રણમાં ખીલ્યું ગુલાબ – રસપ્રદ પ્રેમકહાની વાંચો ડો. શરદ ઠાકરની કલમે..

રણમાં ખીલ્યું ગુલાબ

ખાલી હો તો પાછી તારી ઓઢણી લઇ લે સજનવા,
હાથ સાથે હો તો કિંમત સો ગણી લઇ લે સજનવા

આસમાનમાંથી અનરાધાર વરસાદ ચાલુ હતો. પર્જન્ય હાંફી રહ્યો હતો . કેડી કાચી હતી, ઢોળાવ લીધો હતો અને બંને હાથોમાં એક બે બેહોશ યુવતીનો ભાર હતો. એ થોડી એ ક્ષણો માટે થાક ખાવા માટે ઊભો રહ્યો. સાંજના ધૂંધળા વરસાદી ઉજાસમાં ફરી એકવાર એણે એ ‘સૂતેલા’ સૌંદર્યને જોઇ લીધું. એ રેશ્મી ભીના ખુલ્લા કેશ, એ જળબિંદુઓથી મઢાયેલો ખૂબસૂરત ચહેરો, અધખુલ્લા બે હોઠ, બંધ પોપચાં હેઠળ ઢંકાયેલા પાંચીકા જેવી બે આંખો! પર્જન્યના બદનમાં આગ ફરી વળી. આ ભીની સમૃદ્ધિને ચૂમી ન બેસાય એ માટે એણે મન ઉપર જબરદસ્ત સંયમ જાળવવો પડ્યો. પર્જન્યે પાછળની દિશામાં નજર ફેકી. પંદર ફીટ નીચે લકઝરી બસ આડી પડેલી હતી. એની બહાર, બાજુમાં ત્રીસેક ઉતારુઓ ઊભા હતા. પર્જન્યને અટકી ગયેલો જોઇને ટોળામાં ઊભેલા કન્ડક્ટરે બૂમ પાડી, ‘તમે અમારી ચિંતા ન કરો. અમે તો ખાલી થોડા- ઝાઝા ટીચાયા છીએ એટલું જ પણ એને જલદી દવાખાના ભેગી કરો, નહીંતર એ…..’

પછીના શબ્દો કાં તો એ બોલ્યો નહીં, કાં તો પછી ભયંકર ગગનભેદી વીજગર્જનાને કારણે પર્જન્યને એ સંભળાયા નહીં પણ જેટલું સંભળાયું એય હલબલાવી મૂકવા માટે પર્યાપ્ત હતું. ‘આ ધરતી પરનું શ્રેષ્ઠ સૌંદર્ય જો જીવતું ન રહે તો પછી આ જગત આખાએ જીવીને શું કરવાનું?’ આટલું બબડીને પર્જન્યે એક હળવો આંચકો માર્યો. ફેફસાંના એન્જિનમાં હવાનું ઇંધણ ભર્યું અને ઉપર સુધી પહોંચવા માટે બાકીનું અંતર કાપવું શરૂ કર્યું. યુવતીનું વક્ષસ્થળ એના દેહ સાથે અથડાઇ રહ્યું હતું. પર્જન્યે હનુમાન ચાલીસાના જાપ ચાલુ કર્યા. અંગત શબ્દકોશમાંથી ઇચ્છા, કામના તોફાન, છેડછાડ અને આલિંગન જેવા શબ્દો તાત્કાલિક અસરથી રદ કર્યા. ગીતાના અનાસક્તિ-યોગનું સ્મરણ કર્યું અને જેમ-તેમ કરીને રસ્તો પૂરો કરી નાખ્યો. હવે એ રસ્તા ઉપર આવી પહોંચ્યો હતો.

