સમરકુલ સ્લશ

માણો મેલન મસ્તી…ઉનાળાના સમયમાં મમ્મી અને મામી માટે ખાસ… બાળકો વરસાવશે પ્રેમનો વરસાદ…તનમન થઈ જશે તાજગીથી તરબતર… હવે ગરમીને કહી દો બાય બાય…

સમરકુલ સ્લશ

વ્યક્તિ:૨

સમય:

પૂર્વતૈયારી માટે: ૧૦ મિનિટ
વાનગી માટે: ૧૫ મિનિટ

સામગ્રી:

લીંબુપાની આઈસ્ક્યુબ માટે:
૧ કપ પાણી
૧નંગ (૨-૨.૫ ટે. સ્પૂ.) લીંબુનો રસ
૧/૨ ટી. સ્પૂ. મીઠું/ સંચળનો પાવડર
૧/૪ કપ ખાંડ

સ્લશ માટે:

૧ કપ તરબૂચ
૧ કપ ટેટી
૧/૨ કપ દ્રાક્ષ
૫-૭ ફુદીનાનાં પાન
૧ ટે. સ્પૂ. તકમરીયાં

રીત:

(૧) લીંબુપાની આઈસક્યુબ બનાવવા માટેની બધી સામગ્રી ભેગી કરીને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવી લો.
(૨) ખાંડ ઓગળે પછી આઈસ ટ્રે માં ભરીને ફ્રીઝરમાં બરફ બને ત્યાં સુધી થીજવી લો.
(૩) બીજ કાઢીને તરબૂચ અને ટેટીનાં અલગ અલગ ટુકડા કરી લો. ટુકડાને ફ્રીઝરમાં ફ્રીઝ થવા મૂકી દો.
(૪) સ્લશ બનાવતાં પહેલાં ૧ કપ પાણીમાં તકમરીયાંને પલાળી દો. ૫-૭ મિનિટમાં જ તે ફુલીને તળિયે બેસી જશે. ઉપરથી ફુલ્યા વગરના દાણાને ચમચી વડે કાઢી લો. વધારાનું પાણી નિતારી લો.
(૫) ૧/૨ કપ ઠંડી દ્રાક્ષ, ૧ લીંબુપાની આઈસક્યુબ અને ૫-૭ ફુદીનાનાં પાનને મિક્સરમાં વાટી લો. તેને અને પલાળેલાં તકમરીયાંને ફ્રીઝમાં મૂકી દો. જો, દ્રાક્ષ ખાટી હોય તો, જરૂર મુજબ ખાંડ ઉમેરો.
(૬) ૧ કપ તરબૂચના ટુકડા સાથે ૪-૫ લીંબુપાની આઈસ્ક્યુબ ભેગા કરીને મિક્સરમાં વાટી લો. તેને કાઢીને ફ્રીઝરમાં મૂકી દો.
(૭) ૧ કપ ટેટીના ટુકડા સાથે ૪-૫ લીંબુપાની આઈસક્યુબ ભેગા કરીને મિક્સરમાં વાટી લો. તેને કાઢીને ફ્રીઝરમાં મૂકી દો.
(૮) એક ગ્લાસમાં ચમચી વડે સૌથી નીચે ટેટીનો સ્લશ ઉમેરો. ચમચી વડે સહેજ દબાવી લો. તેની ઉપર તરબૂચના સ્લશને ઉમેરો. સૌથી ઉપર વાટેલી દ્રાક્ષ અને તકમરીયાં ઉમેરીને ફુદીનાનાં પાનથી સજાવીને પીરસો.

નોંધઃ

★ સ્લશ બનાવીને થોડો સમય ફ્રીઝરમાં રાખી શકાય પરંતુ, ઓગળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. જો બરફ થઈ જાય તો ફરીથી મિક્સરમાં વાટી શકાય. સ્લશ પીરસવાના સમયે જ ગ્લાસમાં ઉમેરવા.
★ તરબૂચના સ્લશમાં રોઝ સીરપ, ટેટીના સ્લશ સાથે ઈલાયચી અને દ્રાક્ષ સાથે ખસ સીરપ ઉમેરવાથી રંગ અને સ્વાદ બંને ખીલી જશે.
★સ્વાદ મુજબ લીંબુપાની આઇસક્યુબ વત્તાઓછા પ્રમાણમાં ઉમેરી શકાય.

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા (આણંદ)

આપ સૌને મારી વાનગી કેવી લાગી અચૂક કહેજો !

ટીપ્પણી