શૂન્યમાંથી સર્જન કરનાર સૌરાષ્ટ્રના માણાવદરના આ બીઝનેસમેન આજે કરે છે કરોડોનું TurnOver – Story Of Rajoo Engineering

રાજુ એન્જીનિયર્સ. નામ ભલે પહેલી વાર વાંચ્યુ હોય પણ રાજુ એન્જીનિયર્સ તમારી જીવનશૈલીનો એક અભિન્ન અંગ છે. જી. હા, પ્લાસ્ટિક એક્સટ્રજન બનવવાવાળી દેશની નામી કંપનીઓ સ્થાન ધરાવતી રાજુ એન્જીનિયર્સ તમારા વપરાશની ૬૦ ટકા ચીજવસ્તુઓનાં નિર્માણ સાથે તેને સજાવટ, ટકાઉપણું અને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. દા.ત. નાકકડા ડિસ્પોઝેબલ ગ્લાસ, ડીશથી લઈ પાઈપ્સ, વુડ પ્લાસ્ટિક કમ્પોઝીટ, ડ્રીપ ઈરીગેશન વગેરે. એ સિવાય મોટાભાગની વસ્તુઓ ઉપર જે પ્લાસ્ટિકની પરત લાગે છે તે પણ રાજુ એન્જીનિયર્સનું પ્લાસ્ટિક પેકેજીંગ હોય છે. દા.ત. દૂધ-પાણીનાં પાઉચથી લઈ નમકીનનું રેપર. હવે આપ સમજી ગયા હશો રાજુ એન્જીનિયર્સનો મુખ્ય વ્યવસાય પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ સંલગ્ન છે. નોંધવું એ રહ્યું કે, પ્લાસ્ટિકનાં ઝબલા બનાવવાથી શરૂ થયેલી રાજુ એન્જીનિયર્સ કંપની આજે પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ બનાવવાની મશીનરીનું ઉત્પાદન કરે છે. કદાચ આ એકમાત્ર એવી કંપની હશે જે કંપનીએ પ્લાસ્ટિકની વસ્તુ બનાવવાનાં મશીનમાંથી ઉત્પાદિત થતી વસ્તુની સાથે ખુદ તે પ્લાસ્ટિકની વસ્તુ બનાવવાનાં મશીનનું પણ ઉત્પાદન કર્યું હોય!

આજથી ત્રણ દસક પહેલા નાન્હાલાલભાઈ દોશીનાં ત્રણેય સંતાનો ચંદ્રકાંતભાઈ, રાજુભાઈ અને કિશોરભાઈએ માણાવદરમાં કરિયાણાની દુકાન નાખી. જે દુકાન સાત મહિના બાદ સિત્તેર રૂપિયાની ખોટ સાથે બંધ કરી. ત્યારબાદ દોશી ભાઈઓએ ૯ લોકો પાસેથી ૪૫ હજાર રૂપિયા ઉછીનાં લઈ પ્લાસ્ટિકની થેલી બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો. પ્લાસ્ટિકની થેલી બનાવવાનાં વ્યવસાયમાં શરૂઆતથી જ અનેક મુશ્કેલીઓ વારંવાર આવતી. જેમ કે, ખરાબ થતા મશીનને રીપેરીંગ કરવા માટે કારીગરો મળતા નહીં. આથી દોશી બંધુઓએ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ બનાવતી મશીનરી નિર્માણ કરવાનું પણ વિચારી લીધું. ઈ.સ. ૧૯૮૬માં સ્થપાયેલી રાજુ એન્જીનિયર્સએ ઝડપથી પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ ક્ષેત્રે સફળતાનો સ્વાદ ચાખતા ૧૯૯૪ની સાલમાં માણાવદર બાદ શાપર વેરાવળમાં વિશાળ એકમનાં શુભારંભ સાથે રાજુ એન્જીનિયર્સ કંપનીનું પબ્લિક લિમીટેડમાં રૂપાંતર કર્યું. પસાર થતા સમયની સાથે રાજુ એન્જીનિયર્સની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝની પ્રસિદ્ધિ દુનિયાનાં દેશોમાં થવા લાગી હતી. બીજી તરફ દોશી બંધુઓ ચંદ્રકાંતભાઈ, રાજુભાઈ અને કિશોરભાઈનાં સંતાનો પરિવારની સૌથી અગત્યની પુંજીનું જતન અને સર્વધન કરવા તૈયાર હતા.

૨૦૦૭ની સાલમાં ચંદ્રકાંતભાઈની પુત્રી ખુશ્બૂ અને ૨૦૦૯ની સાલમાં કિશોરભાઈનાં પુત્ર પલ્લવએ તથા ૨૦૧૦ની સાલમાં ઉત્સવએ દોશી પરિવારનો વ્યવસાય પોતાના હસ્તગત કર્યો. ચંદ્રકાંતભાઈ, રાજુભાઈ અને કિશોરભાઈનાં સંતાનોએ પોતાનાં પારિવારિક વ્યવસાયનો વહિવટ સંભાળતાની સાથે જ કંપનીનાં નવા સંચાલકો બનેલી રાજુ એન્જીનિયર્સની જેનનેક્સ્ટ સમક્ષ સૌથી મોટો પડકાર એ હતો કે, જે વ્યક્તિઓ તેમને સ્કૂલે લેવા-મૂકવા આવતી હતી તેઓની પાસેથી જ કામ લેવાનું હતું. રાજુ એન્જીનિયર્સને કોર્પોરેટ કંપની બનાવવા માટે તેનાં પીઢ અને જૂના કર્મચારીઓને આધુનિક ટેકનોલોજી સાથે બિઝનેસ મેનેજમેન્ટનાં પાઠ ભણાવવા દોશી પરિવારની નવી પેઢી માટે અઘરા હતા, નામુમકીન નહીં. તેથી કંપનીમાં સૈદ્ધાંતિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. જેથી સંચાલકો અને સ્ટાફ વચ્ચે ઈમાનદારી અને જવાબદારીનાં સાયુજ્યથી શ્રેષ્ઠ વ્યવસ્થાપનનું નિર્માણ થયું. કેટલીક અશક્ય બાબતોને શક્ય બનાવી રાજુ એન્જીનિયર્સ આજે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં પાયોનિયર કંપની છે. કઈ રીતે દોશી પરિવારનાં સંતાનોએ પોતપોતાના અભ્યાસ અને આવડતથી રાજુ એન્જીનિયર્સનાં પ્રગતિશીલ પાયાને મજબૂતી બક્ષી સફળતાની સીડી સર કરી એ કોઈપણ સંચાલન અને વ્યવસ્થાપનનાં વિદ્યાર્થી માટે બોધપાઠ છે.

આર્કિટેક્ચર, માસ્ટર ઈન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડીઝાઇનનો અભ્યાસ યુકેમાંથી તથા આઈઆઈએમ બેંગ્લોરથી ફેમીલી મેનેજમેન્ટનો અભ્યાસ કરેલાં ખુશ્બૂ દોશીએ રાજુ એન્જીનિયર્સમાં પોતાની સમજણ અને શાણપણથી ખુશ્બૂ ફેલાવી સ્ત્રી સશક્તિકરણને મહત્વ આપ્યું. એકસમયે માતા-પિતા પોતાની બહેન-દીકરીઓને શાપર-વેરાવળ જેવા ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાં કામ કરવા કોઈ મોકલતું નહીં ત્યારે રાજુ એન્જીનિયર્સનાં દરેક વિભાગમાં ખુશ્બૂબહેને મહિલા કર્મચારીઓની ભરતી કરાવી. આ સિવાય એ બહેનોને કાયદા કરતા વધુ રજાઓ આપી. સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજુ એન્જીનિયર્સમાં માતૃત્વ ધારણ કરનારી મહિલા કર્મચારીઓને અઠવાડિયામાં બે રજાઓ આપવામાં આવે છે. જેમાની એક ખાસ રજા વર્કીંગ ફોર હોમ માટે અપાય છે. આમ, રાજુ એન્જીનિયર્સમાં વુમન એમ્પાવરમેન્ટને પ્રોત્સાહન આપી ખુશ્બૂબહેને રાજકોટ-સૌરાષ્ટ્રની મહિલાઓને રોજગારી પૂરી પાડી. આટલું બસ ન હોય તેમ રાજુ એન્જીનિયર્સ જેવી જાઈન્ટ કંપનીનું સફળ સંચાલન સ્ત્રીઓ પણ કરી શકે છે તેનો સમાજની અન્ય સ્ત્રીઓને પ્રોત્સાહક પૂરાવો આપ્યો.

ખુશ્બૂબહેનની જેમ જ ઉત્સવભાઈએ રાજુ એન્જીનિયર્સનું સંચાલન સંભાળતાની સાથે જ જાપાનીસ ફાઈવ-એસ નામક પ્રોડ્કશન કન્સેપ્ટનો અમલ શરૂ કરાવ્યો, એસએપી-ઈઆરપી મતલબ રિસોર્સ પ્લાનિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખી નવા ડેવલોપમેન્ટ અને ઈનોવેશન રાજુ એન્જીનિયર્સમાં કરવામાં આવે છે તેની પાછળ ઉત્સવભાઈની ઉત્કૃષ્ટ કાર્યપ્રણાલી રહેલી છે. ઉત્સવભાઈએ રાજુ એન્જીનિયર્સને રાજુભાઈ દોશીનાં માર્ગદર્શનમાં ટેકનીકલી ટોપ બનાવ્યું. એ ઉપરાંત મેન્યુફેક્ચરીંગમાં તમામ પ્રકારનાં કંપની-લો અનુસરી રાજુ એન્જીનિયર્સમાં આઈડિયલ કોર્પોરેટ કલ્ચરનું સ્થાપન કર્યું. સૌરાષ્ટ્ર સહિત અન્ય રાષ્ટ્રીય કક્ષાની કંપનીઓએ રાજુ એન્જીનિયર્સની કાર્ય પ્રણાલી અનુસરવા લાયક છે.

ખુશ્બૂબહેન અને ઉત્સવભાઈ સાથે જ પલ્લવભાઈએ પણ રાજુ એન્જીનિયર્સ પબ્લિક લિ. સિવાયની રાજુ બાઉઝાનો અને એસેન સ્પેશિઅલી ફિલ્મસ પ્રા.લિ. કંપનીમાં પોતાનાં નેનો ટેકનોલોજીનાં જ્ઞાનનો પરચો આપ્યો. આજે ભારતની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં સૌ પ્રથમ જે કઈપણ અવનવી, નાની અને ટકાઉ વસ્તુ આવે છે એ એસેનનાં માધ્યમથી પલ્લવભાઈ લઈ આવે છે. એટલે કે, મિકેનિકલ એન્જી. માસ્ટર્સ પોલીમરનો અભ્યાસ જર્મનીમાંથી કરેલાં ઉત્સવભાઈનાં વિચારોને ઈલે. નેનો ટેકનોલોજીનો અભ્યાસ યુકેમાંથી કરેલા પલ્લવભાઈ વાસ્તવિકતાનું સ્વરૂપ આપે અને એ વાસ્તવિકતાનાં સ્વરૂપ સમી વસ્તુને પોતાના વહીવટીથી ખુશ્બૂબહેન માર્કેટમાં મૂકે. આ ત્રણ ભાઈ-બહેન જોડે બીઈ મિકેનિકલનો અભ્યાસ વીવીપી એન્જી. કોલેજ રાજકોટમાંથી કરેલાં ઉત્કર્ષભાઈ પણ પોતાનાથી શક્ય સંચાલનનાં કાર્યોમાં મદદ કરે.

રાજુ એન્જીનિયર્સમાં એચઆર, કસ્ટમર કેર, માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશન તેમજ ફાયનાન્સ ડીપાર્ટમેન્ટની જવાબદારી સંભાળતા અને સૌરાષ્ટ્રમાં અન્ય બિઝનેસ વુમન્સનાં રોલમોડેલ તેમજ ઉદ્યોગ સાહસિક બનવા માગતી યુવતીઓનાં આઈડલ ખુશ્બૂબહેન દોશીનાં જણાવ્યા અનુસાર સમગ્ર ભારતમાં વુડ પોલીમર કંપોઝીટ બનાવતા મશીનનું સૌ પ્રથમવાર ઉત્પાદન રાજુ એન્જીનિયર્સમાં કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં રાજુ એન્જીનિયર્સએ પ્લાયવુડ અને સનમાઈકાનાં વિકલ્પે ઉપયોગમાં લેવાતાં ડબલ્યુ.પી.સી. મશીનરી પ્રોડક્ટ્સનું માર્કેટ ડેવલોપ કર્યું છે. જેનાથી પ્લાસ્ટિક પ્રોડક્ટ્સની આયાત ઉપરનું અવલંબન ઘટી પ્લાસ્ટિક ઉત્પાદકોને ઘરઆંગણે પ્લાસ્ટિક પ્રોડક્શનમાં સરળતાથી સસ્તી અને પૂરતી તકો મળી છે.

રાજુ એન્જીનિયર્સ પર્યાવરણ મિત્ર પ્રોડક્ટનાં ઉત્પાદન અને ગ્રાહક સંતોષનાં લક્ષ્યાંક સાથે કાર્ય કરે છે. યુરોપિયન ટેકનોલોજી પ્રમાણમાં મોંઘી હોય છે આથી રાજુ એન્જીનિયર્સએ યુરોપનાં દેશો સાથે ટાઈઅપ કરીને અને ત્યાંની ટેકનોલોજી અહીં વિકસાવી સ્થાનિક કક્ષાએ વાજબી ઉત્પાદનને શક્ય બનાવી પ્લાસ્ટિક પ્રોડકશનનાં ભાવ વધારાને કાબુમાં રાખ્યો છે. આફ્ટર ઓલ કોઈપણ વેપાર-ધંધામાં ફેમિલી અલાઈમેન્ટ ખૂબ જ અગત્યતા ધરાવે છે તેવા વિચાર સાથે ખુશ્બૂબહેન કંપનીની સફળતાનો શ્રેય રાજુ એન્જીનિયર્સ સાથે જોડાયેલ દરેક વ્યક્તિને આપે છે. તેમનાં મન દોશી પરિવાર કે રાજુ એન્જીનિયર્સ એ આખું એક કુટુંબ છે.

રાજુ એન્જીનિયર્સ કંપનીનાં તમામ વહિવટ પારદર્શકતાથી થાય છે. કંપનીમાં કાયદા અને નિયમ વિના એકપણ કામ કરવામાં આવતું નથી એવું જણાવનાર ઉત્સવભાઈ એવું કહે છે કે, તેમનાં પપ્પા અને તેમના ભાઈઓ એટલે કિશોરભાઈ, રાજુભાઈ અને ચંદ્રકાંતભાઈનાં પરિવારનાં બધા જ સભ્યો એક જ પરિવારમાં રહે છે. એવું પણ કહી શકાય કે, સૌરાષ્ટ્રનું આ એકમાત્ર એવું બિઝનેસ હાઉસની જેમ બિઝનેસ ફેમિલી હશે જ્યાં પરિવારનાં બધા જ સભ્યો એક ઘરમાં રહે છે. જેમનાં ઘર એક તેમનાં મન એક એવા દોશી પરિવારનાં ભાઈઓ અને તેમના સંતાનો જ એકબીજાની શક્તિ અને સ્નેહનું પ્રતિક છે.

પિતા ચંદ્રકાંતભાઈ દોશીએ કાકા રાજુભાઈ સાથે મળી સ્થાપેલી કંપનીને વાર્ષિક ૧૫૦ કરોડ ગૃપ ટર્નઓવર સુધી પહોંચાડી તો દીકરી ખુશ્બૂ અને તેમનાં ભાઈઓ ઉત્સવ, પલ્લવે પપ્પા ચંદ્રકાંતભાઈનાં એકાએક મૃત્યુ બાદ પોતાના કાકા રાજુભાઈનાં માર્ગદર્શનમાં ભાઈઓ સાથે મળી રાજુ ગૃપને ૨૫૦ કરોડનાં ટર્નઓવરથી આગળ પહોંચાડી. આમ, ખુશ્બૂ, ઉત્સવ, પલ્લવ અને ઉત્કર્ષએ પારિવારિક વ્યવસાયનાં વારસાનો વિકાસ કરી સવાયા સંતાનોની સાબિતી આપી છે.

રાજુ ગૃપ : ફેક્ટ ફાઈલ :
સ્થાપના : ૧૯૮૬
સ્થાપક : ચંદ્રકાંતભાઈ દોશી, રાજુભાઈ દોશી
સંચાલક : રાજુભાઈ દોશી (ચેરમેન/એમડી), ખુશ્બૂબેન દોશી (એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર), ઉત્સવભાઈ દોશી (ટેકનિકલ ડિરેક્ટર), પલ્લવભાઈ દોશી (ડિરેક્ટર) અને ઉત્કર્ષભાઈ દોશી (મેનેજમેન્ટ)
વાર્ષિક ટર્નઓવર : ૨૫૦ કરોડ
સ્ટાફ : ૧૫૦૦ કર્મચારી
વેંચાણ : શરૂઆતથી અત્યાર સુધીમાં ૨૫૦૦થી વધુ પ્લાસ્ટિક પ્રોડ્કશન મશીનરી એન્ડ પ્લાસ્ટિક પ્રોસેસિંગ
એક્સપોર્ટ : ૫૬ દેશો
એવોર્ડ : ગુજરાત ગૌરવ એવોર્ડ (૨૦૦૪), પ્લાસ્ટિક સિલ્વર એવોર્ડ, ટેકનોલોજી ઈનોવેશન એવોર્ડ, મશીનરી ફોર પેકેજિંગ ઓપરેશન એવોર્ડ વગેરે સ્થાનિકથી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીનાં એવોર્ડ ઉપરાંત ચંદ્રકાંતભાઈ દોશીને લાઈફટાઈમ અચીવમેંટ એવોર્ડ
વિઝન : TO become one of the most trusted and passionate solution provider for the plastic extrusion machinery world wide, persuing ethical business practices.

                                  ખુશ્બુ દોશી

ગુરુમંત્ર : રાજુ એન્જીનિયર્સની નેક્સ્ટ જનરેશન ખુશ્બૂબહેન, ઉત્સવભાઈ, પલ્લવભાઈ, ઉત્કર્ષભાઈ. આ ચારેય દોશી ભાઈ-બહેનોનો પરસ્પરનો વિશ્વાસ અને વહાલ સાથે પારિવારિક વાતાવરણનું નિર્માણ રાજુ એન્જીનિયર્સ કંપનીની યુએસપી જણાય છે. તો મેન્યુફેક્ચરિંગમાં એ જ ટકી શકે જે સતત અવનવું આપી શકેનાં સિદ્ધાંતને ખુશ્બૂબહેન રાજુ એન્જીનિયર્સનો સક્સેસ મંત્ર ગણાવે છે. આ સિવાય કંપની કાર્યોમાં પારદર્શકતા અને આદર્શ સાથે કર્મચારી વિકાસથી જ કંપની વિકાસ થઈ શકે તેવું ઉત્સવભાઈ અને પલ્લવભાઈનું મંતવ્ય છે. રાજુ એન્જીનિયર્સ ઓપન ડોર પોલિસી હેઠળ ગ્રાહકોની સલાહ, સૂચન અને માંગ સાથે સતત અવનવી સામગ્રીનાં નિર્માણ માટે કાર્યશીલ છે જે કંપનીનું એક વિવિષ્ટ લક્ષણ દેખાઈ આવે છે.

લેખક – ભવ્ય રાવલ

સૌજન્ય : ગુજરાત મિરર

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!