સુગર હાટૅ – એકવાર અચૂક વાંચજો આ વાત !!!

કેફે ના કોઈ ટેબલ પર બેઠા-બેઠા રાજ બુક વાંચી રહ્યો હતો અને તેની મંગેતર મીરા કોફી પી રહી હતી. અચાનક મીરા ને ના જાણે શું થયું કે તેને રાજ ની સામે જોયું, કોફી નો કપ નીચે મુક્યો અને કહ્યું, “રાજ. શું તારી ક્યારેય પણ કોઈ ગર્લફ્રેન્ડ હતી?”

અચાનક જ આ સાંભળી ને પહેલા તો રાજ અચરજ પામ્યો. તેને આંગળી મૂકી બુક બંધ કરી અને સ્મિત સાથે મીરા ની આંખમા જોઈ ને કહ્યું, “આમ જોઈએ તો એક હતી, પણ ના તેવું તો કઈ નહોતું.”

બસ આટલું કહી ને રાજ પોતાની બુક ખોલીને પાછુ તેને વાંચવા લાગ્યો. મીરાં ને આ સાંભળી ને થોડી ઈર્ષા થઇ હોય એમ એને રાજ ને વળતો જવાબ આપતા પૂછ્યું, “આમ જોઈએ તો એક હતી, એટલે? સાચું કહે, એ શું હતું?.”

રાજે બુક બંધ કરી અને કહ્યું, “તારે ખરેખર જાણવું…”

હજુ તો રાજ એનું વાક્ય પૂરું કરે તેના પહેલા મીરા એ કહ્યું, “હા…હા…જાણવું છે.”

“તો સાંભળ,” આમ કહી ને રાજે તેની વાત સારું કરી અને કહ્યું, “કોલેજ ના દિવસો ની વાત છે. હું પહેલા આટલો હેન્ડસમ અને બોડી-બિલ્ડર નતો. એ વખતે મારો દેખાવ સાવ સામાન્ય હતો અને હું બહુ શરમાળ હતો. મારા બહુ ઓછા મિત્રો હતા. પણ લગભગ મોટા ભાગ ના બધા જ મિત્રો ની ગર્લફ્રેન્ડ હતી અને હું એકલો હતો. આ વાત મને થોડી ખૂંચતી હતી. એક દિવસે મેં, મારી આ બધી ભાવનાઓ મારા ઝીંદગી ની સૌથી મોટી ભૂલ ને કહી. જેનું નામ હતું કૃણાલ.”

અને મીરા ના ચહેરા ઉપર નામ સંભાળતા જ સ્મિત આવ્યું અને તેને કહ્યું, “ઓહ! કૃણાલ!”

રાજે આ સાંભળી તેના શબ્દો ઉમેર્યા, “હા. કૃણાલ, જેને મને ફેસબુક પર સારો ફોટો મૂકીને ત્યાંથી છોકરીઓ સાથે વાત કરવાનો સુજાવ આપ્યો. તેનો આ સુજાવ મને યોગ્ય લાગ્યો એટલે મેં ફેસબુક પર સારો ફોટો મુક્યો, અંગ્રેજીમાં ભારે-ભારે વાક્યો લખ્યા અને ઘણી બધી છોકરીઓને મારી પ્રોફાઈલમાં ઉમેરી. બસ ત્યારે જ મારી તેની સાથે પ્રથમ વાર ઓનાલાઇન મૂલાકાત થઇ. તેનું નામ હતું – “શિવાંગી”.

મને આજે પણ તે ચહેરો સારી રીતે યાદ છે. હુમારી મુલાકાત “Hi” થી શરુ થઇ અને જાણે તેનો કોઈ અંત જ ના હોય એવી કોઈ મુલાકાત હતી એ. હંમે કલાકો સુધી વાત કરતા હતા. વાતો ખૂટતી જ નહોતી. સમય સાથે હંમે બંને એક-બીજાને ભલે મળ્યા નહોતા, પણ પસંદ જરૂર થી કરવા લાગ્યા હતા. હંમે એક-બીજા ને “સુગર હાટૅ” કહી ને સંબોધતા હતા. એવું જ લાગતું હતું કે હંમે બંને એક બીજા માટે બનેલા છીએ અને બસ એક દિવસે એક-બીજા સાથે લગ્ન કરીશું…”

આ સંભાળતા સાથે જ મીરા ગુસ્સા સાથે બોલી, “શું? લગ્ન? આટલું બધું? તો હું ક્યાંથી આવી? આ બધું શું છે? અને…”

“ઓ મારી વહાલી! ઇર્ષ્યા કર્યા વગર પૂરી વાત સાંભળીશ?” રાજે તેને અચ્કાવતા મુખ પર સ્મિત સાથે પૂછ્યું.

મોઢું ગુસ્સા થી લાલ થઇ ગયું હતું, છતાંય, ધીરજ રાખી ને મીરા એ કહ્યું, “સારું પૂરી કરો તમારી વાત.”

રાજે તેની વાત આગળ વધારતા કહું, “હા. મને શિવાંગી પસંદ હતી. હું શિવાંગી સાથે મારી ઝીંદગી ના યશ-ચોપરા ના ચલચિત્રો જેવાજ પ્રેમ ના દિવસો જીવી રહ્યો હતો. બસ તે જ વખતે મને વિચાર આવ્યો કે મારે કૃણાલનો આભાર માનવો જોઈએ. બસ આ જ વિચાર લઇ ને હું કૃણાલના રૂમ માં ગયો. તેના રૂમ નો દરવાજો ખુલ્લો હતો એટલે હું અંદર ગયો. તે નહાવા માટે અંદર ગયો હતો એટલે હું ખુરશી પર બેઠો.

