આ દાદાજીના બધા જ દાંત ૮૧મા વર્ષે પણ અકબંધ છે !! રહસ્ય જાણી ને થશે આશ્ચર્ય !!!

મુલુંડમાં રહેતા બિપિન શાહને મોતિયો પણ છેક એંસીમા વર્ષે આવ્યો. તેઓ ટટ્ટાર અને ફાસ્ટ ચાલે છે. મુલુંડમાં ટૂ-વ્હીલર પર ચક્કર મારી આવે છે. પૈસા પાછળ ભાગવાના બદલે પોતાની જિંદગી પોતાની શરતો પર મોજથી જીવવી એ છે આ તરવરિયા દાદાજીનો સ્વાસ્થ્ય મંત્ર!

ફોન પર તમે વાત કરો ત્યારે ૮૧ વર્ષના બિપિન શાહ એકેય વાર ‘પાર્ડન મી’ અથવા તો ‘હેં’ નથી બોલતા. તેમને બરાબર સંભળાય છે. બ્લડ-પ્રેશર કે ડાયાબિટીઝ જેવી કોઈ જ બીમારી નથી. બિપિનભાઈને જોઈને કોઈ ન કહે કે તેમનું ૮૧મું વર્ષ ચાલતું હશે. આવા આ શખ્સને મળીને જાણીએ તેમના સ્વાસ્થ્યનાં સીક્રેટ્સ.

નો ડેન્ચર

યસ, બિપિનભાઈને દાંતનું ચોકઠું નથી. એનો મતલબ એવો નહીં કે તેઓ ચોકઠું પહેરતા નથી યા તેમણે એ કરાવ્યું નથી. દાંતના આ આશ્ચર્યને રજૂ કરતાં બિપિનભાઈ કહે છે, ‘મારા ગ્રુપમાં કોઈને દાંત નથી બચ્યા અને મારે એક પણ દાંત પડ્યો નથી.’

આ ઉંમરે પણ બિપિનભાઈનો એકેય દાંત પડ્યો નથી. બધા અકબંધ છે. હવે તમે જ કહો ચોકઠું પહેરવાની વાત જ ક્યાં આવે? દાંતને લઈને તેઓ ખૂબ જ સજાગ છે કે દિવસમાં બે વાર બ્રશ કરે છે એવું પણ નથી. તેઓ ટૂથબ્રશ વડે દિવસમાં એક જ વાર સવારે બ્રશ કરે છે. દાંતની ખાસ કાળજી લે એવું પણ નથી. તેઓ ગરમાગરમ અને આઇસક્રીમ જેવી ઠંડી ચીજો પણ આરામથી ખાઈ શકે છે. એ ખાવાથી દાંતને કોઈ જ તકલીફ નથી થતી. કડક ચીજો પણ ખાઈ શકે છે.

મસ્તરામ

પોતાની મસ્તીમાં જ જીવતા બિપિનભાઈ રોજ સવારે સાડાપાંચ વાગ્યે ઊઠી જાય છે અને નાહી-ધોઈને વૉક માટે નીકળી જાય છે. સવા આઠ વાગ્યે ઘરે આવી દૂધ-નાસ્તો લે, છાપાં વાંચે અને કારમાં દીકરાને મુલુંડ સ્ટેશન મૂકી આવે. દીકરાને મૂકીને ઘરે પાછા ફરતી વખતે ચારથી પાંચ ગૌશાળામાં ગાયોને ઘાસ નીરતા આવે. એ પછી એક કલાક સોસાયટીનું કામ સંભાળે અને રોજ નિયમિત પણ બારથી સવાબાર વાગ્યા સુધીમાં જમી લે. અગાઉ તેઓ ક્લિયરિંગ-ફૉર્વર્ડિંગનું કામ કરતા હતા. હવે તો વીસ વર્ષથી રિટાયર્ડ જ છે. જિંદગીમાં તેઓ કામ કે પૈસા પાછળ ભાગ્યા નથી. તેઓ કહે છે, ‘લવ-મૅરેજ કર્યા હોવાથી મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.

જીવન ત્યારે બહુ સંઘર્ષમય હતું. ગોરેગામ અને વિક્રોલીની ઝૂંપડપટ્ટીમાં હું રહેતો હતો. એ પછી હાઉસિંગ બોર્ડમાં લૉટરીમાં ઘર મળ્યું. અગાઉ હું સર્વિસ કરતો હતો અને પછી ક્લિયરિંગ-ફૉર્વર્ડિંગનું પોતાનું કામ શરૂ કર્યું. ત્યાં પણ ઘણુંબધું કમાઈ લીધું એવું નહોતું. રોટલાપાણી નીકળી જતા હતા, પણ મને એનો અસંતોષ નહોતો.’

હવે તેમના દીકરાએ આ કામ ખૂબ વધારી દીધું છે. હવે તેમની પાસે ઘર, કાર, ઘરમાં કુક અને નોકરચાકરો છે; પણ આ દાદાજીની લાઇફ-સ્ટાઇલ નથી બદલાઈ. હજી પણ તે શર્ટનો કૉલર ન બગડે એટલે કૉલર પર રૂમાલ રાખે છે.

ધાર્મિક પુસ્તકો વાંચવામાં આ દાદાજી સમય પસાર કરતા હશે એવું રખે માનતા. તેઓ વાંચે છે તો ગુજરાતી સાહિત્ય. જૂની હિન્દી ફિલ્મોનાં ગીતો મોડી રાત સુધી સાંભળતા રહેવાનું તેમને ગમે છે. અગાઉ તેઓ ફિલ્મો બહુ જોતા હતા, પણ આજનાં ઘોંઘાટિયાં પિક્ચરો જોવા તેમને નથી ગમતાં. તેઓ કહે છે, ‘ઘોંઘાટની મને ઍલર્જી છે. ઘોંઘાટિયું મ્યુઝિક પણ મને નથી ગમતું.’

