જયારે જન્મ્યો ત્યારે નાક, હોઠ, તાળવું કે આંખો કંઈ જ નહોતું…એના દાદાની ધીરજ અને સમજણથી બન્યો “સ્ટાર”

અત્યારે હું એક શાળાના કાર્યક્રમમાં લેક્ચર આપવા માટે સુરત જઈ રહ્યો છું. મારી સાથે ઉત્તમ મારુ અને તેના દાદા કુંવરજીભાઇ મારુ પણ છે. ઉત્તમ વિષે હું આ પહેલા લખી ચુક્યો છું પણ આજે એના દાદા કુંવરજીભાઈ મારુની સમજણ અંગેની વાત આપની સાથે શેર કરવી છે.

આ વાત આપ સમજી શકો એ માટે પ્રથમ પૂર્વભૂમિકા રૂપે ઉત્તમની થોડી વાત કરું. ઉત્તમ જન્મ્યો ત્યારે એને નાક, હોઠ, તાળવું કે આંખો કંઈ જ નહોતું. મગજ પણ ખોડખાપણવાળું હતું. ડોકટરોએ સલાહ આપેલી કે આ છોકરાને ફરી પાછો ભગવાન પાસે મોકલી દઈએ. એને ઇન્જેક્શન આપીને શાંત કરી દઈએ.

પણ ઉત્તમના દાદા કુંવરજીભાઈએ ડોકટરોને કહ્યું કે આવું બિલકુલ નથી કરવું. ભગવાને આ બાળકને આ ધરતી પર મોકલ્યો છે તો એને પાછો બોલાવવાનો હક્ક પણ એનો છે. આપણને એવો કોઈ હક્ક નથી કે આપણે એને પાછો મોકલીએ. એ સારી રીતે જીવન જીવી શકે એ માટે મારાથી થઈ શકે એ બધું જ હું કરી છુટીશ.

ડોકટરે જેને મારી નાખવાની સલાહ આપી હતી એ ઉત્તમ મારું અત્યારે 15 વર્ષનો છે અને ગયા વર્ષે બાળકોને આપવામાં આવતા ભારતનાં સર્વોચ્ચ એવોર્ડ બાલશ્રીથી ઉત્તમને સન્માનિત પણ કર્યો કારણકે આજે તે સારામાં સારો ગાયક છે, તબલા વગાડે, ઓર્ગન વગાડે, કમ્પ્યુટર પર કામ કરે, ગીતાના 700 શ્લોક એને કંઠસ્થ છે.

આ બધી વાત હું લંબાણપૂર્વક અગાઉ લખી ચૂક્યો છું. હવે મુખ્ય વાત પર આવું. અત્યારે મેં કુંવરજીભાઈને પૂછ્યું, “ભગવાને આવું ખોડખાપણવાળું બાળક તમારે ત્યાં આપ્યું તો તમે ભગવાનને કંઈ ફરિયાદ ન કરી, કોઈ બળાપો ના કાઢ્યો.”

કુંવરાજીભાઈએ જે જવાબ આપ્યો એ સાંભળીને મારા રૂંવાડા ઉભા થઇ ગયા. હું મારી આટલી ઉંમરમાં જેટલું નથી શીખી શક્યો એટલું એના એક જવાબમાં શીખી ગયો.

કુવારજીભાઈએ કહ્યું, ” સાહેબ, આમાં ભગવાનને શું ફરિયાદ કરવાની હોય. ભગવાન આવડા મોટા બ્રહ્માંડના બધા જ પ્રાણીઓ, માણસો, સજીવોને સાચવતા હોય તો મારે તો ખાલી આ એક ઉત્તમને જ સાચવવાનો હતો.

ભગવાન તો અબજોની સંખ્યામાં ખોડખાપણવાળા જીવો-સજીવોને સાચવે છે તો હું એકને ન સાચવી શકું. મેં તો ભગવાનને એમ કહ્યું કે પ્રભુ, આપ કોઈ ચિંતા ના કરતા આને હું સાચવી લઈશ. આપ આપનુ કામ કરો અને હું મારુ કામ કરીશ.”

કાશ, દુનિયાના દરેક માણસની આવી સમજણ હોય તો આ ધરતી જ સ્વર્ગ બની જાય અને અનેક અગવાડતાઓની વચ્ચે પણ જીવન જીવવાની મજા આવે.

લેખક : શૈલેષ સાગપરિયા

ટીપ્પણી