દેવાળું ફૂંકેલી વિદેશી કંપનીને ખરીદીને આપ્યો U-Turn !! જાણો છો એ ભારતીય ને ?

- Advertisement -

ભારતીય કોઈ દેવાળું ફૂંકેલી વિદેશી કંપનીને ખરીદીને તેને યુ-ટર્ન આપે તો તેની વધારે ચર્ચા નથી થતી. સોના ગ્રૂપના સંસ્થાપક ડો. સુરિંદર કપૂર આવા જ એક ઉદ્યમી હતા. જૂન, 2015માં તેમના નિધન પછી સોના ગ્રૂપનો કાર્યભાળ તેમના પુત્ર સંજય કપૂર સંભાળે છે. ઈ.સ. 1892થી લાહોરમાં જ્વેલરીનો વ્યવસાય કરનારો કપૂર પરિવાર વિભાજન પછી ભારત આવ્યો હતો. દિલ્હીના કનોટ પેલેસમાં આ પરિવારની પાંચમી પેઢીનો આજેય જ્વેલરી શોરૂમ છે.

જેનું નામ ‘કપૂર દી હટ્ટી’ છે. આ પરિવારના સુરિંદર કપૂરને પૈતૃક ટ્રેડિંગમાં રુચિ નહોતી, તેથી તેમણે અમેરિકન યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની માસ્ટર ડિગ્રી અને ડોક્ટરેટની ડિગ્રી મેળવી. એપોલો ગ્રૂપના સંસ્થાપક રૌનકસિંગની પુત્રી સાથે લગ્ન કર્યા પછી તેઓ પોતાના સસરાની કંપની ભારત ગિયર્સમાં જોડાયા. ફેમિલી બિઝનેસમાં તેઓ નહીં જ જોડાય તેવું નક્કી થઈ ગયા પછી પરિવાર પાસેથી તેમને 50 લાખ રૂપિયા મળ્યા.

આ મૂડીથી તેમણે મારુતિ સુઝુકી માટે સ્ટિયરિંગ સિસ્ટમ બનાવવાનું શરૂ કર્યું. આ ભાગીદારી એવી ફૂલીફાલી કે મારુતિ સુઝુકી જ તેમના આ વેન્ચરમાં આર્થિક ભાગીદાર બની ગઈ. ડો. સુરિંદરે સોનાના પૈતૃક કારોબારને ધ્યાનમાં રાખીને પોતાની કંપનીનું નામકરણ કર્યું- ‘સોના કોયો સ્ટિયરિંગ’. આ કંપની આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, હોન્ડા, હોન્ડાઈ, ટોયોટા, કિર્લોસ્કર, જનરલ મોટર્સને પણ ઓટોમોબાઇલ કમ્પોનન્ટ સપ્લાય કરી રહી છે.

50 વર્ષ પહેલાં મ્યુનિકની ફોર્જિંગ કંપની બીએમડબલ્યુએ ગિયર્સને સીધા ફોર્જિંગ કરવાની ટેક્નિક વિકસિત કરી હતી. ડો. સુરિંદરે તેને બનાવવાનું લાઇસન્સ માગ્યું, પરંતુ તેમને ન મળ્યું. બીએમડબલ્યુના એક લાયસન્સધારક મિત્સુબિસી મટીરિયલ્સ પાસેથી તેમને 1992માં લાઇસન્સ લીધું અને સ્થાપના કરી ફોર્જિંગ કંપની સોના ઓકેગાવા. 2005માં બીએમડબલ્યુ વેચાઈ ગઈ તો ડો. સુરિંદર કપૂરે નવી કંપનીના ચેરમેનને કહ્યું કે તમે મારી કંપની ખરીદી લો અથવા મને તમારી કંપની વેચી દો. તેમનો આ પ્રસ્તાવ ત્યારે તો ચેરમેને ઠુકરાવી દીધો, પણ 2007માં તેમણે જ કંપની ખરીદી લીધી.

