પ્રખ્યાત ગઝલકાર કવિશ્રી ‘મરીઝ’ સાહેબ પર એક લેખ વાંચો વિનોદ ભટ્ટની કલમે , વાંચો અને શેર કરો

કહે છે કે મિર્ઝા ગાલિબે આશરે અઢાર હજાર શેર રચ્યા હતા. જે બધા તો વાંચકોના પલ્લે પડે એવા નહોતા.એટલે પોતાના સસરા ઇલાહીબક્ષના આગ્રહને કારણે ગાલિબે ફક્ત હજારથી બારસો શેર સરળ ઉર્દુમાં ફરી લખ્યા એ જ પાછળથી ‘ક્લિક’ થયા. મોટાભાગના જમાઈઓ તેમના સ્વશુરને ગાંઠતા નથી, એમનું કહેવું લગભગ માનતા નથી, એથી અવળું જ કર્યા કરે છે, પણ ગાલિબે માન્યું ને પરિણામે આ જ શેરોએ એમને કીર્તિ અપાવી .
આ કીસ્સામાંથી બોધ એટલો તો તારવી શકાય કે સસરાની (એની દીકરીને સુખી કરવા સિવાયની) સલાહ કાયમ ખોટી નથી હોતી.
અને એક દિવસ મરીઝને પૂછ્યા વગર જ તેમના સમકાલીન કવિ સૈફ પાલનપુરીએ તેમને ગુજરાતના ગાલીબ-‘ગાલિબે ગુજરાત’ કહી દીધા. આપણી આ જ ખૂબી છે, સહેજ-સાજ ઉપરછલ્લું મળતાપણું દેખાય કે તરત જ એકને બીજામાં ઢાળી દઈએ છીએ, પહેલા સાથે સરખાવીને બીજાની આગવી ઓળખ ભૂંસી નાખીએ છીએ. આ કારણે બીજો ઢળી જાય છે,વેરાઈ જાય છે. મરીઝસાહેબના કિસ્સામાં પણ બરાબર એવું જ થયું.ગાલીબ બનવાની લાયમાં મરીઝ તન,મન અને ધનથી ખુવાર થઇ ગયા.
મરીઝે માનો કે પીવામાં ગાલીબની બરાબરી કરી હોય તોપણ ફક્ત એટલા જ કારણસર તે મરીઝ મટી ગાલીબ બની જતા નથી.(અને આપણે ય બે-બે ગાલીબોની ક્યાં જરૂર છે?) આમ થવાથી ગાલીબને તો કઈ ફેર ના પડ્યો ,પણ આથી મરીઝને પારાવાર નુકશાન થયું. તે પોતે ગુજરાતના ગાલીબ છે એ વાત જાગતા કે ઊંઘતા ભૂલી શકતા નહિ. એક મુશાયરામાં મરીઝ રાબેતા મુજબ અસલ ‘રંગ’માં હતા.મોઢામાંથી અવાજ પણ માંડ નીકળી શકે એટલા તે અંદરથી ભરેલા હતા. કવિ શેખાદમ આબુવાલાએ મરીઝને સમજાવતા કહ્યું : ‘દોસ્ત, શરાબ કમ કરી નાખ. જોને તારી આંખોની રોશની ય ઓછી થવા માંડી છે.’ પોતાના બચાવમાં મરીઝ લથડતા અવાજે બોલ્યા :’તને ખબર છે ,આદમ? હું ગુજરાતનો ગાલીબ છું.બધા મને ગાલીબ કહે છે, એટલે ગાલીબ જેટલી તો પિઉં કે નહિ?’
 આદમે તેમને ગંભીરતાથી જણાવ્યું કે :’બહુ પીધા કરીશ તો આંધળો થઇ જઈશ પછી તને બધા ગુજરાતનો મિલ્ટન કહેશે.
મરીઝ માટે એક વાર ફંડફાળો કરવામાં આવ્યો હતો. તેમના માટે એકઠો થયેલો ફાળો લઈને એક જણ નાસી ગયો. કોઈએ મરીઝને આ સમાચાર આપ્યા ત્યારે તેમણે આશ્વર્યથી પૂછ્યું હતું: ‘એમ? તો મારું પીવાનું એ ખાઈ ગયો? કોઈ બાત નહિ એને મારા કરતા પૈસાની વધારે જરૂર હશે.’
  વિનોદ ભટ્ટ લિખિત ‘તમે યાદ આવ્યાં’ માંથી….
  કાર્ટુન   :- કાનજીભાઈ મકવાણા
  આભારી :- કાનજીભાઈ મકવાણા
  પોસ્ટ : વસીમ લાંડા
હેલ્થને લગતી, ગ્લેમર, બ્યુટી, ન્યુઝ, જોક્સ, વાર્તાઓ તેમજ અન્ય ઉપયોગી માહિતી બીજી ઘણી બધી તમે અમારા “જલ્સા કરોને જૈંતિલાલ” પરથી મેળવી શકો છો, તો રાહ  કોની જોવો છો ? આજે ફેસબુક પરથી અમારું પેજ લાઇક કરો !  જો ગમે તો તમારા મિત્રોને પણ આ માહિતી તમે લીંક શેર કરી બિન્દાસ પહોચાડી શકો છો, તો રાહ કોની જોવાની છે મિત્રો! 

ટીપ્પણી