે જ નીતાની હાલત, શોભાદેવીના સિદ્ધાંતો અને આદર્શોની રમમાણમાં કેવી કચડાઈ ગઈ હતી એય જગજાહેર હતું. ખાદી, સ્ત્રી ઉત્થાન અને આવા તો અનેક સામાજિક મુદ્દાઓ પર શોભાદેવી શરુ થઇ જતાં ત્યારે કદી નીતા મગજમાં ન આવતી.

વધુ એક દાયકો વીત્યો. નીતાની પુત્રવધૂ નોકરી કરતી આથી નીતાને એના સંતાનની એક વધુ જવાબદારી આવી હતી. જો કે પોતે ખરા અર્થમાં એનો આધાર બનીને રહી હતી. અંતે એક બપોરે શોભાદેવીને હૃદય હુમલાને લીધે હોસ્પિટલ ખસેડાયાં. લાંબી સારવાર પછી એ મૃત્યુ પામ્યાં. દીકરીઓ માંના ગુણગાન ગાતી, પ્રાર્થના સભામાં સહુને મળવા ઉભી હતી. ઉર્મિલા અગ્રેસર વડીલની જેમ દીકરીઓને પડખે હતાં,જયારે નીતાની આંખોમાંથી વરસતા અશ્રુઓ અટકતાં નહોતાં. જતીન પોતાની ભોળી અને સમર્પિત પત્નીને જોઈ રહ્યો હતો.

જનમેદની વિખેરાઈ. કુટુંબીજન પણ વિખેરાયા. હવે નીતા એકલી પડી. બાની ખુરસી, ખાટલો, હિંચકો, પુસ્તકો, કપડાં વગેરેને જોયા કરતી, ક્યારેક ..” હા બા..! ” કરતી રસોડામાંથી દોડી આવતી અને બા નથી એ યાદ આવતાં ભોંઠી પડતી. પુત્રવધૂએ નીતાને એક જગ્યાએ રસોઈ શીખવવાના કલાસિસમાં મોકલી આપી. નીતાના હાથની રસોઈની વાહ વાહ થઇ. થોડા સમયમાં બહેનો ઘરે આવી શીખવા લાગી.

નીતા ૫૮ વર્ષે માનસિક કેદમાંથી ધીરે ધીરે બહાર આવવા લાગી. જીવનમાં પહેલીવાર એહસાસ થયો કે અહંકારી સાસુની જકડમાં રહીને પોતે શું ગુમાવ્યું છે. બાનું ખાદી પરત્વે ચુસ્ત, એવુ જ વલણ કૈક વહુ પ્રત્યે નહોતું ? સ્ત્રી શિક્ષણ વગેરેની સમર્થક સાસુ એના જ ચીલામાં વહુને એવી તો ગોઠવી ગઈ કે વહુ હવે પોતાની રીતે કેમ જીવવું એ જ ભૂલી ગઈ હતી. ક્યાંક વાંચેલું યાદ આવ્યું..Justice delayed is justice denied… સાથે જ યાદ આવ્યું ગાંધીજીનું કહેણ કે હત્યા માત્ર શારીરિક નથી
હોતી..

તન,મન અને ધનથી હત્યા નિવારવી જરૂરી છે. સ્ત્રીઓનું સામાજિક શોષણ અને મારપીટ બધે છાપે ચડીને આવે છે..પણ ઘરની ચાર દીવાલોમાં ઘૂંટાઈને,ગૂંગળાવીને મારવામાં આવતી મહિલાઓનો કોઈ રેકોર્ડ ખરો ? નીતાના મોંમાંથી એક નિસાસો નીકળી ગયો.વીતેલા વર્ષોનો હિસાબ હવે કરવો અઘરો હતો. નીતિનિયમો અને અનેક અટપટા ઘરના જેલ સમાન કાયદાઓમાં જીવ્યા બાદ સ્વાતંત્ર્ય સેનાનીની વહુ, ભારતની સ્વતંત્રતાના કંઈ કેટલાંય વર્ષો બાદ નરી અને ખરી સ્વતંત્રતાનો સ્વાદ ચાખવા પામી હતી.

લેખક – રૂપલ વસાવડા (બેંગલોર)

ટીપ્પણી