પ્રેમિકાને પામવા કરી કોલેજમાં પાર્ટ-ટાઈમ જોબ – આજે બનાઈ દીધી ૨.૫ કરોડની કંપની !!

માનવ શીતલ અને નીતિ અગ્રવાલ એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. બંનેએ એક જ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું છે. માનવ જ્યારે 9મા ધોરણમાં હતાં ત્યારે નીતિ 7મા ધોરણમાં અભ્યાસ કરતી. પણ બંનેમાં ગાઢ મિત્રતા હતી. બંનેએ પછી લગ્ન કરી લીધા પરંતુ બંનેએ સાથે જીવન પસાર કરવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો અને આ સંઘર્ષોની સાથે જ જન્મ થયો એ કંપનીનો જે આજે વાર્ષિક 2.5 કરોડનું ટર્નઓવર ધરાવે છે. આ દંપત્તિના આઉટલેટ્સ હવે ઇન્ડિયા સિવાય મલેશિયા, બહરીન, માલદીવ જેવા દેશોમાં પણ છે.

આવનારા 5 વર્ષોમાં માનવ અને નીતિ જ્યૂસ લાઉન્જના 200થી વધુ સ્ટોર્સ ખોલવાનો લક્ષ્યાંક ધરાવે છે. તેમના પ્રેમ અને સમર્પણને જોઇને લાગે છે કે તેમના લક્ષ્યને આ દંપત્તિ ખૂબ સરળતાથી હાંસિલ કરી દેશે.

માનવ અને નીતિ બંને માટે પોતાની જાતને સાબિત કરવી તેમજ સફળતા હાંસલ કરવી એક પડકાર હતો. માનવ મીઠીબાઈ કોલેજથી બી.કૉમ કરી રહ્યાં હતાં અને નીતિ જેડી ઇન્સ્ટીટયુટથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરી રહ્યાં હતાં. તે સમયે બચત માટે બંને પાર્ટ ટાઈમ નોકરી કરતા હતાં.

માર્કેટ રીસર્ચથી લઈને બાળકોને ટ્યુશન ભણાવવા જેવું કોઈ પણ કામ મળતું તો તેઓ કરી લેતા. કામ માટે તેઓ રાત દિવસ પણ નહોતા જોતા. જ્યાં માનવે રાત્રે ડીજેનું કામ કર્યું તો નીતિ કપડાં ડીઝાઈન કરતી. કામની ભાગદોડમાં તેઓ એટલા વ્યસ્ત થઇ ગયા કે તેમને સાથે સમય વિતાવવાનો સમય જ ના મળ્યો. 40 વર્ષના માનવ પોતાના જૂના દિવસો યાદ કરતા કહે છે કે તે મોડી રાતે જ મૂવી જોવા જતાં કારણ કે દિવસે તો તેમને સમય જ નહોતો મળતો.

નીતિ માનવને ખૂબ પ્રેમ કરતી. લગ્ન પહેલાં જ્યારે નીતિના પિતાને તેમના સંબંધ વિશે માલૂમ પડ્યું. નીતિના પિતાએ તેમના લગ્નની ચોખ્ખી ના પાડી દીધી. તેમનું કહેવું હતું કે ભાડાના ઘરમાં રહેતા છોકરા સાથે પોતાની દીકરીના લગ્ન કેવી રીતે કરી શકાય? એમને ત્યારે ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં તે છોકરો 2.5 કરોડનું ટર્નઓવર કરતી કંપની ઉભી કરી દેશે.

1998નો સમય હતો. આ નાના-નાના કામોથી લાંબા સમય સુધી ચાલી શકે તેમ ન હોવાથી, આ બંનેએ ભેગા થઈને કંઇક મોટું કરવાનું વિચાર્યું. માંડ માંડ બચત કરેલા 25,000 રૂપિયાથી તેમણે મુંબઈના જુહૂ વિસ્તારમાં એક કૂરિયર સર્વિસ માટે દુકાન ખોલી, જે એક મિત્રના ગેરેજમાં ચાલતી.

ત્યારબાદ તેમના મિત્રો પાસેથી થોડા પૈસા ઉધાર લઇ કમર્શિયલ દુકાન લઇ લીધી. ધીરે ધીરે તેમની કમાણી વધવા લાગી અને પછી તેમણે રિઅલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું. એ સમયે પ્રોપર્ટીના ભાવ પણ બહુ નહોતા. તેમણે પહેલી વખત મલાડમાં 9.5 લાખ રૂપિયામાં એક દુકાન ખરીદી. તેમનો કુરિયર બિઝનેસ પણ સારો ચાલી રહ્યો હતો. તેમણે તેમની દુકાનમાં એક ખૂણામાં 2 કોમ્પ્યુટર મૂકી સાઈબર કેફે પણ શરૂ કરી દીધું.

માનવે પોતાનું ડીજેનું કામ પણ ચાલુ રાખ્યું અને વધારાની આવક માટે રાત્રે કોર્પોરેટ ઈવેન્ટ્સ માટે ડીજેનું કામ કરતા. થોડી ઘણી જાણકારી મેળવીને તેમણે વર્ષ 2005માં જ્યૂસ બાર ખોલવાનો નિર્ણય કર્યો. અંધેરીની નાનકડી દુકાનમાં 4 લાખ રૂપિયા રોકીને શરૂ કરેલી દુકાને આજે તેમને 2.5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક બનાવી દીધા છે. અંધેરી બાદ તેમણે બીજું આઉટલેટ ખોલ્યું જેનાથી લગભગ તેમનું 30 લાખનું ટર્નઓવર વધ્યું.

જ્યૂસ બાર ખોલવાના 2 વર્ષની અંદર નીતિના પિતા તેમના લગ્ન માટે રાજી થઇ ગયા અને પરિવારના આશિર્વાદથી તેમણે લગ્ન પણ કરી લીધા. ત્યારબાદ તેમણે પોતાનું ઘર પણ ખરીદ્યું. આજે 2 દાયકા બાદ તેઓ જ્યૂસની એક રીટેઈલ ચેન ચલાવે છે અને તે કંપનીનું નામ છે ‘જ્યૂસ લાઉન્જ’. તેઓ ચાટ પણ વેચે છે જેનું નામ રાખ્યું છે ‘ચાટ ઓકે પ્લીઝ’. ‘જ્યૂસ લાઉન્જ’ અંગે નીતિ કહે છે,

“અમારા ત્યાં જ્યૂસ સિવાય એનર્જી ડ્રીંક્સ, રિઅલ ફ્રુટ્સ અને તમામ પ્રકારના નવા ફળોનો જ્યૂસ બને છે અને ભારતના રસ્તાઓ પર વેચાતા ચાટને પણ સંપૂર્ણ ચોખ્ખાઈ સાથે બનાવવામાં આવે છે.”

જ્યારે નીતિ અને અને માનવને પૂછવામાં આવ્યું કે તેમને સાથે કામ કરીને કેવું લાગે છે, ત્યારે તેઓ હસીને જવાબ આપે છે,

“આજના સમયમાં ઘણાં કપલ્સ એવા જોવા મળે છે જેઓ એકબીજા સાથે યોગ્ય રીતે વાત પણ નથી કરતા. બંને વચ્ચે કમ્યુનિકેશન ગેપ હોય છે. પરંતુ અમે એકબીજા સાથે એટલી વાતો કરીએ છીએ કે સમય પણ ઓછો પડી જાય છે.”

આ મસ્ત કપલની એક દીકરી પણ છે જેનું નામ છે દિયા શીતલ. આવનારા 5 વર્ષોમાં 200થી વધુ સ્ટોર્સ ખોલવાનું લક્ષ્ય આ બંનેનું છે. તેમના પ્રેમ અને સમર્પણને જોઇને લાગે છે આ લક્ષ્યને તેઓ ઘણી સરળતાથી હાંસલ કરી લેશે.

સૌજન્ય સાભાર : યોરસ્ટોરી ગુજરાતી

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block