સોના ઓકેગાવાનું ટર્નઓવર ત્યારે 300 કરોડ રૂપિયા હતું જ્યારે તેમણે 2500 કરોડ રૂપિયાની કંપની ખરીદવાનું જોખમ ઉઠાવ્યું હતંુ. આઈસીઆઈસીઆઈ બેન્કના ફંડિંગથી 75 મિલિયન યુરો ચૂકવીને 2008માં ડો. સુરિંદર કપૂર મ્યુનિકસ્થિત કંપનીના ઓનર બન્યા ત્યારે નહોતા જાણતા કે તેમની સાથે ઠગાઈ થઈ છે. તેઓ કંપનીમાં પહોંત્યા ત્યારે જોયું કે કંપનીનાં ઉત્પાદનોની માગ તો ખૂબ છે, પણ કંપની પોતે ઉત્પાદન કરવાને બદલે આઉટસોર્સિંગ કરી રહી છે. કંપની પાસે રોકડ નથી. ડો. સુરિંદર કપૂરે તો સૌથી પહેલાં 58 મિલિયન ડોલરની ઇન્વેન્ટરીની સફાઈ કરી.

ઓક્ટોબર, 2008માં માસિક વેચાણ ઘટીને લગભગ અડધું થઈ ગયું હતું સાથે આર્થિક સંકટ પણ આવી પડ્યું હતું. સોના ઓકેગાવા મિડ-સાઇઝની કંપની હતી અને જે કંપનીને ખરીદવામાં આવી હતી તે મોટું કોર્પોરેશન હતું જ્યાં ઘણા વિભાગો હતા, પણ બધા વચ્ચે કોઈ તાલમેલ નહોતો. પ્લાન્ટ મેનેજર્સ રાહ જોતા હતા કે કોઈ તો જણાવે કે તેમને કરવાનું છે શું? કંપનીમાં જરૂરિયાત કરતાં વધારે સ્ટાફ હતો, પણ ત્યાં કોઈને વળતર આપ્યા વગર નોકરીમાંથી કાઢી શકાય તેમ નહોતું. ડો. સુરિંદર કપૂરે સીધી રેખા ખેંચી અને ત્રણેય પ્લાન્ટ્સના શ્રમિક યુનિયનોને બોલાવ્યા અને કહ્યું, ‘હું દેવાળિયો થઈ ચૂક્યો છું અને કંપની બંધ કરી રહ્યો છું.

બધા જ શ્રમિકો બેરોજગાર થઈ જશે. હવે તમે જ કંપનીને બચાવી શકો છો.’ સત્ય જણાવ્યા પછી શ્રમિક યુનિયન નવા ટેરિફ માટે તૈયાર થઈ ગયા. અઠવાડિયામાં બે કલાક વધારે કામ કર્યું અને એક વર્ષ ઇન્ક્રિમેન્ટ પણ ન લીધું. કંપનીના ઓલ્ડ મેનેજમેન્ટના એ કથનને ડો. સુરિંદર કપૂરે નકાર્યું કે, જર્મનીના શ્રમિક ટફ હોય છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે મેં ભારતમાં ઘણાં પ્રમોટર્સને ફેલ થતા જોયા હતા, જેમણે મૂડીરોકાણ કરીને બધું જ મેનેજર્સ પર છોડી દીધું હતું. મેં મ્યુનિકમાં પોતે મેનેજમેન્ટ સંભાળ્યું અને શ્રમિકોનો ભરોસો જીત્યો.

પોતાના લક્ષ્યને બધાનું લક્ષ્ય બનાવ્યું અને કંપનીને ડૂબતા બચાવી લીધી. ડો. સુરિંદર કપૂર જ્યારે જર્મનીમાં ઝઝૂમી રહ્યા હતા ત્યારે ભારતમાં મારુતી સુઝુકીની સાથે તેમના સંયુક્ત ઉપક્રમ અને અન્ય બિઝનેસને તેમના પુત્ર સંજય કપૂરે સંભાળ્યો. 1988માં 8 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરનારું સોના ગ્રૂપ આજે 5000 કરોડ રૂપિયાનો વેપાર કરી રહ્યો છે. બકિંધમ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ભણેલા સંજય કપૂર પણ પિતાની જેમ જ લક્ષ્યભેદી ઉદ્યમી છે.

લેખક : વિશાલ લાઠીયા

ટીપ્પણી