સામે જ એની કાર પડી હતી. એણે ડાબા હાથમાં રૂપની તિજોરી પકડી રાખી અને જમણા હાથે પાછલી સીટનો દરવાડો ઉઘાડ્યો. યુવતીને ગાદી ઉપર સુવડાવી કશુંક ખખડવાનો અવાજ આવ્યો. યુવતીનું પર્સ હતું જે એના ખભા ઉપર લટકેલું રહી ગયું હશે. પર્જન્યે પર્સ ઉપાડીને સૂતેલા સૌંદર્યના પડખામાં મૂક્યું પછી ગાડી હંકારી મૂકી. વરસાદનું જોર સહેજ ધીમું પડ્યું હતું તેમ છતાં પર્જન્ય સાવધાનીપૂર્વક ધીમે-ધીમે ગાડી હંકારી રહ્યો. થોડી વાર પહેલા જ એની નજર સામે બની ગયેલા અકસ્માતને જોઇને એ થોડો વધુ સાવચેત થઇ ગયો હતો. બસ દસ ડગલા આગળ હતી અને પર્જન્યની ગાડી પાછળ હતી. આભમાંથી ખાબકી રહેલા વરસાદે જળદીવાલ રચી દીધી હતી. એમાં બસનો ડ્રાઇવર થાપ ખાઇ ગયો ને રસ્તાની ધાર ઉપર આવેલી કાચી માટી પરથી બસનાં પૈડાં સરકી ગયાં.

એટલું વળી સારું હતું કે ત્રીસેક ફીટ જેટલા અંતરે મોટો ખાડો હતો, જેણે પડતી બસને ઝીલી લીધી, બાકી શું થયું હોત એ કલ્પનાનો, કરુણાનો અને કમકમાટીનો વિષય હતો.
અડધા કલાક પછી પર્જન્ય શહેરની સરકારી હોસ્પિટલમાં હતો અને સરકારી ડોક્ટર સરકારી ઢબે એની સાથે વાત કરી રહ્યા: ‘પેશન્ટનું નામ શું છે? તમારી એ શું થાય છે? એનું સરનામું? પોલીસને જાણ કરી છે?’ પર્જન્ય પાસે આમાંથી એક પણ પ્રશ્નનો ઉત્તર ન હતો. એણે યુવતીનું પર્સ ફંફોસ્યું. એક રૂપકડો સેલફોન જડ્યો. એણે ફોનબુક ઉઘાડીને જે પહેલો નંબર દેખાયો એના પર ‘કોલ’ કર્યો. સામેથી કોઇ પ્રૌઢ પુરુષ સ્વર સંભળાયો, હેલ્લો! બેટી, કેમ છો?’
‘અંકલ, સોરી! તમે કદાચ તમારા મોબાઇલ સ્ક્રીન ઉપર ચમકેલા નંબરને ઉદ્દેશીને વાત કરી રહ્યા છો, પણ હું તમારી ‘બેટી’ નથી, પણ….. આઇ મીન, આ ફોન જેની માલિકીનો છે એ યુવતી… તમે ઓળખો છો એને?’
‘હા, એ મારી ભત્રીજી થાય છે. આજે એ અમદાવાદથી મારા ઘરે આવવાની હતી’
‘તો તમારી એ ભત્રીજી અત્યારે સરકારી હોસ્પિટલના કેઝ્યુલ્ટી વોર્ડના સાત નંબરના બિછાના ઉપર બેહેશ બનીને સૂતેલી છે. તમે આવો છોને?’

બધું બહુ ઝડપથી બની ગયું. યુવતીના અંકલ આવી ગયા. એમણે ભત્રીજીનો હવાલો સંભાળી લીધો અને પર્જન્યનો આભાર માનીને એને મુક્ત કર્યો. છેક ઘરે પહોંચ્યા પછી પર્જન્યની નજર પાછલી સીટ ઉપર પડી. ત્યાં પેલી યુવતીનો દુપટ્ટો પડેલો હતો. ઓઢણી જેવી ભાતનો એ દુપટ્ટો પર્જન્યે ઉઠાવ્યો, નાક સુધી લાવીને સૂંધ્યો અને પછી મહેંકથી તરબતર થઇને બબડ્યો, ‘ ચાલો, આટલી સેવા કરી એ સાવ બેકાર નથી ગઇ, રૂપાળો દેહ ન મળ્યો તો કંઇ નહીં, એનો રંગીન દુપટ્ટો તો મળ્યો! આના સહારે પણ બાકીની જિંદગી નીકળી જશે.’
‘પર્જન્ય! દીકરા! ક્યાં સુધી આમ ને આમ કુંવારો બેસી રહેવું છે? અઠ્ઠાવીસમું તો બેસી ગયું.’ શેઠ નંદલાલ છેલ્લા બે વર્ષથી દીકરાને સમજાવી રહ્યા હતા, પણ એ માનતો ન હતો. છેવટે એમણે અનાજ પાણીનો ત્યાગ કરવાની ધમકી ઉચ્ચારી ત્યારે દીકરાએ નમતું જોખ્યું. તે પણ છોકરીઓને જોવા પૂરતું.

