એક સાસુએ જમાઈને લખેલો પત્ર અદભૂત પત્ર !!! “સૂરજના અજવાળે”…મિત્રો ને અચૂક શેર કરજો..

પ્રિય સૂરજ,
તારું નામ સૂરજ નથી અને જમાઈને તુંકારે સંબોધવાનો રિવાજ નથી એ બન્ને વાત જાણું છું.પરંતુ આજે તમામ રૂઢીઓને અળગી કરી થોડી વાતો કરવી છે.આજનો દિવસ તારા માટે ખાસ છે અને મારા માટે પણ. કારણકે આજે તારો જન્મદિવસ છે.વિચારું છું કે આજે તને શું આપું? મારી દીકરી જેવી અમુલ્ય ભેટ મળ્યા પછી હવે તને તમામ ભેટ ફિક્કી જ લાગવાની છે એ હું જાણું છું.છતાં આ પત્ર દ્વારા હું કંઈક આપી શકું તો મારુ લખ્યું સાર્થક થશે.

દીકરા…તું આજસુધી તારા મમ્મી-પાપાનો લડકવાયો દીકરો જ હતો પરંતુ હવેથી તું અમારો જમાઈ પણ છે. તને ખબર છે? જેને દીકરી બહુ વ્હાલી હોય એને માટે જમાઈ એ સવાયો દીકરો હોય છે.મારી દીકરી એટલે ચંદ્રનું સૌમ્ય અજવાળું. એ તારા ઘરને પોતાની લાગણી અને સંસ્કારોથી જાહોજલાલ કરશે.અમારા માટે તું સૂરજ છે. અમે ચાંદો આપીને સૂરજ લીધો છે. તું સૂરજ બનીને અમારા જીવન ઝળહળાવીશ ને? બેટા…લગ્ન એ બે શરીર કે બે પરિવારોનું મિલન જ માત્ર નથી. લગ્ન એ બે વિચારધારાનું પણ મિલન છે.આપણા બન્ને પરિવાર આ ચાંદ-સૂરજના અજવાળે ચમકે એથી રૂડું અમારા માટે શું હોઈ શકે?

આજે મારી દીકરી વિશે થોડી વાતો કરવી છે.મારી લાડલીને તારા હાથમાં સોંપતા પહેલા એની ખામીઓ અને ખૂબીઓ વિશે તને માહિતગાર કરી દઉં તો તમારો પ્રવાસ સરળ થઈ જશે.મારી ઢીંગલી એ મારા ઘરનો પ્રાણ છે અમે એને અલગ રીતે જ ઉછેરી છે.એ પાંચીકા પણ રમી છે અને ક્રિકેટ પણ રમી છે. એને બાર્બી ડોલ એટલી જ ગમે જેટલી મશીનગન. એને પોનીટેઈલ પણ ગમે અને બોયકટ હેર પણ ગમે.એણે મિંયાફૂસકી પણ વાંચ્યા છે અને સ્પાઈડરમેનનાં પરાક્રમો પણ વાંચ્યા છે.એને ક્યારેય સામાન્ય છોકરીઓની જેમ ગુલાબી રંગનું વળગણ નથી રહ્યું.એ જાણે છે કે જીવન માત્ર ગુલાબી-ગુલાબી જ નથી હોતું એમાં કાળા-પીળા-વાદળી રંગોનો સમુહ છે.આનો અર્થ તું સમજે છે ને? અમે એને ક્યારેય પુરુષ સમોવડી બનાવવાના પાઠ નથી ભણાવ્યા કારણકે સ્ત્રી તો સ્ત્રી જ છે એ પોતાનામાં જ સંપુર્ણ છે. એને કોઈના જેવા બનવાની ક્યાં જરુર છે!મારી દીકરીમાં જેટલા લજ્જા-ક્ષમા-પરોપકારનાં ગુણો છે એટલા જ સાહસ-નિડરતા-સામર્થ્યનાં ગુણો છે.એ પોતાના નિર્ણયો લેવામાં આઝાદ છે પરંતુ સ્વછંદી નથી.એ નાનામોટાની આમાન્યા રાખી, એમને માન આપે પરંતુ જોહુકમી સહન ન કરી શકે.