પોતાની જિંદગી અને પ્રવૃત્તિમાં મસ્ત રહેવું એ જ છે આ દાદાજીનો સ્વાસ્થ્ય મંત્ર.

પ્રવૃત્તિશીલ

બિપિનભાઈ આજીવિકા રળવાના કામમાંથી ભલે રિટાયર થયા, પણ બીજી બધી પ્રવૃત્તિઓમાં આખો દિવસ પ્રવૃત્તિશીલ રહે છે. તેઓ જે સોસાયટીમાં રહે છે એનો કાર્યભાર અને તેમની સોસાયટીમાં જે દેરાસર છે એનો પણ કાર્યભાર સંભાળે છે. સવારે ૧ કલાક અને સાંજે બે કલાક તેઓ સોસાયટીનું કામ કરે અને બાકીનો સમય દેરાસરમાં સેવા આપે છે. સમય મળે ત્યારે સિરિયલો જુએ, પણ કૉમેડી સિરિયલો જ તેમને ગમે છે. ત્રણ ભાઈઓમાં બિપિનભાઈ સૌથી મોટા છે.

તેમના નાના ભાઈ ગુજરી ગયા પછી દર શુક્રવારે તેઓ ઘાટકોપરમાં રહેતાં ભાભીની ખબર લેવા જાય છે અને મહિને એક વાર સૌથી નાના ભાઈનો પરિવાર બોરીવલીમાં રહે છે તેમને મળવા જાય છે. એ રીતે તેઓ પોતાની ફરજ પણ પૂર્ણ રીતે નિભાવે છે. તેમનાં વાઇફ પાંચ વર્ષ પહેલાં ગુજરી ગયાં. તેઓ બીમાર રહેતાં હતાં તેથી બિપિનભાઈ ક્યાંય ફરવા નહોતા જઈ શક્યા; પણ પછીથી તેઓ સ્વિટ્ઝરલૅન્ડ, પૅરિસ, દુબઈ, સિંગાપોર, મલેશિયા જઈ આવ્યા છે. જૈન ધર્મની બધી યાત્રાઓ તેમણે કરી છે.

બેસ્ટ કુક

બિપિનભાઈને રસોઈ બનાવવાનો ભારે શોખ છે. કચોરી, ઘૂઘરા, પાંઉભાજી, પાણીપૂરી, ભેળ સહિતની બધી જ ટ્રેડિશનલ ડિશ તેઓ બનાવે છે. દર મહિને તેઓ પોતાના ઘરે ગેટ- ટુગેધર રાખે છે અને પોતે બનાવેલી ડિશો બધાને જમાડે છે. ઊંધિયું બનાવીને તેઓ પોતાના પરિવારજનોને ખાસ જમાડે છે. મહિને એક વાર તેમના સિનિયર સિટિઝન ગ્રુપને તેઓ દાવત આપે છે. જાતે બનાવેલી ડિશ એમાં હોય છે.

લવલી ફૅમિલી

બિપિનભાઈના પરિવારની એક ખાસ વિશેષતા એ છે કે તેમના ત્રણ ભાઈઓના પરિવારમાં બીજા નંબરના ભાઈના એક દીકરાને બાદ કરતાં બિપિનભાઈ સહિત બધાનાં જ લવ-મૅરેજ છે. તેમના દીકરાની વાઇફ પણ સાઉથ ઇન્ડિયન છે, જે સંસ્કૃતમાં PhD કરી રહી છે. તેમની પુત્રવધૂ મુલુંડની સેન્ટ મૅરી હાઈ સ્કૂલમાં ટેન્થમાં ગોલ્ડ મેડલિસ્ટ હતી અને તેની બે દીકરીઓ પણ આ જ સ્કૂલમાં ગોલ્ડ મેડલિસ્ટ હતી. દીકરાની એક દીકરી ડૉક્ટરનું ભણે છે અને એક એન્જિનિયરનું.

હેલ્થ-ટિપ્સ

બિપિનભાઈ પાણીપૂરીથી લઈને બર્ગર સુધીની બધી જ ચીજો ખાય છે, પણ સંતુલિત ખાય છે. કોઈ ચીજ વધારે નથી ખાતા. ચા તેઓ નથી પીતા. બપોરે કૉફી પીએ છે. તેઓ વીકમાં ત્રણ દિવસ ફ્રૂટ-ડાયટ કરે છે. એટલે કે વીકમાં ત્રણ દિવસ સાંજના સમયે માત્ર ફ્રૂટ્સ જ ખાય છે. પોતાની તંદુરસ્તીનાં સીક્રેટ્સ રજૂ કરતાં તેઓ કહે છે, ‘હું બધું જ ખાઉં છું. હોટેલમાં પણ ખાઉં છું. કોઈ જ પરેજ નથી, પણ જે ખાઉં એ લિમિટમાં ખાઉં છું અને સદા હસતો રહું છું. મારો સ્વભાવ જ ખુશ રહેવાનો છે. મારી વાતો પણ હંમેશાં હસીખુશીની જ હોય છે.’

સૌજન્ય : મીડ ડે ગુજરાતી

આ માહિતી વધુ ને વધુ શેર કરી લોકો ને સ્વસ્થ બનવાની પ્રેરણા આપીએ..!!

ટીપ્પણી