બે મહિનામાં નંદલાલ શેઠે અપ્સરાઓની શૃંખલા રજૂ કરી દીધી. શહેરના સૌથી ધનવાન માણસ માટે એકના એક પુત્ર માટે પોતાની દીકરી આપવાની ક્યાં મા-બાપ ના પાડે? બે મહિનામાં ચાલીસ સુંદરીઓ પર્જન્યે જોઇ નાખી. જોબન ફરતાં રહ્યાં, પણ જવાબ અફર રહ્યો, ઊંહું! નથી ગમતી!

નંદલાલ અકળાયા! હવે આનાથી વધારે દેખાવડી છોકરી હું ક્યાથી લાવું? એવો સ્ટોક તો દેવરાજ ઇન્દ્રના ગોડાઉનમાંયે નહી હોય! મારી છ દાયકાની જિંદગીમાં આ બધી કરતાં વધુ રૂપાળી કન્યા મેં દીઠી નથી!
પર્જન્ય ચૂપ રહ્યો. જો બાપની સામે બોલી શકતો હોત, તો અવશ્ય બોલ્યો હોત, પણ મેં જોઇ છે એનું શું? આ બધીઓના આખે આખાં અંગો કરતાં તો પેલીની ઓઢણી વધુ આકર્ષક હતી.’
હતી નહીં પણ છે. પર્જન્યે એ ઓઢણીને ધોઇને, સૂકવીને, ઇસ્ત્રી કરીને આજ સુધી જતનપૂર્વક સાચવી રાખી હતી. ઓઢણી પણ જબરી વફાદાર નીકળી. બે વર્ષ પછી પણ એણે પોતાની માલિકણની ખુશ્બૂને આછી આછીય સાચવી રાખી હતી.


‘જો, દીકરા! આજે સાંજે આપણે સેટેલાઇટ વિસ્તારમાં એક કન્યારત્ન જોવા જવાનું છે. મારા તરફથી આ છેલ્લી તક છે. આ વખતે છોકરી ગમે તેવી હોય, પણ તારે ના નથી પાડવાની.’ નંદલાલે હાઇકમાન્ડની જેમ આદેશ ફરમાવ્યો. છોકરી કાળી કદરૂપી કે અપંગ હોય તો પણ?

‘હા, તો પણ!’ શેઠ ગુસ્સામાં બોલી ગયા, ‘એવી હોય તો આંખે પાટો બાંધીને પરણી જજે! તારી માનું થોબડું જોયા વગર જ પરણી ગયો તો, તે શો વાંધો આવ્યો? આજકલ તો બધાને માધુરીઓ ને ઐશ્વર્યાઓ જોઇએ છે!’ પર્જન્ય સમજી ગયો કે બાપા હવે ‘મોગલેઆઝમ’ના મોહમ્મદ જલાલુદ્દીન અકબરના મિજાજામાં આવી રહ્યા છે. હવે એમનો હુકમ માથે ચડાવી લેવામાં જ સલામતી છે. એ સાંજે શેઠ-શેઠાણી અને પુત્રની ત્રિપુટી સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એ બંગલામાં જઇ ચડી. ગયા પછી પર્જન્યને ખાલી હાથે પાછું ફરવાની મનાઇ હતી.
કન્યાના પિતા કુંદનલાલે પ્રેમભર્યો આવકાર આપ્યો. મમ્મી મંજુલાગૌરીએ થોડીવાર પછી હાક મારી, ‘બેટા કુજુ……. પાણી લાવજે તો….! અને પ્રતિસાદ રૂપે પાણી સાથે પરી પ્રગટ થઇ. પર્જન્ય આંખો ફાડીને મલાઇથી મઢેલી દેવકન્યાને જોઇ રહ્યો. આ એ જ યુવતી હતી જેને એણે બચાવી હતી. જે સૌંદર્ય એના હાથોમાં સૂતેલું હતું, એ જ અત્યારે આંખ સામે ઊભું હતું.


