મારી નાખવાની ધમકી મળી હોવા છતાં આ યુવાન આઈ.એ.એસ ઓફિસરે ખીણમાં રહેતા માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા અને કરોડોની કિંમતની સજા ફટકારી.

ચોર-ડાકુઓ માટે કુખ્યાત રહી ચૂકેલું મધ્યપ્રદેશ હવે ગેરકાનૂની રીતે રેતી અને પથ્થરનું ખોદકામ કરનારા માફિયાઓનું પર્યાય બનતું જાય છે. રેતાળ અને પથરાળ તેવી આ ભૂમિને ખોદીને, આ વિસ્તારમાં રૂપિયાની બહુ મોટી ખેતી ચાલી રહી છે. સરકારની ઈચ્છા હોવા છતાં આ માફિયાઓ પર કોઈ નિશ્ચિત કાર્યવાહી કરવામાં તે અસફળ રહી છે. પણ આ ખાણના માફિયાઓની ગતિવિધિઓથી પરેશાન, એક યુવા મહિલા આઈ.એ.એસ. અધિકારીએ તેમની વિરુદ્ધ પગલાં લઈને સાહસનું કામ કર્યું છે. માત્ર આટલું જ નહિ પણ માફિયાઓએ બંદૂક તાકવા છતાં પણ આ મહિલા અધિકારીએ પીછેહટ ન કરી અને જડબેસલાક કામકાજ કરીને આ ખાણીયા માફિયાઓને પરેશાન કરી નાખ્યા છે. આવી સાહસિક મહિલાને સાચે જ સલામ કરવાની જરૂર છે.

હા, તો આપણે વાત કરી રહ્યા છીએ મહિલા આઈ.એ.એસ અધિકારી સોનિયા મીણાની, જે હાલમાં મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલ રાજનગરની પદાધિકારી છે. યુ.પી.એસ.સી. ૨૦૧૨ની પરીક્ષામાં ૩૬મો ક્રમાંક હાંસિલ કરનારી સોનિયાએ, હજી સુધીમાં રાજનગર વિસ્તારમાં, ગેરકાનૂની ખાણનું ખોદકામ કરી ચૂકેલા માફિયાઓ સામે ૧ કરોડ, ૭૦ લાખની રકમ સજા રૂપે ફટકારી છે.

જોવાની વાત એ છે કે સોનિયાએ આ ક્ષેત્રમાં આવેલા નયાગાંવ, લાખેરી,ઘૂરા,ખજવા સહીત ૧૩ ખાણો પર છાપો મારીને ૩ ડમ્પર, ૧ જે.સી.બી., એક પોકલેન અને કેટલાય ટ્રેક્ટર ગેરકાનૂની ખોદકામ કરતાં, જપ્ત કર્યાં છે. સાથોસાથ ‘ન્યુ સાંઈ મિનરલ્સ’ની કચેરીને સીલ કરાવી છે.આ કઠોર પગલાંને લીધે ભયભીત બનેલા કેટલાય ખાણના માફિયાઓએ તેમને ફોન પર ધમકી સીખે આપી છે. ત્યાં સુધી કે આ આખા બનાવ દરમિયાન તેમના પર રાઇફલ પણ તાકવામાં આવી છે. પણ મીણાએ જીવ પર ખેલીને આ લોકોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.

ફેબ્રુઆરી ૬,૨૦૧૭ના દિવસે ખાણના ડાકુઓની સામે કરેલી કામગીરી બાદ, સોનિયા સાંજે પાંચ આસપાસ ઓફિસ પાછી ફરી રહી હતી અને ગેરકાનૂની રીતે ખોદાયેલી રેતીથી ભરેલા ટ્રેક્ટરને પોલીસ મથકે લઇ જવાનો આદેશ આપી રહી હતી, ત્યારે જ ખાણીયા ડાકુઓ અને ટ્રેક્ટરના માલિક અર્જુન સિંહ ત્યાં આવી ચડ્યા.

અર્જુનસિંહે આવતાંવેંત જ ટ્રેક્ટર પર બેઠેલા સિપાહી ભગવંત સિંહ યાદવ પર બંદૂક તાકી અને તેને નીચે ઉતાર્યો. પોતે ટ્રેક્ટરનો કબ્જો લેવા ગયો. સોનિયા મીણાએ , અર્જુન સિંહને આમ કરતાં રોક્યો તો તેણે હવામાં ગોળીબાર કરી ભય ફેલાવવા કોશિશ કરી. પણ આનાથી સોનિયા પર જરાય અસર ન થઇ.અને તેણે તરત જ પોલીસ સ્ટેશન પહોંચીને પગલાં લેવા આદેશ આપ્યા.

ભ્રષ્ટાચારની સામે મોરચો કાઢવાવાળી સોનિયા જેવી બહાદુર મહિલા અધિકારોની આપણા સમાજને ઘણી જ જરૂર છે. આશા છે કે સોનિયાથી પ્રેરાઈને બીજા પ્રશાસનિક વિભાગો સંભાળતા અધિકારીઓ પણ ભ્રષ્ટ લોકો અને લૂંટેરાઓની સામે સખત પગલાં લે અને ભ્રષ્ટાચારમુક્ત દેશના નિર્માણમાં પોતાનું યોગદાન અર્પે.

આજ આપણા સમાજને આવા એક નહીં પરંતુ અનેક સરકારી અધિકારીઓની જરૂર છે. સોનિયાની ઈમાનદારી અને સાહસિકતાને સાચે જ બિરદાવી સલામ કરવાની જરૂર છે.

અનુવાદ : રૂપલ વસાવડા  

ટીપ્પણી