કિસ્મતે મને આપેલી સજા કેટલી અયોગ્ય હતી – હું પડી, ફરી પડી, લડી અને જીતી…અંગો સાથે કે અંગો વગર

જયારે હું મારા પગ કપાવવા પહોંચી, ત્યારે મેં ચળકતા જાંબુડી રંગની નેઇલ પોલિશ મારા પગનાં નખ પર લગાડેલી હતી. મારો અંદાજ તો એવો હતો કે કદાચ હું આ જ રીતે, મારી સ્ટાઇલ બરકરાર રાખીને ત્યાંથી નીકળી શકીશ.

એક મહિના અગાઉ મારો જમણો હાથ જાતે જ છુટ્ટો પડી મારા દિયરના હાથમાં ખરી પડ્યો હતો. અને તેના થોડા મહિનાઓ અગાઉ મારો ડાબો હાથ પણ દૂર કરવામાં આવ્યો હતો. બસ, હવે આમાંથી બહાર આવવું તે જ જાણે સમયની માંગ હતી.

૩૨ વર્ષની ઉંમરે હું, મારી નોકરીમાં સફળતાથી કાર્ય બજાવતી એક સ્ત્રી હતી. મારા લગ્નજીવનથી પણ હું ખુશ હતી. અને હા, તાજેતરમાં જ હું સગર્ભા પણ બની હતી.

આ ત્યારની વાત છે જયારે હજુ તો હું કંબોડીયાના પ્રવાસે જઈ પરત ફરી તે વાતને થોડા જ દિવસો થયા હતા. એક દિવસ હું, મારી કરિયાણાની યાદીને ચકાસતી હતી, ત્યારે જ મને એકાએક તાવ ચડ્યો . શરૂઆતમાં તો બધું જ સામાન્ય લાગ્યું,પરંતુ પછી એ વધતું જ ચાલ્યું. તાવને લીધે શરીરના અંગો નિષ્ક્રિય થવાં લાગ્યાં. અંગોની નિષ્ક્રિયતા મોતના મુખ સુધી દોરી ગઈ.

મહિનાઓ બાદ મેં મારા બંને હાથ તેમજ બંને પગ, એક એવા જીવાણુનાં ચેપથી ગુમાવ્યા, જેનું નામ ડોક્ટરે ખુદ એમની પરીક્ષા વખતે, જાણ્યું માત્ર હતું !!

હું ક્રોધિત હતી. મારા ગુસ્સાનો પાર નહોતો. જે કઈ બન્યું તેનાથી હું ખુબ ઘવાયેલી અને નારાજ હતી. મારી જ સાથે આ બધું કેમ બન્યું હશે ? મારી શું ગુનેગારી હતી ? મને થયું કદાચ મારા જ કોઈ કર્મોનો આ બદલો હતો. પણ પછી વિચાર્યું, જેનું આટલું દુષ્કર પરિણામ આવે, તેટલું તો મેં કઈ ખરાબ કે ખોટું કર્યું નહોતું. આખરે મેં નક્કી કર્યું કે હવે આ પરિસ્થિતિથી પર થઈને જ રહેવું.

અને એટલે જ મેં દોડવાનું નક્કી કર્યું. હા, શરૂઆતમાં મારા વજનને નિયંત્રણમાં લેવા અને સ્વાસ્થ્યની કાળજીના એક ભાગરૂપે જ. પરંતુ ધીરેધીરે મારો આ શારીરિક પડકાર, મારા માટે નશો બની ગયો. હું જયારે દોડું છું ત્યારે લાગે છે, જાણે મેં મારા શરીર ઉપર વિજય મેળવ્યો છે.

મારી કિસ્મત વિષે ફરી એકવાર વિચારું છું, ત્યારે લાગે છે ભાગ્યએ મને આપેલી સજા કેટલી અયોગ્ય હતી. પણ તેની જીત ન જ થઇ, કિસ્મતે હાર માનવી જ પડી. આજે પણ મારી તમામ બાબતો અંગે કોઈ બીજું નહીં પણ હું, હા હું જ નિર્ણાયક છું. પછી તે મારી જિંદગી હોય, મારા નિર્ણયો હોય,મારા સપનાંઓ કે પછી અંગો સાથે કે અંગો વગર ઝઝૂમવાની મારી શક્તિ હોય.

લેખન-સંકલન : રૂપલ વસાવડા (બેંગ્લોર)
સોર્સ : બીઈંગ યુ

આપ સૌ ને લેખ પસંદ આવ્યો હોય તો અચૂક શેર કરી બીજા મિત્રોને પ્રેરણા આપજો….!!

ટીપ્પણી