ઔપચારિકતા પતી એટલે બંનેને બાજુના ઓરડામાં અંગત વાતચીત માટે મોકલી આપવામાં આવ્યા. પર્જન્યે કંઇ જ પૂછ્યા વગર પોતાનો ફેંસલો જાહેર કરી દીધો, મને તમે પસંદ છો. હું તો મારા પપ્પાએ કહ્યું છે તે પ્રમાણે આંખે પાટા બાંધીને તમારી સાથે પરણી જવા તૈયાર છું.’
પણ હું તૈયાર નથી એનું શું? કુંજુએ ઘડાકો કર્યો, ‘તમે માઠું ન લગાડશો. તમારામાં કશી જ ખામી નથી પણ હું મજબૂર છું.’
‘તમારી મજબૂરી જણાવી શકો? પર્જન્ય ઠરી ગયેલા ઉત્સાહ સાથએ બોલી ગયો.
‘વાત એમ છે કે વર્ષ પહેલાં હું એક જીવલેણ અકસ્માતનો ભોગ બની હતી. હું નિશ્ચિતપણે મરી જ ગઇ હોત, પણ એક અજાણ્યા બહાદુર યુવાનને મને બચાવી લીધી. મારા દુર્ભાગ્યે હું જ્યારે હોંશમાં આવી ત્યારે એ ચાલી ગયો હતો. મેં એને જોયો પણ નથી, પણ મારા અંકલનું કહેવું છે કે એ જુવાન ખૂબ જ હેન્ડસમ સંસ્કારી અને હિંમતવાન હતો. હોસ્પિટલની નર્સો પણ કહેતી હતી કે મારી ને એની જોડી જાણે ભગવાને બનાવેલી હોય એવી લાગતી હતી. પર્જન્ય મને માફ કરશો પણ મેં નક્કી કર્યું છે કે જિંદગીમાં ક્યારેક તો હું મારા જીવનદાતાને ખોળી કાઢીશ. એ જો કુંવારો હશે તો એની સામે કરગરીશ. એ ના પાડશે તો એના હાથોમાં જ લાશ થઇને ઢળી પડીશ. જો એ પરણેલો હશે, તો જ હું બીજા કોઇ પુરુષ માટે વિચાર કરીશ.’
વાત પૂરી થઇ ગઇ. બનાવટી ઔપચારિકતા દર્શાવીને બધા છૂટ્ટા પડ્યાં. બીજે દિવસે પર્જન્યના બંગલેથી આવેલો માણસ કુંજુના હાથમાં એક ગિફ્ટપેકેટ મૂકી ગયો.
કુંજુએ પેકેટ ખોલ્યું. જોયું તો અંદર એક જૂની, પણ એની ચિરપરિચિત ઓઢણી હતી. અને એક ટૂંકો પત્ર: ‘તમારા રંગીન વસ્ત્રને તો તમે નહીં જ ભૂલ્યાં હો! બોલો કુંજુરાણી તમારા આ જીવનદાતાને મળવા અને કરગરવા માટે ક્યારે આવો છો? તમારી આજીજીઓ અદાઓ અને અભિસાર જોયા પછી જ ફેંસલો જાહેર કરવામાં આવશે.
લિ. તમને ચૂમવાથી એક તણખલાં જેટલો દૂર રહી ગયેલો અને હવે એ જ ક્રિયા માટે હણહણાત અશ્વની જેમ અધીરો બનેલો એક સંસ્કારી યુવાન.
——————————————————————————–

લેખક : ડો.શરદ ઠાકર 

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી