સુખનો પાસવર્ડ – મહાન ગાયક મુકેશના જીવનનો એક અનોખો કિસ્સો, અભિનેતા અનુ કપૂરના માધ્યમથી જાણવા મળ્યો.

એક વાર મુકેશ શિયાળામાં મોડી રાતે તેમની કારમાં ઘર તરફ જઈ રહ્યા હતા. તેમનો ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો. મુકેશ કોઈ વિચારોમાં ખોવાયેલા હતા. અચાનક ડ્રાઈવરે કારને બ્રેક મારી. મુકેશે તેને પૂછ્યું કે કાર કેમ ઊભી રાખી દીધી?

ડ્રાઈવરે કહ્યું કે રસ્તા વચ્ચે કશુંક પડ્યું છે. મુકેશ નીચે ઊતર્યા. તેમણે કારની આગળ જઈને જોયું તો એક અર્ધનગ્ન ભિખારીની લાશ પડી હતી. કદાચ ઠંડીને કારણે તે ભિખારી મરી ગયો

હતો. મુકેશનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે તે ભિખારીની અંતિમવિધિ કરાવી.

એ દિવસ પછી મુકેશ ઠંડીની સિઝનમાં તેમની કારની ડેકીમાં થોડા ધાબળા રાખી મૂકતા અને રાતે તેઓ કોઈને ફૂટપાથ પર ખુલ્લા સૂતેલા જુએ તો ધાબળો ઓઢાડી આવતા. પછી તો તેઓ તેમની કારમાં સૂકો નાસ્તો પણ રાખવા માંડ્યાં, કોઈ ભિખારીને કે ગરીબ માણસ નજરે ચડે તો તેમને ખવડાવી શકાય એ હેતુથી.

એક વાર મુકેશ ગીતકાર શૈલેન્દ્રની સાથે કારમાં જઈ રહ્યા હતા. એ વખતે તેમણે ફૂટપાથ પર ખુલ્લા સૂતેલા કોઈ માણસને જોઈને કાર ઊભી રખાવી. શૈલેન્દ્રને નવાઈ લાગી. પણ પછી તેમને વધુ નવાઈ લાગી જ્યારે મુકેશે કારની ડેકી ખોલીને એમાંથી ધાબળો કાઢ્યો અને ખુલ્લા સૂતેલા માણસને ઓઢાડ્યો. તેમણે મુકેશને કહ્યું કે તમે બહું સારું કામ કરો છો. પણ આવું કરવાની પ્રેરણા તમને કઈ રીતે મળી? ત્યારે મુકેશે તેમને પેલા ભિખારીની રસ્તા પર પડેલી લાશનો કિસ્સો કહ્યો.

મુકેશનું એ પરોપકારી કાર્ય જોઈને શૈલેન્દ્ર પ્રભાવિત થયા અને તેમણે ગીત રચ્યું:
કિસી કી મુશ્કુરાહટોં પે હો નિસાર,
કિસી કા દર્દ મિલ શકે તો લે ઉધાર,
જિના ઈસીકા નામ હૈ…

લેખક – આશુ પટેલ

ટીપ્પણી