જયારે ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરમેન સુધા મૂર્તિને ‘ ઢોરઢાંખર’ના વર્ગના ગણવામાં આવ્યા ત્યારે. .

પ્રસ્તુત છે એક નાનકડી વાત જેને સુધા મૂર્તિ દ્વારા રચિત’ થ્રી થાઉઝન્ડ સ્ટીચીસ : ઓર્ડિનરી પીપલ, એક્સટ્રા ઓર્ડિનરી લાઇવ્સ ‘માંથી લેવામાં આવી છે.

‘ગયા વર્ષે હું લંડનના હિથ્રો વિમાનમથક પર મારી નિયત ફ્લાઈટમાં બેસવાની તૈયારીમાં હતી. સામાન્ય રીતે જયારે હું બીજા દેશમાં હોઉં ત્યારે પણ સાડી જ પહેરવાનું પસંદ કરું છું, પણ મુસાફરી કરતી વખત હું સલવાર-કુર્તા પહેરું છું. એટલે હું એક વયોવૃદ્ધ ભારતીય નાગરિક, પોતાના આગવા ભારતીય પોશાકમાં ટર્મિનલ ગેટ પાસે હતી.

કેમકે હજુ બોર્ડિંગ શરુ નહોતું થયું, હું બેસીને આસપાસ નજર ફેરવવા લાગી. કેમકે આ ફ્લાઇટ બેંગલુરુ જનાર હતી, મેં નોંધ્યું કે મારી આજુબાજુના લોકો કન્નડ ભાષા બોલી રહયાં હતા. મેં એવા કેટલાય મારી ઉંમરના વૃદ્ધ પરિણીત યુગલોને જોયાં કે જે યુ.કે અથવા યુ.એસ.એ થી પરત ફરી રહ્યા હોય. તેઓ કદાચ પોતાના બાળકોને ત્યાં બાળક જન્મવાથી કે તેમના ઘર વસાવવાના કામમાંથી પરવારી આવી રહ્યાં હતાં. મેં જોયું કે કેટલાક બ્રિટિશ એકઝેકયુટિવ્ઝ એકબીજા સાથે ભારત દેશની પ્રગતિ વિશે વાત કરી રહ્યા હતા.નવયુવાનો પોતાના યાંત્રિક ઉપકરણોમાં વ્યસ્ત હતા અને નાનાં બાળકો રડી રહ્યાં હતાં અથવાતો ગેટ પાસે દોડાદોડી કરી રહયાં હતાં.

થોડીવાર પછી પ્લેનમાં બેસવા માટે બોર્ડિંગની જાહેરાત થઇ અને હું કતારમાં ઊભી રહી.મારી આગળ જે સ્ત્રી હતી તે ભારતીય અને પાશ્ચાત્ય પરિધાનનું સંમિશ્રણ કરેલા પરિધાનમાં સજ્જ હતી, તેના હાથમાં ગુચીની હેન્ડબેગ હતી અને તેણે ઊંચી એડીના ચપ્પલ પહેરેલાં હતાં. તેના વાળ એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલા હતા. તેની સાથે તેની એક મિત્ર પણ હતી જેણે મોંઘી સિલ્કની સાડી પહેરેલી. સાથે મોતીની માળા, કાનમાં બંધબેસતા યરીન્ગ અને નાજુક એવી હીરાજડિત બંગડીઓ પહેરેલી. મેં પાસે આવેલા એક મશીનમાંથી થોડું પાણી લેવા કતારમાંથી નીકળવા વિચાર્યું.

અચાનક, મારી આગળ ઊભેલી સ્ત્રીએ ફરી અને મારા તરફ દયા ઉપજાવનારી નજરે જોયું. તેણે પોતાનો હાથ લંબાવીને કહ્યું, “શું હું તમારો બોર્ડિંગ પાસ જોઈ શકું ? ” હું લગભગ તેને મારો પાસ આપવાની તૈયારીમાં જ હતી, પણ કેમકે તે સ્ત્રી કોઈ એરલાઈનની કર્મચારી તો નહોતી લાગતી, એટલે મેં પૂછયું ,” કેમ ?”

