ઝૂંપડપટ્ટીમાં રહેતી એક ગરીબ પરિવારની દીકરી બની IAS ઓફિસર

રાજસ્થાનનું શ્રીગંગાનગર ભારતમાં સૌથી ઊંચા તાપમાન માટે જાણીતું છે. ત્યાં ઉનાળામાં ગરમીનો પારો 50ને પાર કરી જાય છે. આ ગંગાનગરની એક દલિત પરિવારની દીકરીએ હવે આ શહેરની એક જુદી જ ઓળખ ઉભી કરી છે.

પૂજા નાયક, પિતાના પ્રેમથી વંચિત અનેક અભાવો વચ્ચે ઉછરેલી છોકરી છે. એ માત્ર ચાર વર્ષની હતી ત્યારે એના પિતા સ્વર્ગે સિધાવ્યાં. પૂજા સહીત ત્રણ દીકરીઓ અને એક દીકરાની જવાબદારી વિધવા માતાના માથા પર આવી. પતિની કોઈ મિલકત હોય કે બચત હોય તો બાળકોના ઉછેરમાં બહુ વાંધો ના આવે પણ અહીંયા તો દારુણ ગરીબાઈ હતી.

રેલ્વેના પાટે પાસે આવેલી એક ઝૂંપડપટ્ટીમાં આ પરિવાર રહેતો હતો. પૂજાની માતા પારકાં ઘરના કામ કરીને માંડમાંડ પરિવારનું ગુજરાન ચલાવતા. શાળાએ ભણવા જતા બાળકોને જોઈને ઝૂંપડામાં રહેતી પૂજાને પણ ભણવાની બહુ ઈચ્છા થતી પણ ગરીબના નસીબમાં ભણવાનું ક્યાંથી હોય ? પૂજા વારે વારે એના માતાને શાળામાં દાખલ કરવા માટે વિનંતી કરતી એટલે માતાએ પૂજાને એક સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો.

પૂજા પણ ખુબ ધ્યાનથી અભ્યાસ કરતી. ભણવામાં હંમેશા પ્રથમ નંબર લાવતી. ધીમે ધીમે પૂજાનો અભ્યાસ આગળ ચાલ્યો. 12 ધોરણ પાસ કરીને આ છોકરી કોલેજમાં આવી. કોલેજ દરમ્યાન યુપીએસસીની પરીક્ષા પાસ કરીને કલેકટર બનવાનું સપનું એની આંખોમાં રોપાયું. બીજા લોકોને તો આ ગાંડપણ લાગ્યું પણ પૂજાના પરિવારે એને સહકાર આપ્યો. પૂજા દિવસ રાત એક કરીને સપનું પૂરું કરવા મહેનત કરતી હતી.

એના ઝૂંપડામાં લાઈટ પણ નહોતી એટલે રાત્રે રોડ પરની લાઈટ નીચે બેસીને વાંચતી. એક યુવાન છોકરી આખી રાત એકલી જાહેર રસ્તા પર નિર્ભય બનીને વાંચન કરતી. બધાને જે અશક્ય લાગતું હતું એ આ દીકરીએ શક્ય કરીને બતાવ્યું. વિશ્વની સૌથી કઠિન ગણાતી યુપીએસસીની પરીક્ષામાં દલિત પરિવારની આ દીકરીએ ખુબ સારો રેન્ક મેળવ્યો અને એને આઈએએસ કેડર મળી. પૂજા નાયક, ઝૂંપડપટ્ટીમાં રહેતી એક ગરીબ પરિવારની દીકરી પુરુષાર્થ અને આત્મવિશ્વાસના સહારે આઈએએસ ઓફિસર બની ગઈ.

મિત્રો, સફળતાનાં શિખર પર પહોંચવા માટે સુવિધાઓની નહિ પણ સમર્પણની જરૂર હોય છે. લાખો રૂપિયાની ફી ભરીને મોટા મોટા નામ વાળી સંસ્થામાંથી જ સારી રીતે ભણી શકાય એવી માન્યતાને પૂજાએ ખોટી પાડી છે. જો અંદર આગ લાગે તો અભાવોની વચ્ચે પણ ધાર્યું લક્ષ્ય હાંસલ કરી શકાય.

લેખક – શૈલેષ સગપરીયા

ટીપ્પણી