કહેવાય છે કે ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ અને એવું પણ કહેવાય છે કે’દીકરી ને ગાય શીંગડા મારી ખાય’ આ બન્ને અંતિમો વચ્ચેનો મધ્યમ માર્ગ અમે તેને શીખવ્યો છે.તું જાણે છે? કોઈપણ વાદ્યનાં તાર જો ખેંચીને બાંધીએ તો સંગીત ન નિપજે અને જો ઢીલા બાંધીએ તો પણ સંગીત ન નિપજે.જીવન એક સુરીલુ વાદ્ય જ છે એમાં નિયમોની જડતા કે સ્વચ્છંદીપણાની ઢીલાશ ચાલતી નથી.આ વાદ્યના તારને સમ્યક રીતે બાંધીને તમે બન્ને અનોખી હાર્મનીથી રણઝણી ઉઠશો અને સમગ્ર માહોલને સંગીતમય બનાવી શકશો.મારી દીકરીએ આ વાદ્યના તારને સમ્યક રીતે બાંધવાની કળા હસ્તગત કરી છે તું એને સાથ આપીશ ને?

લોકો લગ્નજીવનને વાહનના બે પૈડાની ઉપમા આપતા હોય છે.કહેવાય છે કે એક પૈડુ રથનું અને એક સાયકલનું હોય તો જીવન ખરાબે ચડી જાય છે. જો કે આ જમાનામાં હવે વાહન પોતાના પૈડા જાતે જ પસંદ કરતા હોય છે ત્યારે એ બન્ને સરખા તો હોવાના જ પરંતુ જો કોઈ એક પૈડામાં ઓઈલ બરાબર ઉઝાંયુ નહી હોય તો ચરચરાટ સંભળાશે. તું જાણે છે દીકરા…કે લગ્નજીવનમાં ઉદભવતો ચચરાટ યોગ્ય સમયે દુરસ્ત ન થાય તો એનાં પડઘા બન્ને કુટુંબમઆં અને સમાજમાં સંભળાતા હોય છે!બન્ને પૈડામાં સ્નેહ-સમજણ અને શ્રદ્ધાનું ઓઈલ પૂરતા રહેજો તમારી ગાડી પૂરપાટ દોડશે.

હું જાણું છું કે તારી મમ્માએ તને કેવી સરસ રીતે મોટો કર્યો છે. જેમ એક ઝવેરી કોઈ હીરાને અતિશય નાજુકાઈથી પહેલ પાડીને ચમકદાર બનાવે છે એમ સમજણ અને સંસ્કારના પાસા પાડીને તને ઉછેરવામાં આવ્યો છે.તમારા ઘરમાં પણ દીકરો-દીકરી એક સમાન છે.તારા મમ્માએ તને નાના-મોટા તમામ કામ શીખવ્યા છે.તું બટન પણ ટાંકી શકે છે અને રોટલી પણ શેકી શકે છે. તું છાશ પણ વલોવી શકે છે અને વોશીંગ મશીન પણ ચલાવી શકે છે.તને ઝાપટ ઝુપટ પણ આવડે છે અને કપડાને ગડી વાળતા પણ આવડે છે.આ બધું જ તને શીખવવામાં આવ્યું છે પણ બેટા હું એવી આશા રાખી શકું કે જે સફાઈથી તું ઘર ઝાપટે છે એ જ સફાઈપૂર્વક લગ્નજીવનના અણબનાવોને ઝાપટી કાઢીશ! જે સલૂકાઈથી કપડાની ગડી વાળે છે એજ સફાઈથી જીવનની કરચલીઓને સુલઝાવી શકીશ!તારા ઘરના લોકો દીકરો-દીકરી-વહુ એકસમાન એવું વલણ અપનાવી શકશે ને!

મારી એક બહેનપણી મજાકમાં કહેતી હોય છે કે ‘લગ્ન તો ગાજરની પીપૂડી કહેવાય વાગે ત્યાં સુધી વગાડી લેવાની પછી ચાવી જવાની. દીકરી માટે ઘરનાં દરવાજા ૨૪ કલાક ખુલ્લા જ રાખવાના.’ મારી દીકરી આ બધું સાંભળીને ખૂબ હસે. પણ હું એને સમજાવું કે બેટા…લગ્નને ગાજરની પીપૂડીની જેમ નહીં પણ ફ્રુટસલાડની જેમ માણી શકે એજ સુખી થાય. આપણું જીવન મીઠું મધુર દુધ સમાન છે એમાં ચીકૂ-કેળા જેવા મધુર ફળો પણ હોય, દ્રાક્ષ-દાડમ જેવા ખાટા ફળો પણ હોય,એમાં કેસર-ઈલાયચી પણ હોય અને ખાંડ પણ હોય.પ્રેમની હાંડીમાં જેમ જેમ જીવનનું દુધ ઉકળીને ઘટ્ટ થશે એમ વાનગીમાં સ્વાદ વધશે.અમારા આશીર્વાદ અને શુભેચ્છા એમાં ડ્રાયફ્રુટની જેમ ભળી જશે.તમે બસ..સમજણની કડછી વડે એને હલાવતા રહેજો.

ડીયર, આમ તો જમાઈને શીખામણ આપવાનો સાસુને કોઈ અધિકાર નથી પણ તું મને મમ્મી જ કહે છે તો હું થોડીવાર માટે તારી મમ્મી બની જાઉં? બેટા…ધ્યાનથી સંભળજે.જેમ એક વહુ પાસે એવી અપેક્ષા રખાય છે કે તે દુધમાં સાકરની જેમ કુટુંબમાં ભળી જાય એવી અપેક્ષા હું તારા માટે રાખી શકું? મારી દીકરીની નૈયાનો તું કુવાથંભ છે એ તારા આધારે આ ભગસાગરમાં ઝંપલાવી રહી છે તું એને હાથ ઝાલી રાખીશને?તારા ઘરમાં એ અનેક આશાઓ અને સપનાઓની પોટલી બાંધીને આવશે તું એના યોગ્ય સપનાઓને પૂરા કરવામાં સહાય કરીશને? એ એક સાવ અજાણ્યા ઘરમા, એક નવા જ માહોલમાં, અજાણી વ્યક્તિઓ સાથે જીવન વિતાવવા આવી રહી છે તું તારા કુટુંબ અને મારી દીકરી વચ્ચે મજબૂત કડી બની રહીશ ને? પછી તું જોજે મારી દીકરી પોતાના સ્નેહની સાંકળથી તમને બધાને જોડી રાખશે.મેં એને ક્યારેય પરિવારથી અળગા રહેવાનું નથી શીખવ્યું એટલે હવે તારી ફરજ બને છે કે તું અને તારો પરિવાર એને હળીભળી જવામાં મદદરુપ થાઓ. બેટા..જેમ એક સાસુ પોતાની આવનારી વહુ પર અનેક મદાર રાખીને બેઠી હોય છે એમ અમે પણ એક જમાઈ પાસેથી ઘડપણની ટેકણલાકડી બનવાની અપેક્ષા રાખી શકીએ?

બેટા…તમે બન્ને સંપીને રહો, સંપીને કામ કરો, જોબ કરો, હરો-ફરો, જલ્સા કરો એનાથી વધુ મોટુ અમારું શું સપનું હોઈ શકે? તમે બન્ને અમારા આકાશનું અજવાળુ છો. અમને આશા છે કે તમે એકબીજાના અજવાળાની ઈર્ષ્યા કે હરિફાઈ કર્યા વગર અમને રળિયાત કરશો. સૂરજ અને ચાંદો બન્ને પોતપોતાના સ્થાન પર એકમેવ છે. અમને ઝળહળતો સૂર્ય એટલો જ વ્હાલો છે જેટલો સૌમ્ય ચંદ્રમા.

બસ..હવે બહુ વાતો કરી ચાલ…રજા લઉં. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ આપી ,મારા સૂરજના માથેથી ઓવારણા લઈ એટલું કહીશ કે આમ જ ચમકતો રહેજે.

—તારી સાસુમમ્મી પારુલ ખખ્ખર

ટીપ્પણી