” એમાં એવું છે ને કે આ કતાર બિઝનેસ કલાસના મુસાફરો માટેની જ છે. ” તેણે પૂરા આત્મવિશ્વાસ સાથે આંગળી ચીંધીને કહ્યું કે ” ત્યાં ઈકોનોમી કલાસની કતાર છે..તમારે ત્યાં જઈને ઊભાં રહેવું જોઈએ..”

હું તેને કહેવાની જ હતી કે મારી પાસે બિઝનેસ કલાસની ટિકિટ છે પણ મેં મારો વિચાર બદલ્યો અને ત્યાંજ અટકાવી દીધો. મારે એ જાણવું હતું કે પેલી સ્ત્રી મને બિઝનેસ કલાસને લાયક ગણે છે કે કેમ. એટલે મેં પુનરાવર્તન કર્યું..” મારે શા માટે ત્યાં જવું જોઈએ ?”

તેણે એક નિશ્વાસ નાંખતા કહ્યું, ” હું તમને સમજાવું. ઈકોનોમી અને બિઝનેસ કલાસિસની ટિકિટોના દરમાં ખૂબ તફાવત હોય છે. જો તમે બિઝનેસ ક્લાસ લેવા જાઓ તો લગભગ અઢી ગણો વધુ ભાવ….ત્રણ ગણો વધુ ભાવ થાય ,” તેની મિત્રએ વચ્ચે પડીને કહ્યું..” હા એકદમ બરાબર.” …” અને એટલે જ બિઝનેસ ક્લાસથી મુસાફરી કરતાં અમુક સવલતો મળતી હોય છે.”

” એમ ..સાચે જ ?” મેં પણ ઢોંગ કર્યો અને કઈ ન જાણતા હોવાનો ડોળ કર્યો.

” તમે કઈ જાતની સવલતોની વાત કરો છો ?”

હવે તે થોડી ઉશ્કેરાઈ,” અમને બે બેગ લઇ જવાની છૂટ છે પણ તમને એક જ. અમારે ઓછી ભીડવાળી કતારમાં ઊભા રહેવાનું થાય છે. અમને વધુ સારી બેસવાની અને જમવાની સગવડો મળે છે. અમે અમારી સીટને લંબાવીને આરામથી તેના પર સુઈ શકીએ છીએ.અમને હંમેશ એક ટીવી સ્ક્રીન અપાય છે અને અમને ઓછા મુસાફરો વચ્ચે ચાર ટોયલેટ પણ મળે છે.”

તેની સહેલીએ ઉમેર્યું, ” અમને બેગ આપતી વખતે પણ પ્રાધાન્ય અપાય છે. જેથી અમને અમારી મુસાફરી પછી સામાન સૌથી પહેલાં મળી જાય છે..અને અમને અવારનવાર હવાઈ મુસાફરી કરનાર તરીકેની ગણના થતાં, ફાયદા મળે છે.”

” હવે જો તમને આ તફાવત સમજાઈ ગયો હોય તો તમે તમારી કતારમાં જઇ શકો છો ” પેલી સ્ત્રીએ આગ્રહ પકડી રાખ્યો.

“પણ મારે ત્યાં નથી જવું.” મેં પણ કહ્યું.

પેલી સ્ત્રી પોતાની મિત્ર તરફ વળી અને કહ્યું, ” આ ઢોર જેવાં લોકો સાથે વિવાદ કરવો જ નકામો છે. આવવા દો સ્ટાફના માણસોને..એ કહેશે ક્યાં જવાનું છે. તે આપણી વાત નથી સાંભળવાની. ”

હું ગુસ્સે ન થઇ. આ ‘ઢોર’ શબ્દે મને ભૂતકાળની બીજી એક વિસ્મૃતિ તાજી કરાવી. એકવાર હું મારા વતન બેંગલુરુમાં, એક બહુ જ શાનદાર પાર્ટીમાં ગઈ હતી. ત્યાં પુષ્કળ પ્રમાણમાં શહેરની જાણીતી હસ્તીઓ અને મોભીઓ હાજર હતાં. હું ત્યાં કેટલાક મહેમાનો સાથે કન્નડમાં વાત કરી રહી હતી, ત્યાં એક માણસ આવ્યો અને તેણે મને એકદમ ધીમા અવાજે શુદ્ધ અંગ્રેજીમાં કહ્યું,” હું મારી ઓળખાણ આપું ? હું…”

મને ચોખ્ખું લાગ્યું કે તે માણસે કદાચ મારા માટે એમ ધારી લીધું હતું કે મને અંગ્રેજી સમજવામાં મુશ્કેલી પડશે.

