અમર શહીદ : રાયફલ મેન જસવંત સિંહ રાવત (ઉર્ફે બાબા જસવંત સિંહ) ધ ઘોસ્ટ ઓન ડ્યુટી ! Must Read Story

વર્તમાન સમયમાં ભારત-ચીન વચ્ચે સિક્કિમના ડોક્લામ વિસ્તારમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. ચીન અવાર-નવાર ભારતને ૧૯૬૨નાં યુદ્ધની કારમી હાર યાદ કરાવીને ધમકી આપી રહ્યું છે. ઘણા ભારતીયોના મનમાં પણ ભારતીય જવાનોની યુદ્ધ લડવાની ક્ષમતા વિષે શંકાઓ થઇ રહી હશે. તેવે સમયે ચીનની ધમકીઓને જડબાતોડ જવાબ છે, નૌસેનાના પેટ્ટી ઓફિસર મનન ભટ્ટના શબ્દોમાં લખાયેલી, ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધના અમર શહીદ રાયફલમેન જસવંતસિંહની શૌર્યગાથા.

જસવંત ગઢ , ભારત, – મૃત્યુ નાં પંચાવન (55) વર્ષ પછી, વર્ષ 1962 માં શહિદી ને વરેલા ભારતીય સૈનિક, રાઈફલ મેન જસવંત સિંહ આજનાં દિવસે પણ પોતાની ફરજ પર કાયમ છે. દુન્યવી શરીર તો છૂટી ગયું. પરંતુ અમર શહીદનો આત્મા ભારતમાનું કરજ ઉતારી રહ્યો છે.

જસવંત સિંહનાં અપ્રતિમ વીરતા અને શોર્યનાં લીધે તેમને ભારત – ચીનની 1030 કિલોમીટર (650 માઈલ)ની ખુલ્લી હિમાલયન સરહદની રક્ષા કરતા ભારતીય સૈનિકોની વચ્ચે અનેરું સ્થાન પ્રાપ્ત છે અને માન્યતા છે કે આજે પણ ભારતની ચીન સાથે લગોલગ એવી પૂર્વીય સરહદો પર ગશ્ત લગાવતા સૈનિકો પર તેમની આણ પ્રવર્તે છે. હજુ પણ તેમનો આદેશ માનવામાં આવે છે. ઘણા લોકો માટે જસવંતસિંહ સીમાઓની સુરક્ષા કરતા એક દૈવી રક્ષક છે…

સૈનિકોનું કહેવું છે. કે “અમારા માટે બાબા જસવંત અમર છે અને આ વિશ્વાસઘાતી પર્વતોનાં ભૂપ્રદેશ પર અમને બાબાનું રક્ષણ અને આશીર્વાદ મળતા રહે છે,”

ભારત અને ચીન આ બે દેશો વચ્ચે વર્ષ 1962માં યુદ્ધ થયું. આ યુદ્ધમાં આપણે કારમી હારનો સામનો કર્યો. પરંતુ તે યુદ્ધમાં આપણા દેશનાં અનેક જાંબાઝ નવયુવાનોએ શોર્યની ગાથાઓને પોતાના રક્તથી લખી હતી….

આજે આપણે એક એવા શહીદની વાત કરીશું, કે જેમનું કેવળ નામ માત્ર લેવાથી ભારતવાસી ઓ જ નહિ પરંતુ ચીનાઓ પણ સન્માન થી મસ્તક નમાવે છે. હિમાલયન યુદ્ધનાં મોરચે બાબા લડ્યા અને એવા લડ્યા કે દુનિયા આખી આશ્ચર્યચકિત થઇ ગઈ.

આપને હજી વધુ આશ્ચર્ય એ વાત નું થશે કે 1962નાં લોહિયાળ શિયાળુ જંગમાં વીરગતિને પ્રાપ્ત થયેલો ભારતમાનો એ સપુત આજે પણ ફરજ પર તૈનાત છે…

શહીદ રાઈફલમેન જસવંતસિંહને મળે છે સમય સમય પર પ્રમોશન….

બાબા જસવંતનો સૈન્ય ગણવેશ રોજ ઈસ્ત્રી કરીને તૈયાર કરાય છે….

રોજ બુટ પોલીશ કરવામાં આવે છે….

બાબાનું જમવાનું પણ રોજે રોજ તૈયાર કરી મોકલાય છે અને તેઓ દેશની સીમાઓની રક્ષા આજે પણ કરે છે….

સેનાનાં રજીસ્ટરમાં બાબા જસવંતસિંહની ડ્યુટીની એન્ટ્રી આજે પણ કરવા માં આવે છે.

બાબા દર વર્ષે બે મહિના પોતાના વતન રજા પર પણ જાય છે….

મહાવીર ચક્રથી સન્માનિત, 4-ગઢવાલ રાઈફલ્સ ઇન્ફેન્ટ્રી રેજીમેન્ટનાં રાઈફલમેન જસવંતસિંહને આજે બાબા જસવંત સિંહનાં નામે ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે, અરુણાચલ પ્રદેશનાં તવાંગ જીલ્લાનાં જે વિસ્તારમાં જસવંત સિંહ લડ્યા હતા, તે જગ્યાએ બાબા જસવંત આજે પણ ડ્યુટી કરે છે.

ભૂત-પ્રેતમાં ન માનવા વળી સેના અને સરકારમાં પણ તેમની ઉપસ્થિતિને પડકારી શકવા નો દમ નથી.

બાબા જસવંત સિંહનો આ માન મરતબો ફક્ત ભારતમાં જ નહિ પણ સીમા ની પેલે પાર ચીનમાં પણ છે.

આટલા વર્ષોના પ્રમોશન્સ બાદ બાબા હવે મેજર જનરલ બની ચુક્યા છે. “મેજર જનરલ જસવંત સિંહ રાવત.”

“જાંબાઝ વીર જસવંતસિંહ પુરા ત્રણ દિવસ સુધી એકલે હાથે ચીની સૈનિકો સામે લડ્યા.”

જે સરહદી પોસ્ટ પર બાબાએ ચીની સૈનિકોને લડત આપી હતી તેનું નામ એ મહાવીરની બહાદુરીનાં સન્માન અર્થે જસવંત ગઢ રાખવામાં આવ્યું છે.

ભારતીય સેનાનાં ઈતિહાસનાં એક માત્ર જવાન છે, બાબા જસવંત સિંહ, જેમની બઢતી મૃત્યુ પર્યંત એક અદના સૈનિકથી લઇને મેજર જનરલનાં પદ સુધી થઇ છે.

એ ઐતિહાસિક લડાઈ બાબા જસવંત સિંહ ઉત્તરી પશ્ચિમી રાજય અરુણાચલ પ્રદેશનાં તવાંગ જીલ્લામાં નુરાંગ ખાતે લડ્યા હતાં. 1962ના યુદ્ધનો આખરી દૌર ચાલી રહ્યો હતો. ચીની સેના દરેક મોરચે પ્રભાવી થઇ રહી હતી. આ કારણથી ભારતીય સેનાએ નુરાંગમાં તૈનાત ગઢવાલ યુનિટની ચોથી બટાલિયનને પીછેહઠ કરવાનો આદેશ આપ્યો…

આખી બટાલિયને પીછેહઠ કરી, પરંતુ રાઈફલ મેન જસવંત સિંહ, લાન્સ નાયક ત્રિલોક સિંહ નેગી અને ગોપાલ સિંહ ગુસાઇ એ પીઠ ન દેખાડવાનો નિશ્ચય કર્યો. હજારો લોહી તરસ્યા ચીની સૈનિકોની સામે મા ભારતીનાં ત્રણ વીરોએ પોતાની પોસ્ટ ન છોડવાનો અને અંતિમ શ્વાસ સુધી લડત આપવાનો નિશ્ચય કર્યો.

રાયફલમેન જસવંતસિંહ રાવત અને સાથીઓએ સમુદ્રતળથી 10,000 ફૂટની ઉંચાઈ પર તેમની પોસ્ટ પર રહી, ત્રણ દિવસ સુધી ચીની સૈનિકો ને એકલા હાથે રોકી રાખ્યા. બાબા જસવંતે પહેલા ત્રિલોક સિંહ નેગી અને ગોપાલ સિંહની સાથે મળીને અને બાદમાં બે સ્થાનિક છોકરીઓ ‘સેલા’ અને ‘નુરા’ની મદદથી ચીનાઓ સામે મોરચો માંડી લડી લેવાની રણનીતિ તૈયાર કરી.

બાબા જસવંત સિંહે અલગ અલગ જગ્યાએ રાઈફલો ગોઠવી દીધી અને એવા અંદાજમાં ફાયરીંગ કરતા ગયા જાણે ઘણા બધાં સૈનિકો ત્યાં ફરજ પર તૈનાત છે.

ચીનાઓ પરેશાન થઇ ગયા અને પુરા ત્રણ દિવસ એટલે કે 72 કલાક સુધી દુશ્મનએ સમજી ન શક્યા કે તેમની સામે એકલવીર જસવંત સિંહ લડી રહ્યા છે. ત્રણ દિવસ પછી જસવંત સિંહને રસદ આપૂર્તિ કરી રહેલી નુરાને ચીનાઓએ પકડી લીધી.

ત્યાર બાદ જસવંતની મદદ કરી રહેલી બીજી છોકરી સેલા પર ચીનાઓએ ગ્રેનેડથી હુમલો કર્યો અને સેલા વીરગતિને પામી. તો પણ ચીના ઓ જસવંત સુધી પહોંચી ન શક્યા.

કહે છે, બાબા જસવંતે ખુદને જ ગોળી મારી લીધી……

“અહીં ચંદ્ર શેખર આઝાદનાં શબ્દો યાદ આવે છે. “દુશ્મન કી ગોલિયોં કા હમ સામના કરેંગે. આઝાદ હૈ, આઝાદ હી રહેંગે.”

“મા ભારતીનો એ લાલ નુરાંગમાં શહીદ થઇ ગયો.”

ચીની સેના પણ શહીદ જસવંત નું સન્માન કરે છે:

કહેવાય છે કે જસવંત સિંહ એ ત્રણ-ત્રણ દિવસ સુધી એકલા હાથે પોતાની .303 રાઈફલ વડે ચીનાઓનો મુકાબલો કર્યો માટે ચીની સૈનિકો રાવતનું મસ્તક કાપી અને તેને પોતાની જીતનાં ચિહ્ન તરીકે પોતાને દેશ લઇ ગયેલા.

૨૧ નવેમ્બર ૧૯૬૨નાં રોજ યુદ્ધ વિરામની ઘોષણા થઇ. દુશ્મન ચીની સેનાના કમાન્ડરે વીર જસવંતનાં અપ્રતિમ શોર્યને માન્યતા આપી અને તેમનાં સન્માન સ્વરૂપે ન કેવળ તેમનું કપાયેલું માથું પાછું આપ્યું પરંતુ તેમની કાંસાની બનેલી પ્રતિમા પણ ભેટ આપી.

વીર શહીદ રાયફલમેન જસવંતસિંહ રાવતનાં સ્મારક પર ભારતીય અને ચીના મસ્તક નમાવે છે.

જે જગ્યા પર બાબા જસવંતે ચીની સૈનિકોનાં દાંત ખાટ્ટા કર્યા હતા તે સ્થળે એક મંદિર બનાવી દેવામાં આવ્યું છે. આ મંદિરમાં ચીન તરફથી આપવામાં આવેલી કાંસાની મૂર્તિ પણ છે. ત્યાંથી પસાર થનાર પ્રત્યેક સૈનિક પછી તે જનરલ હોય કે જવાન ત્યાં માથું નમાવીને જ આગળ વધે છે. સ્થાનિકો અને નુરાંગ વોટરફોલ તરફ જવા વાળા પર્યટકો પણ બાબાનાં આશીર્વાદ લેવા જાય છે.

સહુ જાણે છે કે બાબા શહીદ થઇ ચુક્યા છે. પણ બધાને એ પણ ભરોસો છે, કે બાબા ત્યાં જ છે, બાબા અમર છે અને દેશની સીમાઓની રક્ષા કરી રહ્યા છે.

જય હિન્દ.

– પેટ્ટી ઓફિસર મનન ભટ્ટ, ભારતીય નૌસેના, વેટરન

ટીપ્પણી