અચાનક જ મારું ધ્યાન, ટેબલ પર પડેલા લેપટોપ તરફ ગયું. મેં નજીક જઈને જોયું તો શિવાંગી ની પ્રોફાઈલ ખુલ્લી હતી. પલભર માટે હું અચરજ પામ્યો. પરંતુ મારા અને શિવાંગી સાથે થયેલી બધીજ વાત એ લેપટોપ માં હતી. ત્યારે જ મને ખબર પડી ગઈ કે આ શિવાંગી બીજું કોઈ નહીં પરંતુ કૃણાલ જ છે. પલભર માંજ શિવાંગી સાથે ના જોયેલા મારા બધા જ સપનાઓ તૂટી ગયા. કાનમાં અચાનક જ — દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા, ગીત વાગવા લાગ્યું.”

આ સંભાળતા જ મીરા ની હસી નો પાર ના રહ્યો. તે ખડખડાટ હસવા લાગી અને પોતાની ખુશી કઈક આવી રીતે જાહેર કરી – “વાહ રે કૃણાલ! તારી વાત જ ના થાય. કૃણાલ હંમેશા થી આવો જ પ્રફુલિત અને મજાકિયો છે. બિચારા મારા મંગેતર ચ ચ ચ ચ. જરા કહેશો કે આગળ શું થયું?”

“બીજું તો શું થાય? એ બાથરૂમ માં નાહતો હતો અને મારી અંદર ના સારા માણસે નહીં નાખ્યું. મારી અંદર નો શેતાન જાગ્યો અને મેં બાથરૂમ નું બારણું બહાર થી બંધ કરી દીધું. મને આજે પણ યાદ છે, તે બારણું મેં ૧૦ કલાકે ખોલ્યું હતું.

કૃણાલે મને ૧૦૦૦ વાર “સોરી” કહી ને માફી માંગી. આ સિવાય તો તેને ઘણા બધા ભાઈ-બાપ કર્યા અને ના જાણે કેટલા સોગનો આપ્યા. અને આપે જ ને કારણ કે શિયાળા નો સમય હતો અને મેં તેનો ટુવાલ તથા કપડા પણ બાથરૂમ ના દરવાજા પરથી લઇ લીધા હતા. ઠંડી માં ઠરાવી દીધો એને તો મેં. બસ એ જ દિવસ હતો જયારે હુમારી મિત્રો થી પાકા-મિત્રો બની ગયા,” રાજે તેની વાત એક ખુબ જ સરસ વાક્ય સાથે કરી.

“દરેક મિત્રતા કોઈના-કોઈ યાદગાર ઘટના થીજ બને છે. એ ઘટના મારા અને કૃણાલ ના ઝીંદગી ની યાદગાર ઘટના હતી”.

મીરાંએ હળવા ભાવે પૂછ્યું, “અચ્છા! તો શું તે આ પ્રમાણે બદલો લીધો.”

“જ્યાં મિત્રતા હોય ત્યાં બદલો ક્યારેય ના હોય.” આ ખુબસુરત વાક્ય કહી ને રાજે જણાવ્યું, “છતાય મેં તો એની પાસે થી બદલો લીધો. બહુજ પ્રેમાળ રીતે લીધો.”

મીરા એ પૂછ્યું – “કેવી રીતે?”

રાજે મીરાનો હાથ તેના હાથ માં લીધો, મીરાની આંખ માં જોયું અને કહ્યું, “મેં તેની બહેન સાથે સગાઇ કરી લીધી અને બહુજ જલ્દી હું એની સાથે લગ્ન કરવાનો છું. તેની બહેન નું નામ મીરા છે.”

તડકો નહોતો છતાય, મીરાના ગાલ આ વાત સાંભળી ને લાલ-લાલ થઇ ગયા. તેની ભાવનાઓ જાણવા માટે શબ્દો ના રહ્યા. બંને એક બીજા ની આંખો માં ક્ષણ માટે ખોવાઈ ગયા અને ત્યારે જ મીરાનો મોબાઈલ રણક્યો.

મીરાએ તેના ગુલાબી પસૅ માંથી મોબાઈલ ફોન કાઢ્યો. મોબાઈલના સ્ક્રીન પર નામ વાંચી તેને તરત જ રાજ સામે જોયું. રાજે તેનું આ વર્તન જોઈને તેને પૂછ્યું કે કોનો ફોન છે?

મીરાંએ ફરી એક વાર હસી અને કહ્યું – “તમારી સુગર હાટૅ નો.”

અને રાજ હસી પડ્યો. મીરા એ ફોન ઉપાડ્યો અને તરત જ કહ્યું – “હા સુગર હાટૅ. અરેરે! મેં કહ્યું હા કૃણાલ ભાઈ.”

આટલું કહેતા જ મીરા જીભ બહાર કાઢી ને હસવા લાગી અને રાજ તેના કપાળ પર હાથ મુકીને હસવા લાગ્યો.

લેખક : ધવલ બારોટ

ટીપ્પણી