મેં હસીને કહ્યું, ” તમે મારી સાથે અંગ્રેજીમાં વાત કરી શકો.”

“ઓહ..” તેણે કહ્યું, ” મને માફ કરજો. મને લાગ્યું કદાચ તમને અંગ્રેજી નહીં માફક આવતું હોય કેમકે તમે કન્નડમાં વાત કરી રહયાં હતાં.”

” પોતાની ભાષામાં બોલવામાં શરમ રાખવા જેવું કઈ નથી. બલ્કે એ તો મારો અધિકાર..મારો હક છે. હું અંગ્રેજીમાં ત્યારે જ વાત કરું છું જ્યારે સામેની વ્યક્તિ કન્નડ ન સમજી શક્તિ હોય.”

હવાઈ અડ્ડા પર મારી આગળની કતાર આગળ વધવા લાગી અને હું ફરી વર્તમાનમાં આવી. મારી આગળ રહેલી બંને સ્ત્રીઓ ગુસપુસ કરી રહી હતી, ” હવે તેને બીજી કતારમાં મોકલાશે. કેટલીવાર થઇ. આપણે તો એને સમજાવવા કોશિશ કરી પણ તે સાંભળવા જ તૈયાર નથી.”

જયારે મારો વારો આવ્યો ત્યારે મેં બોર્ડિંગ પાસ બતાવ્યો, મેં જોયું કે એ બંને થોડી આગળ જઇ શું થાય છે તે જોવા ઊભેલી હતી. મારો બોર્ડિંગ પાસ ચેક કરનારે મને પ્રસન્નતાથી કહ્યું,” આવો..! આપણે ગત અઠવાડિયે પણ મળેલા, નહીં ?

“હા” મેં જવાબ આપ્યો. અટેન્ડન્ટ પણ હસી અને બીજા મુસાફર તરફ વળી.

મેં પેલી બંને સ્ત્રીઓથી થોડા ડગલાં આગળ ભર્યાં અને જે કઈ બન્યું તે જતું કર્યું , પણ પછી મેં મારો વિચાર બદલ્યો અને હું પાછી ફરી.

” મને કહેશો કે શું જોઈને તમને હું બિઝનેસ કલાસને લાયક ન લાગી ? કદાચ હું ન પણ હોઉં, તો શું એનો અર્થ એવો કે મારે ક્યાં જવું તે તમારે કહેવું પડે ? મેં તમારી મદદ માંગી’તી ?

તે બંને સ્ત્રીઓ મૂક અવસ્થામાં મારી તરફ તાકવા લાગી.

” તમે એક શબ્દ વાપર્યો..”ઢોર જેવી”. કોઈ ઊંચી શૃંખલાના માણસ બનવા માટે કઈ પૈસાના ઢેર હોવા જરૂરી નથી.” મેં આગળ કહ્યું, ” આ દુનિયામાં ધન કમાવવાના ઘણા ખોટા રસ્તાઓ છે. તમારી પાસે સગવડો અને એશોઆરામ ખરીદવા ખૂબ પૈસા હોઈ શકે છે..પણ તે તમે ક્યા વર્ગના માણસ છો તે નથી દર્શાવતું..ખાલી વસ્તુઓ ખરીદવાથી કોઈ ઉચ્ચવર્ગનું નથી બની જતું. મધર ટેરેસા એક ઊંચી કક્ષાની સ્ત્રી હતી. ભારતીય મૂળના મંજુલ ભાર્ગવ એક મહાન ગણિતજ્ઞ છે. ધનથી જ વર્ગ નક્કી કરવાનો રિવાજ હવે જૂનો થઇ ગયો છે.

જવાબની પ્રતીક્ષા કર્યા વગર હું ત્યાંથી ચાલી નીકળી.

સંકલન – અનુવાદ : રૂપલ વસાવડા

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી